ગુરુના કાર્યને પ્રવેગમાન કરનાર શિષ્યની ભેટ મળી  
     
 

         ઈ.સ. ૧૯૫૬માં શ્રીજીમહારાજના સંકલ્પોના નૂતન ક્રાંતિકારી સર્જક એવા ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ત્યાગાશ્રમ સ્વીકારી પોતાના ભગીરથ કાર્યનો પ્રારંભ કર્યો. તેઓના પ્રાગટ્યનો હેતુ બહુ સ્પષ્ટ હતો. ભગવાન શ્રી સ્વામિનારાયણની સર્વોપરી અને અજોડ ઉપાસનાનું સ્થાપન કરવું અને અનાદિમુક્તની સ્થિતિના જ્ઞાનના ખૂંટ ખોડવા. આ હેતુ માટે જ તેઓનું પ્રાગટ્ય હતું. આ હેતુને સાકાર સ્વરૂપ આપવા પોતે એકલપંડે ક્રાંતિકારી જહેમત ઉઠાવી હતીઃ
"એકલપંડે વિપત વેઠી, સહ્યાં કષ્ટ હરખાતાં;

                                                                       વેણ કવેણ ને અપમાનો તો, કોઠે પડી ગયાં’તાં;
                                                                       પાંજરેથી છૂટ્યો સિંહ, એ બાપજી ગુરુ અમારા."

         કોઈએ અપમાન કર્યાં, તો કોઈકે હડધૂત કર્યા, તો વળી કોઈએ અણછાજ્યા શબ્દો ને વર્તનોની ઝડી વરસાવી. તેમ છતાં આ દિવ્યપુરુષ અટલ હતા. સિધ્ધાંતના પ્રવર્તન માટે તેઓએ માન-અપમાન ને દેહનાં કષ્ટોને કોઠે પાડી દીધાં હતાં. સિધ્ધાંતના પ્રવર્તન માટે તેમની પાસે જોડમાં એક સારો સાધુ પણ નહોતો. સત્સંગ-વિચરણ અર્થે સાધુ મળતા તો એ પણ પૂર્વાપર નક્કી કરેલ દાન-ધર્માદા મેળવવાની શરતે આવનાર મળતા. વિચરણમાં પણ હરએક પળે તેઓેએ આવા સાધુઓનું સાચવ્યા જ કર્યું હતું. અધવચ્ચેથી જતા રહેશે તો ! સહકારરૂપ નહિ બને તો ! ધર્મનિયમ નહિ રાખવા દે તો ! આવા મનના ભીડા સહિત જ તો તેઓએ વિચરણ કર્યું હતું. સિધ્ધાંતના પ્રચારમાં રોજ સવારનાં સૂરજનાં કિરણો જાણે કોઈક નવાં કષ્ટ, મુસીબત અને વિપરીત સંજોગનાં એંધાણ લઈને આવતાં. પરંતુ આ દિવ્યપુરુષનાં અલૌકિક વ્યક્તિત્વ અને પ્રભાવની શીતળતા પામતાં એ તમામ ઝઝૂમી મહારાજ અને બાપાશ્રીના સિધ્ધાંતના વિજયધ્વજો લહેરાવવાનાં હતાં. સમય હતો સિધ્ધાંતના પ્રવર્તનનો, પણ સામે પોતાના આદર્શ શિષ્યની જરૂરિયાત પળે વળે સાલ્યા કરતી હતી.

         "સિધ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ ધર્મમાં છૂટછાટ નહીં." - આ જીવનસૂત્રને જીવનપર્યંત ધારણ કરી રહેનાર આ દિવ્યપુરુષ જોડે સિંહ સમો સાધુ જ રહી શકે તેમ હતો. હરિભક્તો પણ આ વિરલપુરુષને આશીર્વાદ આપતાં કહેતા કે "તમારી જોડે એકેય સાધુ ટકી શકશે નહી." પરંતુ હવે સમય પાકી ચૂક્યો હતો મહારાજ અને બાપાશ્રીના પ્રચંડ સંકલ્પો અને સિધ્ધાંતોના પ્રવર્તન માટે ગુરુ અને શિષ્યના દિવ્યમિલનનો.

         જે હેતુ માટે એ દિવ્યપુરુષ પધાર્યા હતા તેના સમર્થન માટે તેઓ જાણતા જ હતા કે, તેઓને એક એવા ઉત્તમ શિષ્યની આવશ્યકતા પડવાની જ આબેહૂબ હોય. અને એટલે જ તો પોતાના ક્રાંતિકાર્યના પ્રારંભ અગાઉથી જ પૂર્વાપર આયોજન રૂપે તેઓએ અમીરપેઢીના સમર્થ સદ્. મુનિબાપા પાસે, દદુકાના પ.ભ.શ્રી કેશવલાલ ઠક્કર માટે મહારાજના મુક્ત પુત્ર સ્વરૂપે મોકલે એવી પ્રાર્થના કરી. ત્યારે સદ્. મુનિબાપાએ આશીર્વાદ આપ્યા, "જાવ, એક નહિ બે પુત્ર થશે;પરંતુ આધા તુમ્હારા, આધા હમારા." સદ્. મુનિબાપાના આશીર્વાદ મુજબ મહાપ્રભુના સંકલ્પ સમા મુક્તરાજનું ‘ઘનશ્યામ’ એવું નામ ધારી પ્રાગટ્ય થયું.જે નૂતન ક્રાંતિકારી કાર્ય કરવા ગુુરુવર્ય પ.પૂ.બાપજીએ જહેમત ઉઠાવી હતી તેમાં હવે પોતાના શિષ્યની તાતી જરૂરિયાત જણાઈ.અને એટલે જ તો ગુરુવર્ય પ.પૂ.બાપજી કાયમ મહાપ્રભુને પ્રાર્થના કરતા કે, "હે મહારાજ, મારે ઝાઝા સાધુ નથી જોઈતા.મને એક જ સાધુ આપો, પણ એક સાધુ એવો આપો કે જે આપના સિધ્ધાંતોના દિગતમાં ડંકા વગાડે ને કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરે." આ પ્રાર્થના જાણે આવનાર સમયમાં સાકાર સ્વરૂપ પામવાની હોય તેમ ગુરુઅને શિષ્યના મિલનની શુભ ઘડી આવી ગઈ. સંવત ૨૦૩૪ના ચૈત્ર સુદ ૯ એટલે કે ઈ.સ. ૧૯૭૮ની તા. ૧૬-૪-૧૯૭૮ ને રવિવારના શુભ દિને સૌપ્રથમ ગુરુ સાથેનું દિવ્ય મિલન મોટા મંદિરે થયું. પછી તો ઘનશ્યામભાઈએ સાચા શિષ્યત્વને પામવા અહોનિશ જોગ - સમાગમના અખાડા માંડ્યા ને ગુરુનો અતિશે સ્નેહ પામવા આત્મબુદ્ધિના રાજમાર્ગે પ્રયાણ કર્યું. તેઓ દરરોજ ગુજરાત યુનિર્વિસટી લાઈબ્રેરીથી વાંચન પૂર્ણ કર્યા બાદ રાત્રે ૧૦ વાગ્યે સીધા ગુરુવર્ય પ.પૂ.બાપજીના આસને મોટા મંદિરે આવી કલાક- દોઢ કલાક સમાગમનો લાભ લેતા. તેથી કહ્યું છે,

                                                                       "પ્રથમની પ્રીત હતી પ્રથમ મેળાપ થયો,
                                                                       દીપક જે પ્રેમનો અચાનક પ્રગટાઈ ગયો."

         એ મુજબ તા.૭-૧૦-૧૯૮૦ની મોડી રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ઘનશ્યામભાઈને સી.એ.(ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) ના અભ્યાસની પરીક્ષા અંગે જણાવતાં કહ્યું કે, "તમે આ લોકનું ઓડિટ કરવા નથી આવ્યા તમે તો અનંત જીવોનું ઓડિટ કરી ઠેઠની સહી કરવા માટે આવ્યા છો. માટે તૈયાર થઈ જાવ... જે હેતુ માટે મહારાજ આપણને લાવ્યા છે તે સમય હવે પાકી ચૂક્યો છે. મહારાજ ને બાપા તમને બોલાવી રહ્યા છે. માટે આવી જાવ." અને કમાનમાંથી જેમ તીર છૂટે ને વીંધી નાખે તેમ ગુરુના મુખમાંથી ઉચ્ચારાયેલા શબ્દોએ ઘનશ્યામભાઈને વીંધી નાખ્યા. એ જ ક્ષણે જે કાર્ય માટે ઘનશ્યામભાઈને લાવ્યા હતા તે કાર્યમાં જોડાઈ ગયા. બીજા જ દિવસે ગુરુ થકી પાર્ષદ દીક્ષા ગ્રહણ કરી અને ગુરુ સાથે સિધ્ધાંતોના પ્રવર્તનના ક્રાંતિકારી કાર્યનો યજ્ઞ આરંભાયો. ગુરુના સાંનિધ્યમાં રહી પાર્ષદવર્ય મુક્તરાજ ઘનશ્યામ ભગતે ગુરુનો ખૂબખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો. હવે ગુરુ અને શિષ્યની જોડ દ્રારા કારણ સત્સંગના પાયા પાતાળમાં નાખવાનો સમય દૂર નહોતો. વળી આ જ કાર્યમાં સહભાગી થવા ઘનશ્યામ ભગતના પૂર્વાશ્રમના સહાધ્યાયી એવા શ્રી મનસુખભાઈ પણ ગુરુવર્ય પ.પૂ.બાપજીની આજ્ઞા થતાં સી. એસ. નો ઉચ્ચ અભ્યાસ છોડી ગુરુના શરણે આવી ગયા.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીને પોતાના ક્રાંતિકારી કાર્યમાં એક નૂતન ક્રાંતિ આણવા તથા સમગ્ર ભક્ત સમાજમાં મહારાજ અને બાપાશ્રીના સિધ્ધાંતોની એક નવી ચેતના જગાવવાની સેવા પોતાના શિષ્યને સોંપવી હતી. પરંતુ હજુ ભાગવતી દીક્ષા કરવાની બાકી હતી તેથી મોટા મંદિરમાં તેઓને ભાગવતી દીક્ષા આપવા માટેનો પ્રસ્તાવ મુકાયો. પરંતુ સૂર્યપ્રકાશમાં ક્યાંક ઘુવડ પણ હોય જ તેમ હિતેચ્છુ હોય ત્યાં વિઘ્નસંતોષીઓ પણ હોય જ. એ મુજબ બાપાશ્રીનો જેમને ભારોભાર અભાવ હતો, વિરોધ હતો તેવા વિઘ્નસંતોષીઓ જાણતા હતા કે જો આ ગુરુ - શિષ્યની જોડ ભેગી થઈ તો સંપ્રદાયમાં આમૂલ પરિવર્તનો આણશે અને બાપાશ્રીના નામના દિગંતમાં ડંકા વગાડશે. તેથી તેઓ કોઈપણ ભોગે આ શિષ્યને ભાગવતી દીક્ષા આપવા માંગતા નહોતા. જેથી વારંવાર ભાગવતી દીક્ષાના પ્રસ્તાવનો અસ્વીકાર થતાં તથા મિટિંગોમાં નિર્ણયો ન આવતાં લગભગ બે-અઢી માસના અથાગ પ્રયત્નોને અંતે એ આર્ષદ્રષ્ટા પુરુષે વિઘ્નસંતોષીઓ સામે નિર્ભય થઈ પોતાના ક્રાંતિકારી કાર્યનું એક નવું સોપાન સજર્યું.

         ભગવાન શ્રી સ્વામિનારાયણ - પ્રબોધિત સિધ્ધાંત અનુસાર વરતાલના ૧૮મા વચનામૃતમાં કહ્યું છે "તમારા સર્વેનો આચાર્ય ને ગુરુ ને ઉપદેષ્ટા ને ઈષ્ટદેવ હું જ છું." વળી, કારણ સત્સંગની સમજણ મુજબ મોટા મંદિર તથા સંપ્રદાયની રીતિનીતિને ગૌણ કરી સંપ્રદાયના સ્થાપક એવા ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ અને સિધ્ધાંતને મુખ્ય કર્યાં. અનંત આચાર્યો, ગુરુઓ અને ઉપદેષ્ટાઓની જેમાં પૂર્ણાહુતિ થઈ જાય એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાંનિધ્યમાં બંને પાર્ષદોને ભાગવતી દીક્ષા આપવાનું નિર્ધાર્યું.

         મૂર્તિ રૂપે ભગવાન સ્વામિનારાયણ સદાય પ્રગટ ને પ્રત્યક્ષ છે એ સિધ્ધાંત અનુસાર ઘનશ્યામનગર મંદિરે તા.૧૮-૧૨-૧૯૮૦ ને સંવત ૨૦૩૬ ના માગશર સુદ ૧૧ ના રોજ સાંજે ૪ઃ૦૦ વાગ્યે ભાગવતી દીક્ષા આપવાનું શુભ કાર્ય ચાલુ થયું.

         ભગવાન સ્વામિનારાયણ પોતાના સિધ્ધાંતોની પુષ્ટિ માટે અને આ ભાગવતી દીક્ષા પોતે સ્વહસ્તે આપી રહ્યા છે એનું દર્શન કરાવવા પ્રતિમા સ્વરૂપે દર્શન આપતા હતા ત્યાં પોતાનું પ્રત્યક્ષપમું જણાવ્યું. પોતાના ઘનશ્યામ ભગતને પોતાના સ્વહસ્તે ભગવાં વસ્ત્ર અર્પણ કર્યાં, પોતાના ભાલમાંથી કુમકુમનો ચાંદલો હસ્તના અંગૂઠા વડે લઈ પૂ.ઘનશ્યામ ભગતના ભાલના મધ્યભાગમાં કર્યો અને દિવ્ય આશીર્વાદ આપતાં કહ્યું કે "આ દીક્ષા તને હું આપું છું, ગને તેવો અધમ અને પાપી જીવ હશે પણ તું એનો મોક્ષ સંબંધી જે જે સંકલ્પ કરીશ તે પૂરો કરીશું ને એને છેક મૂર્તિના સુખમાં પહોંચાડીશું.અમે સદાય તારા ભેળા છીએ." મહાપ્રભુના આશીર્વાદે આ પાર્ષદમુક્તનું નામ આપ્યું "સાધુ સત્યસંકલ્પદાસ." આ સાથે બીજા પાર્ષદમુક્તનું ગુરુવર્ય પ.પૂ.બાપજીએ "સાધુ ભક્તવત્સલદાસ" એવું નામ આપ્યું. આ દિવ્ય ભાગવતી દીક્ષાનાં દર્શન સભામાં ઉપસ્થિત ઘણાંક સંતો -ભક્તોને થયાં હતાં. સંપ્રદાયના ઈતિહાસમાં આ અવિસ્મરણીય પળ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ. વિઘ્નસંતોષીઓના બધા જ પ્રયત્નો ટૂંકા પડ્યા અને ગુરુ -શિષ્યની જુગલ જોડી નિર્માણ પામી. હવે નહોતી કોઈની જરૂર, નહોતી કોઈની ચિંતા. હવે તો લક્ષ્ય હતું એક અને માત્ર એક જ ભગવાન સ્વામિનારાયણ અને બાપાશ્રીએ સમજાવેલા સિધ્ધાંતોનો વિશ્વવ્યાપી પ્રચાર કરવો. એ લક્ષ્ય મુજબ આ ગુરુ-શિષ્યની જુગલ જોડીએ સંપ્રદાયના ક્રાંતિકારી યુગનો નૂતન પ્રારંભ કર્યો.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy