કારણ સત્સંગ
૧.કાર્ય એટલે શું ? અને કારણ એટલે શું ?
કાર્ય
મંદિરો, આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, સત્સંગી, સમૈયા, ઉત્સવો, દેશ, ગાદી, સેવા, ભજન-ભક્તિ, કથાવાર્તા, સાધન એ સર્વે કાર્ય છે. ટૂંકમાં, કારણ એવા મહારાજમાં જોડાવા માટે થતાં સાધનો કે માધ્યમ એને કહેવાય કાર્ય.
કારણ
એકમાત્ર શ્રીજીમહારાજ જ કારણ છે. અને અનાદિમુક્તો તો મૂર્તિમાં જ છે. એટલે કે, સમગ્ર સંપ્રદાયના સર્વે આશ્રિતમાત્રનો ધ્યેય, લક્ષ્ય ને નિશાન એને કહેવાય કારણ.
કાર્ય અને કારણ આ બેની સ્પષ્ટતા હોવી એ ફરજિયાત છે. જેનો સ્પષ્ટ ખ્યાલ સમજાવ્યો છે જીવનપ્રાણ બાપાશ્રીએ. બાપાશ્રીએ જે સિદ્ધાંત સમજાવ્યો છે એ જ ખરેખર અને વાસ્તવિક સિદ્ધાંત છે. એ જ સ્વયં શ્રીજીમહારાજનો સિદ્ધાંત છે. માટે કારણ સત્સંગના સિદ્ધાંતોને બહુ સ્પષ્ટ સમજીએ અને એને અનુસરીએ.
કારણ એટલે આપણો ધ્યેય, લક્ષ્ય, મૂળ, સેન્ટર પોઇન્ટ, નફો.
કાર્ય એટલે આપણો ધ્યેય, લક્ષ્ય હાંસલ કરવા, નફો મેળવવા માટે જે કાંઈ કરીએ એ બધું જ.
આ જ વાતને સામાન્ય વ્યવહારિક દૃષ્ટાંત દ્વારા સમજીએ. સંસારમાં રહેનાર કોઈ પણ ગૃહસ્થ નોકરી કે ધંધો કરે છે. નોકરી કે ધંધો કરે છે એનું મૂળ કારણ જ નફો છે. નફો મેળવવા માટે જ એ બધું કરે છે. ધંધો હોલસેલનો છે કે રીટેઈલનો છે એ મહત્ત્વનું નથી; ધંધામાં વકરો કેટલો થયો એ મહત્ત્વનું નથી; ધંધામાં નફો કેટલો થયો એ મહત્ત્વનું છે. હોલસેલ કે રીટેઈલનો ધંધો, ઓછો કે વધુ વકરો આ બધું કાર્ય છે અને નફો કેટલો થયો એ કારણ છે. તેમ સત્સંગમાં પણ એવું જ છે. સત્સંગ શાના માટે ? મંદિરો, ઉત્સવો, સમૈયા શાના માટે ? સંતો કે હરિભક્તો શાના માટે ? ધ્યાન, ભજન કે ધૂન આ બધાં સાધન શાના માટે ? આ સંપ્રદાય કોના માટે ? આ બધાનો પ્રત્યુત્તર એક જ છે મહારાજ માટે, મૂર્તિ માટે.
સમગ્ર સંપ્રદાયનું સેન્ટર પોઇન્ટ એક અને માત્ર એક જ છે અને હોવું જોઈએ જે છે મહારાજની મૂર્તિ. આ મૂર્તિ માટે અને મૂર્તિના સુખ માટે જ ધ્યાન છે, ભજન છે. મહારાજમાં સંલગ્ન થવા, મહારાજને રાજી કરવા અને રાજીપાના ફળ સ્વરૂપે મૂર્તિમાં જોડાવા માટે મહારાજ એ સંપ્રદાયનું કારણ છે. બાકીનું બધું જ કાર્ય છે. સમૈયા, ઉત્સવો, મંદિરો, આચાર્યો, દેશ, ગાદી, સાધુ, બ્રહ્મચારી કે હરિભક્તો, સત્સંગનાં સાધનો આ બધું જ કાર્ય છે. કાર્ય કારણમાં જોડાવા માટે છે. સમૈયા, ઉત્સવો ને મોટા મોટા મંદિરો કરવા પડે પરંતુ એ બધું કરતાં કરતાં પણ આપણો ધ્યેય, કારણ મૂર્તિ ચુકાવી ન જોઈએ. તેમ મહારાજને રાજી કરવા કાર્ય કરવું પડે પરંતુ એ બધું જ કારણ મૂર્તિ જે સેન્ટર પોઇન્ટ છે તેને લક્ષ્યમાં રાખીને જ કરવાનું.
આ સત્સંગમાં પણ ચર્મચક્ષુએ, નજરે જે કાંઈ દેખાય છે એ બધો અવરભાવ છે અર્થાત ‘કાર્ય’ છે. મંદિરો, આચાર્ય, દેશ, ગાદી, સાધુ, હરિભક્તો, સભાઓ, મહોત્સવો આ બધું કાર્ય છે. આ કાર્ય શાના માટે ? તો એક ‘મહારાજની મૂર્તિ’ ‘શ્રીજીમહારાજ’ એના સુખને પામવા માટે. એ જ ‘કારણ’; બાકી બધું કાર્ય. અનાદિમુક્ત સત્પુરુષ પણ પોતે મહારાજની મૂર્તિમાં છે એટલે એમને પણ કારણ ન કહેવાય. કારણ એક જ મહારાજની મૂર્તિ.
જેને કારણરૂપ મૂર્તિનું સુખ લેવું હોય તેને કાર્યનો અર્થાત્ અવરભાવનો ત્યાગ ફરજિયાત કરવો પડે. એનો ભાર અને મહત્તા છોડવી જ પડે. કાર્ય અને કારણની વધુ સ્પષ્ટતા બંને વચ્ચેના તફાવતથી સમજીએ.
- સ્થાવર મંદિરો, આચાર્યો, દેશ, ગાદી, પ્રથા, સાધુ, હરિભક્તો, સમૈયા, ઉત્સવો, સભાઓ, પ્રસાદી, પ્રસાદીનાં સ્થાનો એ બધું કાર્ય અને એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ જ કારણ છે.
- અવરભાવમાત્ર એ કાર્ય અને પરભાવ એ જ કારણ.
- મૂર્તિથી ઓરું એ બધું કાર્ય. સ્વયં શ્રીજીમહારાજનું તેજ એ પણ કાર્ય ને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ જ કારણ.
- કાર્ય એ ધ્યેય નથી, સાધ્ય નથી. એ માત્ર સાધન છે, કાર્ય છે એ કારણમાં જોડાવા માટેનું માધ્યમ છે. શ્રીજીમહારાજની મૂર્તિ એ જ આશ્રિતમાત્રનું ધ્યેય છે, લક્ષ્ય છે, નિશાન છે, મુકામ છે, એકમાત્ર કારણ છે.
- કાર્યમાં જોડાવાથી કે કાર્યરૂપ થવાથી સુખના ભોક્તા નથી થવાતું કે સ્થિતિ તરફ પ્રયાણ પણ થતું નથી. જ્ઞેય, ધ્યેય અને ઉપાસ્ય સ્વરૂપ એક જ છે કારણ મૂર્તિ; એમાં જ જોડાવાનું છે અને કારણરૂપ પોતાને માનવાથી જ કારણ મૂર્તિના સુખભોક્તા થવાય છે.
- કાર્ય એટલે આપણો ધ્યેય, લક્ષ્ય હાંસલ કરવા, નફો મેળવવા માટે જે કાંઈ કરીએ તે બધું જ. કારણ એટલે આપણો ધ્યેય, લક્ષ્ય, મૂળ, સેન્ટર પોઇન્ટ, નફો.
સમગ્ર સંપ્રદાયનું સેન્ટર પોઇન્ટ એક અને માત્ર એક જ છે અને હોવું જોઈએ જે છે મહારાજની મૂર્તિ. આ મૂર્તિ માટે અને મૂર્તિના સુખ માટે જ ધ્યાન છે, ભજન છે. મહારાજમાં સંલગ્ન થવા, મહારાજને રાજી કરવા અને રાજીપાના ફળ સ્વરૂપે મૂર્તિમાં જોડાવા માટે મહારાજ એ સંપ્રદાયનું કારણ છે. બાકીનું બધું જ કાર્ય છે.
૨.કારણ સત્સંગ એટલે શું ? અને કાર્ય સત્સંગ એટલે શું ?
કારણ સત્સંગ
સામાન્ય અર્થ
કારણ સ્વરૂપ એક અને માત્ર એક જ છે. મહારાજની મૂર્તિ. સમૈયા, ઉત્સવો કે મહારાજને રાજી કરવાનાં જે કાંઈ સાધન થતાં હોય એમાં કારણ સ્વરૂપ મહારાજનું જ મુખ્યપણું હોય, એની જ મહત્તા હોય. એ કારણ સ્વરૂપ મહારાજનું જ અનુસંધાન રહેતું હોય એનું નામ કારણ સત્સંગ.
વિશિષ્ટ અર્થ
કારણ સત્સંગ એટલે અનાદિમુક્તની સ્થિતિ. કારણ સત્સંગનો મુખ્ય ધ્યેય, લક્ષ્ય એક જ છે. “અનાદિમુક્તની સ્થિતિએ પુરુષોત્તમ જેવા પુરુષોત્તમરૂપ થઈ, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહી રોમેરોમનું સુખ લેવું.” અનાદિમુક્તની સ્થિતિને પામે એને જ મહારાજના સુખનો અધિકાર છે. કારણ, અનાદિમુક્તની સ્થિતિ એ અંતિમ સ્થિતિ છે કે જેના ઉપર મહારાજનું સુખ ભોગવવાની બીજી કોઈ સ્થિતિ નથી તથા આ સ્થિતિનું કદી પરિવર્તન થતું નથી. માટે અનાદિમુક્તની સ્થિતિ એટલે જ કારણ સત્સંગ એમ કહેવું એ સનાતન સત્ય જ છે.
કાર્ય સત્સંગ
જ્યાં કેવળ ઉત્સવો, સમૈયા, સાધન, ભક્તિ અને બાહ્યિક આનંદ જ હોય, એનો જ ભભકો હોય, એની જ ચર્ચા, એનું મુખ્યપણું અને એનું જ મનન અને એની જ વાહ ! વાહ ! હોય ને એને જ સાચો વિકાસ સમજાતો હોય અને મહારાજનું, મહારાજના સુખનું ગૌણપણું હોય એ બધો જ કાર્ય સત્સંગ. ટૂંકમાં કાર્ય સત્સંગ એટલે કાર્યનો સત્સંગ.
કાર્ય સત્સંગ અને કારણ સત્સંગ એ કોઈ સ્થાનવાચક કે વ્યક્તિવાચક શબ્દ નથી. આ આખો ‘સમજણવાચક’ શબ્દ છે. ‘વાસણા’ ‘SMVS’ એ કારણવાચક શબ્દ નથી. વાસણા અને ‘SMVS’ સ્વયં કાર્ય છે. સંસ્થા એ સ્વયં કાર્ય કરે છે. સ્થાન એ કાર્ય જ છે. માટે વાસણામાં કે કોઈ અન્ય સ્થાનમાં કે ગાદીમાં કે વ્યક્તિમાં કે ગુરુમાં જોડાવાનું નથી. આપણે જોડાવાનું છે એકમાત્ર કારણમાં એટલે કે મૂર્તિમાં. કારણમાં જોડાવા માટે કાર્ય જરૂરી છે પરંતુ કાર્ય મુખ્ય નથી.
૩.કારણ સત્સંગની સર્વોત્કૃષ્ટતા
- અન્વય શક્તિના સંબંધવાળો સત્સંગ એ કાર્ય સત્સંગ અને વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળો, મૂર્તિના સંબંધવાળો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- માત્ર અવરભાવનો જ સત્સંગ એ કાર્ય સત્સંગ અને કેવળ પરભાવનો જ સત્સંગ એટલે કારણ સત્સંગ.
- પરોક્ષભાવનો સત્સંગ એ કાર્ય સત્સંગ અને પ્રત્યક્ષભાવનો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- લખાયેલા પરોક્ષાર્થના શબ્દોના આધારે ચાલતો, એ જ સમજણથી ચાલતો સત્સંગ એ કાર્ય સત્સંગ અને વાસ્તવિક ને પ્રત્યક્ષાર્થના શબ્દોને મુખ્ય કરી થતો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- સ્થૂળ દૃષ્ટિએ (ચર્મચક્ષુએ) દેખાતો, કેવળ દેહદૃષ્ટિનો સત્સંગ એ કાર્ય સત્સંગ અને પુરુષોત્તમની દૃષ્ટિનો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- લીલાચરિત્ર, પરચા-ચમત્કારમાં જ સુખ માનતો, એમાં જ આનંદ માનતો, એમાં જ અટવાયેલો સત્સંગ એ કાર્ય સત્સંગ અને અલૌકિક અને અકળિત એવી મહાપ્રભુની દિવ્યાતિદિવ્ય મૂર્તિ અને એ મૂર્તિના સુખનો સત્સંગ એટલે કારણ સત્સંગ. જેમાં લીલાચરિત્ર અને પરચા-ચમત્કારને બદલે મૂર્તિનું મહત્ત્વ-મુખ્યપણું હોય એ કારણ સત્સંગ.
- ઉપલક સત્સંગના વ્યવહારમાં બાંધતો સત્સંગ એટલે કાર્ય સત્સંગ. એટલે કે દેશ, ગાદી, આચાર્ય, ગુરુ, સાધુ, સંસ્થા, મંદિરો આમાં બાંધતો સત્સંગ એટલે કાર્ય સત્સંગ અને એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જ બાંધતો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- કાર્ય સત્સંગ એ સ્થાન, સ્થળ કે વ્યક્તિવાચક શબ્દ છે જ્યારે કારણ સત્સંગ એ મૂર્તિવાચક-સમજણવાચક શબ્દ છે. ઇન્દ્રિયો-અંતઃકરણથી મહારાજને જાણવાની અને માણવાની ભૂમિકા એટલે કાર્ય સત્સંગ. આત્મખ્યાલે, મુક્તભાવે, મહારાજને જાણવાની અને માણવાની યથાર્થ ભૂમિકા એટલે કારણ સત્સંગ.
- કેવળ લૌકિકભાવનો, પ્રાકૃતભાવનો, મનુષ્યભાવનો સત્સંગ એ કાર્ય સત્સંગ અને કેવળ દિવ્યભાવનો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- કેવળ સાધનનો અને દાખડાનો માર્ગ એ કાર્ય સત્સંગ અને કેવળ કૃપાનો, ફદલનો માર્ગ એટલે કારણ સત્સંગ.
- માત્ર બાહ્યિક દેખાવનો સત્સંગ એ કાર્ય સત્સંગ અને વાસ્તવિક સત્સંગ એટલે કારણ સત્સંગ.
- નર્યો બહારવૃત્તિનો સત્સંગ એ કાર્ય સત્સંગ અને સંપૂર્ણ આંતરવૃત્તિનો સત્સંગ એટલે કારણ સત્સંગ.
- ધ્યેયશૂન્ય સત્સંગ એ કાર્ય સત્સંગ અને ધ્યેયસભર સત્સંગ એટલે કારણ સત્સંગ.
કાર્ય સત્સંગથી કારણ સત્સંગની ઉત્કૃષ્ટતા કેવી છે ? તેના આધારે મુમુક્ષુને જરૂર ખ્યાલ આવી જાય કે હું જે સત્સંગ કરું છું, જ્યાં સત્સંગ કરું છું એ કાર્ય સત્સંગ છે કે કારણ સત્સંગ છે ? જો કાર્ય સત્સંગમાં અટવાયા હોઈએ તો કારણ સ્વરૂપ એવા શ્રીજીમહારાજના સુખને માણવા કારણ સત્સંગ તરફ પ્રયાણ કરવું જોઈએ. આ કારણ સત્સંગ કોઈ સ્થાન નથી. કારણ એટલે મૂર્તિ. આ મૂર્તિનો યથાર્થ મહિમા સમજી શકીએ અને મૂર્તિને પામી શકીએ તથા એ સુખ માણી શકીએ એવા યોગને શોધવો જોઈએ.
૪. કાર્ય સત્સંગી એટલે શું ? અને કારણ સત્સંગી એટલે શું ?
“શ્લોકો બોલે, સ્તોત્રો બોલે, બોલે કીર્તન કંઠે.”
શ્લોકો બોલવા, સ્તોત્રો બોલવા, વચનામૃત બોલવા આ બધું જ કાર્ય છે. માળા કરીએ, ભજન કરીએ આ બધું કાર્ય છે. આટલેથી જે અટકી જાય એ કાર્ય સત્સંગી. ધૂન કરવી, ભજન કરવું એ બધું જ કાર્ય છે. એ કરતાં કરતાં જો મૂર્તિમાં ઠરતાં ન આવડે, મૂર્તિમાં ન રહેવાય તો કાર્ય સત્સંગી.
“મૂર્તિમાં રહીને કાં નવ બોલે, તપાસ તારી પોલ.”
સાધન કરતાં, સેવા કરતાં, મૂર્તિમાં ઠરતાં આવડે, મૂર્તિમાં રહેતાં આવડે તો કારણ સત્સંગી.
આપણને જો સેવા-પ્રવૃત્તિ કરતાં કે સાધન-ભક્તિ કરતાં કરતાં મૂર્તિમાં રહેતાં ન આવડે તો આપણે કારણ સત્સંગમાં હોવા છતાં પણ કાર્ય સત્સંગી જ છીએ. દેહમાં રહેતાં આવડે એ કાર્ય સત્સંગી અને મૂર્તિમાં રહેતાં આવડે એ કારણ સત્સંગી.
કાર્ય સત્સંગી અને કારણ સત્સંગી એનો દેખાવ કાંઈ જુદો નથી હોતો. એ દેખાવથી જુદા પડતા નથી. એ જુદા પડે છે નીચે જણાવી એવી સમજણથી અને વર્તનથી.
- આપણા દેહની અને દેહના ભાવોની સ્મૃતિ વર્તે તો કાર્ય સત્સંગી અને દેહ ને દેહના ભાવોની વિસ્મૃતિ અને મૂર્તિભાવની સ્મૃતિ વર્તે તો કારણ સત્સંગી.
- સાધનની સ્મૃતિ વર્તે એ કાર્ય સત્સંગી અને કરેલાં સાધન વિસરાઈ જાય ને મૂર્તિની જ સ્મૃતિ રહે તે કારણ સત્સંગી.
- કીર્તન માત્ર બોલ્યા, રાગ-ઢાળ સાથે પ્રાસ મેળવ્યો ને એનો આનંદ વર્તે. અરે ! કદાચ કીર્તન મોઢે બોલ્યા પણ મૂર્તિનો સંબંધ ન જળવાય તો કાર્ય સત્સંગી અને જે કાંઈ સાધન કરે, તે મૂર્તિમાં રહી કરે તો કારણ સત્સંગી.
- પોતાના વિષે તથા અન્યને વિષે અવરભાવ જ પરઠાય અને સમજાય તો કાર્ય સત્સંગી. ટૂંકમાં અવરભાવનું જેટલું અનુસંધાન રહે તેટલા કાર્ય સત્સંગી અને પરભાવનું જેટલું અનુસંધાન કેળવાય, એ ભાવમાં જેટલા રહેવાય, એટલા જ કારણ સત્સંગી. પોતાને વિષે કે અન્યને વિષે નિરંતર પરભાવ સમજાય તો કારણ સત્સંગી.
- કાર્યમાં આનંદ મનાય, એનો ભાર રહે તો કાર્ય સત્સંગી અને કારણનો કહેતાં મૂર્તિનો જ આનંદ વર્તે, એક મૂર્તિ સિવાય બીજે ક્યાંય સારપ કે મહત્તા ન સમજાય તો કારણ સત્સંગી.
- કાર્ય એટલે મહારાજનું તેજ. તેજની એક કિરણના આધારે અનંત અક્ષરાદિક અવતારો થયા છે. એક સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા અક્ષરાદિક સુધી દેવ-અવતારનો ભાર, મહત્તા કે સારપ રહે તો કાર્ય સત્સંગી. અને અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ સનાતન ભગવાન નથી. સ્વામિનારાયણ ભગવાનનો નંબર પહેલો અને અનાદિમુક્ત એવો હું તે મારો નંબર બીજો. આવું બળ અને નિષ્ઠા વર્તે તો જ કારણ સત્સંગી.
- જેટલું અકૃતાર્થપણું વર્તે એટલા આપણે કાર્ય સત્સંગી અને મળેલા સર્વોપરી મહારાજ, મળેલી પ્રાપ્તિ, મળેલા સત્પુરુષ અને મળેલો આ દિવ્ય કારણ સત્સંગનો યોગ અને કેવળ કૃપાએ મળેલી આવી અનાદિમુક્તની સ્થિતિ તેનો નિરંતર આનંદ વર્તે, કૃતાર્થપણું વર્તે તો જ કારણ સત્સંગી.
- માત્ર સાધનથી જ સંતોષ મનાય તો કાર્ય સત્સંગી અને મૂર્તિના સંબંધવાળા સાધનો થાય તે કારણ સત્સંગી.
- પોતાના કર્તૃત્વનો ખ્યાલ રહે તો દેહમાં રહીને સાધન કર્યાં કહેવાય કહેતાં દેહે કરીને સાધન કર્યાં કહેવાય. આ રીતે સાધન કરે તે કાર્ય સત્સંગી અને મૂર્તિમાં રહીને, પોતાપણાના ભાવો-ખ્યાલોને ભૂલીને મહારાજ કરે છે એ ભાવે સાધન-ભક્તિ કરતાં આવડે તો કારણ સત્સંગી.
- કથાવાર્તા, ધ્યાન, ભજન, સેવા-સમાગમરૂપી ચારો કરી સંતોષ માને તે કાર્ય સત્સંગી અને સેવા-સમાગમરૂપી ચારો કરી મૂર્તિરૂપી માળામાં વિરામ કરતાં આવડે તે કારણ સત્સંગી.
- દેહ પોતાનું સ્વરૂપ મનાય તે કાર્ય સત્સંગી અને મૂર્તિને, મહારાજને પોતાનું સ્વરૂપ મનાય એ કારણ સત્સંગી.
- અરીસામાં જે દેખાઉં છું તે જ હું છું અથવા લોકો મને ઓળખે છે તે હું છું એવું મનાય એ કાર્ય સત્સંગી. મહારાજ અને મોટાપુરુષે કોલ આપ્યા છે કે તું પુરુષોત્તમરૂપ એવો અનાદિમુક્ત છું તે પોતાને મનાય એ કારણ સત્સંગી.
- મહારાજ મળશે, મળવાના છે, મેળવવાના છે, પામવાના છે એવા પરોક્ષભાવે જીવે એ કાર્ય સત્સંગી. અને આ પ્રતિમા નથી; જે તેજના સમૂહમાં છે એ આ પોતે જ છે. એ મને પ્રગટ ને પ્રત્યક્ષ મળી ચૂક્યા છે. દાદાખાચરને મળ્યા હતા આ એ જ મને મળ્યા છે એમ સમજે તે કારણ સત્સંગી.
- મહારાજ તેડવા આવશે પછી અક્ષરધામમાં જવાનું છે એવી અપૂર્ણ સમજણ એ કાર્ય સત્સંગી અને પ્રત્યક્ષ ભગવાન મૂર્તિ રૂપે મળી ચૂક્યા છે એટલે આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. છતે દેહે મૂર્તિમાં જ છું એવું સમજણેયુક્ત જીવન એ કારણ સત્સંગી.
- પ્રસાદીની વસ્તુઓ, પ્રસાદીનાં સ્થાનો-સ્થળોનો જ અધિક મહિમા વર્તે એ કાર્ય સત્સંગી અને જેની પ્રસાદી છે એવા મહારાજની પ્રાપ્તિનો, મૂર્તિનો અધિક મહિમા વર્તે એ કારણ સત્સંગી.
- મૂર્તિ સંભારીને ક્રિયા કરવી એ કાર્ય સત્સંગી અને મૂર્તિમાં રહીને ક્રિયા કરવી એ કારણ સત્સંગી.
- સત્પુરુષ ને સંતો-ભક્તોને દેખાતા ભાવથી, દેહદૃષ્ટિથી જ જોવા, જાણવા, ઓળખવા એ કાર્ય સત્સંગી અને આ બધો કારણ સત્સંગનો પરિવાર છે, મહારાજના અનાદિમુક્તો છે એવી દિવ્ય દૃષ્ટિથી જોવા, જાણવા, ઓળખવા એ કારણ સત્સંગી.
- ભૌતિક સુખની હજુ ઇચ્છા વર્તે કે લૌકિક માન-મોટપ-કીર્તિની ઇચ્છા વર્તે તે જ સકામભાવ. આવા સકામભાવે ભક્તિ કરે તે કાર્ય સત્સંગી અને એકમાત્ર મૂર્તિસુખની જ લાલચ રહે તે નિષ્કામભાવ. આવા નિષ્કામભાવે ભક્તિ કરે તે કારણ સત્સંગી.
૫. કારણ સત્સંગે તરીકે આપણું કાર્યક્ષેત્ર શું ?
કારણ સત્સંગનું કાર્યક્ષેત્ર ત્રણ શબ્દોમાં આવી જાય છે. મૂર્તિને જાણવી, મૂર્તિને પામવી અને મૂર્તિને માણવી. આ ત્રણ જ કારણ સત્સંગનું કાર્યક્ષેત્ર છે. આ ત્રણ કરવા માટે જ કારણ સત્સંગનો પ્રાદુર્ભાવ છે અને કારણ સત્સંગનાં તમામ સાધન છે, કાર્યો છે.
કારણ સત્સંગ માં આવ્યા બાદ આપણા બે ગોલ છે અને એક રોલ છે.પહેલો ગોલ છે મહારાજના સ્વરૂપને જાણવું અર્થાત સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરવી. અને બીજો ગોળ છે મહારાજના સ્વરૂપને માણવું અર્થાત મૂર્તિનું સુખ લેવું, અનાદિમુક્તની સ્થિતિ પામવી. આ માટે એક રોલ છે પુરુષોતમરૂપ પાત્ર થવું. મહારાજ અને મોટાપુરુષે આપેલા આશિર્વાદ – કોલ ઉપર વિશ્વાસ રાખી હું દેહ નથી અનાદિમુક્ત જ છું. એવી સમજણની દ્રઢતા કરી, અનાદિમુક્તની લટકે પ્રતિલોમપણે ધ્યાન કરી અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગી તરીકે આપણું કાર્યક્ષેત્ર છે.
૬. કારણ સત્સંગની સ્થાપના અને સ્થાપક
શ્રીજીમહારાજ અવરભાવમાં અદૃશ્ય થયા ત્યારથી જ પરોક્ષભાવની ગેરસમજો સત્સંગ સમાજમાં પ્રવર્તતી હતી. અવરભાવમાં મહારાજના મનુષ્ય રૂપે દર્શન ન થતાં, મહારાજ હવે ધામમાં ગયા, પરોક્ષ થઈ ગયા, હવે અહીં નથી, અથવા તો કોઈ વ્યક્તિ કે સંત રૂપે પ્રગટ છે તેવી ગેરમાન્યતા પ્રવર્તવા લાગી. જેથી શ્રીજીમહારાજના પ્રતિમા સ્વરૂપને વિષે યથાર્થ મહાત્મ્ય ન રહ્યું. આવા પરોક્ષભાવમાં ઝોલા ખાતા સમાજને ખરી સમજણ કરાવવા, સંપ્રદાયમાં પ્રવર્તેલી કેટલીક ગેરસમજો દૂર કરવા તથા ત્યાગી-ગૃહીમાં પ્રવેશી ગયેલા દૂષણો દૂર કરી શુદ્ધ વર્તનેયુક્ત સંપ્રદાયની સ્થાપના માટે જીવનપ્રાણ અબજીબાપાશ્રી પધાર્યા.
આમ, મહારાજ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. સંવત ૧૮૩૭માં મનુષ્યોને મનુષ્ય જેવા દેખાયા તે સ્વરૂપ, અક્ષરધામનું દિવ્ય તેજોમય સ્વરૂપ અને વર્તમાનકાળે દર્શન આપતું પ્રતિમા સ્વરૂપ ત્રણેયમાં રોમમાત્રનો ફેર નથી તેવી શુદ્ધ સમજણ બાપાશ્રીએ આપી. શ્રીજીમહારાજને વિષે પ્રગટભાવ અને પ્રત્યક્ષભાવ દૃઢ કરાવવા તથા સૌને શ્રીજીમહારાજની સર્વોપરી શુદ્ધ ઉપાસના દૃઢ કરાવીને પૂર્ણ પુરુષોત્તમરૂપ પાત્ર કરી અનાદિમુક્તની સ્થિતિએ મૂર્તિના સુખભોક્તા કરવા માટે જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ કારણ સત્સંગની સ્થાપના કરી.
કારણ સત્સંગના સ્થાપક :- શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી
કારણ સત્સંગના મુખ્ય બે ગ્રંથ
૧. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત
૨. અબજીબાપાશ્રીની વાતો
૬. કારણ સત્સંગના ખ્યાલો
૬.૧ અવરભાવ – પરભાવ
અવરભાવ
અવરભાવ એટલે માયિકભાવ. માયિક પદાર્થો અને વસ્તુઓ વડે થતી અનુભૂતિ માયિક જ હોય. જેથી માયિક એવા પંચભૂત આદિક સત્તાવન તત્ત્વોથી બનેલો આ મનુષ્યદેહ તે પણ માયિક જ છે. અને તેના દ્વારા થતી અનુભૂતિ પણ માયિક જ હોય. આમ, માયિક એવા ઇન્દ્રિયો અને અંતઃકરણે કરીને જે કાંઈ પણ જોવાય, સ્પર્શાય, સંભળાય કે ભોગવાય તેને કહેવાય અવરભાવ. આ અવરભાવ ખોટો છે, નાશવંત છે ને ક્ષણિક છે.
તેથી, અવરભાવ એટલે અસત્ય.
અવરભાવ એટલે ભ્રમણા.
અવરભાવ એટલે નાશવંતપણું.
અવરભાવ એેટલે જૂઠ્ઠાણું.
અવરભાવ એટલે તદ્દન ખોટું.
અવરભાવ એટલે અજ્ઞાન.
અવરભાવ એટલે અવાસ્તવિકતા.
જેમ કે, બેંકનો લખેલો ચેક દેખાય છે બીજા કાગળિયા જેવું કાગળિયું છતાં આપણે એવું સમજીએ છીએ કે તે કાગળિયું નથી, રૂપિયા જ છે. આમ ચેકમાં જે કાગળિયાનો ભાવ છે અથવા કાગળિયું દેખાય છે તેને કહેવાય અવરભાવ. એવી જ રીતે જે દેખાય છે પરંતુ સાચું નથી અને કાયમી નથી તેને કહેવાય અવરભાવ.
આમ, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા આકારમાત્ર, પદાર્થમાત્ર તથા વ્યક્તિમાત્ર એ સર્વે અવરભાવ છે, માયિક છે ને નાશવંત છે.
જેને શ્રીમુખે કહ્યું કે, “જે જે કાંઈ પાંચ ઇન્દ્રિયો ને ચાર અંતઃકરણે કરીને ભોગવવામાં આવે એવા વિષયભોગ છે તેને અતિશે તુચ્છ જાણ્યા છે, માટે એ કોઈ પદાર્થને વિષે આશ્ચર્ય પામે નહિ તથા બંધાય નહિ અને એને પાસે કોઈ આવીને એમ કહે જે, આ પદાર્થ તો બહુ જ રૂડું છે ત્યારે તેને એમ વિચારે જે ગમે તેવું સારું હશે પણ ઇન્દ્રિયો-અંતઃકરણે કરીને ગ્રહણ કર્યામાં આવે એવું હશે ને ! ઇન્દ્રિયો-અંતઃકરણના ગ્રહણમાં જે આવે તે તો અસત્ય છે, નાશવંત છે.” જેને કહેવાય છે અવરભાવ.
પરભાવ
પરભાવ એટલે દિવ્યભાવ, અલૌકિકભાવ.
જે માયિક એવા ઇન્દ્રિયો અને અંતઃકરણે કરીને દેખાતું નથી, ભોગવાતું નથી, અનુભવાતું નથી, પમાતું પણ નથી. માત્ર સમજાય છે અને જે કાયમી છે તેને કહેવાય પરભાવ.
તેથી, પરભાવ એટલે પરમ સત્ય.
પરભાવ એટલે કાયમી.
પરભાવ એટલે વાસ્તવિકતા.
પરભાવ એટલે પરમ સુખ.
પરભાવ એટલે અનુભવજ્ઞાન.
આમ, ૫રભાવ અર્થાત્ દેખાય તે હોય નહિ અને હોય તે દેખાય નહિ તથા દેખાય જુદું અને સમજવાનું હોય જુદું.
જેમ કે ચેક ખરેખર છે તો કાગળિયું જ. પરંતુ આપણે તેને રૂપિયા જ સમજીએ છીએ. ચેકમાં રૂપિયા દેખાતા નથી પરંતુ રૂપિયા જ સમજાય છે તેને કહેવાય પરભાવ. એવી જ રીતે જે દેખાતું નથી, માત્ર સમજાય છે પરંતુ એ જ સાચું છે અને કાયમી છે તેને કહેવાય પરભાવ.
આમ, તેજના સમુહ મધ્યે બિરાજમાન શ્રીજીમહારાજની મૂર્તિ એ જ પરભાવ.
૬.૨ અવરભાવનો નિશ્ચય - પરભાવનો નિશ્ચય
અવરભાવનો નિશ્ચય
અવરભાવનો નિશ્ચય એટલે સમજણે કરીને નિશ્ચય.
શું સમજણ કરવી ? તો,
શ્રીજીમહારાજના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી ઓળખી અનંતકોટિ બ્રહ્માંડમાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ સનાતન ભગવાન નથી; આમ જે સમજવું તે અવરભાવનો નિશ્ચય છે. વળી, અન્વય સ્વરૂપના સંબંધવાળા અનંત અવતારો જે કોઈ થયા છે તે સર્વે આ સનાતન ભગવાન સ્વામિનારાયણની સત્તાથી એટલે કે અન્વય શક્તિના સંબંધે કરીને જ થયા છે અને રહ્યા છે. માટે સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ કર્તા-હર્તા એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન જ છે. આવી સમજણ નિરુત્થાનપણે દૃઢ થાય ત્યારે શ્રીજીમહારાજ સિવાય કોઈનો ભાર-પ્રતીતિ કે મહત્તા રહે નહિ જેને શ્રીજીમહારાજના સ્વરૂપનો અવરભાવનો નિશ્ચય થયો કહેવાય.
આવો શ્રીજીમહારાજના સ્વરૂપનો અવરભાવનો નિશ્ચય થાય ત્યારે જ ઉપાસકને શ્રીજીમહારાજના સ્વરૂપનો સાક્ષાત્ કહેતાં વ્યતિરેક સંબંધ થયો કહેવાય. આમ, શ્રીજીમહારાજના અવરભાવના નિશ્ચયે કરીને જ શ્રીજીમહારાજના વ્યતિરેક સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.
માટે, અવરભાવનો નિશ્ચય એટલે.
શ્રીજીમહારાજના સ્વરૂપનો સમજણે કરીને નિશ્ચય.
શ્રીજીમહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન.
શ્રીજીમહારાજના સ્વરૂપની પ્રાપ્તિ.
આત્યંતિક કલ્યાણની શરૂઆત.
છતે દેહે મોક્ષની પ્રાપ્તિ અર્થાત્ છતે દેહે મોક્ષની હા પડવી.
શ્રીજીમહારાજના સ્વરૂપનો આવો અવરભાવનો નિશ્ચય થવાથી અન્વય સ્વરૂપના સંબંધવાળા કોઈનો રંચમાત્ર ભાર, મહત્તા કે પ્રતીતિ રહેતાં નથી. નિરંતર કૃતાર્થપણું મનાય તેથી કશું જ પામવાનું બાકી રહેતું નથી. સંસાર-વ્યવહારનાં દુઃખોમાં પણ એકમાત્ર શ્રીજીમહારાજને વિષે જ પતિવ્રતાની ભક્તિ રહે છે. આવો અવરભાવનો નિશ્ચય કરવો ફરજિયાત છે.
આ અવરભાવનો નિશ્ચય કર્યા પછી જ પરભાવનો નિશ્ચય દૃઢ થાય છે. એ વિના સીધો પરભાવનો નિશ્ચય દૃઢ થતો નથી. માટે પરભાવના નિશ્ચય માટે અવરભાવનો નિશ્ચય કરવો તે પૂર્વશરત છે. જેમ રહેવા માટે ટેનામેન્ટ બાંધવું કે ફ્લૅટ બાંધવો ? તેનો વિચાર કરતા પહેલાં પોતાની જમીન હોવી જોઈએ. કારણ, જમીન હશે તો ટેનામેન્ટ કે મકાન બંધાશે. તેમ અવરભાવનો નિશ્ચય હશે તો જ પરભાવનો નિશ્ચય થશે. માટે શ્રીજીમહારાજનો અવરભાવનો નિશ્ચય કરવો અનિવાર્ય છે.
આવો અવરભાવનો નિશ્ચય કેવી રીતે થાય તેની વાત કરતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમનું ૫૧ માં વચનામૃતમાં શ્રીમુખે જણાવે છે, “જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ અમારો નિશ્ચય તે અમારા વતે જ થાય છે.” અર્થાત્ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય સ્વયં પોતે કરાવે તો જ થાય. આમાં સમજવાનું એટલું છે કે વર્તમાનકાળે શ્રીજીમહારાજ પ્રતિમા રૂપે જ દર્શન આપે છે માટે જેણે શ્રીજીમહારાજના સ્વરૂપને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ સર્વોપરી જાણ્યું હોય અર્થાત્ સર્વોપરી નિશ્ચય હોય અને જેના સંપૂર્ણ કર્તા શ્રીજીમહારાજ બને તથા જેના મુખે શ્રીજીમહારાજ બોલે તેમના દ્વારા આવો નિશ્ચય થાય છે. અને એ પણ શ્રીજીમહારાજ જેને કરાવે તેને જ થાય છે અર્થાત્ અવરભાવનો નિશ્ચય ભલે કોઈકના દ્વારા થયો તેવું જણાય પણ ખરેખર નિશ્ચય કરાવનાર શ્રીજીમહારાજ જ છે.
ટૂંકમાં સમજીએ તો, અવરભાવનો નિશ્ચય એટલે શ્રીજીમહારાજને અન્વય-વ્યતિરેકપણે જેમ છે તેમ સર્વોપરી ઓળખવા અને અનંતકોટિ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ સનાતન ભગવાન નથી - આ સમજણ પાકી કરવી.
આવો અવરભાવનો નિશ્ચય શ્રીજીમહારાજ કેવળ કૃપા કરીને પોતાના વ્યતિરેક સંબંધવાળા અર્થાત્ જેમને શ્રીજીમહારાજનો આવો અવરભાવનો નિશ્ચય પરિપક્વ છે તેવા સત્પુરુષ દ્વારા અથવા એવા સત્પુરુષના જોગવાળા સંતો-હરિભક્તો દ્વારા દૃઢ કરાવે છે એવું દેખાય પરંતુ નિશ્ચય કરાવનાર તો ખરેખર શ્રીજીમહારાજ જ છે.
પરભાવનો નિશ્ચય (અનુભવજ્ઞાન)
પરભાવનો નિશ્ચય એટલે અનાદિમુક્તની સ્થિતિ.
શ્રીજીમહારાજને અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી જાણ્યા પછી અર્થાત્ સમજણની દૃઢતા કર્યા પછી સ્થિતિ તરફ જવું ફરજિયાત છે. એ જ શ્રીજીમહારાજનો નિશ્ચય કર્યાનું, શ્રીજીમહારાજને ઓળખ્યાનું ફળ છે. વળી, પરભાવનો નિશ્ચય કર્યા વિના મૂર્તિના સુખભોક્તા થવાતું નથી.
પરભાવનો નિશ્ચય એટલે શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમપણે એકતા. મૂર્તિ સાથે તદાત્મકપણાને પમાય એ જ પરભાવનો નિશ્ચય છે અને એ જ અનાદિમુક્તની સ્થિતિ છે.
આવો શ્રીજીમહારાજના સ્વરૂપનો પરભાવનો નિશ્ચય થાય ત્યારે ઉપાસકને એક મૂર્તિ સિવાય બીજું કાંઈ રહેતું નથી. અર્થાત્ એ આત્મા મૂર્તિના સંપૂર્ણ સાધર્મ્યપણાને પામી જાય છે. જેથી તેનું (આત્માનું) રૂપ અને આકાર પણ સર્વદેશી પુરુષોતમરૂપ થઈ જાય છે અને તે રોમ રોમ પ્રત્યે સાકાર થાય છે. માટે તેને એક મૂર્તિ વિના બીજું કશું જ રહેતું નથી. એને તો કેવળ મૂર્તિનું સુખ જ લેવાનું છે. જેથી તેના માટે તો મૂર્તિ સિવાય કોઈ અનાદિમુક્ત પણ રહેતા નથી. અર્થાત્ બીજા મુક્ત કેટલું સુખ ભોગવે છે તે પણ જાણવાનું રહેતું નથી ને કેવળ સુખ જ ભોગવે છે. જેથી શ્રીજીમહારાજ ગઢડા પ્રથમનું ૫૧માં વચનામૃતમાં શ્રીમુખે કહે છે, “સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન (જે અમે) તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં.”
પુરુષોત્તમની દૃષ્ટિએ કરીને જોવું એટલે શું ? તો, પુરુષોત્તમ એવા સનાતન ભગવાન સ્વામિનારાયણે મારા ચૈતન્યને અનાદિમુક્ત કર્યો છે એમ દૃઢ કરી મૂર્તિમાં રહી પ્રતિલોમભાવે મૂર્તિના મસ્તકે મારું મસ્તક, નેત્રે નેત્ર, કર્ણે કર્ણ, હસ્તે હસ્ત, ચરણે ચરણ એવી રીતે પ્રતિલોમ ધ્યાન કરે ત્યારે ધ્યાન કરતાં કરતાં આત્મા રોમ રોમપણે મૂર્તિ સાથે પુરુષોત્તમરૂપ થઈ જાય છે જેને અનાદિમુક્તની સ્થિતિ કહેવાય અને એને જ પરભાવનો નિશ્ચય કહેવાય તથા તેને જ અનુભવજ્ઞાન કહેવાય.
આવી રીતે પ્રતિલોમપણે મૂર્તિને ધારવી તે પુરુષોત્તમની દૃષ્ટિએ જોયું કહેવાય. કારણ કે એ મૂર્તિમાં રહ્યો એટલે મહારાજની આંખમાં તેની આંખ છે જેથી તેને મહારાજની આંખે જ જોવાપણું છે. માટે તેને પુરુષોત્તમની દૃષ્ટિ થઈ કહેવાય. આવી સ્થિતિને જે પામે તેને એક મૂર્તિ સિવાય બીજું કાંઈ રહેતું જ નથી. તેને તો એક મૂર્તિનું સુખ જ લેવાનું છે. બીજું કાંઈ છે જ નહીં. આવી રીતે પ્રતિલોમ ધ્યાન કરવાથી આત્મા પુરુષોત્તમના જેવો દિવ્ય અને સાકાર થાય છે તથા મૂર્તિરૂપ થઈ મૂર્તિનું સંપૂર્ણ સુખ ભોગવે છે.
પરંતુ આવી રીતે પુરુષોત્તમ ભગવાનની દૃષ્ટિએ ક્યારે જોઈ શકાય ? તો, પુરુષોત્તમરૂપ થઈ (અનાદિમુક્તની લટકે) મૂર્તિમાં રહે ત્યારે જ પુરુષોત્તમની દૃષ્ટિ થાય છે. અને મૂર્તિમાં રહ્યા પછી મુક્તને એક મૂર્તિ સિવાય કાંઈ રહેતું જ નથી. આ જ પરભાવનો નિશ્ચય.
આમ, પરભાવનો નિશ્ચય એટલે.અનાદિમુક્તની સ્થિતિ.
શ્રીજીમહારાજના સ્વરૂપને વિષે સ્થિતિ.
શ્રીજીમહારાજના પરભાવના સુખનું સંપૂર્ણ ભોક્તાપણું.
શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનું સંપૂર્ણ અનુભવજ્ઞાન.
આત્યંતિક કલ્યાણ અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિ.
શ્રીજીમહારાજના સ્વરૂપનો પરભાવનો નિશ્ચય કર્યા વિના અવરભાવ અર્થાત્ દેહભાવ ટળતો નથી અને દેહભાવ ન ટળે ત્યાં સુધી મૂર્તિના સુખ માટેના પાત્ર થવાતું નથી. માટે મૂર્તિસુખના પાત્ર થવા શ્રીજીમહારાજના પ્રતિલોમ ધ્યાને કરીને પરભાવનો નિશ્ચય દૃઢ કરવો ફરજિયાત છે. શ્રીજીમહારાજના સ્વરૂપનો આવો પરભાવનો નિશ્ચય થવાથી જ મૂર્તિના સુખભોક્તા થવાય છે.
ટૂંકમાં, પરભાવનો નિશ્ચય એટલે અનાદિમુક્તની સ્થિતિ. આવો પરભાવનો નિશ્ચય શ્રીજીમહારાજના પ્રતિલોમ ધ્યાને કરીને જ થાય છે. તે ધ્યાન માટેની લટક એવા અનાદિમુક્ત-સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થાય છે.
૬.૩ અવરભાવ - પરભાવની સમજણ
શ્રીજીમહારાજના સ્વરૂપને વિષે
અવરભાવ
શ્રીજીમહારાજના સ્વરૂપને વિષે મનુષ્યભાવ રહે અર્થાત્ શ્રીજીમહારાજે પંચભૂતનો દેહ ધર્યો અને દેહ મૂક્યો તથા તેમને વિષે હાડ, ચામ, રુધિર વગેરે દેહાદિકભાવ તથા દોષ પરઠાય તે તેમને માયિક જાણ્યા કહેવાય અર્થાત્ શ્રીજીમહારાજને વિષે મનુષ્યભાવ - અવરભાવ પરઠ્યો કહેવાય. વળી, અત્યારે શ્રીજીમહારાજની મૂર્તિને વિષે પ્રતિમાભાવ રહે અર્થાત્ મૂર્તિને વિષે આરસ, પાષાણ, ધાતુ, કાષ્ઠ, ચિત્રપ્રતિમા એવો ભાવ રહે તે અવરભાવ પરઠ્યો કહેવાય.
પરભાવ
શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા પરંતુ મનુષ્ય થયા નથી. શ્રીજીમહારાજ તો સદાય દિવ્યાતિદિવ્ય સ્વરૂપ જ છે. સદાય તેજના સમૂહમાં જ છે. તેમના સ્વરૂપનું કદી પરિવર્તન થતું જ નથી. વળી, એ જ રીતે વર્તમાનકાળે પણ શ્રીજીમહારાજ મનુષ્યને પ્રતિમા સ્વરૂપે દેખાય છે. પરંતુ એ પ્રતિમા સ્વરૂપ મૂર્તિ સંપૂર્ણ પરભાવમાં જ છે. એ મૂર્તિને વિષે જ અનંત તેજ, લાવણ્યતા, ઓજસ, પ્રકાશ ને અનંત મુક્તો છે. માટે આ સ્વરૂપ સદાય તેજના સમૂહમાં જ છે, અક્ષરધામમાં જ છે. આવી સમજણ રહે તે પ્રતિમા સ્વરૂપને વિષે પરભાવ સમજ્યા કહેવાય.
સત્પુરુષના સ્વરૂપને વિષે
અવરભાવ
સત્પુરુષના સ્વરૂપને વિષે પોતાના જેવા મનુષ્યપણાના ભાવો પરઠાય તથા કામ, ક્રોધ, લોભ, માન આદિક દોષો પણ તેમને વિષે પરઠાય અને તેમનાં વચનમાં તથા ક્રિયામાં સંશય થાય તે સર્વે અવરભાવ પરઠ્યો કહેવાય.
પરભાવ
સત્પુરુષ નિરંતર મૂર્તિમાં રહે છે. તેમની સંપૂર્ણ ક્રિયાના કર્તા શ્રીજીમહારાજ છે. જેમ શ્રીજીમહારાજના સ્વરૂપને વિષે કોઈ પ્રકારની માયા નથી, અવરભાવના કોઈ દોષ નથી તેમ મુક્ત મૂર્તિમાં છે માટે તેમને વિષે પણ કોઈ દોષ નથી. એ પણ સંપૂર્ણ દિવ્ય સ્વરૂપ છે અને પુરુષોત્તમરૂપ છે. આવી સમજણ રહે તે તેમને વિષે પરભાવ સમજ્યા કહેવાય.
વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા સંતો-ભક્તોના સ્વરૂપને વિષે
અવરભાવ
વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા સંતો-ભક્તોના સ્વરૂપને વિષે દેહાદિક દોષ, સ્વભાવો દેખાય તથા દેહદૃષ્ટિએ કરીને તેમને વિષે રાગ-દ્વેષ થાય, અભાવ-અવગુણ લેવાય તે સર્વે અવરભાવ પરઠ્યો કહેવાય.
પરભાવ
વ્યતિરેક સ્વરૂપના સંબંધવાળા સર્વે સંતો-ભક્તોને શ્રીજીમહારાજે કેવળ કૃપા કરી અનાદિમુક્ત કર્યા છે અર્થાત્ પ્રાપ્તિ સર્વેને પૂર્ણ કરાવી છે. માટે જે કાંઈ દોષ-સ્વભાવ દેખાય છે તે તેમના દેહના છે એવું સમજવું. તેઓની પ્રાપ્તિ તો અનાદિમુક્તની જ છે આવી સમજણ રહે તે પરભાવ સમજ્યા કહેવાય.
પોતાના સ્વરૂપને વિષે
અવરભાવ
પોતાને દેહ મનાય અર્થાત્ આ શરીર તે જ હું છું એવું જે અજ્ઞાન તે જ અવરભાવ. આવા અજ્ઞાને કરીને પોતાને કામ, ક્રોધ, લોભ આદિક દોષેયુક્ત માનવા તથા પોતાને વિષે પુરુષ કે સ્ત્રીપણાનો અને ઉંમરના ભાવોનો દૃઢાવ કરવો તે અવરભાવ પરઠ્યો કહેવાય.
પરભાવ
મને શ્રીજીમહારાજે કેવળ કૃપા કરી અનાદિમુક્ત જ કર્યો છે તેમ પ્રાપ્તિમાં પૂર્ણપણું માની સર્વે ક્રિયામાં પોતાપણાના ભાવો ભૂલી અનાદિમુક્તની લટકે વર્તવું અને પ્રતિલોમપણે શ્રીજીમહારાજની દિવ્યાતિદિવ્ય મૂર્તિનું ધ્યાન કરી પુરુષોત્તમરૂપ થવું અર્થાત્.
“દેહ નહિ હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો;
રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા, ‘મહારાજ’ જ ઠસાવજો;
‘મહારાજ’ જ ઠસાવજો, બસ તવ સુખમાં ડુબાડજો.”
આ લટકે વર્તવું એ જ પોતાને વિષે પરભાવ સમજ્યા કહેવાય.
સ્થાનને વિષે
અવરભાવ
આ ગઢડું છે, આ અમદાવાદ છે તથા હું ગાંધીનગરમાં છું કે હું ઘરમાં છું આવું જે વર્તે તે અવરભાવ પરઠ્યો કહેવાય.
પરભાવ
“આ ગઢડું શહેર કે ઓસરી કાંઈ નથી”
- ગઢડા મધ્યનું ૧૩મું વચનામૃત
અર્થાત્ મને શ્રીજીમહારાજે કૃપા કરી મૂર્તિમાં જ રાખ્યો છે માટે હવે મૂર્તિ સિવાય અર્થાત્ પરભાવ સિવાય કંઈ છે જ નહિ કહેતાં અવરભાવનું કોઈ સ્થાન નથી કે તે સ્થાનમાં હું છું નહીં. હું તો નિરંતર મૂર્તિમાં જ છું. આમ જે સમજવું તે સ્થાનને વિષે પરભાવ સમજ્યા કહેવાય.
૬.૪ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત
અદ્વૈત એટલે એક અને દ્વૈત એટલે બે અથવા વધુ.
પરંતુ વિશિષ્ટાદ્વૈત એટલે વિશિષ્ટ રીતે અદ્વૈત અર્થાત્ ‘વસ્તુ બે અને દેખાવ એક.’
બે વસ્તુ હોવા છતાં દેખાય એક જ છે તે વિશિષ્ટાદ્વૈત. આ શ્રીજીમહારાજનો આગવો મત છે, આગવો સિદ્ધાંત છે જે પરભાવનો સિદ્ધાંત છે. જેનો ખ્યાલ અવરભાવવાળાને આવી શકે જ નહીં. એ તો જેના ઉપર શ્રીજીમહારાજ કેવળ કૃપા કરે તેને જ આ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત અર્થાત્ અનાદિમુક્તની સ્થિતિની હા પડે છે.
વસ્તુ બે એટલે એક શ્રીજીમહારાજની મૂર્તિ અને બીજા અનાદિમુક્ત. આમ, માત્ર સ્વામી-સેવકભાવે બે સ્વરૂપ જુદાં છે.
અનાદિમુક્ત શ્રીજીમહારાજની મૂર્તિમાં સાકાર થકા રસબસભાવે, તદ્રૂપ, તલ્લીનપણે મૂર્તિને વિષે અંદર-બહાર લીન રહે છે. તેથી શ્રીજીમહારાજ તેમનો આકાર બહાર દેખાવા દેતા નથી. પરંતુ સ્વામી-સેવકભાવે અને દાતા-ભોક્તાપણે તો જુદાપણું છે જ. આમ, વસ્તુ બે - મહારાજ અને મુક્ત; પણ મુક્ત સ્વામી-સેવકભાવે મૂર્તિમાં રહ્યા છે અને દેખાવ મહારાજનો રહે છે તેને જ વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત કહેવાય.
૬.૫ પ્રત્યક્ષાર્થ – પરોક્ષાર્થ
પરોક્ષાર્થ :
શ્રીજીમહારાજે વચનામૃતમાં મુખ્યત્વે ચાર પ્રકારની વાતો કરી છે. રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક. એ જ રીતે જુદાં જુદાં શાસ્ત્રોમાં શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ જ્યાં જેવી સભા અને જેવા ભક્તો સામે બેઠા હતા તેમને પથ્ય પડે એવી રીતે વાત કરી હતી. જે વાતો પોતાની મેળે સમજાતી નથી અને ભ્રમી જવાય છે. તે પરોક્ષાર્થ કહેવાય.
પ્રત્યક્ષાર્થ :
શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ શાસ્ત્રોમાં જે જે વાત કરી એ કયા હેતુથી કરી ? શા માટે કરી ? અને એનો સાચો રહસ્ય અને ગૂઢ અર્થ શું થાય ? એ સમજવું એ કહેવાય પ્રત્યક્ષાર્થ. જેના મુખે બોલનારા સ્વયં મહારાજ હોય, જેની ક્રિયાના સંપૂર્ણ કર્તા મહારાજ હોય એવા મહારાજની મૂર્તિના સુખભોક્તા અનાદિમુક્ત સત્પુરુષ જ એવો પ્રત્યક્ષાર્થ સમજાવી શકે. બાકી કોઈ દેહધારી સમજી કે સમજાવી શકે નહીં.