બાપાશ્રીનો સિધ્ધાંત છડેચોક વિસ્તારવાનું મહાભિનિષ્ક્રમણ કાર્ય આરંભાયું  
     
 

         સંવત ૧૯૭૫ (ઈ.સ. ૧૯૧૯)માં સત્સંગ મહાસભાની સ્થાપના થયા બાદથી ચોમેર બાપાશ્રીએ સમજાવેલ ભગવાન સ્વામિનારાયણના મૂળ જ્ઞાન-સિધ્ધાંતોના બહિષ્કારનો બળવો ફાટી નીકળ્યો હતો. બાપાશ્રીના હેતવાળા સમાજ માટે સંપ્રદાયમાં ચારેબાજુ વિરોધાત્મક વાતવરણ સર્જાયું હતું જે હજુ પણ શમ્યું નહોતું. ત્યાં બાપાશ્રીના જ્ઞાન-સિધ્ધાંતોની વાત કરવી એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજ સામે ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ પોકારવા જેવી અતિશે દુષ્કર સ્થિતિ હતી. ખૂણામાં બેસીને પણ બાપાશ્રીના સિધ્ધાંતનો પ્રચાર શક્ય નહોતો એવા કપરા સમયમાં, નિર્ભય અને નીડર સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ બાપાશ્રીએ સમજાવેલ ભગવાન સ્વામિનારાયણના સિધ્ધાંતોને છડેચોક વિસ્તાર્યા.

         શુધ્ધ નિર્મળ જળનું ટીપું નહિ પરંતુ ગોળના પાણીનું ટીપું કે મધનું ટીપું જો કોઈ ઢેકાણે પડ્યું હોય તો કીડી-મકોડાને આમંત્રણ આપવું પડે ? એ તો વગર આમંત્રણે દોડતાં આવે જ.

         બનાવટી ગુલાબનું ફૂલ નહિ પરંતુ વાસ્તવિક (સાચું ) ગુલાબનું ફૂલ ખીલ્યું હોય તો તેનો રસ પામવા મધુકરને સંદેશાવાહક મોકલવો ન પડે, એ તો ફૂલની ફોરમે રસ માણવા પહોંચી જ જાય.

         એવી રીતે જ્યાં શુધ્ધ સર્વોપરી જ્ઞાન-સિધ્ધાંતોનો છડેચોક અવિરત પ્રવાહ વહેતો હોય ત્યાં જ્ઞાન પિપાસુ મુમુક્ષુઓને બોલાવવા ન પડે, ખંચવા ન પડે, એ તો એ દિવ્યસ્થાન અને દિવ્યપુરુષની આભા એમને આકર્ષે જ.

         ઈ.સ. ૧૯૭૪માં ઘનશ્યામનગર મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજની રંગેચંગે પ્રતિષ્ઠા થઈ અને મહાપ્રભુ મુક્તમંડળે સહિત કાયમી બિરાજ્યા ત્યારથી અનેકાનેક મુમુક્ષુ જીવો આવતા ગયા. ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાધુતાથી ઝળહળતી સૌમ્ય મૂર્તિ અને મુખકમળમાંથી નિતાંત વહેતા સત્સંગના ધોધમાં ભીંજાતો હરિભક્ત સમુદાય પાંગરતો ગયો. નિત્ય નવા હરિભક્તો આવતા ગયા અને સત્સંગના રંગે રંગાવા માંડ્યા.

         આ સમયમાં એકમાત્ર શ્રીહરિના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ અનંત જીવોને કરાવવાની જાણે કે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ નેમ લીધી હોય કે શું ? એવી રીતે ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખકમળમાંથી બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો વણથંભ્યો પ્રવાહ વહેવા માંડ્યો. ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે હોય કે પછી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા હોય છતાં એ વિરોધોની વચ્ચે પણ આવનાર મુમુક્ષુઓને તેઓ તેમની આગવી શૈલીમાં એવું તો જ્ઞાન પીરસતા કે સામેવાળાને શીરાની જેમ ગટ દઈને ઊતરી જતું. દિવસે દિવસે મોટા મંદિરે (કાલુપુર મંદિરે ) આ ગોટલીવાળા સ્વામીના આસને હરિભક્ત સમાજનો ધસારો વધવા માંડ્યો.

         ઉનાળાના ચૈત્ર-વૈશાખના ધગધગતા અંગારા જેવો ધોમધમતો તાપ હોય ત્યારે હરિભક્તો મોટા મંદિરે ઠાકોરજીને અને સંતોને કેરીની રસોઈઓ દેતા. ભંડારમાં રોજ કેરીના ઢગલે ઢગલા થતા. પરંતુ સાધુતાના મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ.બાપજી તો તેને લગારેય ગ્રહણ ન કરે. સાંજ પડે સંતો-હરિભક્તોએ રસ કાઢી જે ગોટલા ફેંકી દીધા હોય, એ ફેંકી દીધેલા ગોટલાને ગુરુવર્ય પ.પૂ.બાપજી વીણી વીણીને ભેગા કરે. એ ભેગા કરેલા ગોટલાને ફોડી તેમાંથી ગોટલી કાઢી લેતા. ત્યારબાદ એ ગોટલીને બાફી એના ઝીણા ટુકડા કરી તેને ઉપયોગ દર્શનાર્થીઓને પ્રસાદી આપવા માટે કરતા. ગુરુવર્ય પ.પૂ.બાપજી એકલપંડે આવા ફેંકી દીધેલા ગોટલાને પ્રસાદીરૂપ કરવાનો દાખડો કરતા.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને જે કોઈ હરિભક્તો દર્શન કરવા આવે તેમને ગુરુવર્ય પ.પૂ.બાપજી સંકલ્પના વાવેતરની બીજરૂપી ગોટલીની પ્રસાદી આપતા. જે જે હરિભક્તોએ એ વખતે જાણે-અજાણે પ્રસાદીરૂપ બીજ સમી ગોટલી જમાડી હતી તેઓ આજે સત્સંગમાં વટવૃક્ષ તૈયાર થતું ગયું.

         મહાપ્રભુની પરિક્રમા દરમ્યાન પાયેલાં અમૃત-પીયૂષ પણ હરિભક્તો માટે સંજીવની સમાન બનતાં ગયાં. ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિયમ ધર્મની દૃઢતા અને સાધુતા જોઈ અનેકાનેક મુમુક્ષુ જીવો સહેજે આકર્ષાતા. પરંતુ, ચારેબાજુ વિરોધનું વાતાવરણ હતું. ગુરુવર્ય પ.પૂ.બાપજી જો કોઈ હરિભક્તની સાથે મંદિરમાં વાતચીત કરે કે ઊભા રહે તો કેટ-કેટલાય પ્રશ્નોની પરંપરા સર્જાતી. અપમાનો અને તિરસ્કારની ઝડી વરસતી. ગુરુવર્ય પ.પૂ.બાપજીને સાધનની જરૂર નહોતી છતાં આપણને શીખવવા ઘનશ્યામ મહારાજની દિવસ દરમ્યાન વિશેષે કરીને પ્રદક્ષિણા કરતા. પ્રદક્ષિણામાં પાછળના ભાગમાં હરિભક્તની ભેગા રહીને શ્રીજીમહારાજના અને બાપાના મહિમાની જેમ છે તેમ વાત કરે. પાછા આગળ આવતાં છૂટા થઈ જાય. વળી પાછા પાછળ ભેગા થાય. આવી રીતે પ્રદક્ષિણામાં વાતો કરતા. અનેકાનેકના જીવમાં મહારાજ પધરાવી દેતા. અનેકાનેક મુમુક્ષુ જીવોને સાચા જ્ઞાનનું દાન કરવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ પોતે અપાર દાખડા કર્યા અને સત્સંગ વધાર્યો.

         ઈ.સ.૧૯૭૫થી ઘનશ્યામનગર મંદિરે બ્રહ્મસત્રો ચાલુ કર્યા. એ વખતે મંદિરની કોઈ એવી આવક નહીં. નવો-નવો હરિભક્તોનો સમાજ છતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી પાંચ-પાંચ દિવસનાં બ્રહ્મસત્રોનું વર્ષમાં બે વખત એકલા હાથે આયોજન કરતા. આયોજક-પ્રયોજક કહો કે પછી પ્રવક્તા કહો એ પણ ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતે જ હતા. સવારે ૮થી ૧૨, સાંજે ૪થી ૭ અને રાત્રે ૯થી ૧૨ વાગ્યા સુધી એકલપંડે કથાવાર્તાનો રસ પીરસી સૌને સુખિયા કરવાના તેમ છતાં તમામ સમિતિના લીડર ગણો કે સંયોજક ગણો જે ગણો તે પોતે જ હતા. આમ, બ્રહ્મસત્રની પૂર્વતૈયારીથી માંડી આટોપવા સુધીની સંપૂર્ણ સેવા ગુરુવર્ય પ.પૂ.બાપજી એકલે હાથે કરતા.

         બ્રહ્મસત્રમાં ગુરુવર્ય પ.પૂ.બાપજીના મુખકમળમાંથી નિઃસૃત થતાં બ્રહ્મસૂત્રો અને ઠેઠની પરાવાણીથી અનેકનાં જીવન પરિવર્તન થતાં. દિશાશૂન્ય થયેલાને સાચી દિશા મળતી હતી. બ્રહ્મસત્રો દ્રારા હરિભક્ત સમાજ દિવસે-દિવસે બળિયો થતો ગયો.

         સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ વખતે બાપાશ્રીના સિધ્ધાંતો અને ૫ાન માટે વિરોધાત્મક વાતાવરણ સર્જાયેલું હતું. છતાંય ગુરુવર્ય પ.પૂ.બાપજીએ બાપાશ્રીના સિધ્ધાંતોને છડેચોક પ્રવર્તાવવાનું આગવું બીડું ઝડપ્યું. જયાં ચારેબાજુ બાપાનો વિરોધ હતો ત્યાં જ બધાની વચ્ચે રહીને, ગુરુવર્ય પ.પૂ.બાપજી બાપાશ્રીનો જેમ છે તેમ મહિમા કહેતા. બાપાશ્રીની વાતો વાંચતા, વંચાવતા. છતાંય ન તો ઊંચી કોઈ નજર કરીને સામે જોઈ શકે કે ન તો કોઈ ઊંચો અવાજ પણ ઉઠાવી શકે તેવો તો એમનો પ્રભાવ વર્તતો હતો.

         "સાચા શૂરા રે જેના વેરી ઘા વખાણે " એમ ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરમાં રહેતા છતાં કેટલાક દ્વેષીઓ તથા ઈર્ષ્યાળુઓ ને વિરોધીઓ પણ એમ બોલી ઊઠતા કે, આ મંદિરમાં આ દેવ સ્વામી એકસો દસ ટકા બાપાવાળા છે.

         મોટા મંદિરે બાપાશ્રીના સિધ્ધાંતોનું પ્રવર્તન કરવામાં ઘણાં વિધ્નો સહન કરવાં પડતાં પરંતુ બાપાશ્રીના સિધ્ધાંતો જેમના રોમરોમમાં અંકિત થયેલા હોય તે તેને વહાવ્યા વગર કેમ રહી શકે ? હરિભકત સમાજને બાપાના જ્ઞાનથી રંગી નાખવાની એક ભારે જહેમત ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઉઠાવી હતી.

         હરિભક્તોને જ્ઞાન-સિધ્ધાંતમાં બળિયા કરવા માટે ગુરુવર્ય પ.પૂ.બાપજી એક-એકને અંગત બેસાડી -બેસાડીને લાભ આપતા.સવારે મંગળા આરતીનાં દર્શનથી શરૂ કરીને પછી રાત્રે ૧૧:૦૦ વાગ્યાં સુધી ગુરુવર્ય પ. પૂ.બાપજીના આસને હરિભક્તોની ભીડ ખૂટતી જ નહીં. એક હોય કે પછી બે હોય; બસ, દરેકના જીવમાં, મહારાજ પધરાવવાના એક અદમ્ય તરવરાટનાં સદૈવ દર્શન થતાં. એક- એકની પાછળ કલાકોના કલાકો સુધી ભગવાન સ્વામિનારાયણ અને જીવનપ્રાણ બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતો સમજાવવા દાખડો કર્યા જ કરે; થાકવાનું તો કદી નામ જ નહીં. પ્રસાદીભૂત સ્થાનોના વિવિધ યાત્રા-પ્રવાસો તથા પદયાત્રાઓ દ્રારા હરિભક્ત સમાજને બાપાના જ્ઞાનથી બળિયો કરતા જ રહ્યા.

         જીવનપ્રાણ બાપાશ્રીએ સમજાવેલા શુધ્ધ સિધ્ધાંતોને ગુરુવર્ય પ.પૂ.બાપજીને માત્ર ૨૫-૫૦-૧૦૦-૫૦૦ વ્યક્તિઓ પૂરતા જ સીમિત નહોતા રાખવા. વિશ્વવ્યાપી પ્રચાર કરી અનંતાનંત જીવો સુધી આ સિધ્ધાંતો પહોંચાડવા હતા; તેથી શું આ દિવ્યપુરુષ એક સ્થાને બેસી રહે ? ના... ના...

         ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા હતા એ વખતે એમના મંડળમાં એકેય સાધુ નહોતા છતાં બાપાના સિધ્ધાંતોને વિશ્વવ્યાપી કરવાનો સંકલ્પ જ કંઈક જુદો હતો. પોતાની જોડમાં બીજા સાધુના મંડળમાંથી ઉછીના સાધુ લઈને પણ ગામડે-ગામડે, શહેરે-શહેરે બાપાશ્રીના સિધ્ધાંતોના પ્રચાર માટે ખૂંદી વળતા. જોડે રહેનારા ઉછીના સાધુ પણ અજબ-ગજબની લીલાનાં દર્શન કરાવતા. ક્યાંક રિસાય, હઠે ભરાય, જીદે ચડે. ગામોગામ વિચરણ કરતા ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજી ખુદ પોતે બધો સામાન ઊંચકતા, રસોઈ કરતા, કથાવાર્તા પણ કરતા. ગામડાંઓમાં બાપાના હેતવાળા સાધુ જાણીને લોકો એમનો તિરસ્કાર કરતા, મંદિરમાંથી કાઢી મૂક્તા, ઉતારા ન આપતા છતાં બાપાના સિધ્ધાંતોના પ્રચાર માટે વર્ષો સુધી ગામોગામ ફરતા ને અનેક કષ્ટો સહન કરતા. સંપ્રદાયમાં જે બાપાશ્રીના નામથી પણ સમાજ વંચિત હતો ત્યાં આ પુરુષના અગન જ્વાળા સમ કઠિનાઈની કેડી ઉપર ચાલવા જેવા પુરુષાર્થે બાપાશ્રી... બાપાશ્રી... આ શબ્દ ગુંજતો કરી મૂક્યો.

         ઘનશ્યામનગર મંદિરે મૂર્તિપ્રતિષ્ઠા થયા પછી ગુરુવર્ય પ.પૂ.બાપજી ક્યારેક ત્યાં રહેતા હતા. તો બહુધા મોટા મંદિરે એમના આસને જ રહેતા હતા. કેમ કે શહેરના હરિભક્તોનો સમાજ એમના સમાગમના અંગવાળો હતો તેથી તેઓ ત્યાં રહેતા. દર અઠવાડિયે અથવા સભા પ્રસંગે પધરામણી, મહાપૂજા પ્રસંગે અવાર-નવાર ઘનશ્યામનગર મંદિરે તેઓ આવતા રહેતા. એ વખતે વાહનોની મુશ્કેલી એટલે તેઓને પગપાળા ચાલીને આવવું પડતું. પૈસાને અડતા નહિ, રાખતા નહિ કે રખાવતા પણ નહીં. તેથી રિક્ષામાં આવવું પણ મુશ્કેલ બનતું. જો કોઈ હરિભક્ત રિક્ષામાં સાથે હોય તો રિક્ષા ભાડે કરી આપતા. એવી રીતે એમના ઘનશ્યામનગર મંદિરમાં એમની આવન-જાવન ચાલુ રહેતી. ધીરે ધીરે હરિભક્તોનો સમાજ ખૂબ વધી ગયો ને બળિયો પણ ખૂબ થઈ ગયો, જે અન્ય વિઘ્નસંતોષીઓથી સહ્યું ન ગયું. તેથી આ બધું રોકવાના પ્રયત્નો ચાલ્યા ને એમાંય તેઓની કાનભંભેરણી તો ચાલુ જ હતી. અંતે એવો સમય આવ્યો કે ગુરુવર્ય પ.પૂ.બાપજીને બળજબરીથી ત્યાગાશ્રમ છોડાવવાનો પ્રયત્ન થવાનો છે - આવી હિલચાલની ગંધ હરિભક્તોને આવી ગઈ. એટલે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને કહ્યું કે તમારે હવે મોટા મંદિરે રહેવું હિતાવહ નથી. ત્યાર પછી ઘનશ્યામનગર મંદિરે જ તેઓ રહેવા લાગ્યા ને એમના દાખડે સત્સંગની મહેક ચોમેર પ્રસરવા લાગી.

         ઘનશ્યામનગર મંદિરે સવિશેષ રહેવાનું થતું હોવાથી શહેર વિસ્તારના હરિભક્તોને ઘનશ્યામનગર મંદિર દૂર પડતું હતું. માટે તે હરિભક્તોને સત્સંગના પોષણનું શું ? ને એ વખતે ચારેબાજુ ગુરુવર્ય પ.પૂ.બાપજી પ્રત્યે વિરોધાત્મક વાતાવરણ હતું. આવા વાતાવરણમાં હરિભક્તો બળિયા કેમ રહી શકે ? તેઓ ક્યાં સુધી ઝઝૂમી શકે ? ને જો સમાગમ ન મળે તો દિવસે દિવસે સત્સંગમાં ઢીલાશ આવતી જાય. શહેર વિસ્તારના હરિભક્તોની ચિંતા ગુરુવર્ય પ.પૂ.બાપજીને રહેતી એટલે શહેર વિસ્તારમાં ક્યાંક જો સ્થળ મળે તો સભા કરવી એવું તેઓએ વિચારેલું. દરમ્યાન લાંબેશ્વરની પોળમાં બે માળનું ભૂતિયું મકાન વેચવા માટે કાઢેલું. મકાનની ઉપરના માળે અંદરના રૂમમાં કોઈ એક બાઈ ભૂત થયેલી જેનું નારિયેળ ને ચૂંદડી પણ અંદર ગોખલામાં રાખેલાં અને રોજ ત્યાં ફરજિયાત દીવો કરવો જ પડે અને જે વ્યક્તિ એ મકાનમાં રહેવા આવે તેને હેરાન-પરેશાન કરી મૂકે. તેથી આ મકાન વેચવા કાઢેલું. ગુરુવર્ય પ.પૂ.બાપજીને આ મકાન અંગે વાત કરી. તેઓએ કહ્યું કે જો કિંમતમાં ફાયદો થતો હોય તો આપણે એ મકાન લઈએ. અને જે મકાન કોઈ નહોતું ખરીદતું કે નહોતું કોઈ ભાડે રહેતું તે મકાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ "ઘનશ્યામ સામયિક "ઓફિસ માટે તેના ટ્રસ્ટ અન્વયે ખરીદી લીધું. ગુરુવર્ય પ.પૂ.બાપજી એ મકાને પધાર્યા. જે ઓરડામાં ભૂતનો નિવાસ હતો તે ગોખલામાંથી નારિયેળ-ચૂંદડી હટાવી લીધા. ગોખલામાં હરિકૃષ્ણ મહારાજને પધરાવી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય કરી. નારિયેળને વર્તમાન ધરાવી ભૂતનો મોક્ષ કર્યો. ત્યારબાદ મકાન મળતાં શહેરી ભક્તો માટે રોજ સભા થવા લાગી. ગુરુવર્ય પ.પૂ.બાપજી પણ અઠવાડિયે, એકાદશીએ ને પૂનમે લાભ આપતા. એમ શહેરના હરિભક્તોનો સત્સંગ પુષ્ટ થતો ગયો.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy