અનાદિમુક્તનું સ્વરૂપ તથા સ્થિતિ
૧.અનાદિમુક્ત એટલે શું ?
ભગવાન શ્રી સ્વામિનારાયણ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી તથા શ્રીજીસમકાલીન અને બાપાશ્રી સમકાલીન સત્પુરુષોએ ‘અનાદિમુક્ત’ની પદવી-સ્થિતિને ખૂબ સરળપણે સમજાવી છે. તેઓએ ‘અનાદિમુક્ત’ શબ્દનો સાવ સરળ અર્થ સમજાવ્યો : “સિદ્ધમુક્તો અનાદિકાળથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. માટે તેમને ‘અનાદિમુક્ત’ કહેવાય છે.”
ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સર્વોત્તમ અને સનાતન સુખ ભોગવવા માટેની સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ એવી સેવકભાવની પદવી ‘અનાદિમુક્ત’ની છે.
અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. (સાધર્મ્યપણું અર્થાત્ સરખાપણું.) માટે અનાદિમુક્તનું સ્વરૂપ-રૂપ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવું અર્થાત્ પુરષોત્તમરૂપ છે.
‘અનાદિમુક્ત’ એક નથી, અનંત છે. આ અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમરોમપણે એકતા પામીને તદ્ રૂપ, તલ્લીન, એકમેક, ઓતપ્રોત અને રસબસભાવે મૂર્તિનું નિરંતર સુખ લીધા જ કરે છે. આવા અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે. અનંત અનાદિમુક્તો એક જ મૂર્તિમાં રહ્યા હોવા છતાં દરેક અનાદિમુક્તને સુખ લેવા માટે આગવી મૂર્તિ છે.
ભગવાન સ્વામિનારાયણે સમજાવેલ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત :
વિશિષ્ટ રીતે અદ્વૈત એટલે વિશિષ્ટાદ્વૈત. અર્થાત્ વસ્તુ બે પણ દેખાવ એક જ. ભગવાન અને ભક્ત (મુક્ત) એમ છે બે પણ દેખાવ એક જ રહે છે માટે વિશિષ્ટાદ્વૈત કહ્યું છે. અનંત અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહ્યા છે માટે તેમનો જુદો દેખાવ બહાર દેખાતો નથી. માટે મહારાજ અને મુક્ત છે બે પરંતુ મુક્ત મૂર્તિમાં રસબસભાવે લીન થઈ જાય છે પછી મહારાજ અને મુક્ત એમ બે હોવા છતાં દેખાવ એક ભગવાન સ્વામિનારાયણનો જ રહે છે.
અનાદિમુક્તની પદવી એ સેવકભાવની પદવી છે, સુખભોક્તાપણાની પદવી છે. ભગવાન સ્વામિનારાયણ અને અનાદિમુક્તને વિષે સ્વામી-સેવકભાવ છે. અનંત અનાદિમુક્તો સ્વામિનારાયણ ભગવાન જેવા પુરુષોત્તમરૂપ થઈ પુરુષોત્તમનું સુખ ભોગવતા હોવા છતાં એ સર્વેને સુખના દાતા તો ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને અનંત અનાદિમુક્તો છે એ સુખના ભોક્તા છે. આમ, દાતા-ભોક્તાના ન્યાયે સ્વામી-સેવકભાવ તો કાયમ માટે રહે જ છે. અર્થાત્ ભગવાન સ્વામિનારાયણ એક જ છે અને મુક્તો અનેક છે.
અનંત મુક્તો ભેગા થઈ ભગવાન બની પણ ન શકે અને ભગવાન બનાવી પણ ન શકે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ અનંત અનાદિમુક્તોને બનાવનાર અને સુખના દાતા છે.
આ અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. જે આ લોકની માયિક બુદ્ધિથી કે કેવળ શાસ્ત્ર વાંચવાથી સમજાતી નથી. આ સ્થિતિને સમજવા માટે એવા અનાદિમુક્ત સત્પુરુષની જરૂર પડે કે જેઓ આવી પરભાવની સ્થિતિને પામેલા હોય.
૨.અનાદિમુક્ત કોણ છે ?
અનાદિમુક્ત કોણ છે ? આ સમજવા માટે પ્રથમ અનાદિમુક્તની પ્રાપ્તિ અને અનાદિમુક્તની સ્થિતિ આ બંનેની સમજણ મેળવવી જરૂરી છે.
૨.૧ અનાદિમુક્તની પ્રાપ્તિ
અનાદિમુક્તની પ્રાપ્તિ એ સાધનદશામાં રહેનારા માટે છે. અનાદિમુક્તની સ્થિતિ એ પરભાવની સ્થિતિ છે. પરંતુ તે પામતા પૂર્વે અનાદિમુક્તની પ્રાપ્તિ થવી ફરજિયાત છે.અનાદિમુક્તની પ્રાપ્તિ મેળવવા માટે સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ યથાર્થ ઓળખવું ફરજિયાત છે. જેણે કરીને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા થાય છે. આવી સર્વોપરી નિષ્ઠા થવાથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો સાક્ષાત્-વ્યતિરેક સંબંધ થાય છે. આવો વ્યતિરેકનો સંબંધ થાય અને અનાદિમુક્ત સત્પુરુષ દ્વારા અનાદિમુક્ત કર્યાના આશીર્વાદ મળે તથા અનાદિમુક્તની લટક પ્રાપ્ત થાય. આ બંનેના યોગથી અનાદિમુક્તની પ્રાપ્તિ થાય છે. આ પ્રાપ્તિ થવાથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ આવી જતું નથી. કારણ આ ‘અનાદિમુક્ત’ની પ્રાપ્તિ જ છે જે હજુ સાધનદશામાં જ થયેલી છે. તેમ છતાં એટલું તો નિશ્ચિત છે કે આવી પ્રાપ્તિ થનાર આત્મા અનાદિમુક્તની લટક દ્વારા જરૂરથી અનાદિમુક્તની સ્થિતિને પામે છે.
કારણ સત્સંગમાં જોડાયેલા સંતો - હરિભક્તો કે જેમને ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા અને અનાદિમુક્તના આશીર્વાદ તથા લટક પ્રાપ્ત થઈ છે તે સર્વેને અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ કહેવાય અર્થાત્ તેમને હજુ અનાદિમુક્તની સ્થિતિ બાકી છે. માટે તે સર્વેને ‘પ્રાપ્તિવાળા અનાદિમુક્ત’ કહેવાય.
૨.૨ અનાદિમુક્તની સ્થિતિ
અનાદિમુક્તની સ્થિતિ એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં નિરંતર રહેનારા સિદ્ધમુક્તો માટે છે. અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી અનાદિમુક્તની સ્થિતિ પામવી ફરજિયાત છે. અનાદિમુક્તની સ્થિતિ પામવાથી જ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના સુખનો અનુભવ થાય છે.
અનાદિમુક્તની સ્થિતિ પામેલા સિદ્ધમુક્તો નિરંતર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સુખ લીધા જ કરે છે. તેમને મૂર્તિની બહાર આવવા-જવાપણું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં જ રહે છે તો આ લોકમાં-અવરભાવમાં આવી અનાદિમુક્તની સ્થિતિ કોણ આપે ? જે સમજવું અત્યંત અનિવાર્ય છે. કેવળ અનાદિમુક્તની લટક આપી મૂર્તિના સુખભોક્તા કરાવવા માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતાના સંકલ્પે કરીને આ લોકને વિષે આવા અનાદિમુક્ત સત્પુરુષ રૂપે મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેઓને સંકલ્પ સ્વરૂપ કહેવાય છે. ધ્યાન, ભજન, ઉપાસના એ માત્ર મૂળ મૂર્તિ ભગવાન સ્વામિનારાયણનું જ થાય તે હેતુથી ભગવાન સ્વામિનારાયણની અજોડ ઉપાસનાને અનુસરી આવા સંકલ્પ સ્વરૂપોને આ લોકમાં આપણે ‘અનાદિમુક્ત સત્પુરુષ’ તરીકે ઓળખીએ છીએ. સિદ્ધદશામાં વર્તનાર આ અનાદિમુક્ત સત્પુરુષ નિરંતર મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ લે છે. અને એ અનુભવેલ સુખનું વર્ણન કરે છે તથા એ મૂર્તિના સુખને પામવાનું જ્ઞાન તથા અનાદિમુક્તની લટક આપે છે. જેનાથી મૂર્તિનું સુખ પમાય છે. આવા સિદ્ધ મહાઅનાદિમુક્ત સત્પુરુષના વચનમાં વિશ્વાસ રાખવાથી, એમના ઉપદેશને અનુસરવાથી મુમુક્ષુ આત્મા જરૂરથી ‘અનાદિમુક્ત’ની સ્થિતિને પામે છે.
આમ, અનાદિમુક્તની સ્થિતિને પામેલા સિદ્ધમુક્તો જેઓ પરભાવના સુખમાં રહ્યા થકા ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે કરી આ લોકમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાય છે તેમને સ્થિતિ પામેલ અનાદિમુક્ત જાણવા.
અનાદિમુક્ત કોણ છે ? તેને જો ટૂંકમાં સમજીએ તો.
જ્યારે સ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક સંબંધવાળા સાધનિક સંતો-હરિભક્તો કે જેમને નિષ્ઠા અને અનાદિની લટકની પ્રાપ્તિ થઈ છે તે પ્રાપ્તિવાળા અનાદિમુક્ત કહેવાય.
આ કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે કરી જે સત્પુરુષો દર્શન આપે છે તેમને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમ કે, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી આ બંને સ્થિતિવાળા અનાદિમુક્ત કહેવાય. જેમને સત્પુરુષ, સંકલ્પ સ્વરૂપ, સિદ્ધમુક્ત એવા નામથી પણ સંબોધન આપી શકાય.
૩.અનાદિમુક્ત શા માટે થવાનું ?
અનાદિમુક્તની પદવી એ ભગવાન સ્વામિનારાયણની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ લેવા માટેની સર્વશ્રેષ્ઠ પદવી છે. આવી અનાદિમુક્તની પદવી મેળવવી શા માટે અનિવાર્ય છે ? તે સમજવું અત્યંત જરૂરી છે.
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. જ્યારે જીવાત્મા નિરાકાર છે. આ નિરાકાર જીવાત્મા સદા સાકાર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ કદી ન પામી શકે. જીવાત્માને આવી દિવ્યાતિદિવ્ય મૂર્તિનું સુખ પામવું હોય તો તેને નિરાકારમાંથી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિરૂપ સાકાર થવું જ પડે. જેમ હળદરમાં હળદર જેવા પીળા રંગની જીવાત હોય અને મરચામાં મરચા જેવા લાલ રંગની જીવાત હોય ત્યારે જ એનું સુખ લઈ શકે છે. કારણ કે જેનું સુખ લેવું હોય તેના જેવા થવું જ પડે ત્યારે જ એનું સુખ આવે. જ્યાં સુધી વિજાતિપણું હોય ત્યાં સુધી સુખ ન આવે. એ જ રીતે નિરાકાર જીવાત્મા અને સદા સાકાર એવા ભગવાન સ્વામિનારાયણ આ બંને વિજાતિ છે. જેથી જીવાત્માને ભગવાન સ્વામિનારાયણનું સુખ ભોગવવું સંભવ નથી. આ સુખ લેવા માટે તો નિરાકાર જીવાત્માએ ભગવાન સ્વામિનારાયણના જેવા સજાતિ થવું જ પડે.
ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપને સંપૂર્ણ સજાતિ તેમની મૂર્તિમાં રહેતા અનાદિમુક્તો છે. અનાદિમુક્તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સાથે રોમ રોમપણે એકતાને પામી સંપૂર્ણ સાધર્મ્યપણું પામ્યા છે માટે તેઓ મૂર્તિથી જુદા નથી. તેમનો આકાર પણ મૂર્તિથી જુદો નથી અને તેમનું રૂપ પણ મૂર્તિથી જુદું નથી. અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે માટે તેમનું સ્વરૂપ, આકાર, દેખાવ આ બધું એકમાત્ર ભગવાન સ્વામિનારાયણના જેવું જ છે. આમ, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ ભોગવવા માટે, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ માટે અનાદિમુક્ત થવું ફરજિયાત છે.
૪.અનાદિમુક્ત કેવી રીતે બનાય ?
ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા જેના ઉપર થાય તેને આવા ભવ્ય, દિવ્ય અને મોક્ષદાયી સ્વામિનારાયણ સંપ્રદાયનો યોગ થાય અને એમાંય અત્યંત કૃપા થાય ત્યારે આ ભવ્ય અને અનાદિમુક્તની સ્થિતિ પમાડે તેવા દિવ્ય કારણ સત્સંગની પ્રાપ્તિ થાય છે.
કેવળ ભગવાન સ્વામિનારાયણના સંકલ્પથી આ લોકમાં અનાદિમુક્ત સત્પુરુષ રૂપે દર્શન આપતા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જેવા સંકલ્પ સ્વરૂપોનો આ દિવ્ય કારણ સત્સંગમાં જીવને યોગ થાય છે. આવા દિવ્ય સત્પુરુષના જોગ-સમાગમ, દિવ્ય સાંનિધ્ય, વર્તન તથા ઉપદેશ દ્વારા જીવને સનાતન ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ થાય છે.
તેમના દ્વારા સમજાવવામાં આવતા આધ્યાત્મિક જ્ઞાન અને સિદ્ધાંતોમાં વિશ્વાસ સહિત હા પાડનારને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની દૃઢ નિષ્ઠા થાય છે અને ભગવાન સ્વામિનારાયણને વિષે પતિવ્રતાની ભક્તિ દૃઢ થાય છે. જેણે કરીને જીવને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થાય છે અર્થાત્ વ્યતિરેક સંબંધ થાય છે.
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવ્યા બાદ જીવાત્માની જીવદશા ટળાવી ભગવાનને સજાતિ કરવા સત્પુરુષ એ જીવને પોતાના સ્વરૂપની યથાર્થ ઓળખાણ કરાવે છે. તેઓ જીવાત્માનું યથાર્થ સ્વરૂપ ઓળખાવતા કહે છે, “તું આ દેહથી સંપૂર્ણ જુદો એવો આત્મા છું. દેહને અને આત્માને કોઈ જ સંલગ્નપણું નથી. દેહ જડ છે અને તું ચૈતન્ય છું. આ દેહ તે તારું સ્વરૂપ નથી. તું દેહરૂપ નથી. તારે દેહનું સુખ નથી લેવાનું. તારું યથાર્થ સુખ તો પરમેશ્વર એવા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ છે. માટે હવે તું સંપૂર્ણ સુખનો ભોક્તા એવો અનાદિમુક્ત છું. તું દેહમાં રહેનારો નથી. હવે તને મૂર્તિમાં રાખ્યો છે. હવે મૂર્તિ જ તારું ઘર છે, મૂર્તિ જ તારું સ્વરૂપ છે, મૂર્તિ જ તારો આકાર છે.” એવી રીતે સત્પુરુષ જીવને અનાદિમુક્તના આશીર્વાદરૂપી જ્ઞાન આપી સ્વ-સ્વરૂપની ઓળખાણ કરાવે છે. તેઓ ‘હું દેહ છું’ એ અજ્ઞાન ટળાવી ‘હું અનાદિમુક્ત છું’ આ જ્ઞાનનો પ્રકાશ કરાવે છે.
આવા જ્ઞાનની માત્ર દૃઢતાથી ભગવાન સ્વામિનારાયણના સુખનો અનુભવ થતો નથી. આ જ્ઞાને કરીને તો જીવાત્માને કેવળ અનાદિમુક્તની પદવી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અનાદિમુક્તના આશીર્વાદ જેને પ્રાપ્ત થયા હોય તે હાલતાં, ચાલતાં, સર્વે ક્રિયામાં ‘હું અનાદિમુક્ત જ છું, હું મૂર્તિમાં જ છું. જે કાંઈ પણ ક્રિયા કરે છે તે હું નથી કરતો. મૂર્તિમાં રહ્યા પછી સર્વે ક્રિયા મહારાજ જ કરે છે.’ એવી સમજણ દૃઢ કરી દેહના ભાવોને ભૂલી મુક્તભાવમાં રહેવાનો અભ્યાસ રાખે તો તેણે કરીને પોતાના સ્વ-સ્વરૂપની દૃઢતા થાય છે. ત્યારબાદ આવી રીતે અભ્યાસ કરનાર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં રહી મૂર્તિનું પ્રતિલોમ ધ્યાન કરવાનો અભ્યાસ રાખે. આવા પ્રતિલોમ ધ્યાનનો નિત્ય અભ્યાસ રાખે ત્યારે. ‘જે જેનું ચિંતવન કરે તે તે રૂપ થઈ જાય’ તે ન્યાયે એ ધ્યાનનો કરનારો અર્થાત્ અનાદિમુક્તના કોલ પામેલો આત્મા નિરાકાર મટી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ જેવો સાકાર બનતો જાય છે અને અંતે મૂર્તિ સાથે રોમ રોમપણે સંપૂર્ણ સાધર્મ્યપણાને, એકતાને પામી રસબસભાવે, નિરંતર ભગવાન સ્વામિનારાયણના પરભાવના સુખને પામે છે. ત્યારે તે સિદ્ધમુક્ત બને છે અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિને પામે છે.
આમ, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા, સત્પુરુષના વચનમાં દૃઢ વિશ્વાસ તથા અનાદિમુક્તનું જ્ઞાન, અનાદિમુક્તની લટક અને પ્રતિલોમ ધ્યાન આ ત્રણેના નિરંતર અભ્યાસે કરીને અનાદિમુક્તની સ્થિતિને પમાય છે, અનાદિમુક્ત થવાય છે.
૫.અનાદિમુક્તની સ્થિતિની સમજ
શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર-બહાર રહીને સમગ્રમૂર્તિનું સુખ ભોગવતા મુક્તને અનાદિમુક્ત કહેવાય.
અનાદિમુક્તો શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે સર્વદેશી અર્થાત્ સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં તદ્રૂપ, તલ્લીન, ઓતપ્રોત બની રસબસભાવે સુખ ભોગવે છે. વળી, જેમ દૂધમાં સાકર ઓગળે તેમ અનાદિમુક્તો મૂર્તિ સાથે સાકારપણે રોમ રોમ પ્રત્યે એકતા પામેલા છે. અનાદિમુક્તો સર્વદેશી પુરુષોત્તમરૂપ થયા હોવાથી શ્રીજીમહારાજની મૂર્તિનું સંપૂર્ણ સાધર્મ્યપણું પામ્યા છે. જેથી શ્રીજીમહારાજ તેમને પોતાની મૂર્તિમાં રાખી નિરંતર મૂર્તિનું રોમેરોમનું સુખ ભોગવાવે છે. આવા અનંત અનાદિમુક્તોને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રાખી સુખ ભોગવાવે છે છતાં તેમને બહાર દેખાવા દેતા નથી અર્થાત્ તેમનો જુદો આકાર બીજાને દેખાવા દેતા નથી. માટે દેખાવ એક શ્રીજીમહારાજનો જ રહે છે અર્થાત્ એ મહારાજ થઈ જતા નથી. એ તો સેવક જ છે અને મહારાજ સ્વામી જ છે. મહારાજ અને અનાદિમુક્તોની વચ્ચે સ્વામી-સેવકભાવ છે. મૂર્તિમાં રહેવા છતાં સ્વામી અને સેવક એમ બે ભેદ તો રહે જ છે, જે કેવળ સુખમાં રાખનાર જાણે છે અને એ સુખના ભોગવનાર જાણે છે પરંતુ બીજાને એની ખબર પડતી નથી. તેમનો આકાર તો છે જ પરંતુ તે આકાર મૂર્તિથી બહાર દેખાતો નથી. જેમ દૂધમાં સાકર ઓગળી જાય પછી દૂધ જ રહે છે, સાકરનું અસ્તિત્વ રહેતું નથી તેવું અહીં નથી. દૂધ-સાકરની જેમ એકતા છે પરંતુ એવી એકતા સુખ લેવા માટે જ છે. એવી રીતે સુખ લેવા છતાં સ્વામી અને સેવક એમ બે ભેદ તો છે જ.વળી, અનંત અનાદિમુક્તો મૂર્તિ સાથે સર્વદેશી સાધર્મ્યપણું પામી માંહી-બહાર મૂર્તિનું રોમેરોમનું સુખ ભોગવતા હોવા છતાં દરેક અનાદિમુક્તોને આગવી મૂર્તિ છે. દરેકને એ મૂર્તિનું અનુભવજ્ઞાન જ છે. આમાં અનાદિમુક્તો રોમેરોમનું સુખ ભોગવે છે એમ કહ્યું તેમાં રોમ એટલે રૂંવાડે રૂંવાડાનું સુખ લે છે એવું નથી. પરંતુ અનાદિમુક્તો મૂર્તિ સાથે સાધર્મ્યપણું પામી સંપૂર્ણ પુરુષોત્તમરૂપ થયા છે. તેમને એક રોમ જેટલીયે કસર કે જગ્યા પુરુષોત્તમરૂપ થવામાં બાકી રહી નથી. વળી, માંહી-બહાર રોમેરોમનું સુખ ભોગવે છે તેમ કહ્યું અર્થાત્ અનાદિમુક્ત સર્વદેશી પુરષોત્તમરૂપ છે માટે તેઓ સમગ્ર મૂર્તિનું અને સંપૂર્ણ સુખ ભોગવે છે એમ કહેવાનો હેતુ છે. માટે અનાદિમુક્તની સ્થિતિ જ છેલ્લી અને કાયમી છે. આમ, અનાદિમુક્તો શ્રીજીમહારાજની મૂર્તિનું સર્વદેશી સાધર્મ્યપણું પામેલા સિદ્ધમુકતો છે.
આ અનાદિમુક્તો માટે વપરાતાં નામ તથા તે નામના અર્થ સમજીએ. તેમના માટે ‘અનાદિમુક્ત’, ‘સર્વાત્મા બ્રહ્મ’, ‘કૈવલ્યમુક્ત’, ‘નિત્યમુક્ત’ એવાં નામથી સંબોધન થાય છે.
જેમાં તેઓ અનાદિ એવા જે શ્રીજીમહારાજ તેમની મૂર્તિમાં રહ્યા છે એટલે તેમને અનાદિમુક્ત કહ્યા છે. વળી તેમને સર્વાત્મા બ્રહ્મ કહ્યા છે તેમાં સર્વાત્મા બ્રહ્મ એ તેમનું નામ નથી પરંતુ તેમનું વિશેષણ છે. આ સર્વાત્મા બ્રહ્મ નામ-શબ્દ માત્ર ભગવાન માટે જ વપરાય. પરંતુ અનાદિમુક્તો પુરુષોત્તમરૂપ છે તથા તેજ કરતાં પણ મોટા છે કેમ જે તેજ નિરાકાર છે ને મુક્તો પુરુષોત્તમરૂપ સાકાર છે માટે તેમને સર્વાત્મા બ્રહ્મ કહ્યા છે. એ જ રીતે તેમને કૈવલ્યમુક્ત કહ્યા છે. કૈવલ્ય એટલે કેવળ શ્રીજીમહારાજની મૂર્તિમાં જ તદ્ રૂપ-તલ્લીન છે. તેમને મૂર્તિ સાથે માંહી-બહાર રોમ રોમપણે એકતા છે. માટે તેમને કૈવલ્યમુક્ત કહ્યા છે. વળી, જ્યારે અનાદિની સ્થિતિ થાય છે ત્યારે તે મુક્તને એમ વર્તે છે જે અનાદિકાળથી મૂર્તિમાં જ છું. તેઓ કાયમ મૂર્તિમાં જ રહે છે, બહાર આવતા નથી. માટે તેમને નિત્યમુક્ત કહ્યા છે.
૬.સાધર્મ્યપણું તથા પરમ સાધર્મ્યપણું
૬.૧ સાધર્મ્યપણું
સાધર્મ્યપણું એટલે સરખાપણું. આ સાધર્મ્યપણું બે પ્રકારે પમાય છે. જેમાં (A) એકદેશી સાધર્મ્યપણું અને (B) સર્વદેશી સાધર્મ્યપણું.
- એકદેશી સાધર્મ્યપણું
શ્રીજીમહારાજની મૂર્તિની બહાર રહી અનુલોમપણે મૂર્તિનું ધ્યાન કરવાથી એકદેશી સાધર્મ્યપણું પમાય છે અર્થાત્ તે પુરુષોત્તમ એવા શ્રીજીમહારાજ જેવો પુરુષોત્તમરૂપ થાય છે પરંતુ એકદેશી. એકદેશી એટલે અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ થાય છે તે. જેનાથી પરમ એકાંતિકમુક્તની સ્થિતિ પમાય છે. જે સ્થિતિ અધૂરી છે અને તેનું સુખ પણ અધૂરું છે.
- સર્વદેશી સાધર્મ્યપણું
શ્રીજીમહારાજની મૂર્તિમાં રહી પ્રતિલોમપણે મૂર્તિનું ધ્યાન કરવાથી સર્વદેશી સાધર્મ્યપણું પમાય છે અર્થાત્ તે પુરુષોત્તમ એવા શ્રીજીમહારાજ જેવો જ સંપૂર્ણ પુરુષોત્તમરૂપ થાય છે જેને કહેવાય સર્વદેશી પુરુષોત્તમરૂપ. સર્વદેશી એટલે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થવું તે. જેનાથી અનાદિમુક્તની સ્થિતિ પમાય છે. જે સ્થિતિ જ એકમાત્ર સંપૂર્ણ છે, કાયમી છે અને આ સ્થિતિથી જ મૂર્તિનું યથાર્થ સુખ ભોગવાય છે.
૬.૨ પરમ સાધર્મ્યપણું
પરમ સાધર્મ્યપણું એટલે સાધર્મ્યપણાથી મોટું ? ના, એવું નથી. પરંતુ અનંત અનાદિમુક્તોને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિમાં રોમ રોમપણે, રસબસપણે રાખી માંહી-બહાર સમગ્ર મૂર્તિનું યથાર્થ સુખ ભોગવાવે છે તેમ છતાં બીજાને મૂર્તિની બહાર તેમનો આકાર દેખાવા દેતા નથી એવું જે શ્રીજીમહારાજની મૂર્તિનું અકળિતપણું છે તેને જ પરમ સાધર્મ્યપણું કહ્યું છે.