SMVS
રોહાના કુંવરજીભાઈનું પરિવર્તન

બાપાશ્રીની આજ્ઞાથી અને હરિભક્તોના આગ્રહથી, સદ્દગુરુઓ પોતાના મંડળે સહિત વૃષપુરની આજુબાજુના ગામોમાં સેવા-સમાગમનું સુખ દેવા પધાર્યા. ફરતાં-ફરતાં સદ્દગુરુમંડળ સુખપુરથી રોહા પધાર્યું. રોહા ગામના દીવાન - કારભારી કુંવરજીભાઈ હતા, તે મહા વેદાંતી ને પંડિત હતા. તેમણે જાણ્યું કે સ્વામિનારાયણના સાધુઓ ગામમાં આવ્યા છે ને ઘણાક ભાઈઓ તેમની વાતો સાંભળવા જાય છે. તેમણે એ બધા ભાઈઓને બોલાવી કહ્યું : "કોઈ જો વાતો સાંભળવા જશો, ને સ્વામિનારાયણની કંઠી બાંધીને આવશો, તો એકેયની કંઠી રહેવા નહિ દઉં."

આમ, કુંવરજીભાઈને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે સખત પૂર્વાગ્રહ બંધાયેલો હતો. પરંતુ સદ્દગુરુશ્રી તો દયાની મૂર્તિ હતા, તેમણે તો સીધા કુંવરજીભાઈને જ વાતો સાંભળવા બોલાવ્યા ! કુંવરજીભાઈને એમ કે વેદાંતના પ્રશ્નો પૂછીને સદ્દગુરુશ્રીને જીતી લઉં ! તે તો વેદાંતના પ્રશ્નો પૂછવા માંડ્યા પણ સદ્. ઈશ્વરસ્વામી જેમનું નામ ! પ્રશ્નોના એવા ઉત્તર કરતા આવે કે કુવંરજીભાઈને અંતરમાંથી હા પડતી જાય. કુંવરજીભાઈએ ઘણો અભ્યાસ કર્યો હતો, ને ઘણા સંપ્રદાયો જોયા હતા, તે દરેકના મુદ્દાઓ ચર્ચી જોયા, પણ સદ્દગુરુશ્રીના જવાબ આગળ બધું અતિ ગૌણ થઈ જતું જણાયું. મૂળથી જીવ હતો બળિયો, પણ પૂર્વાગ્રહથી આવરાઈ રહ્યો હતો. તેમાં સદ્દગુરુશ્રીની તેજીલી ફૂંક વાગીને અંતરમાં રહેલો અગ્નિ પ્રજવળી ઊઠ્યો ! આગળ ૧૮ ગુરુ કર્યા કરેલા – ૧૯મા સદ્. ઈશ્વરસ્વામી મળ્‍યા અને આગળના ગુરુનો ત્‍યાગ કર્યો. સદ્દગુરુશ્રીએ એમને ‘વચનામૃત’ ગ્રંથ આપ્યો, તે વાંચીને શ્રી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા બરાબર થઈ ગઈ. તે દરમ્યાન સદ્દગુરુશ્રી તો ફરતાં ફરતાં ભુજ પધાર્યા હતા. કુંવરજીભાઈ ભુજ આવ્યા. સદ્દગુરુશ્રીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા ને તેમની પાસેથી વર્તમાન ધાર્યા ને અનન્ય સત્સંગી થઈ ગયા. પછી, સદ્દગુરુશ્રીને પૂછ્યું : "હવે છેલ્લું કર્તવ્ય શું ?" સદ્દગુરુ બહુ રાજી થયા અને કહ્યું : "હવે નિરંતર ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. તેલધારાવૃત્તિએ ભગવાનમાં જોડાવું. પોતાનું કર્તાપણું માનવું નહીં. નિરંતર મૂર્તિમાં રહી ક્રિયા કરવી." કુંવરજીભાઈ સદ્દગુરુશ્રીના રાજીપાથી તે મુજબ ધ્યાન કરતા, ત્રણે અવસ્થામાં મૂર્તિને દેખે તેવા સિદ્ધ થયા. આપનારાય એવા સમર્થ, ને લેનારાય એવા ત્વરાવાળા ! જેના દર્શન કીર્તનની કડીમાં સાદૃશ્ય થાય છે.      

“આપ દર્શ સમાગમ જેણે કર્યા

દિવ્યભાવે  તેનાં અંગ ફર્યાં.”