પ્રભાતિયાં

પ્રભાતના શાંત વાતાવરણમાં ભગવાનના ભક્તે ઊઠતાંની સાથે જ પ્રભુસ્મરણમાં લીન બનવું જોઈએ. ભક્તની વૃત્તિઓ ભગવાનમાં અખંડ ચોંટેલી રહે તે માટે આપણા નંદસંતોએ મૂર્તિના વર્ણન રૂપે, પ્રાર્થના રૂપે તો વળી પ્રભુને જગાડવાસંબંધી ઘણાં પ્રભાતિયાંના પદોની સુંદર ભેટ આપી છે. આપણા એ સમર્થ સંતો પ્રાતઃકાળે વહેલા ઊઠી હાથમાં સિતાર લઈ જ્યારે આ પદો ગાતા અને દેહભાવ ભૂલી મહારાજની મૂર્તિમાં મગ્ન બનતા ત્યારે કોયલના કલરવ ને પક્ષીઓના કિલકિલાટ ક્યારેક થંભી જતા અને ક્યારેક તો મહારાજ પણ સ્વયં આ દિવ્ય મધુરાં પદોને સાંભળવા આવીને ઊભા રહી જતા.

પ્રભાતિયું - ૧

પ્રાતઃ થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;

વારંવાર કરું છું વિનંતી, જગજીવન કર જોડીને... પ્રાત ટેક

ઘરઘરથી હરિભક્તો આવ્યા, દર્શન કારણ દોડીને;

આંગણિયે ઊભી સહુ અબળા, મહી વલોવા છોડીને... પ્રાત ૦૧

બહુરૂપી દરવાજે બેઠા, શકંરનેજા ખોડીને;

મુખડું જોવા આતુર મનમાં, જોરે રાખ્યા ઓડીને... પ્રાત ૦૨

ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;

બ્રહ્માનંદના નાથ વિહારી, ઊઠ્યા આળસ મોડીને... પ્રાત ૦૩

 

પ્રભાતિયું - ૨

શોભાસાગર શ્યામ તમારી મૂરતિ પ્યારી રે;

મૂરતિ પ્યારી રે, નાખું મારા પ્રાણ વારી રે... ટેક

સુંદરતા જોઈ મુખની શશી, સુર લજાઈ રે;

મુખ દેખાડી નવ શક્યા, વસ્યા ગગન જાઈ રે... શોભા ૦૧

માન હર્યું મણિધરનું, શિખા કેશ કાળે રે;

અવની ઉપર રહી ન શક્યા, ગયા પાતાળે રે... શોભા ૦૨

ચંચળ લોચન જોઈને, લજ્જા પામ્યાં તીન રે;

ખંજન કુરંગ વને વસ્યાં, જળે બૂડ્યાં મીન રે... શોભા ૦૩

ચાલ ચતુરાઈ જોઈને, ગજ૩ કરે ધિક્કાર રે;

પ્રેમાનંદ કહે શિર નાખે ધૂળ વારંવાર રે.. શોભા ૦૪