સ્વાસ્થ્યનું જતન
A. વ્યસનમુક્તિ
વ્યસનમુક્ત સમાજ એટલે વિકાસશીલ, સમૃદ્ધ, સુખી અને સ્વસ્થ સમાજ. આ અભિગમ અનુસાર એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ઈ.સ. 1992થી લઈને આજ સુધી વ્યસનમુક્તિ અભિયાન અવિરત ચાલુ રહ્યાં છે. આ અભિયાનમાં સંસ્થામાં કાર્યરત સંતો-કાર્યકરોના નેતૃત્વ હેઠળ ચુનંદા બાળ-બાલિકાઓ અને યુવક-યુવતીઓ દ્વારા સમયે સમયે સમાજને વ્યસનમુક્ત બનાવવાના કાર્યક્રમો યોજાય છે. જેમાં વ્યસનમુક્તિ અંગેના પરિસંવાદો, પ્રેરણાત્મક વિડિયો શો, ગોષ્ઠિ, પ્રેરણાત્મક દૃશ્ય-શ્રાવ્ય રજૂઆતો, નાટ્યસંવાદો, વ્યસનમુક્તિ શો, પ્રદર્શનો, વ્યસનમુક્તિ માટે જાગૃતિ આપતી ભવ્ય રેલીઓ, વ્યસનમુક્તિ માટે વિશિષ્ટ પ્રદર્શનગૃહો, વ્યસન કુંડો આદિ અનેક માધ્યમો દ્વારા સંસ્થાએ વ્યસનમુક્તિ માટે એક અદ્વિતીય આહલેક જગાવી છે. સંસ્થાના આ ભગીરથ કાર્યથી આજદિન સુધીમાં વ્યસનમાં સપડાયેલા લાખો લોકો વ્યસનમુક્ત બન્યા છે.
B. રક્તદાન
રક્તદાન અર્થાત્ જીવનદાન. આજના યુગમાં વિધ વિધ રોગો તથા આકસ્મિક પરિસ્થિતિમાં દર્દીની રક્તની જરૂરિયાતને સંતોષવા રક્તદાન એ મહાદાન બન્યું છે. રક્ત માનવશરીરમાં સતત નિર્માણ પામતું હોય છે તેવા સંશોધન બાદ રક્તનું પણ દાન કરવું જોઈએ એવી જાગૃતતા સમાજમાં આવતાં એ પરત્વે સરકારી, અર્ધ સરકારી તથા ખાનગી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે. અને ત્યારથી રક્તદાનરૂપી મહાયજ્ઞો મંડાયા છે. આ ક્ષેત્રે એસ.એમ.વી.એસ. સંસ્થાનું પ્રદાન પણ કંઈક આગવું ને ખાસ છે. કારણ, આ પણ જનસેવાનો એક મહાયજ્ઞ છે. તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી સંસ્થામાં ઉજવાતા ઉત્સવ તથા મહોત્સવોમાં રક્તદાન યજ્ઞો યોજાતા હોય છે. આ યજ્ઞોમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી હજારો-લાખો સત્સંગીઓએ સમાજના પીડિત ને જરૂરિયાતમંદ જનો માટે રક્તદાન કર્યું છે. સંસ્થા દ્વારા યોજાયેલ ‘રક્તદાન કૅમ્પ’ના માધ્યમથી સમાજને 1,00,000થી વધુ સી.સી. રક્તદાન કરવામાં આવ્યું છે. સંસ્થાના કોઈ પણ કાર્યક્રમમાં આ ચરણ જ્યારે જ્યારે યોજાયું છે ત્યારે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદ આપ્યા છે : “આજે જે સંતો-ભક્તોએ રક્તદાન કર્યું છે તેમનું રક્ત જે જે જરૂરિયાતમંદ – પીડિતને ચડાવવામાં આવે તે પીડાઓથી મુક્ત થાય અને તેને મહારાજ કારણ સત્સંગમાં લાવે અને એનો છેલ્લો જન્મ કરે.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી જનઉદ્ધારક રક્તદાન યજ્ઞો યોજીને સમાજમાં અનેક લોકોની આ લોકમાં તો જીવાદોરી લંબાવતા હોય છે તથા પરલોકમાં ભવાબ્ધિના ફેરાથી પણ રક્ષા કરતા હોય છે.
C. મેડિકલ સેન્ટર
સમાજની સામાન્ય વ્યક્તિને પણ પરવડે તથા આર્થિક ક્ષમતાધારક વર્ગને પણ ગુણવત્તાભરી તબીબી સારવાર મળી રહે તે માટે એસ.એમ.વી.એસ. દ્વારા ઈ.સ. 1996થી ‘શ્રીજી-બાપા મેડિકલ સેન્ટર’ વાસણા, અમદાવાદ ખાતે સમાજસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેની પ્રશંસનીય સેવાથી ગુજરાતના અમદાવાદ શહેરમાં જુદાં જુદાં સ્થળોએ પણ આવાં 5 કરતાં પણ વધુ મેડિકલ સેન્ટરો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. આ મેડિકલ સેન્ટરોમાં નિયમિત રીતે વિવિધ રોગોના નિષ્ણાત એમ.ડી., એમ.એસ. અને પી.એચ.ડી. ડૉક્ટરો દ્વારા તબીબી સેવા પૂરી પાડવામાં આવે છે. જેમાં હૃદયરોગ, બી.પી. તથા ડાયાબિટીસ, ચામડીના રોગો, વાળના રોગો, કાન, નાક, ગળાના રોગો, તમામ બાળરોગ, ઓર્થોપેડિક-હાડકાંના, સાંધાના, કરોડરજ્જુના તથા વાના રોગોની સારવાર આપવામાં આવે છે. આ સાથે કેટલાંક મેડિકલ સેન્ટરોમાં લૅબોરેટરીની સેવા પણ પૂરી પાડવામાં આવી છે.
D. SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલ
‘Health is wealth.’ આરોગ્ય એ આપણી સાચી સંપત્તિ છે.
સમાજને ઉચ્ચ કક્ષાની તબીબી સેવા પૂરી પાડવા માટે અદ્યતન સુવિધાયુક્ત એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ હૉસ્પિટલનું લોકાર્પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીના 87મા પ્રાગટ્ય પર્વે તેઓની જ દિવ્ય પ્રેરણાથી તેઓના હસ્તે હજારોની ઉપસ્થિતિમાં જનસમાજ માટે કરવામાં આવ્યું હતું. આ ક્ષણે તેઓએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, “આ હૉસ્પિટલ મહારાજની છે. મહારાજ જ ચલાવશે. મહારાજ ને સદગુરુઓના ચરણોમાં પ્રાર્થના કે અહીંયાં જે જે રડતાં રડતાં આવે તે હસતાં હસતાં જાય.”
ડિજિટલ એક્સ-રે, સોનોગ્રાફી, ઈ.સી.જી., અદ્યતન પૅથૉલૉજી લૅબોરેટરી, હેલ્થ ચેકઅપ, ઓ.પી.ડી., સી.ટી. સ્કૅન, એમ.આર.આઈ. આદિ અનેકવિધ સુવિધાઓથી સજ્જ આ હૉસ્પિટલ આશરે રૂપિયા 80 કરોડ કરતાં પણ વધુ ખર્ચથી તૈયાર થઈ છે.
આ હૉસ્પિટલમાં અત્યંત આધુનિક ઇન્ફેક્શન રહિત પરફેક્ટ ઑપરેશન થિયેટર ઉપલબ્ધ છે. તેમજ સ્વચ્છ અને આધુનિક સાધનોથી સુસજ્જ વિવિધ વિભાગો સતત 24 કલાક કાર્યરત રહેતા હોય છે. 125 બેડની મલ્ટિસ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં આજની લેટેસ્ટ ફૅસિલિટી પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત, નિષ્ણાત ડૉક્ટરોના અનુભવોનો પણ આ હૉસ્પિટલમાં દર્દીઓની તબીબી સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. અનુભવી અને સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરોની એક ટીમ આ સેવામાં ખડે પગે હાજર રહી સેવા બજાવે છે. આ હૉસ્પિટલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી જનસમાજ પાસેથી પ્રવર્તમાન શુલ્ક કરતાં 60% ઓછો દર લેવામાં આવે છે. એસ.એમ.વી.એસ. સંસ્થા હજુ એટલી સક્ષમ સંસ્થા ના હોવા છતાં પણ જનસમાજની સેવા માટે કરોડો રૂપિયાનું નુકસાન વહોરીને પણ હૉસ્પિટલનું સક્ષમ રીતે તંત્ર ચલાવે છે.
E. સ્વાસ્થ્ય જાગૃતિ
આરોગ્યના જતન માટેની અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે નિઃશુલ્ક દરે વિવિધ આરોગ્યદાયક કૅમ્પો પણ સંસ્થા દ્વારા ગોઠવવામાં આવે છે. જેમાં ‘સર્વ રોગ નિદાન કૅમ્પ’, ‘આયુર્વેદિક કૅમ્પ’, ‘રક્તદાન કૅમ્પ’, ‘નેત્ર-ચિકિત્સા કૅમ્પ’, ‘દંત ચિકિત્સા કૅમ્પ’, ‘મોતિયા નિરીક્ષણ કૅમ્પ’, ‘મોતિયા ઑપરેશન કૅમ્પ’, ‘બાળરોગ નિદાન કૅમ્પ’, ‘ENT ચિકિત્સા કૅમ્પ’ આદિ અનેક પ્રકારના કૅમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં આશરે 1,50,000 કરતાં પણ વધુ દર્દીઓએ તેનો લાભ લઈ સ્વાસ્થ્ય માટે સુખાકારી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત, સંસ્થા દ્વારા અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાની 14 કરતાં વધારે હૉસ્પિટલોમાં 5010 કરતાં પણ વધુ દર્દીઓને સ્વાસ્થ્ય આરોગ્ય માટે ફળનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવ્યું હતું. એ જ રીતે શારીરિક રોગોથી પીડાતા દર્દીઓનું ઉત્તમ સ્વાસ્થ્ય થાય તે માટે બાળકો દ્વારા ભગવાનને પ્રાર્થના કરવા ગુજરાતની વિવિધ હૉસ્પિટલોમાં ‘બાળ પ્રાર્થના સપ્તાહ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10,000 કરતાં પણ વધુ દર્દીઓ માટે વિવિધ હૉસ્પિટલોમાં જઈ બાળકોએ પ્રાર્થના કરી હતી.
F. મેડીકલ સહાય
આજે જ્યારે તબીબી સેવાઓ માટે આર્થિક ધોરણ ઘણું ઊંચું જતું રહ્યું છે ત્યારે સમાજના મધ્યમ ને ગરીબ વર્ગ માટે આ સેવા મેળવવી ઘણી અઘરી બની રહે છે. ત્યારે તેને સહાયભૂત બનવા માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમાજમાં આર્થિક રીતે કથળાયેલા વ્યક્તિના આ સમયે બેલી બન્યા છે. તેઓશ્રીએ આ સમાજના વર્ગને તબીબી સેવા સમયસર ને પૂરતી મળી રહે તે માટે ‘મેડિકલ સહાય’ નામક આરોગ્યલક્ષી પ્રૉજેક્ટ જનહિતાવહ માટે ઉદઘાટિત કર્યો છે. આ મેડિકલ સહાયની સેવાથી આજે સમાજમાં હજારો લોકો સુખમય આરોગ્ય પામી શક્યા છે. આ ‘મેડિકલ સહાય’ નામનો પ્રૉજેક્ટ પ.પૂ. સ્વામીશ્રીએ ઈ.સ. 2009માં અમલમાં મૂક્યો હતો. આ પ્રૉજેક્ટ અન્વયે તબીબી સારવાર માટે જરૂરી આર્થિક સહાય માટે સંસ્થા દ્વારા જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવે છે. એક હજારથી લઈ લાખો રૂપિયામાં આ સેવા સમાજમાં જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવે છે. જ્યારથી આ તબીબી સહાય સેવાનો પ્રારંભ થયો છે ત્યારથી લઈ આજ દિન સુધી સેંકડો લોકોને લાખો રૂપિયાની સહાય ફાળવવામાં આવી છે. જેના માધ્યમથી અનેક જરૂરિયાતમંદો માટે એસ.એમ.વી.એસ. સંસ્થા ખરા સમયનો આધાર બની રહી છે.