કારણ સત્સંગના સામયિકનો પ્રારંભ થયો  
     
 

         ઘનશ્યામનગર મંદિરે મૂર્તિ-પ્રતિષ્ઠાવિધિ ધામધૂમથી સંપન્ન થઈ. ઈ.સ. ૧૯૭૪ના ચૈત્ર વદ ૬ના દિને સર્વોપરી શુધ્ધ ઉપાસનાના પાયા પાતાળ સુધી પહોંચી ગયા.

         હવે હરિભક્તોનો સમાજ વધારવાનો હતો ને સાચું જ્ઞાન પીરસવાનું હતું. સમયના વહેણ સાથે મુમુક્ષુઓ ખેંચાતા ગયા. દર અઠવાડિયે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા હરિભક્તોના ઘેર સત્સંગ સભા યોજાય અને સેંકડો હરિભક્તો લાભ લે.

         આમ, હરિભક્તોનો અંગત સહવાસ પણ વધતો જાય. સૌને સત્સંગ માટેની પ્રેરણા પણ મળતી જાય અને નવા નવા મુમુક્ષુઓ લાભ લેતા જાય, ખેંચાતા જાય. તે હેતુસર યોજાતી સભાઓએ વિશેષ સમાસ કર્યો. મુક્તિ અને ભુક્તિના બેવડા લાભ અને આનંદથી સૌને સત્સંગ પ્રત્યે શ્રધ્ધા, મમત્વભાવ તથા આસ્થાનો પ્રાદુર્ભાવ થતો જણાતો.

"આવી દિવ્ય વાતો ક્યાંય સાંભળવા મળી નથી."
"આ વાતો અમારા સુધી હોય જ ક્યાંથી ? "

         "આવા નિયમ ધર્મવાળા સત્પુરુષ મળવા બહુ દુર્લભ છે." વગેરે ઉદ્ગારો સાંભળવા મળતા. મહાપ્રભુના જ સંકલ્પથી તથા નિઃસ્વાર્થ અને નિષ્કામભાવથી આદરેલી આ સત્સંગપ્રવૃત્તિ સૌને હૈયે વસી જતી. તેમજ એકબીજાને મહિમા થતો. નવા નવા મુમુક્ષુઓને કારણ સત્સંગમાં જોડવાની સેવા હરિભક્તોએ પણ ઉપાડવા માંડી. જેમ પ્રગટેલા દીવાથી દીવો પ્રગટે તેમ હરિભક્તોના અરસપરસના સત્સંગ માટેના આગ્રહથી સૌને મહાપ્રભુના અનુભવજ્ઞાનથી અભિભૂત કરનારી કથાવાર્તામાં, અમૃતનો ઓડકાર આવતો.

         સત્સંગનો વ્યાપ દિન-પ્રતિદિન જળાશયમાં દેખાતા વર્તુળના પરિઘની જેમ વિસ્તૃત થતો ગયો. આધિ, વ્યાધિ અને ઉપાધિને ગણકાર્યા સિવાય ફક્ત મહાપ્રભુનો મહિમા ગાવાનો અને ‘બીજાની લીટીને નાની કર્યા સિવાય પોતાની લીટીને મોટી કરવાની’ એ સિધ્ધાંત મુજબ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કારણ સત્સંગનાં બી તો વાવેલાં, પણ હવે તેને પાણી અને ખાતર આપવા વધુ પ્રબળ પુરુષાર્થ શરૂ કર્યો. અને તેને સાકાર સ્વરૂપ આપવાનો સંકલ્પ કર્યો.

         ઈ.સ. ૧૯૭૫ની સાલ દરમિયાન હેતવાળા હરિભક્તોએ વિચાર્યું કે ગુરુવર્ય પ.પૂ.બાપજીની અમૃતવાણીનો આપણને સૌને તો અજોડ લાભ મળે જ છે; પરંતુ જે દૂર રહેતા હોય, ગામડે રહેતા હોય કે દેશ-પરદેશ રહેતા હોય તેમને આવી વાતો કોણ કરે ? તેમના સુધી તે શી રીતે પહોંચે ? તો વળી, એક તરફ સત્સંગનો મહિમા સમજાતો ગયો તેમ તેમ આધ્યાત્મિક ભૂખ પણ વધતી ગઈ. ગુરુવર્ય પ.પૂ.બાપજી પણ આવી અમૂલ્ય વાતોનો લાભ ઘણાને મળે તે માટે, તેમજ સત્સંગ-પ્રવૃત્તિઓથી વાકેફ થાય તે માટે દર મહિને માસિક સામયિક (મૅગેઝિન ) બહાર પડે તો ઉત્તમ સત્સંગપ્રચાર થાય તેમ ઇચ્છતા હતા. જેથી મહાપ્રભુના સંકલ્પ અનુસાર "શ્રી ઘનશ્યામનગર સત્સંગ યુવક મંડળ" નામનું ટ્રસ્ટ રચાયું. તે ઉપક્રમે ‘મૂર્તિ’ નામના નાનકડા ને સંસ્થાના સૌપ્રથમ માસિકનું પ્રકાશન કરવામાં આવ્યું.

         નાનકડા ‘મૂર્તિ’ સામયિકમાં ગાગરમાં સાગર સમાન શ્રીજીમહારાજની મરમાળી મૂર્તિને કેન્દ્રમાં રાખી સર્વોપરી ઉપાસના, પતિવ્રતાની ભક્તિ તથા અનાદિમુક્તની સ્થિતિનું પ્રવર્તન જેવા બાપાશ્રીના ઉચ્ચતમ સિધ્ધાંતોને વણી લીધા. ઘેર ઘેર જઈ સૌને સામયિક પહોંચાડવામાં આવતું. ગુરુવર્ય પ.પૂ.બાપજીના અદ્ભુત દાખડાથી તે પણ ખૂબ વિકસિત બન્યું. મૂર્તિનો વેપાર લઈને જે આવ્યા હોય તેમને માટે તો આ સહજ હતું.

         જોકે આ ‘મૂર્તિ’ નામે સામયિક બહુ વખત પ્રકાશિત ન થયું. મહાપ્રભુની મરજી કંઈક જુદી જ હતી. ૫-૬ મહિના આ ‘મૂર્તિ’ સામયિક પ્રકાશન પામ્યા બાદ તેને એક નવો ઉઠાવ આપવામાં આવ્યો અને ‘મૂર્તિ’ નામ બદલી ઘનશ્યામનગરથી પ્રકાશિત થતું હોઈ, વળી ઘનશ્યામ મહાપ્રભુમાં જોડતું હોવાથી તેનું નામાભિધાન ‘ઘનશ્યામ’ રાખવાનો ઠરાવ થયો અને તે મુજબ તા.૧-૧-૭૬થી તેનો મંગલ પ્રારંભ થયો.

         પછી તો માસિકના એ વખતના ભણેલા-ગણેલા સહજાનંદી સિંહ સમાન હરિભક્તો (૧) શ્રી સાગરદાનભાઈ સ્વામિનારાયણ (મામલતદાર) તથા (૨) શ્રી પ્રદ્યુમ્નભાઈ સી. સોની (એમ.કોમ., એલએલ.બી.)ની ‘ઘનશ્યામ’ના તંત્રી તરીકે વરણી થઈ. આ સાથે લેખનકાર્ય તથા પ્રૂફરીડિંગની સેવામાં શ્રી જ્યોતીન્દ્રભાઈ આદેસરા તથા શ્રી કાંતિભાઈ ભાવસાર પણ ખૂબ સહકારરૂપ થયા.

         ગુરુવર્ય પ.પૂ.બાપજીની આગવી દેખરેખ નીચે નિયમિત રૂપે તેનું પ્રકાશન શરૂ થયું. દર મહિને નવીન, રસપ્રદ, જીવનલક્ષી તથા જીવન ઉપયોગી લેખોનો રસથાળ સૌની આધ્યાત્મિક ભૂખ શાંત કરતો ને જીવનને સાચો વળાંક આપતો.

         વાર્ષિક ૫ રૂપિયાના લવાજમથી માત્ર ૨૫૦ જેટલા ગ્રાહકોની અલ્પ સંખ્યાથી પ્રારંભ થયેલ ‘ધનશ્યામ’ સામયિક અંગે ત્યારે કોને ખ્યાલ હતો કે આ સામયિક સ્વામિનારાયણ સંપ્રદાયનું ઉત્તમ અને સિધ્ધાંતોની પુષ્ટિ કરતું તેમજ કારણ સત્સંગનું સર્વશ્રેષ્ઠ સામયિક બનશે. આ સામયિકનો નાની સંખ્યાથી પ્રારંભ કર્યો ત્યારે કોઈનેય એવો અંદાજ પણ નહિ હોય કે માત્ર ૨૫૦ જેવી નાની સંખ્યાથી ચાલુ થનાર આ ‘ઘનશ્યામ’ સામયિક સમય જતાં હજારોની સંખ્યામાં છપાશે જેની સાક્ષી આજે આ સામયિકનો વર્તમાનકાળ પૂરે છે. આ સામયિક સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ સામયિક આજે બન્યું છે. એની પાછળ ગુરુવર્ય પ.પૂ.બાપજીનો અથાગ દાખડો છે. આ ‘ઘનશ્યામ’ સામયિકની ઈ.સ. ૧૯૭૮થી સેવા સંભાળનાર અને હાલ વર્ષોથી તંત્રી તરીકેની સેવા આપી રહેલ શ્રી નરેન્દ્રભાઈ આર. ત્રિવેદી ગુરુવર્ય પ.પૂ.બાપજીના એ અથાગ દાખડાના સાક્ષી છે. તેઓ ગુરુવર્ય પ.પૂ.બાપજીના ‘ઘનશ્યામ’ સામયિક માટેના અતિ આગ્રહ પૂર્વકના પ્રયત્નોનું વર્ણન કરતાં જણાવે છે :

         "ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કેવળ કૃપા કરી આ સેવકને ‘ઘનશ્યામ’ સામયિકની લેખનથી માંડી વિતરણ સુધીની તમામ સેવાઓ તથા વ્યવસ્થાઓની સેવામાં નિમિત્ત કર્યો હતો. ગુરુવર્ય પ.પૂ.બાપજીને ‘ઘનશ્યામ’ સામયિક છપાવવાનો તથા તેનું વાંચન કરનાર ગ્રાહકો વધે તેનો અતિશે આગ્રહ રહેતો. જે આગ્રહ એવો ને એવો આજે પણ આ સેવકને દેખાય છે.

         ગુરુવર્ય પ.પૂ.બાપજી ‘ઘનશ્યામ’ સામયિકના એક એક ગ્રાહકની નોંધ એ સમયે જાતે રાખતા. જે ગ્રાહકનું લવાજમ પૂરું થવાનું હોય તે ગ્રાહકોનાં નામની યાદી અને કેટલી રકમ ઉઘરાવવાની બાકી છે તેની યાદી સ્વહસ્તે તૈયાર કરી સેવકને આપતા અને સેવકને ઘરે ઘરે લવાજમ લેવા જવાની સેવા સોંપતા. એટલું જ નહિ, તેઓ ગ્રાહકોને ને કેટલાય બિનગ્રાહકોના ઘરે પણ ઘનશ્યામ પહોંચાડવા હોમ ટુ હોમ આ સેવકને મોકલતા. અમદાવાદમાં હોમ ટુ હોમ ડિલિવરી કહેતાં કુરિયર સિસ્ટમ હમણાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આવી છે અને એ પણ પૈસાથી. પરંતુ આ પુરુષે તો ‘ઘનશ્યામ’ના વાચકો વઘારવા વર્ષો પહેલાંથી હોમ ટુ હોમ ડિલિવરી કરાવવાનો પ્રારંભ કર્યો હતો. માત્ર ૫ રૂપિયાના વાર્ષિક લવાજમથી ‘ ઘનશ્યામ’ના ગ્રાહક થવાતું હતું. એ ગ્રાહકો વધારવા પ.પૂ.બાપજી સ્વયં સતત પ્રયત્નશીલ રહેતા. ક્યારેક કોઈક અણસમજુ મનુષ્યો તેઓનું અપમાન પણ કરી નાખતા. તેમ છતાં તેઓ પ્રફુલ્લિત મુખથી એને ગળી જતા. આવા તો કેટકેટલા દાખડા તેઓએ આ ‘ઘનશ્યામ’ સામયિક માટે કર્યા હતા ! એટલું જ નહિ, લેખ લખવાથી માંડી ગ્રાહકના ઘરે પહોંચાડવા (ડિલિવરી ) સુધીની તમામ જવાબદારી સ્વયં ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતે જ નિભાવતા હતા. પૂ.સ્વામીશ્રી (પૂ.સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી)ના આગમન બાદ તેઓએ સમગ્ર સેવા સંભાળી ગુરુવર્ય પ.પૂ.બાપજીને ‘ઘનશ્યામ’ સામયિકની સેવાઓમાંથી મુક્ત કર્યા. ગુરુવર્ય પ.પૂ.બાપજી દ્રારા પ્રારંભાયેલ આ ‘ઘનશ્યામ’ને નવો ઉઠાવ આપવા તેઓએ પણ અથાગ દાખડા કર્યા હતા. બાપાશ્રી મહોત્સવ જેવા વિશેષાંકોના ૨૫૦ જેટલાં પાના ૫૦ પૈસાની રિફિલથી લખવામાં પણ તેઓ કદી થાક્યા નહોતા."

         ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વર્ષોથી કરેલા આ અથાગ દાખડાના પરિણામ સ્વરૂપે જ તો આજે આ ‘ઘનશ્યામ’ સંપ્રદાયમાં અન્ય સામયિકોની હરોળમાં મોખાનું સ્થાન પામ્યું છે. આજે આ ઘનશ્યામની ચાતક પક્ષીની માફક સંતો-હરિભક્તો ને મુમુક્ષુમાત્ર રાહ જોઈ રહ્યા હોય છે.

         આજે જયારે રજતજયંતી પર્વના પડઘમ વાગી રહ્યા છે ત્યારે તા. ૧-૧-૭૬થી પાપા પગલીથી શરૂ થયેલ ‘ઘનશ્યામ’ સામયિક ૩૬ વર્ષ પૂર્ણ કરી ૩૭મા વર્ષમાં પ્રવેશી ચૂકેલ છે. દિન-પ્રતિદિન સર્વોપરી સિધ્ધાંતોની પરિપક્વતાની સાથે સંપ્રદાયમાં આધ્યાત્મિક ક્રાંતિની અવિચળ જ્યોતિ ચોમેર પ્રસરી ચૂકી છે. જનજનના હૈયામાં કારણ સત્સંગની અજોડ અસ્મિતા છવાઈ ગઈ છે ત્યારે ગુરુવર્ય પ.પૂ.બાપજીને હૈયે હજુ હાશ થઈ હશે ? તેનો ઉત્તર તો ફક્ત તેઓ જ આપી શકે. પરંતુ એટલું ચોક્કસ છે કે જે મહાન સિધ્ધાંતોના પ્રચાર માટે ગુરુવર્ય પ.પૂ.બાપજીએ આ સામયિક શરૂ કરેલું તેણે જે સાથ ને સહકાર આપી હરણફાળ કુદાવી છે તેનાં મીઠાં મધુરાં ફળ આજે આપણે તથા નવી પેઢી ચાખી રહી છે.

         નવી પેઢીનો નાનકડો બાળક પણ "અહમ્ અનાદિમુક્ત" તથા "દેહ નહિ હું મુક્ત અનાદિ" સર્વશ્રેષ્ઠ ઉચ્ચતમ સિધ્ધાંતને સહજ રીતે જીવનમાં વણે-અપનાવે ત્યારે આપણને ગૌરવ જરૂર થાય. આવા ભવ્ય ભૂતકાળને વાગોળવાની જીવંત દાસ્તાન સૌને ધ્રુજારી આપી શકે પરંતુ એસ.એમ.વી.એસ. રજતગાથાની સ્મૃતિ કરાવતી પ્રત્યેક લેખમાળા ગુરુવર્ય પ.પૂ.બાપજીના દિવ્ય સંકલ્પોને અનુમોદન આપશે તેમાં શંકા નથી. સાથે સાથે આપ સૌ વાચકો પણ કોઈક નવીન સંકલ્પની દુનિયામાં પદાર્પણ કરશો તેમાં પણ શંકાને સ્થાન નથી.

 
     
 
 
 
 
XML/RSS   |   Sitemap   |   Feedback   |   Contact Us   |   Terms & Condition   |   Privacy Policy   |   Disclaimer   |   Donation Refund Policy