પરિચય

પ્રાગટ્ય : સંવત ૨૦૧૫, આસો સુદ નોમ (દશેરા) (ઈ.સ. ૧૯૫૯, ૮ ઑક્ટોબર)

પ્રાગટ્ય સ્થળ : ગામ - દદુકા, તાલુકો - સાણંદ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

પ્રાગટ્ય આશીર્વાદ : અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામીના (સદ્. મુનિસ્વામીના) દિવ્ય આશીર્વાદથી તેઓનું પ્રાગટ્ય થયું છે.

પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામભાઈ

માતાનું નામ : નર્મદાબા

પિતાનું નામ : કેશવલાલ નંદાણી

ભાઈનું નામ : જગદીશભાઈ નંદાણી

ગુરુનું નામ : શુદ્ધ ઉપાસના પ્રવર્તક અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુદેવ પ.પૂ. બાપજી)

અભ્યાસ : બી.કોમ., ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સી.એ.)

સંત દીક્ષા : સંવત ૨૦૩૭, માગશર સુદ એકાદશી, ગુરુવારના (ઈ.સ. ૧૯૮૦, ૧૮ ડિસેમ્બરના) રોજ ઘનશ્યામનગર (ઓઢવ, અમદાવાદ) મંદિરે આપવામાં આવી હતી.

અધ્યક્ષ : ગુરુદેવ પ.પૂ. બાપજીએ તા. ૨૭-૧૨-૨૦૧૨ના રોજ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે સમગ્ર સત્સંગ સમાજ સમક્ષ તેઓને ઘોષિત કર્યા હતા.

પ્રસિદ્ધિ : ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

૧. અનાદિમુક્તની સ્થિતિના જ્ઞાનની યથાર્થ સ્પષ્ટ સમજૂતી આપી તેનું વિશ્વવ્યાપી પ્રવર્તન કર્યું.

૨. સંત થયા બાદ તરત જ સમગ્ર SMVS સંસ્થાના વહીવટની તમામ જવાબદારી પોતાના શિરે ઉપાડી લઈ ગુરુદેવ પ.પૂ. બાપજીને તેની ચિંતામાંથી મુક્ત કર્યા.

૩. ગુરુદેવ પ.પૂ. બાપજીના પરભાવના દિવ્ય સ્વરૂપની સમગ્ર સત્સંગ સમાજને ઓળખાણ કરાવી, તેઓનો મહિમા અનંતને સમજાવ્યો અને તેમની સાથે આત્મબુદ્ધિ કરવાની રીત શીખવી.

૪. SMVS સંસ્થાનું આદર્શ નેતૃત્વ સંભાળી તેનું સુયોગ્ય રીતે વિવિધ કાર્યાલયોની રચના કરી સંચાલન કર્યું.

૫. સમગ્ર સંત સમાજ અને હરિભક્ત સમાજનું કથાવાર્તા તથા માતૃવાત્સલ્યતા અને વર્તનશીલ જીવન દ્વારા ઘડતર કરીને શ્રીહરિના રાજીપામાં વર્તતા, દિવ્યજીવન જીવતા, વર્તનશીલ અને ગુણવત્તાસભર સમાજની રચના કરી.

૬. શ્રીજીસંમત કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને ઉજાગર કરી છડેચોક પ્રવર્તાવ્યા.

ગુરુદેવ પ.પૂ.બાપજીને ‘'સ્વામી દેવનંદનદાસજી'’માંથી ‘'બાપજી'’નું અજોડ બિરુદ સમગ્ર સંત-હરિભક્ત સમાજના અંતરે અને મુખમાં ગુંજતું કર્યું.

૭. SMVSના શૂન્યમાંથી સર્જનના સર્વે દાખડા, સર્વે સફળતાનો સર્વે યશ પોતાના બદલે હરહંમેશ ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણે જ સમર્પિત કર્યો. પોતે સંપૂર્ણ સેવકભાવે વર્ત્યા છે તથા વર્તી રહ્યા છે.

સાહિત્યિક સેવા : તેઓએ જ્ઞાન, સિદ્ધાંત, વર્તન તથા સંસ્કારલક્ષી અનેક પુસ્તકોની રચના કરી તથા કરાવી રહ્યા છે.

 

ટૂંક પરિચય :

પ્રાગટ્ય : 

ગુરુદેવ પ.પૂ. બાપજીનું જે હેતુ માટે પ્રાગટ્ય હતું તેને પૂર્ણ કરવા માટે પોતાના ક્રાંતિકારી કાર્યના પ્રારંભ અગાઉથી જ પૂર્વાપર આયોજન રૂપે તેઓશ્રીએ અમીરપેઢીના સમર્થ સદ્‌. મુનિબાપા પાસે પ્રાર્થના કરી. દદુકા ગામના પ.ભ. શ્રી કેશવલાલ ઠક્કરના ઘેર પુત્રનાં પારણાં બંધાય અને એ પુત્ર પણ મહારાજ પોતાના મુક્ત સ્વરૂપે મોકલે તેવી પ્રાર્થના કરી. ત્યારે સદ્‌. મુનિબાપાએ આશીર્વાદ આપ્યા કે, “જાવ, એક નહિ બે પુત્ર થશે; પરંતુ આધા તુમ્હારા… આધા હમારા…” સદ્‌. મુનિબાપાના સંકલ્પ ને આશીર્વાદ અનુસાર સંવત ૨૦૧૫, આસો સુદ નોમ (દશેરા), ગુરુવાર; તા. ૮-૧૦-૧૯૫૯ના રોજ રાત્રે ૧ વાગ્યા બાદ પ્રાગટ્ય થયું ‘આધા હમારા’ એટલે મુક્તરાજ ઘનશ્યામભાઈનું.

ભક્તિમય જીવન :

તપ, ત્યાગ, વૈરાગ્ય, સાદગી, ભજન-ભક્તિમય જીવન, સંસાર પ્રત્યે સંપૂર્ણ અનાસક્તિ આદિ કલ્યાણકારી ગુણોથી એમની પ્રતિભા બાલ્યાવસ્થાથી જ જુદી તરી આવતી. બાલ્યાવસ્થાથી જ સદ્‌. મુનિબાપા સાથે એવી અપ્રતિમ પ્રીતિ અને આત્મબુદ્ધિ કેળવી તેઓશ્રી સદ્‌. મુનિબાપાનો અતિશે રાજીપો કમાયા હતા. અવરભાવમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે  તેઓશ્રી સંવત ૨૦૩૫ના ચૈત્ર સુદ નોમ અર્થાત્ તા. ૧૬-૦૪-૧૯૭૮ ને રવિવારના રોજ સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજીના યોગમાં આવ્યા અને જાણે ‘પ્રથમની પ્રીત હતી ને પ્રથમ મેળાપ થયો’ તેમ સમુદ્રનું પાણી સમુદ્રમાં સમાઈ ગયું એ ન્યાયે મુક્તરાજ ઘનશ્યામભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પમાં હોમાઈ ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજી સાથે અપ્રતિમ પ્રીતિ કરી, આત્મબુદ્ધિ કરી રાજીપો કમાયા.

ગૃહત્યાગ :

તા. ૭-૧૦-૧૯૮૦ના મંગળકારી રાત્રે તાત્કાલિક ફોનથી બોલાવી ઘનશ્યામનગર મંદિરના જમણી બાજુના બાંકડા ઉપર રાત્રે બાર વાગ્યે ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાના વ્હાલસોયા શિષ્યને હાંકલ કરી, “તમે શું કરવા આવ્યા છો અને શું કરો છો મહારાજના સંકલ્પમાં ભેગા ભળવાનો સમય પાકી ગયો છે માટે આવી જાવ. વાર કરે તે પોષાય તેમ નથી માટે આવી જાવ...

ઘનશ્યામભાઈ એ વખતે સી.એ.નો અભ્યાસ કરતા હતા. પરીક્ષા નજીક આવી ગઈ હતી. તેથી તે અંગે આગળ શું કરવું તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પૂછ્યું,

સ્વામીસી.એ.ની પરીક્ષાના હવે પંદર દિવસ જ બાકી છે. સી.એ.ના અભ્યાસમાં છેલ્લા ચાર વર્ષથી ખૂબ મહેનત કરી છે. માટે જો આપ રાજી હોય તો પરીક્ષા આપ્યા બાદ સેવક આવી જાય. છતાં કોઈ ઠરાવ નથી. આપ જેમ રાજી હોય તેમ જ કરવાનું છે.” એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાના અનુગામી વારસદારને આજ્ઞા કરતાં કહ્યું

તું આ લોકનું ઑડિટ કરવા નથી આવ્યો. તું તો અનંત જીવોનું ઑડિટ કરી ઠેઠની સહી કરવા આવ્યો છે. માટે તૈયાર થઈ જાવ. જે હેતુથી મહારાજ આપણને લાવ્યા છે તે સમય પાકી ચૂક્યો છે. મહારાજબાપા તને બોલાવી રહ્યા છે માટે આવી જા.” આવી ગુરુની હાકલ થતાં જ મુક્તરાજ ઘનશ્યામભાઈએ ગૃહત્યાગ કરી દીધો.

સંત દીક્ષા :

જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિદ્ધાંતોને ઉજાગર કરવા માટેના વિરોધોના વંટોળ વચ્ચે મુક્તરાજ ઘનશ્યામભાઈની સંત દીક્ષા નક્કી થઈ. મહારાજનો સંકલ્પ કંઈક જુદો જ હતો. તેથી ગુરુદેવ પ.પૂ. બાપજીએ વરતાલના ૧૮મા વચનામૃતમાં શ્રીજીમહારાજે જણાવેલ “તમારા સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઇષ્ટદેવ હું જ છું.” મુજબ ઘનશ્યામનગર, અમદાવાદ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ અને વ્હાલા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સમક્ષ તા. ૧૮-૧૨-૧૯૮૦ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે ભાગવતી દીક્ષા વિધિનો  પ્રારંભ કર્યો. આ ભાગવતી દીક્ષા સ્વયં શ્રીજીમહારાજ પોતે આપે છે તેવું પ્રગટપણું જણાવતાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે પ્રગટપણે પાર્ષદવર્ય ઘનશ્યામ ભગતના ભાલ મધ્યે ચાંદલો કર્યો, કંઠમાંથી હાર પહેરાવ્યો અને વસ્ત્રો આપ્યાં તથા આશીર્વાદ આપતાં કહ્યું, “આ દીક્ષા તને હું આપું છું. ગમે તેવો અધમ અને પાપી જીવ હશે પણ તું એનો મોક્ષસંબંધી જે જે સંકલ્પ કરીશ તે અમે પૂરો કરીશું અને એને છેક મૂર્તિના સુખમાં પહોંચાડીશું. માટે અમે સદાય તારા ભેળા છીએ.” મહાપ્રભુના આશીર્વાદે આ પાર્ષદમુક્તનું નામ આપ્યુંસાધુ સત્યસંકલ્પદાસ’. આ દિવ્ય ભાગવતી દીક્ષાનાં દિવ્ય દર્શન દીક્ષામાં ઉપસ્થિત ઘણા હરિભક્તોને થયાં હતાં.

આધ્યાત્મિક – વ્યવહારિક વારસદાર  :

સંત દીક્ષા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીના સંકલ્પોમાં ભળી ગયા અને ગુરુદેવ પ.પૂ. બાપજીની તમામ આધ્યાત્મિક અને વ્યવહારિક ચિંતા પોતાના શિરે લઈ સમગ્ર સત્સંગ સમાજના ઘડતર માટેની દિવ્ય સેવામાં રત થયા. ત્યારથી અદ્યાપિ ગુરુદેવ પ.પૂ. બાપજીની રુચિ અને આજ્ઞાનુસાર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમગ્ર એસ.એમ.વી.એસ. સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે.

તા. ૨૭-૧૨-૨૦૧૨ના રોજ સંસ્થાના ‘રજત જયંતી મહોત્સવ’ ઉપક્રમે હજારો અને લાખોની જનમેદની સમક્ષ ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ઘોષિત કર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મહિમા સૌને કહી ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાના અંતરના રાજીપાને વ્યક્ત કરી રહ્યા હતા :

 “સૌ આ સ્વામીનો મહિમા સમજજો. જ્યારથી આ સ્વામી આવ્યો છે ત્યારથી અમને રતિભાર જેટલો ભીડો પણ આવવા દીધો નથી. મોટા મોટા સમૈયા-ઉત્સવ થાયકરોડોનાં મંદિરો બંધાય એ બધું કેવી રીતે પૂરું થાય છે તેની મને કાંઈ ખબર નથી. સ્વામી બધું પતાવે છે. અને જ્યારથી સ્વામીને જવાબદારી સોંપી છે ત્યારથી રંચમાત્ર પણ અમારી મરજી વિરુદ્ધ કર્યું નથી. ગમે એટલાં આયોજનો કરીને લાવ્યો હોય પણ હું ના પાડું એટલે તરત આયોજન ઉપર લીટી તાણી દે. પછી ફરી ક્યારેય એ આયોજન માટે પ્રાર્થના પણ ન કરે. આ સ્વામી નિરંતર અમારી રુચિમાં રહે છે માટે તમે સૌ એની આજ્ઞામાં રહેજો. નિરંતર એના રાજીપા સામે દૃષ્ટિ રાખજો. અમારા પછી આ સંસ્થાની આધ્યાત્મિક તથા વ્યવહારિક બધી જ પાવર ઑફ એટર્ની અમે આ સ્વામીને આપી દીધી છે. અમારા પછી એને જ અમારા અનુગામી તરીકે આ કારણ સત્સંગના સત્પુરુષ સ્થાને તથા એસ.એમ.વી.એસ સંસ્થાના પ્રમુખ સ્થાને જાહેર કર્યા છે. અમારા પછી સંસ્થાના તમામ નિર્ણયો એ જ લેશે. અને એટલે જ અમે અમારા પછી સ્વામીને જ મોટા કર્યા છે. માટે એની રુચિમાંઆજ્ઞામાંએના આપેલા નિયમમાં રહેજો ને ખૂબ રાજી કરજો. હું સૌ સંતોને પણ કહું છું ને હરિભક્તોને પણ કાયમ કહું છું કે એના જેવા ગુણ શીખજો. અને એ માટે એની સામે દૃષ્ટિ રાખજો. વર્તમાનકાળે ગુરુદેવ પ.પૂ. બાપજીના શિષ્ય મંડળમાં સૌ સંતો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના રાજીપામાં નિરંતર વર્તે છે તથા સમગ્ર હરિભક્ત સમાજ પણ તેઓના રાજીપામાં નિરંતર વર્તે છે.

ગુરુદેવ પ.પૂ. બાપજીના સ્વમુખે ગવાયેલ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું મહાત્મ્ય :

જેદી મારી જોડે એકેય સાધુ નહોતો તેદી મહારાજ ને બાપા આગળ પ્રાર્થના કરેલીહે દયાળુ ! મારે તમારા સિદ્ધાંતનો પ્રચાર કરવો છે... ને જોડમાં કોઈ સાધુ નહીં ! મને એક સાધુ આપો. એક આપો પણ એવો ખરેખરો આપજો કે જે મારા કરતાંય સવાયો હોય. એવું મહારાજ ને બાપા આગળ માગ્યું હતું તે મહારાજ ને બાપાએ આ સ્વામીની (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની) ભેટ આપી. તે આજે પસ્તાઉં છું કે મેં માગી માગીને એક જ માગ્યો જો ઢગલાબંધ માગ્યા હોત તો અનંતકોટિ બ્રહ્માંડમાં ડંકો વાગી જાત.

આ સ્વામી પરભાવનો છે. પરભાવમાંથી આવ્યો છે એટલે સાથે પરભાવ લાવ્યો છે. એટલે એ આખા સત્સંગને પરભાવ દૃઢ કરાવવા મથે છે. અને આખા સત્સંગને એણે પરભાવમાં રાચતો કર્યો છે.

સંપ્રદાયના સઘળા સાધુને એક પલ્લામાં મૂકો ને બીજા પલ્લામાં સ્વામીને મૂકો તોય સ્વામીનું પલ્લું ઊંચું નહિ થાય.

બધાયે સ્વામી સામે દૃષ્ટિ રાખવી. એ વઢેરોકેટોકે તોપણ ગમાડવું. મારે તમને રોકટોક કરવાની ઓછી છેસ્વામીને રોકટોક ઝાઝી કરવાની છે. એનામાં વિશેષ દિવ્યભાવ રાખવો. બધાય તમે સ્વામી જેવા થજો.” 

 “સ્વામી જેવો આગ્રહ અમે અમારા સાધુજીવનમાં આજદિન સુધી જોયો નથી. અમે તો સત્સંગમાં ખૂબ વિચર્યા છીએ... મોટા સંતો પાસે નંદપંક્તિના સંતોની ગાથા સાંભળી છે ને દાસપંક્તિનાને જોયા પણ અમને આવો મહારાજના સ્વરૂપમાં જોડવાનો તરવરાટ અન્ય ક્યાંય જણાયો નથી...

સંતો તથા હરિભક્તોનું ઘડતર કરવાનો... શ્રીજીમહારાજના ગમતાપાત્ર કરવાનો આગ્રહ અને એ માટેનો એનો દાખડો... આ સ્વામી જેવો અત્યાર સુધી કોઈ સદ્ગુરુએ કર્યો હોય એવું જણાતું નથી. એનો આગ્રહ જોઈએ... એની ધગશ જોઈએ તો ખ્યાલ આવે કે સૌને પુરુષોત્તમરૂપ પાત્ર કરવા માટે એ કેટલું કરે છે...! કેટકેટલાં અવનવાં આયોજનો કરે છે...! આપણે તો થાકી જઈએ...!” 

સ્વામીને રાજી કરશો તો સ્વામી જેવા બેઠા ગુણો તમારામાં આવી જશે. સ્વામી તો દિવ્ય ગુણોનો દરિયો છે. તેમની સામે દૃષ્ટિ રાખશો તો સદાય અધૂરું જ મનાશે... સદાય દાસપણું રહેશે... કદીયે માથું ઊંચું નહિ થાય અને આગળ વધવાનું બળ મળશે... અરેસ્વામી જેવી ઝળહળતી સાધુતા આવશે... માટે આ સંકલ્પ પ્રબળ રાખશો તો સ્વામીને વધુ ને વધુ રાજી કરી શકશો...આ જ કરજો...

 “સ્વામી અમારી રુચિ બહાર આટલું પણ (જરા પણ) ન કરે...! પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ કે એક વચનામૃતનું પુસ્તક પણ જો કોઈને ભેટ આપવું હોય તો એ મને પૂછ્યા વગર ન આપે...!

અમારા સંકલ્પથી સ્વામીનો સંકલ્પ જુદો નહિઅમારી મરજીથી એની મરજી જુદી નહિઅમારી રુચિથી એની રુચિ જુદી નહીં - અમારો સંકલ્પઅમારી મરજી ને અમારી રુચિ એ જ સ્વામીનો સંકલ્પમરજી ને રુચિ. કોઈ વાતે સહેજ જુદું નહીં. અને જે આવું કરી શકેવર્તી શકે એની જ નેગેટિવની પૉઝિટિવ થાય.

ગુરુદેવ પ.પૂ. બાપજી એ જ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એ જ ગુરુદેવ પ.પૂ. બાપજી. આ એ પુરુષોની અલૌકિક એકતા છે. જેની સાખ ગુરુદેવ પ.પૂ. બાપજીના તા. ૧૪-૭-૨૦૧૯ના રોજ રાજકોટ ખાતે ગુરુપૂર્ણિમા પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી માટે અપાયેલા આશીર્વાદ પૂરે છે : હું સદાય સ્વામી ભેળો જ છું. સ્વામી જે જે કરે છે તે બધું હું જ કરું છું. કારણ કે સ્વામી એ હું છું અને હું એ સ્વામી છે એમ જ સૌએ સમજવું.” 

ગુરુદેવ પ.પૂ. બાપજીની જ સંપૂર્ણ પ્રતિકૃતિ સમાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા અનુગામી દિવ્ય સત્પુરુષ ગુરુદેવ પ.પૂ. બાપજીએ આપણને આપ્યા છે. ત્યારે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના ચરણોમાં કોટિ કોટિ વંદન.