અજોડ ઉપાસનારૂપી સિદ્ધાંતોના પાયા પાતાળે પહોંચ્યા  
     
 

         મંદિરની બેનમૂન સુંદરતાનો આધાર માત્ર તેનાં રૂપ-રંગ કે કોતરણી ઉપર જ નિર્ભર નથી પરંતુ વિશેષતઃ તો તેના પાયા કેટલા ઊંડા છે તેની ઉપર છે. એ જ રીતે મકાનની મજબૂતાઈ તેના ધરબાયેલા પાયા પર અડીખમ રહી હોય છે. ઘેઘૂર વડલાના વટવૃક્ષનો આધાર તેનાં મૂળિયાં કેટલાં પાતાળ સુધી ઊંડાં પહોંચ્યાં છે તેની ઉપર છે.

         જ્યા એસ. એમ. વી. એસ. સંસ્થાને ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે, શ્રીજીમહારાજના સંકલ્પોની પૂર્ણતાના દિગંતમાં ડંકા વાગી રહ્યા છે. તેના મૂળમાં પણ એવું જ કોઈક જ્વલંત તત્ત્વ કે ઘટના સમાયેલા છે. ને એ અવિસ્મરણીય ઘટના એ હતી કે જ્યારે શ્રીજીમહારાજની અજોડ ઉપાસના અને સિધ્ધાંતોના પાયા પાતાળે પહોંચાડવાનું યુગપુરુષ દ્રારા થયું.

         ત્યારે એક વખત પ.પૂ.બાપજીના અવરભાવના જ્ઞાનગુરુ સદ્. કેશવપ્રિયદાસજી સ્વામીએ (સદ્.મુનિ સ્વામીએ) તેમની ઉપર એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેઓએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જે મૂલગામી કાર્ય માટે તેમનું આ બ્રહ્માંડમાં અવતરણ હતું તે કાર્યની સ્મૃતિ કરાવતાં લખ્યું હતું કે, "આપણને તો શ્રીજીમહારાજે મૂર્તિમાં જ રાખ્યા છે. શ્રીજીમહારાજની અજોડ સનાતન ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના જે હેતુથી શ્રીજીમહારાજે તમને મોકલ્યા છે, તે હવે ચાલુ કરી દો."

         સદ્.મુનિ સ્વામીનાં કૃપાપ્રસાદી સમાન આ અમૃતવચનો ગુરુવર્ય પ.પૂ.બાપજીના જીવનમાં વણાઈ ગયાં; ચિરંજીવી બની ગયાં હતાં.

         ઈ.સ. ૧૯૬૯-૭૦ની સાલમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા હતા. એ અરસામાં મોટા મંદિરમાં જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેવું ઘણું કઠિન હતું.

         આવા વિકટ સંજોગોમાં મોટા મંદિરમાં રહીને બાપાશ્રીનો મહિમા અને બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો જેમ છે તેમ મહિમા ગવાતો નહીં. પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીનું રૂંવાડે રૂંવાડું બાપાશ્રીની અસ્મિતાથી ભરપૂર છલકાતું હતું. તે અન્યને મહિમામાં ડુબાડ્યા વગર કેવી રીતે રહી શકે?

         એક સામાન્ય નદીને જો સાગરને મળવાનો વેગ જાગ્યો હોય અને જો તેને રોકો તો બીજો રસ્તો કાઢી લે પણ એ કોઈની રોકી રોકાતી નથી. તો ગુરુવર્ય પ.પૂ.બાપજી જેવા વિરલ ક્રાંતિકારી પુરુષ શું મહિમા ગાયા વિના રહે?

         શ્રીજીમહારાજની સર્વોપરી સનાતન અજોડ ઉપાસના અને બાપાશ્રીના સિધ્ધાંતોના પ્રચાર અને પ્રસાર માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબાન સ્ટેડિયમની પાળ ઉપર સભા શરૂ કરી હતી.

         મોટા મંદિરેથી ચાલતાં ચાલતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સભા કરવા સ્ટેડિયમની પાળ ઉપર પધારે. ઉપર આભનું છત્તર અને નીચે ધરતીની જાજમ હતી. ત્યાં વળી બેસવા માટે ક્યાં સોફા ને ક્યાં ખુરશી ! એક ઝાડ ઉપર ભગવું કપડું લટકાવ્યું હોય એ સભાસ્થળનું સરનામું એક-બે હરિભક્તો આવે એટલે કંતાનના કોથળા ઉપર આસન ગ્રહણ કરી લે અને જ્ઞાનપ્રવાહ વહેવા માંડે. ન જુએ રાત કે દિવસ. ન જુએ શિયાળે, ઉનાળો કે ચોમાસું. બસ, એક જ તલસાટ તરવરતો કે કેમ વધુ ને વધુ જીવોને આ સાચા જ્ઞાનની અને શ્રીજીમહારાજના મૂળભૂત સિધ્ધાંતની અનુભૂતિ થાય અને મૂર્તિસુખના ભોગી થાય.

         મલેકસાબાન સ્ટેડિયમ પર થતી સભા દ્રારા નવા નવા મુમુક્ષુઓ જોડાતા ગયા અને જૂજ હરિભક્તોનો સમાજ તૈયાર થયો. ક્યાં સુધી હવે સ્ટેડિયમની પાળે જ સભા કરવી ? એટલે હરિભક્ત સમાજને વિશેષ બળ આપવા અને ભજન-ભક્તિ કરી શકે તે માટે, એક મંદિર થાય તો સારું એવા વિચારે, બાપુનગરની આજુબાજુ જમીનની શોધ ચાલુ કરાવી. બાપુનગર-હરદાસનગરમાં નવલખા બંગલાની આજુબાજુના વિસ્તારમાં ઘણી તપાસ કરી પરંતુ કાંઈ મેળ ન પડયો.

         જમીનની શોધ કરતાં કરતાં ઓઢવ વિસ્તાર તરફ પધાર્યા. આ ઓઢવ વિસ્તારમાં જ જાણે મહારાજને બિરાજમાન થઈ, પોતાના સિધ્ધાંતોના પ્રવર્તન માટેના અવિચળ ખૂંટ ખોડવા ન હોય એવું અનુભવાયું. જોગાનુજોગ આ ઓઢવ વિસ્તારમાં જ ગુરુવર્ય પ.બૂ.બાપજીના અતિકૃપાવંત પાત્ર એવા પ.ભ. પુરુષોત્તમભાઈ રામાણીની સોસાયટીની સ્કીમ મુકાયેલી હતી. ગુરુવચને કુરબાન થઈ જનારને માત્ર ઇશારો પૂરતો છે. તે મુજબ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ માત્ર મંદિર માટે જમીન આપવા અંગે રુચિ જણાવી. ત્યારે તેઓએ ઘનશ્યામનગર નામની એમની સોસાયટીની બાજુમાં મંદિર માટે ૧૫૦૦ વાર જમીનનો પ્લોટ ફાળવી આપ્યો.

         આજથી લગભગ ચાલીસેક વર્ષ પહેલાં મંદિરના પ્લોટની ચારેય બાજુ નર્યો વગડો હતો. ત્યાં કોઈ હરિભક્તોનો સમૂહ નહિ અને ૧૫૦૦ વાર જમીન લીધી. એટલે ઘણા હરિભક્તો બોલવા માંડ્યા કે, "નથી કોઈ સાધુ જોડમાં કે નથી કોઈ એવો હરિભક્તનો સમૂહ ને આવડી મોટી જમીનને શું કરશો ?" અને ક્યાં હતા ૧૫૦૦ વાર જમીનના ચૂકવવાના માત્ર ૫,૬૨૫ રૂપિયા પણ....!! પોતાની અલ્પ બૂદ્ધિએ માપનાર એ હરિભક્તો ગુરુવર્ય પ.પૂ.બાપજી જેવા આર્ષદ્રષ્ટા પુરુષની દીર્ઘ દૃષ્ટિને શું માપી શકે? એ વખતે કોઈને ક્યાં નજરઅંદાજ પણ હતો કે આ ઘનશ્યામનગર મંદિર એ મહારાજ અને બાપાશ્રીના સિધ્ધાંતોના પાયા પાતાળે પહોંચાડનારું મહામોટું ધામ બની રહેવાનું છે !હરિભક્તોને મન આટલી મોટી જમીનની જરૂર જણાતી નહોતી. પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીની એ દીર્ઘ દૃષ્ટિ હતી અને ભવિષ્યનું એક પૂર્વ આયોજન જ હતું. ગુરુવર્ય પ.પૂ.બાપજી જાણતા જ હતા કે બીજાનાં બંધનમાં રહીને મહારાજ અને બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો જેમ છે તેમ પ્રચાર નહિ જ થઈ શકે, તેમાં ઘણાં વિઘ્ન આવશે તથા સમય-સંજોગાનુસાર એકલપંડે સિધ્ધાંત-પ્રવર્તન કાજે વિઘ્નસંતોષીઓ સામે ઝઝૂમવું જ પડવાનું છે. એ ભવિષ્યમાં બનનાર ઘટનાને ધ્યાનમાં રાખી એ પુરુષે આટલી જમીન લેવાનું સાહસ કર્યું કે જ્યા જમીન ખરીદવા એક રૂપિયો પણ નહોતો કે નહોતો એવો હરિભક્તોનો સમૂહ. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીને મહારાજ અને બાપાશ્રીના સંકલ્પો ઉપર ભરોસો હતો. અને એટલે જ જયારે હરિભક્તો કહેતા કે, "આટલી મોટી જમીનને શું કરવી છે ?" ત્યારે એ પુરુષના મુખમાંથી એક જ વાક્ય સરી પડતું "જો જો તો ખરા...!!! આ ૧૫૦૦ વાર જમીન પણ નાની પડશે." આ એક જ વાક્યના પ્રત્યત્તરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીની દીર્ધ દૃષ્ટિ જણાઈ આવતી જેથી સૌની દલીલો તેમાં સમાઈ જતી.

         મંદિર માટેની જમીનનો દસ્તાવેજ થતાં મંદિર બાંધકામું ભગીરથ કાર્ય કરવાનો ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સંકલ્પ કર્યો. બે માળનું વિશાળકાય મંદિર બાંધવાનું આયોજન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કર્યું. પરંતુ એ સમયે મંદિર-બાંધકામ માટે એક રૂપિયાની પણ સગવડ હતી નહીં. હરિભક્તોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી હતી. નહોતો તેમની પાસે મેન-પાવર કે નહોતો મની-પાવર. તેમની પાસે હતો મેઇન પાવર ને એ મેઇન પાવર હતો ભગવાન સ્વામિનારાયણનો. એકમાત્ર શ્રીજીમહારાજના કર્તાપણાના બળે ગુરુવર્ય પ.પૂ.બાપજીનો મંદિર બાંધવાનો સંકલ્પ ખૂબ પ્રબળ બન્યો. મંદિરના બાંધકામ માટે ફંડ-ફાળો ઉઘરાવવાનું ચાલુ કર્યું. ગામડે-ગામડે ફરીને હરિભક્તો પાસેથી ફંડ ઉઘરાવવા માંડ્યા. એક-એક રૂપિયાનું ફંડ ઉઘરાવવા પણ એ ઘેર ઘેર ફરતા. ઘનશ્યામનગર મંદિરના બાંધકામની સેવામાં સૌથી વધુ સેવા ૫૦૦ રૂપિયાની આવી હતી. એવી આર્થિક ભીંસની વચ્ચે પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ સહેજેય મોળો ન પડતો એને એક-એક રૂપિયા, બે-બે રૂપિયા, પચીસ-પચાસ રૂપિયા હરિભક્તો પાસે ઉઘરાવીને મંદિરનું બાંધકામ ચાલુ કર્યું.

         રાત્રિ-દિવસ ખડે પગે ઊભા રહે. મંદિરના બાંધકામને પાણી પાવાનું કે પછી કપચી વીણવા જેવી સેવાઓ પણ તેઓ જાતે કરતા. તેમ છતાં એમને અનેરો આનંદ અને ઉત્સાહ હતા. કારણ એ મંદિરને પાણી નહોતું પવાતું પણ શ્રીજીમહારાજના ૨૦૦ વર્ષ પૂર્વે રોપેલા બીજનું વટવૃક્ષ તૈયાર કરવાના સંકલ્પને જળસિંચન થતું હતું. મંદિર-બાંધકામની સાથે રોજ નવાં ગામોમાં, નવા વિસ્તારોમાં સભાઓ તો ચાલુ જ. એમાં ક્યારેય રજા નહીં. મંદિરનું બાંધકામ ચાલુ હતું. રોજ સાંજ પડે ને કડિયા-મજૂરોને પૈસા ક્યાંથી ચૂકવવા એ પ્રશ્ન થઈ જતો. છતાંય એકમાત્ર શ્રીજીમહારાજના કર્તાપણાના બળે આર્થિક સંકડામણોની સામે ગુરુવર્ય પ.પૂ.બાપજી ઝીંક ઝીલતા રહ્યા. નહિ ઢીલો વિચાર કે નહિ ઢીલો સંકલ્પ. એકમાત્ર શ્રીજીમહારાજની સનાતન અજોડ ઉપાસના અને સિધ્ધાંતોના પ્રવર્તનના પાતાળે પાયા નાખવા માટે પોતાનું આયખું ઓગાળી નાખ્યું.

         ઈ.સ. ૧૯૭૪ની સાલમાં મંદિર-બાંધકામ અને રંગરોગાન આદિકનું કામ પૂર્ણતાના આરે આવી પહોચ્યું અને પ્રાણપ્યારા ઘનશ્યામ મહારાજ જાણે કે પોતાના સંકલ્પ અનુસાર મુક્તમંડળે સહિત હરિમંદિરમાં બિરાજમાન થવા અતિ તત્પર બન્યા.

         સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના પ્રારંભનું રણશિંગું ફૂંકવાનો સમય પાકી ગયો. સંવત ૨૦૩૦ ચૈત્ર વદ છઠ ને તા.૧૨-૪-૧૯૭૪ ના દિવસે શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના મુક્તમંડળે સહિત બિરાજમાન થયા અને ચારે બાજુ જયજયકાર થઈ ગયો. સૌપ્રથમ વાર મંદિરના સિંહાસનમાં એકમાત્ર શ્રીજીમહારાજ અને તેમના મુક્તોને પધરાવી અજોડ સનાતન ઉપાસનાના અવિચળ ખૂંટ ખોડ્યા. અનંત અવતારોને અને અનંત જીવોને પોતાના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવવાના જે સંકલ્પથી, શ્રીજીમહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા એ જ સંકલ્પને પૂર્ણ કરવા માટે જીવનપ્રાણ બાપાશ્રી અને સમર્થ સદ્ગુરુઓ પધાર્યા. તે સંકલ્પનો આજે જાણે ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્રારા આરંભ થઈ ચૂક્યો હતો. તેથી જ કહી શકાય કે,

         "મહારાજ, બાપા, સદ્ગુરુ આવ્યા, જે પ્રચંડ સંકલ્પ કાજે, અજોડ ઉપાસના ને સ્થિતિ અનાદિ, છડેચોક પ્રવર્તે આજે; ખૂણે વાત થતી નો’ તી તે, થાય વગાડી ઢોલ-નગારાં, આ સંકલ્પ શ્રીજી તમારા, ગુંજે રોમે રોમ અમારા..."

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy