શૈક્ષણિક પ્રવૃત્તિઓ
A. શૈક્ષણિક સહાયક સેવાઓ
શિષ્યવૃત્તિ, શિક્ષણ સહાયક પુસ્તકો, નોટ-ચોપડા વિતરણ તથા શિક્ષણને પ્રોત્સાહન આપતી ઇનામ-વિતરણ પ્રવૃત્તિ દ્વારા સેંકડો બાળકોના ઉજ્જ્વળ ભવિષ્યની રચના.
આજના મોંઘવારીના યુગમાં પ્રાથમિકથી માંડીને ડિપ્લોમા-ડિગ્રી, એન્જિનિયરિંગ આદિ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના માબાપની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને લીધે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે કાં તો કમને અભ્યાસ છોડવો પડતો હોય છે. ત્યારે આવા અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે શૈક્ષણિક નાણાકીય સહાય સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. શૈક્ષણિક સહાયક શિષ્યવૃત્તિની ચાલતી યોજના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રત્યેક વર્ષે 25 લાખ કરતાં વધુ શૈક્ષણિક સહાય તથા અન્ય જરૂરી પાઠ્યપુસ્તકો આદિક સહાય સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
સમાજમાં ચાલતી સ્વૈચ્છિક NGO (બિનસરકારી સંસ્થાઓ) સંસ્થાઓ જેવી કે, ‘મંથન અપંગ કન્યા સેવા સંકુલ’ (હાજીપુર) આવી વિવિધ સંસ્થાઓમાં ઈ.સ. 2008થી લઈ અદ્યાપિ પાઠ્યપુસ્તક તથા નોટ-ચોપડા વિતરણની સેવાનો વિના મૂલ્યે લાભ સંસ્થાના ભક્તિનિવાસનાં પૂ. ત્યાગી મહિલામુક્તોના સાનિધ્યમાં આપવામાં આવે છે.
આ ઉપરાંત, સમાજમાં દર વર્ષે જે તે શૈક્ષણિક અભ્યાસિક વર્ષમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પોતાની ઝળહળતી સફળતા માટે પ્રોત્સાહિત કરવા તેમજ પ્રેરણા આપવા માટે સંસ્થાના તમામ સેન્ટરોમાં ઑગસ્ટ માસમાં એક ભવ્ય ને દિવ્ય સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમ ઈ.સ. 1991થી લઈ અદ્યાપિ યથાવત્ ચાલતો આવ્યો છે. તેમાં નર્સરીથી લઈને અનુસ્નાતક ને એથી પરના અભ્યાસિક વર્ષમાં ઉત્તીર્ણ થયેલ દરેક તેજસ્વી તારલાઓને ગુરુવર્ય પ.પૂ. બાપજી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તેમજ સંસ્થાના વરિષ્ઠ સંતોના હસ્તે ઇનામવિતરણ કરવામાં આવે છે. વળી, સામાન્ય વિદ્યાર્થીઓને પણ સ્મૃતિ રૂપે કંઈક ઇનામ આપવામાં આવે છે.
આમ, લાખો રૂપિયાના ખર્ચે તેજસ્વી તારલાઓને આપવામાં આવતું પ્રોત્સાહન બાળકોના જીવનમાં નવું જોમ, ઉત્સાહ, ઉમંગ અને ઉજ્જ્વળ ભવિષ્ય રચવા માટેની પ્રેરણા બક્ષે છે.
B. શાળાઓ
નર્સરીથી લઈને ઉચ્ચતર માધ્યમ સુધીના ગુજરાત, કેન્દ્રિય, તથા ઇન્ટરનૅશનલ બોર્ડના અભ્યાસક્રમ મુજબ ચાલતાં ભવ્ય શૈક્ષણિક સંકુલો.
21મી સદીના વૈશ્વિકીકરણના યુગમાં જ્ઞાનની અત્યંત જરૂર છે. તે માટે એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા તવંગર, ગરીબ અને મધ્યમ વર્ગ એમ સર્વે વર્ગના પરિવારોને પોષાય તેવાં નૂતન શૈક્ષણિક સંકુલો સમયે સમયે સ્થપાતાં રહ્યાં છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની નિશ્રામાં એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં અનુક્રમે ત્રણ મોટાં મોટાં શૈક્ષણિક સંકુલોની સ્થાપના થઈ છે. જેમાં સૌપ્રથમ શૈક્ષણિક સંકુલ સંસ્થાના આદ્ય મંદિર વાસણાની બાજુમાં અમદાવાદ ખાતે આવેલ છે. આ સંકુલ ‘ડિવાઇન લાઇફ સ્કૂલ’ નામક શાળાની સ્થાપના ઈ.સ. 2005માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં થઈ હતી. ત્યારબાદ અનુક્રમે ઈ.સ. 2006માં સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામ ખાતે પણ ‘સ્વામિનારાયણ ધામ ઇન્ટરનૅશનલ સ્કૂલ’નું તેમજ ઈ.સ. 2012માં ભવ્ય શિખરબદ્ધ એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર, નરોડાના દિવ્ય પ્રાંગણમાં ‘ડિવાઇન લાઇફ ઇન્ટરનૅશનલ સ્કૂલ’નું પદાર્પણ બંને દિવ્યપુરુષોની નિશ્રામાં થયું હતું. આ સંકુલોની સામાન્ય છતાં અસામાન્ય વિશેષતા એ છે કે, સમાજના ત્રણેય વર્ગને પરવડે તેવી અદ્યતન શિક્ષણશૈલીને તે વરેલાં છે. વળી, સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી ને અનોખી સંસ્કારિતા પર રચાયેલાં હોવાથી સમાજના અનેક પરિવારોની તથા બાળકોની આજના વિષમ વાતાવરણથી રક્ષા કરે છે જેની અનુભૂતિ હજારો વાલીઓ કરે છે.
નર્સરીથી લઈ ઉચ્ચતર માધ્યમ સુધીના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના ગુજરાત બોર્ડ, કેન્દ્ર બોર્ડ તેમજ ઇન્ટરનૅશનલ બોર્ડના અભ્યાસક્રમ સાથે ઇત્તર પ્રવૃત્તિઓ જે આજના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરે છે તે સાથે આ શૈક્ષણિક સંકુલો કાર્યરત છે.
C. ગુરુકુલ
સ્વામિનારાયણ ધામ ગુરુકુલ શિક્ષણ, સંસ્કાર અને સત્સંગના ત્રિવેણી સંગમ સમા ગુરુકુલની રચના - ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અદ્વિતીય સંકલ્પ.
અર્વાચીન યુગમાં વર્તમાનકાળે જ્યારે વિષય, વ્યસન, ભોગવિલાસ અને જીવનશૈલીઓ બદલાયાં છે, એમાંય પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણનો નશો નાનાથી મોટી તમામ વ્યક્તિઓમાં વ્યાપવા માંડ્યો છે ત્યારે ખરેખર ફરીથી આપણા પૂર્વકાલીન ગુરુકુલોને પુનઃ જીવિત કરવાની જરૂર છે. જે ગુરુકુલો દ્વારા ફરીથી એવા સદ્ગુણેયુક્ત, ભગવદ્મય અને પ્રભુપરાયણ સત્સંગના આશરે જીવન જીવતા બાળસમાજની રચના થાય જેથી દેશ અને સમાજનું ભવિષ્ય ઉજ્જ્વળ બને.
ગુરુવર્ય પ.પૂ. બાપજી એક વિરલ અને આર્ષદ્રષ્ટા સત્પુરુષ છે કે જેઓએ આજથી વર્ષો 5હેલાં આવાં દિવ્ય ગુરુકુલોની રચના કરવાનો દિવ્ય સંકલ્પ રજૂ કર્યો હતો. ગુરુકુલની રચનાના એ દિવ્ય સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા જૂન, 2002માં ગુરુકુલનો શુભારંભ થયો. આ ગુરુકુલમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યથી અને પૂ.સંતોના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓ દિવ્યજીવનના મહારથી બની સત્સંગમાં, દેશમાં અને સમાજમાં ગુરુકુલનું તથા સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં તથા પૂ. સંતોના નેતૃત્વ હેઠળ ચાલતા ગુરુકુલમાં પ્રતિ વર્ષે વિવિધ પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે યોજાતી રહી છે. જેમાં આધ્યાત્મિક જીવનની ઉપલબ્ધિઓ માટે અંગત સભા, પ્રાતઃ સભા, ગ્રૂપ સભા, પંચતીર્થી તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અધ્યાત્મ પ્રવૃત્તિઓ ગોઠવાય છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભણતર સાથે ગણતર મળી રહે તે માટે ઐતિહાસિક અને સામાજિક સ્થળોની મુલાકાત તેમજ શિક્ષક દિન અને સ્વચ્છતા દિન આદિની ઉજવણી ગોઠવાતી હોય છે.
બાળકો સમાજની આવતી કાલ છે, ત્યારે તેમના વાલીઓ જાગ્રત રહે તે માટે પ્રતિ વર્ષ વાલી મુલાકાત, વાલી સંમેલન, વાલી જાગૃતિના કાર્યક્રમો તેમજ સંતો દ્વારા પધરામણી ગોઠવાય છે. બાળકોમાં કલા-કૌશલ્યની વિશિષ્ટ ખિલવણી થાય તે માટે વિવિધ પ્રકારની તાલીમો તેમજ સ્વવિકાસ માટે કલા-કૌશલ્યનાં સત્રો-કૅમ્પો પ્રતિવર્ષ યોજવામાં આવે છે. નાના છોડને જેમ વાળીએ તેમ વળે એ ન્યાયે સંસ્કારસિંચન તેમજ ઘડતર માટે ગુરુકુલ દ્વારા વિશિષ્ટ પ્રવૃત્તિઓ યોજાતી રહે છે.
D. ગર્લ્સ ગુરુકુલ
ઉચ્ચ સંસ્કાર આપી આદર્શ નારી તરીકેનું ઘડતર કરનાર કન્યાકેળવણી તીર્થ : ગર્લ્સ ગુરુકુલ એટલે મહિલા ઉત્કર્ષનું સેવા કેન્દ્ર.
સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ એટલે શિક્ષણ, સંસ્કાર ને સર્વાંગી વિકાસનો ત્રિવેણી સંગમ.
ઈ.સ. 2011માં માત્ર બાલિકાઓ માટે ‘સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ગર્લ્સ ગુરુકુલ ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરની ભૂમિ પર આવેલ છે. ઉચ્ચતમ શિક્ષણ પ્રાપ્ત કરવાની શ્રેષ્ઠ પદ્ધતિની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, આરોગ્ય સંરક્ષણ, પર્યાવરણ સુરક્ષા, કલા-કૌશલ્ય ખિલવણી, શિક્ષણને પુષ્ટ કરતી સહતાલીમો તેમજ વાલીઓને જાગૃત રાખતી આ કન્યાકેળવણી તીર્થની અનેકવિધ વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ એનું એક આગવું પાસું છે.
સમાજની હજારો બાલિકાઓ ગુરુકુલમાં રહી ઉચ્ચ અભ્યાસ સાથે ઉચ્ચ કારકિર્દી ઘડી, આવતીકાલની સંનિષ્ઠ, આદર્શ યુવતી બની - શ્રેષ્ઠ નારી બની આવનાર નૂતન પેઢીનું શ્રેષ્ઠ ઘડતર કરે; તથા પ્રગટેલા સંસ્કારલક્ષી જીવનદીપથી અનેક નવા નવા દીપ પ્રગટાવી સમાજને શિસ્ત, વિનય, વિવેક, સંપ, સત્યપાલન, નીતિમત્તા આદિ મૂલ્યોથી સભર કરી દે; સમાજમાં વડીલો પરત્વે આદર-મર્યાદાના ગુણો કેળવે; ઉપરાંત, પહેરવેશમાં, વર્તનમાં, વાણીમાં, મર્યાદા-સંયમ આદિ સાંસ્કૃતિક મૂલ્યો દૃઢ કરે; સંપ, સંસ્કાર ને સદ્ગુણોથી ઘર, પરિવાર, સમાજ, દેશ ને વિશ્વમાં ઉચ્ચ જીવનની આદર્શતા કંડારી સ્વજીવનમાં સર્વાંગી વિકાસ સાધી શકે એવો સ્પષ્ટ હેતુ આ કન્યા-કેળવણી તીર્થ પાછળનો છે.
E. છાત્રાલય
આજની મહાશાળાઓ (કોલેજો) ના વાતાવરણ યુવા પેઢીને જીવનના પ્રારંભે જ અનેક દુષણોથી ભરી દે છે. દેશના આ યુવાધનના જતન માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પે સ્વામિનારાયણ ધામ ખાતે ઈ.સ. 2016થી SMVS છાત્રાલય કાર્યરત છે. જેમાં આશરે 80 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણના પાઠ શીખી રહ્યા છે. છાત્રાલય દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં આધ્યાત્મિક સભાઓ, અંગત સત્સંગ, વિવિધ તાલીમો, જુદા જુદા સ્થળોએ વિઝિટ, સત્સંગ શિબિર વિગેરેનો સમાવેશ થાય છે. વળી, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અને પૂ. સંતો દ્વારા એક એક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન આપવામાં આવે છે. અને સાથે સાથે વિદ્યાર્થીઓ નાનપણથી આદર્શતાના પાઠ શીખે, જવાબદારી નિભાવતા થાય આ માટે વિધ વિધ પર્વો - અભિયાનોની પણ ઉજવણી કરવામાં આવે છે. વાલીઓ પણ પોતાના બાળકો માટે જાગૃત બને તે માટે સમયાંતરે વાલી મિટિંગ પણ કરવામાં આવે છે. આ રીતે SMVS છાત્રાલય દ્વારા વિદ્યાર્થીઓનું દૂરગામી દ્રષ્ટિકોણથી સર્વાંગી ઘડતર કરવામાં આવે છે.