પ્રાગટ્યનો હેતુ

સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ પૃથ્વી ઉપર સમયાંતરે જુદા જુદા અવતારોએ અવતાર ધર્યો અને દરેકે પોતપોતાના કાર્યોને પૂર્ણ કર્યાં. હવે કાર્ય બાકી રહ્યું હતું આ સર્વે અવતારોના અવતારી એક અને માત્ર એક સનાતન ભગવાનનું. જીવાત્મા અનંત જન્મોથી

પુનઃરપી જનનઃ પુનઃરપી મરણં

પુનઃરપી જનની જઠરે શયનં

એમ ભવોભવથી લખચોરાશીમાં જન્મમરણના ફેરા ફર્યા કરે છે. એનું કોઈ અંતિમ વિરામસ્થાન આવતું નથી. એ અંતિમ વિરામસ્થાન એટલે આત્યંતિક કલ્યાણ. જે કાર્ય હતું, છે અને રહેશે એકમાત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણનું.

જન્મમરણની ભવાબ્ધિરૂપી માયાજાળમાં ફસાયેલા અનંત જીવોને પોતાના સ્વરૂપની સર્વોપરી ઉપાસના સમજાવવી અને અનાદિમુક્તની સ્થિતિને પમાડી, પોતાની મૂર્તિસુખના અધિકારી કરવા એ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો મુખ્ય હેતુ હતો. જેમ કોઈક સ્થળે પહોંચવા માટે નીકળ્યા હોય ત્યારે વચ્ચે રસ્તા તો ઘણા આવે છે પરંતુ જે રસ્તો આપણા ધ્યેય-સ્થળ સુધી પહોંચતો હોય તે જ રસ્તે આપણે જઈએ છીએ. તેમ ઉપાસના એ તો મુદ્દો છે. ઉપાસના તો પરોક્ષના ભક્તોને પણ હોય છે અને સત્સંગીને પણ હોય છે. પરંતુ ઉપાસના કોની થાય ? તો એકમાત્ર સનાતન ભગવાન સ્વામિનારાયણની. એમની ઉપાસના દૃઢ કરવાથી આત્યંતિક કલ્યાણ થાય છે. આધુનિક ભગવાનની ઉપાસના કરવાથી આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત ન થાય. અનંત જીવોને પોતાની સર્વોપરી ઉપાસના સમજાવવા જેવા કુલ છ હેતુથી સ્વયં સ્વામિનારાયણ ભગવાન સંવત ૧૮૩૭ ચૈત્ર સુદ ૯ ને શુભ દિને આ બ્રહ્માંડને વિષે મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા. આ છ હેતુને સદ્. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ગ્રંથોમાં ગ્રંથસ્થ કર્યા છે.

અનુવાદ :-

પોતાના એકાંતિક ભક્તને સુખ આપવા તથા તેમના મનોરથ પૂર્ણ કરવા અને તેમને લાડ લડાવવા હેતુ.

વિવરણ :-

પોતાના ભક્ત સમુદાયને દર્શન, સેવા-સમાગમનું સુખ આપવા તથા તેમના મહારાજની મૂર્તિના સુખસંબંધી તથા ભક્તિ-સેવા, પૂજા વગેરે પ્રેમલક્ષણાસંબંધી મનોરથોને વિવિધ રીતે પૂર્ણ કરવા તથા પોતાના ભક્તોને હેત, પ્રેમ, વ્હાલ આપી તથા તેમની સર્વે પ્રકારે રક્ષા કરવા અને વિવિધ ચેષ્ટા કરી લાડ લડાવવાના શુભ હેતુથી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું.

અનુવાદ :-

અધર્મી તથા અસુરોથી કષ્ટ પામતાં એવા ભક્તિ-ધર્મ તેમનું રક્ષણ કરવું અને તેમની પૃથ્વીને વિષે પ્રવૃત્તિ કરવી તે બીજો હેતુ .

વિવરણ :-

વધતા જતાં વિષય, વહેમ, અંધશ્રદ્ધા, ચોરી, લૂંટફાટ, દુરાચાર, પાપાચાર, અધર્મ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, વેરઝેર એ આદિ અંતઃશત્રુઓથી ધર્મ અને ભક્તિનું રક્ષણ કરવા અને આ બ્રહ્માંડને વિષે પોતાના સ્વરૂપની ભજન-ભક્તિ કરાવવારૂપી પ્રવૃત્તિને વિસ્તારવાના શુભ હેતુથી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું.

અનુવાદ :-

સદા પોતાના અક્ષરધામમાં બિરાજમાન એવા અવતારી પ્રભુ પોતાનું સર્વોપરી જ્ઞાન તથા સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવી અને જીવોને પોતાના મુક્ત ભેળા ભેળવવા એ ત્રીજો હેતુ.

વિવરણ :-

અનંતકોટિ બ્રહ્માંડમાં સનાતન ભગવાન એક અને માત્ર એક સ્વામિનારાયણ ભગવાન છે અને બીજા બધાય આધુનિક ભગવાન છે. એવું પોતાનું સર્વોપરી જ્ઞાન અને પોતાના સ્વરૂપનું અન્વય-વ્યતિરેકપણું સમજાવવું, પોતાની અજોડ ઉપાસનાનું પ્રવર્તન કરવું તથા અનંતને અનાદિમુક્તની સ્થિતિનું સર્વોપરી જ્ઞાન આપી અનાદિમુક્તની સ્થિતિ પમાડવા અનંત જીવોને પોતાના મુક્ત ભેળા ભેળવવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.

 

અનુવાદ :-

પોતાની સત્તાથી થયેલ અવતારોને તથા અવતારોના ભક્તોને આ પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવીને પોતાનું જ્ઞાન તથા ઉપાસના સમજાવીને તેમને પોતાના ધામમાં લઈ જવા એ ચોથો હેતુ.

વિવરણ :-

અનંત આધુનિક ભગવાન તથા તેમના ભક્તોને પૃથ્વીને વિષે મનુષ્યરૂપ ધરાવી, એમને પોતાના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા દૃઢ કરાવી પોતાના અક્ષરધામના અધિકારી કરવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.

 

અનુવાદ :-

એકાંતિક ધર્મનું સ્થાપન કરવું તથા દુષ્ટજનનો નાશ કરવો તથા સત્પુરુષનું રક્ષણ કરવું એ પાંચમો હેતુ.

વિવરણ :-

પોતાના સર્વોચ્ચ સંકલ્પો, સિદ્ધાંતો અને સર્વોપરી ઉપાસનાએ યુક્ત શુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું સ્થાપન કરી અનંત જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવી, ધ્યાન-ભજન, ઉપાસના કરાવી પોતાના મૂર્તિના સુખના અધિકારી કરવા તથા જોબનપગી, ઉકાખાચર, વાલેરો વરુ જેવા દિશાહિન બનેલાઓને સાચી દિશા બતાવી આદર્શ ભક્ત કરવા અને પોતાના સત્પુરુષોની પરંપરાની પ્રણાલિકાનો પ્રારંભ કરવો અને તેમનો મહિમા સમજાવી એ મુક્તો દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન સમજાવવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.

 

અનુવાદ :-

મુમુક્ષુને મુક્ત કરવા તથા પોતાના અને પોતાના મુક્તોનાં દર્શન-સ્પર્શાદિક સંબંધે કરીને નવા મુમુક્ષુ કરીને તેમનો આત્યંતિક મોક્ષ કરવો એ છઠ્ઠો હેતુ.

વિવરણ :-

અનંત મુમુક્ષુઓને પોતાના સ્વરૂપનું સર્વોપરી જ્ઞાન દૃઢ કરાવી અનાદિમુક્તની સ્થિતિને પમાડી પોતાના અનાદિમુક્તોની પંક્તિમાં ભેળવવા તથા પોતાના અને પોતાના સત્પુરુષના દર્શન, સેવા-સમાગમ, સ્પર્શ વગેરે સંબંધે કરીને અનેક નવા જીવોને મુમુક્ષુતા દૃઢ કરાવી અને પોતાના સર્વોપરી ઉપાસનાની દૃઢતાવાળા ભક્ત કરી આત્યંતિક મોક્ષના અધિકારી કરવાના શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું.