તિલક ચાંદલો
“ટીલું, ટોપી અને ટૂંટિયું ત્રણેય હારે (સાથે) આવ્યું ને હારે (સાથે) જ જાશે.” એવી લોકોક્તિ લોકહોઠે દોઢ-બે સૈકા પહેલાં ચર્ચાતી ! જોકે આ ત્રણેય ચીજ એ સમયે લોકોને માટે સાવ નવતર જેવી હતી.
ટીલાં-ટપકાં તો ઘણાંય આડાં, ઊભાં, ત્રાંસાં, ચંદનનાં, કંકુનાં, કેસરનાં, ભભૂતનાં વગેરે જાત્ય-જાત્યનાં લોકોએ દીઠાં’તાં પરંતુ સ્વામિનારાયણનો ઊર્ધ્વપુંડ્ર તિલક-ચાંદલો (ટીલું) પ્રથમ વાર દીઠેલ (જોયેલ). એનું લોકોને મન ઘણું અચરજ હતું. એવું જ ટોપી અને ટૂંટિયા માટે હતું. માથે પહેરવા પાઘડીઓ અને ટોપીઓ ભાત્ય-ભાત્યની ભાળેલ (જોયેલ). એ વખતે અંગ્રેજો ગુજરાતમાં નવા-સવા આવેલા. તેઓ ગરમીથી બચવા માટે મોટી છતવાળી હેટ (ટોપી) પહેરતા. તેવી હેટ પ્રથમવાર જ ભાળી હતી એટલે એ અંગ્રેજોની હેટ લોકોને કૌતુકરૂપ લાગતી અને એ સમયે ટૂંટિયું નામનો રોગ પણ નવો જ હતો. એ રોગનો ઇલાજ નહોતો એટલે જેને ટૂંટિયું થાય તેનું જરૂર થોડા દિવસમાં અચ્યુતમ્ થાય જ એટલે કે મરે જ ! અને લોકો ટપોટપ મરતા પણ હતા. આવો રોગ પે’લાં કદી લોકોએ જોયેલો નહીં. માટે એનુંય અચરજ હતું અને આ ત્રણેય ઘટના ગુજરાતમાં એકસાથે ઘટેલી એટલે ઉપરોક્ત ઉક્તિ લોકોના હોઠે વહેતી થયેલી પણ તેમાં તેઓ કેટલાક અંશે સાચા ઠર્યા અને ખોટા પણ ઠર્યા. ટીલું, ટોપી અને ટૂંટિયું હારે આવ્યું એ વાત સાચી પણ હારે જશે એમાં કાંઈક અંશે ખોટા ઠર્યા. ટોપી અને ટૂ્ટિયું તો જાણે ગયું. પણ ટીલું ગયું નહિ પણ રહી ગયું. એણે આંહીં ધામા નાખી દીધા એટલું જ નહિ, દેશ-વિદેશે પણ ખૂબ ફેલાણું. એ ટીલું (તિલક-ચાંદલો) આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો ટ્રેડમાર્ક થઈ ગયો છે. એક સમયે નવીનતમ લાગતા ટીલા પર સમયના થર બાઝતાં ભલે જૂનું થયું લાગે પણ તોયે, આજે એ તિલક-ચાંદલો દેશ-વિદેશે પ્રસિદ્ધ થયો છે !
સ્વામિનારાયણ ભગવાન કહેતા, “આ તિલક-ચાંદલો અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.” એમ તિલક-ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ મહત્ત્વનું પાસું છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના ભક્તને આપેલું ગૌરવવંતું ચિહ્ન છે. ભક્તને મન એ અખંડ સૌભાગ્યનું પ્રતીક છે. ભક્ત એને પોતાના લલાટને વિષે અખંડ ધારણ કરી ગૌરવ અનુભવે છે. તિલક-ચાંદલો સ્વામિનારાયણીય ભક્તની આગવી ઓળખ છે. આગવી વિશિષ્ટ ઓળખ છે. વિશ્વાસનું ને ભરોસાનું પ્રતીક છે. ૧૦૧ (વન ઝીરો વન) ટકા આત્યંતિક મોક્ષની ગેરંટી આપતો સિમ્બોલ (પ્રતીક) છે. સ્વયં શ્રીજીમહારાજ પોતાના ભાલને વિષે તિલક-ચાંદલો ધારણ કરતા જેનો ગઢડા મધ્યના ૧૪મા વચનામૃતમાં ઉલ્લેખ છે. સંવત ૧૮૭૮ના ભાદરવા સુદિ પ્રતિપદાના દિવસે, સુંદર કુમકુમનો ચાંદલો ભાલને વિષે ધારણ કર્યો હતો. આવો, આવા તિલક-ચાંદલો મહિમા સમજીએ.
વર્તમાનકાળે સમગ્ર સંપ્રદાયમાં આપણા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને એમના સંતો કાંઈક જુદી જ ભાંતિથી કે શૈલીથી શોભે છે. તેઓ અનેક અદ્ભુત વિશિષ્ટ પાસાંઓ ને ખૂબીઓથી, અન્યથી નોખા તરી આવે છે એ હકીકત છે. એમાં પ્રથમ દ્રષ્ટિએ નિહાળતાં જ, ઊડીને આંખે વળગે એવું વિશિષ્ટ પાસું કે વિશિષ્ટ ખૂબી એટલે એમના ભાલને વિષે રહેલો મો...ટો... ગોળ ચાંદલો અને તિલક ! આ પ્રથમ દ્રષ્ટિએ જ કળાતી આપણા સંતોની વિશિષ્ટતા છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી અને સંતો અન્ય કરતાં પ્રમાણમાં ઘણો મોટો સુંદર કુમકુમનો ચાંદલો ધારણ કરે છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીને કોઈએ પૂછ્યું, “કેમ આપ આવડો મોટો ચાંદલો ધારણ કરો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આપણા ઇષ્ટદેવ મોટા, આપણા ગુરુ મોટા, આપણી ઉપાસના મોટી, આપણી અનાદિમુક્તની સ્થિતિ મોટી, આપણી વાતું પણ મોટી, આપણું વર્તન પણ મોટું એમ આપણું બધુંય મોટું તો પછી આપણો ચાંદલો શું કામ નાનો કરવો ? એટલે આપણો તિલક-ચાંદલો પણ મોટો. અને બીજું કે ચાંદલો જો મોટો કર્યો હોય તો દૂરથી પણ કોઈને સહેજે જ દર્શન થાય. એને ભાળીને કોઈ બોલે કે પેલા ચાંદલાવાળા સ્વામિનારાયણના લાગે છે ! તો એટલામાંય એનું રૂડું થઈ જાય. કપાળે ચાંદલો મોટો એકની પાઇપનો કરવો. રાણીછાપ રૂપિયાના સિક્કા જેવડો, જેને ભાળીને ભેંસ પણ ભડકે એવો કરવો પણ નાનકડી બિંદી જેવો ન કરવો.”
તિલક-ચાંદલાનું ગૌરવ
એક વખતના ભારતના વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા, ૧૪ વર્ષ સુધી લોકસભાનું સ્પીકરપદ શોભાવનાર અનંત શયનમ્ આયંગર સાહેબ અને ગત લોકસભાની ચૂંટણી વખતે નિવૃત્ત થનાર મુખ્ય ચૂંટણી અધિકારી ગોપાલસ્વામી... આ ત્રણેય મહાનુભાવોના રાજકીય ક્ષેત્રનાં કાર્યો એકબીજાથી તદ્દન ભિન્ન હતાં. કાર્ય કરવાની પદ્ધતિ એકબીજા કરતાં નોખી હતી. ત્રણેય ભારતનાં અલગ અલગ રાજ્યોમાંથી આવતા હતા. છતાં ત્રણેય વચ્ચે એક બાબત ‘ખાસ’ હતી, જે ત્રણેયમાં કોમન (સરખી) હતી. તમે કહેશો કે તે કઈ બાબત ? ત્રણેય મહાનુભાવો પોતપોતાના ક્ષેત્રે ખૂબ ઉચ્ચપદે બિરાજતા છતાં તેઓ પોતાના લલાટને વિષે પોતાના ઇષ્ટદેવનું ચિહ્ન સહેજ પણ શરમ કે સંકોચ વગર ધારણ કરતા ! એમાંયે વડાપ્રધાન ગુલઝારીલાલ નંદાના લલાટે તો ઊર્ધ્વપુંડ્ર સ્વામિનારાયણીય તિલક-ચાંદલો શોભતો ! નિત્યપ્રત્યે તિલક-ચાંદલો કરવાનું તેમને નિયમ હતું.
બિનસાંપ્રદાયિક (Secular) મૂલ્યોને વરેલ, ભારત દેશના સર્વોચ્ચ વડા સાંપ્રદાયિક (Bin Secular) ચિહ્ન ગૌરવથી ઉન્નત મસ્તકે ધારણ કરે એ ઘણી મોટી વાત કહેવાય. એ જ બતાવે છે કે એમને હૈયે તિલક-ચાંદલાનું ગૌરવ ને પોતાના ઇષ્ટદેવનું બેનમૂન મહાત્મ્ય હશે !
તિલક-ચાંદલો કરવામાં શરમ કેવી ?
>આજના સુધરેલ (કે બગડેલ) ટીનેજરો ને નવ યુવા પેઢીને તિલક-ચાંદલો કરવાનું કહેવામાં આવે તો તેઓ આને વેદિયાવેડામાં ખપાવી દેશે. ઓર્થોડોક્સ ગણશે. કૉલેજિયનોને તો તિલક-ચાંદલાની વાત સાંભળી મોં ઉપર શરમના શેરડા ફૂટવા માંડે ! જાણે કોઈ હીન કૃત્ય ન કર્યું હોય એવું સમજી હીણપ અનુભવી મોં મચકોડશે. આવી છે, પોતાના ઇષ્ટદેવે આપેલા ચિહ્નને ધારણ કરવામાં ખચકાટ કે હીણપ અનુભવતી ગૌરવહીન ટીનેજર પેઢી ! (જોકે બધા જ નહીં.)
ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ માથે પાઘડી પહેરતા તે શીખ ધર્મનું પ્રતીક છે. શું તેઓ ધાર્મિક પ્રતીક ધારણ કરતાં હીણપ કે શરમ અનુભવે છે ? અરે, ગૌરવથી પહેરે છે અને ધાર્મિક ચિહ્ન ધારણ કરવામાં નાનપ શાની ? શરમ શાની ? શરમ તો ત્યારે આવવી જોઈએ કે જ્યારે આપણે કોઈક અધમકૃત્ય, ચોરી કે દારૂ પી મવાલીવેડા કરતા હોઈએ તો !
આજના ઘણા કોરા બુદ્ધિશાળીઓની દલીલ હોય છે કે ધર્મ એ તો આંતરિક બાબત છે. તેનો દેખાડો કે પ્રદર્શિત કરવાની જરૂર નથી. ધર્મ એ આંતરિક ને વ્યક્તિગત બાબત છે એ વાત સાવ સાચી, પણ જે આંતરિક રીતે દ્રઢીભૂત થયેલું હોય એટલે કે જીવમાં ઠસેલ જે વાત હોય, તે બહાર આવ્યા વગર કે પ્રદર્શિત થયા વગર રહે જ કેમ ? મૂળો ખાધો હોય તો તે પણ ઓડકાર રૂપે પ્રદર્શિત થયા વગર રહેતો નથી. કોઈક નવીન ચીજ લાવ્યા હોય તો એ પણ બે-ચાર સમક્ષ પ્રદર્શિત કર્યા વિના રહેવાતું નથી તો પછી જેની ભક્તિ કે ઉપાસના રોમ રોમ પ્રત્યે વણાઈ ચૂકી હોય, તે પ્રદર્શિત થયા વિના રહે જ કેમ ? અને જો એમ નથી થતું તો તે દંભી છે, કોરોધાકોર છે, ભીતરથી ભિખારી છે. જોકે બધા જ તિલક-ચાંદલો કરનાર આંતરિક રીતે સમૃદ્ધ છે એવુંય નથી. ન પણ હોય અને ત્યારે જ એવી વ્યક્તિ આપણા શુદ્ધ વર્તનના સંપ્રદાયને ક્યારેક લજવતી હોય છે. ભાલ વિષે તિલક-ચાંદલો કરનારે વિશેષ સાવધાની રાખવી કે રખે ને આપણા વાણી, વર્તન કે વ્યવહારથી આપણો સંપ્રદાય, આપણા ઇષ્ટદેવ કે આપણા ગુરુને લાંછન ન લાગે. આપણે જગતના જીવો કરતાં જુદા છીએ. તિલક-ચાંદલો કરવાથી આપણી જવાબદારી અન્ય કરતાં વધી જાય છે.
તિલક-ચાંદલાની આજ્ઞા
શ્રીજીમહારાજે પોતાના આશ્રિતો પ્રત્યે શિક્ષાપત્રીમાં શ્લોક નં ૪૧,૪૨,૪૩ અને પરમાં તિલક-ચાંદલા વિષે વિગતો આપી છે. તેમાં કહ્યું છે કે, “પુરુષમાત્રે ચંદને કરી ભાલ, બંને હસ્ત ને છાતી મધ્યે તિલક કરવું ને ચંદનનો ચાંદલો કરવો તથા ભાલમાં કુમકુમનો ચાંદલો કરવો અને સ્ત્રીઓએ માત્ર ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો જ્યારે વિધવા સ્ત્રીઓએ તિલક પણ ન કરવું ને ચાંદલો પણ ન કરવો.
શ્રીજીમહારાજે જોયું કે, સદ્. રામાનંદ સ્વામીના શિષ્યો ભાલને વિષે કોઈ ને કોઈ પ્રકારનું અવનવું ધાર્મિક પ્રતીકાત્મક ચિહ્ન ધારણ કરતા હતા. એમાં એમને એકસૂત્રતા કે એક શિષ્ટાચાર જણાયો નહીં. કેમ કે તેઓ સહુ સહુને મનફાવે તેવું કોઈ આડું, તો કોઈ ઊભું , કોઈ ત્રાંસું ચંદનનું, માટીનું કે ભસ્મનું એમ અવનવા ચિહ્નો ધારણ કરતા. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા પછી બધાયને એકસૂત્રતાએ સાંકળવા ને ઇષ્ટદેવ પ્રતિ સ્પષ્ટ ઓળખ આપવા તે ચિત્ર-વિચિત્ર ચિહ્નો બંધ કરાવ્યાં ને સૌને એકસરખું ચંદનનું ઊર્ઘ્વપુંડ્ર તિલક અને મધ્યે ગોળ કુમકુમનો ચાંદલો (અત્યારે જે કરાય છે તેમ ) કરવાની આજ્ઞા કરી. શ્રીજીમહારાજે સંપ્રદાયના વિદ્વાન સંત સદ્દ. નિત્યાનંદ સ્વામીના ભાલે પોતે નકકી કરેલ તિલક-ચાંદલાનું અર્ચન કર્યું અને તમામ અનુયાયીઓને તેવો તિલક-ચાંદલો કરવાનું સૂચન કર્યું ત્યારથી આજપર્યંત તેવો જ તિલક-ચાંદલો સહુ કોઈના ભાલને વિષે થતો આવે છે.
ઘણા લોકો આપણો તિલક-ચાંદલો જોઈને, “આ તો કોરું કંકુ છે” એમ કહેતા હોય છે. કેમ કે આપણે કોરા કુમકુમથી ચાંદલો કરવાનો હોય છે. પાણીમાં પલાળેલું કુમકુમ ન ચાલે. તેથી જ ગુરવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર કહેતા હોય છે કે, “શ્રીજીમહારાજે આપણા ચાંદલામાં પાણીનેય ચાન્સ આપ્યો નથી; તો પછી બીજા ચાન્સ શાના લઈ જાય ?” એટલે કે ચોઘડિયાં, મુહૂર્ત, દેવ-દેવતા, અવતારોથી કોરા રહેવું. આવી બાબતો સ્વામિનારાયણના ભક્તને પાલવે નહીં.
તિલક-ચાંદલો એ વિશિષ્ટાદ્વૈતનું પ્રતીક
વિશિષ્ટાદ્વૈત એટલે વસ્તુ બે પણ દેખાવ એક તેને કહેવાય વિશિષ્ટાદ્વૈત. ચંદનનું તિલક અને કુમકુમનો ચાંદલો એમ બે વસ્તુ છે. પણ તિલક-ચાંદલાનો સંયુક્ત એક દેખાવ છે. શ્રીજીમહારાજ અને મુક્ત એમ બે છે. પણ મુક્ત મૂર્તિમાં રહે પછી દેખાવ મુક્તનો રહેતો નથી; શ્રીજીમહારાજનો જ રહે છે. એમ વસ્તુ બે પણ દેખાવ એક તેનું નામ વિશિષ્ટાદ્વૈત.
તિલક-ચાંદલો કરવાની રીત
પૂજાપેટીમાં તિલક કરવા માટે તારના ટુકડાને ચોક્કસ શૅપ આપી તિલકયું બનાવ્યું હોય છે. તેના પર ભગવાનના પ્રસાદીના ચંદનની ગોટીને પથ્થરના બનેલા ઓરસિયામાં પાણી સાથે ઘસી પ્રવાહી બનાવી, તેને તિલકિયામાં ચોપડી લલાટે, છાતીએ અને બંને ભુજામાં તિલક કરવાં. બંને ભુજા ને છાતીએ તિલક મઘ્યે ચંદનનો ચાંદલો કરવો.
કુમકુમનો ગોળ ચાંદલો કરવા માટે પ્લાસ્ટિક કે કોઈ પણ પ્રકારની ગોળ ડબ્બીમાં, કુમકુમ ભરીને તે ડબ્બી વડે ભાલને વિષે ચાંદલો કરી શકાય.
પ્રથમ ભાલને વિષે કુમકુમનો ચાંદલો કરવો. ત્યારપછી તિલક કરવું. તિલક એ શ્રીજીમહારાજનું પ્રતીક છે અને ચાંદલો એ મુક્તનું પ્રતીક છે. જેમ તિલકમાં ચાંદલો રહે છે એમ શ્રીજીમહારાજની મૂર્તિમાં મુક્ત રહે છે. એમ તિલક-ચાંદલો એ મહારાજ અને મુક્તની એકતા દર્શાવતું – અનાદિમુક્તની સ્થિતિના રહસ્યને છતું કરતું પ્રતીક છે.
ઘણાય ચાંદલો કરે પણ તિલક ન કરે તો તે યોગ્ય નથી. ચાંદલો મુક્તનું પ્રતીક છે. શ્રીજીમહારાજ વગર મુક્ત કદી એકલા ન રહે કે ન હોય. માટે તિલક અને ચાંદલો બંને બરાબર કરવાં. ઘણાય તિલક કરે પણ ચાંદલો ચંદનનો કરે એ પણ બરાબર નથી. ચાંદલો તો કુમકુમનો જ કરવાનો આગ્રહ રાખવો.
નિત્યપૂજાના પ્રારંભમાં જ તિલક-ચાંદલો કરી લેવો. નહિતર તિલક-ચાંદલો કર્યા વિનાની પૂજા નિરર્થક બની જાય છે.
તિલક-ચાંદલો ભાલને વિષે કરવાના કેટલાંક વૈજ્ઞાનિક અને કેટલાંક સામાજિક કારણો પણ છે.
વૈજ્ઞાનિક કારણ :- તિલકને મનુષ્યના જ્ઞાનનું અને બુદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. બુદ્ધિ આપણા મસ્તિષ્કને વિષે રહેલી છે. આપણું મસ્તિષ્ક ભગવાને બનાવેલું એક અદ્ભુત કમ્પ્યૂટર છે. જેમાં ૧૦૦ અબજ સૂચનાઓ એકીસાથે ભેગી થઈ શકે છે. આવું કમ્પ્યૂટર બનાવવાનો પ્રયોગ અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. એના માટે ૨૭ માળની પ્રયોગશાળા બનાવવી પડી હતી. કેટલીયે યંત્રસામગ્રી ઉપયોગમાં લેવી પડી. અને સેંકડો જાણકાર વ્યક્તિઓને આ કાર્ય માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છતાં પણ મનુષ્યના મસ્તિષ્કની રચના તો અવ્વલ જ રહી ! એટલે એવા ભગવાને આપેલ અદ્ભુત મસ્તિકષ્ની પૂજા કરવી એ દ્વારા પ્રભુની પૂજા કરી ગણાય. એવા હેતુથી ભાલને તિલક-ચાંદલાથી પૂજવામાં આવે છે. બીજું એક મહત્ત્વપૂર્ણ કારણ એવું પણ છે કે આપણી બે ભ્રૂકુટિ (ભમ્મર)ની મધ્યમાં આજ્ઞાકેન્દ્ર હોય છે. આપણે દિવસભર કંઈ પણ કાર્ય – કલાપ કરીએ છીએ એનો પૂરો ભાર આ આજ્ઞાકેન્દ્ર પર હોય છે. ચંદન એ શાંતિ પ્રદાન કરવાવાળી એક પ્રભાવક ઔષધિ છે. ભાલ વિષે ચંદન લગાવવાથી એ કેન્દ્ર હંમેશાં શાંત અને કાર્યક્ષમ રહે છે. એક માન્યતા એવી પણ છે કે આપણા શરીરમાં આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ સતત ચાલતો રહે છે. અને એ ગરમી (ઊર્જા)થી લલાટનો ભાગ ગરમ રહે છે. વાસ્તવમાં આ વધતી ગરમી શરીરમાં અનેક પ્રકારના રોગ ઉત્પન્ન કરી શકે છે. આ ગરમીનું શમન કરવા માટે ચંદનનું તિલક કરવામાં આવે છે.
સામાજિક દૃષ્ટિકોણ :- સામાજિક રીતે પણ તિલક-ચાંદલાનું એક વિશિષ્ટ મહત્ત્વ રહેલું જણાય છે. પહેલાના જમાનામાં કોઈ શૂરો રણબંકો, રણસંગ્રામે જાય ત્યારે એને કપાળે શૌર્યના પ્રતીકરૂપે તિલક-ચાંદલા વડે પૂજા કરી મોકલવામાં આવતા. કોઈ રાજા ગાદી પર બેસે ત્યારે તેની પૂજા કરી ચાંદલો કરવામાં આવતો અને તેને રાજતિલક કહેવાતું. કોઈ સ્ત્રીને સારો પતિ મળે એ એનું સૌભાગ્ય ગણાતું. તે સૌભાગ્યના પ્રતીકરૂપે કપાળે ચાંદલો કે બિંદી લગાવે છે.
આપણે જોઈએ છીએ કે સમાજમાં વિશિષ્ટ કામગીરી બજાવતા લોકોની આવી કાંઈક આગવી ઓળખ હોય જ છે. ખાખી વર્દી જોઈ એટલે પોલીસની આકૃતિ ખડી થાય. સફેદ વસ્ત્રો એ હૉસ્પિટલમાં નર્સનો ડ્રેસ કોડ છે. કાળો કોટ એ ન્યાયાધીશની પહેચાન છે. શું તેમણે પોતાનો ગણવેશ પહેરવો ફરજિયાત છે ? શું પોલીસ ખાખી વર્દી પહેરે એટલે એની શક્તિ વધી જાય છે ? નર્સ સફેદ ડ્રેસ પહેરે એટલે શું એનામાં સેવાભાવના વધી જાય છે ? ન્યાયાધીશ કાળો કોટ પહેરે એટલે શું એમની ન્યાયિક બુદ્ધિ વધી જાય છે ? ના, એવું નથી. પરંતુ તેનાથી કમ સે કમ તેઓ જવાબદારી પ્રત્યે સભાન તો જરૂર રહે છે. માટે એવા બાહ્યોપચારની પણ જરૂર પડે છે. એમ કોઈ તિલક-ચાંદલો કરે એટલે સંપૂર્ણ સત્સંગી થઈ ગયો એમ માની લેવું જરૂરી નથી જ ! છતાં એણે ધારણ કરેલો તિલક-ચાંદલો ઘણી વાર બ્રેક મારવાનું કાર્ય અચૂક કરશે. અથવા તો એના કપાળે તિલક-ચાંદલો કોઈ જોઈ અન્ય એને બ્રેક અવશ્ય મારશે. માટે બાહ્યોપચાર જણાતો તિલક-ચાંદલો ભક્તના ભાલમાં તો રહે જ છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે કોઈ આવે ને જો એનું બંજર (કોરું) કપાળ ભાળે તો તુરત ટકોર કરે, “કેમ બોર્ડ માર્યું નથી ? બોર્ડ વગરની દુકાન ન હોય. બોર્ડ હોય તો ગ્રાહક દુકાને આવે.” અથવા કહેશે, “તિલક-ચાંદલો એ લાઇસન્સ છે. લાઇસન્સ વગર બહાર નીકળીએ તો પોલીસ પકડે !” એમ કહી એમને તિલક-ચાંદલો કરતા કરી દે.
પ.પૂ. સ્વામીશ્રીએ એક હરિભક્તનું ઉજ્જડ (કોરું) કપાળ જોઈ તેમને હવેથી કાયમ તિલક-ચાંદલો કરવાનું સૂચન કર્યું. ત્યારે હરિભક્તે કહ્યું, “દયાળુ ! રાજી રહેજો ! મારાથી એ નહિ થાય.” આશ્ચર્ય સહ પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “કેમ, વળી ? એમાં કઠણ શું છે તે નહિ થાય.” હરિભક્તે પ.પૂ. સ્વામીશ્રી સમક્ષ જેવું હતું તેવું નિર્દોષભાવે કહી દીધું, “મારે એક કુટેવ છે. મને પિક્ચર જોવાનો ગાંડો શોખ છે. અઠવાડિયે એક વાર થિયેટર પર જવું જ પડે. જો હું તિલક-ચાંદલો કરું તો મારે બધુંય બંધ કરવું પડે ! નહિતર હું પાપમાં પડું. અને એ મારાથી બંધ થાય એમ નથી. મારા માટે એ બહુ અઘરું છે. માટે રાજી રહેજો.”
હરિભક્તની વાત સાંભળી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ભલે હમણાં એ કુટેવ રહેતી પણ તિલક-ચાંદલો કરવાની એક સુટેવ પાડો. તમને જરૂર ફાયદો થશે. અને એમાં નુકસાન તો છે જ નહીં. માટે આટલું નિયમ તો રાખો જ.” હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીના હેતાળ વચનોને ઠેલી શક્યા નહીં. પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞા થતા તિલક-ચાંદલો કરવાનો શરૂ કર્યો. એક દિવસ કુટેવને વશ ફિલ્મ જોવા થિયેટરમાં ગયા. ટિકિટ માટેની લાઇનમાં ગોઠવાઈ ગયા. બારી પાસે બીજો ત્રીજો નંબર જ હતો. ત્યાં આજુબાજુવાળા તેમના કપાળ સામું જોઈ પછી વેધક દ્રષ્ટિથી એના મોં સામું જુએ. હરિભક્તને થયું કે કેમ લોકો મારા સામું જુએ છે ? ત્યાં કોઈક બોલ્યું, “ભલા માણસ, કપાળે આવો સરસ તિલક-ચાંદલો કર્યો છે ને ફિલ્મો જુઓ છો ? આવી રીતે ટિકિટ લેવા લાઇનમાં ઊભા છો તે શરમ નથી આવતી ?” અને ખરેખર આ સત્સંગી ભાઈ શરમાઈ ગયા. આવા શબ્દો સાંભળી જીવમાં ચોંટ લાગી ગઈ. અને તરત ટિકિટ બારીએ નંબર આવ્યો છતાં ટિકિટ લીધા વગર રવાના થઈ ગયા. હવે પછી કદી ફિલ્મ નહિ જોવાની પ્રતિજ્ઞા લઈ લીધી. જોકે આજના હોશિયાર માણસો હોશિયારી વાપરશે. બીજી વખત તિલક-ચાંદલો ભૂંસીને લાઇનમાં ઊભા રહેશે, ખરું ને ?
વડોદરાના આપણા એક સત્સંગી યુવાન, ભણવામાં ખૂબ જ તેજસ્વી અને ૧૯૬૮માં બોર્ડમાં એમનો નંબર આવેલો. તેઓ નિયમિત કપાળે સુંદર તિલક-ચાંદલો કરે. આગળ અભ્યાસ માટે કૉલેજમાં ઍડમિશન મેળવેલું. કૉલેજના વાતાવરણમાં પણ તિલક-ચાંદલો તો નિયમિત કરવાનો જ. એમાં કદી કોઈની શેહ-શરમ નહીં. કૉલેજના વિદ્યાર્થીઓ મારા માટે શું વિચારશે એની બીક કે ડર કે ક્ષોભ નહીં. એ કૉલેજના પ્રિન્સિપાલ રોજ આ યુવાનના કપાળે કરેલા તિલક-ચાંદલા સામે જુએ. પ્રિન્સિપાલ થોડા વિચિત્ર હતા. એમને ટીલાં-ટપકાં પ્રત્યે પૂર્વાગ્રહ હતો.
એક દિવસ એ સત્સંગી યુવાનને પોતાની કેબિનમાં બોલાવીને કહ્યું, “આ કૉલેજ છે, મંદિર નથી. ટીલાં-ટપકાં મને પસંદ નથી માટે કૉલેજમાં આવું ટીલું કરીને આવવું નહીં.” પ્રિન્સિપાલની આવી કડક ચેતવણી સાંભળી સત્સંગી યુવક ડર્યો નહિ, પોતે ખૂબ જ હોશિયાર હતા. સત્સંગ પ્રત્યેનું ગૌરવ પણ અદ્ભુત હતું. એણે ખુમારીથી પ્રિન્સિપાલને જવાબ આપ્યો, “સર, તમે કૉલેજના પ્રિન્સિપાલ છો; નહિ કે મારા તિલક-ચાંદલાના. સાંભળો, આ તિલક-ચાંદલો હું કદાપિ છોડી શકું એમ નથી. અને જો તમે મને બહુ જ પ્રેસર (આગ્રહ, દબાણ) કરશો તો હું કૉલેજ છોડી દઈશ પણ તિલક-ચાંદલો હરગિજ નહિ છોડું.” આવું સ્પષ્ટ નીડર હાજરજવાબીપણું સાંભળી પ્રિન્સિપાલ તો સડક (સ્તબ્ધ) થઈ ગયા. એને ફરી કશું જ કહ્યા વિના જવા દીધો. આ છે શ્રીજીમહારાજે આપેલ તિલક-ચાંદલાનું સત્સંગીને મન ગૌરવ !
જ્યારે ઘણા કિશોરો સવારે પૂજામાં તિલક-ચાંદલો કરે પણ કૉલેજ જવાનું થાય ત્યારે ભૂંસી નાખે.
ઈ.સ. ૧૯૮૬માં આપણા વાસણા મંદિરનું બાંઘકામ પૂરજોશમાં ચાલતું હતું. એ વખતે પ.પૂ. સ્વામીશ્રી અને સંતો નાનકડી કાચી ઓરડીમાં રહેતા. એક સત્સંગીનો દીકરો M.com. થયેલો પણ ક્યાંય નોકરી ન મળે. એ વખતે સરકારી નોકરી માટે વયમર્યાદા ૨૫ વર્ષની હતી. ૨૫ વર્ષ પછી સરકારી નોકરી મળી શકે નહીં. તેને રીઝર્વ બેંક ઑફ ઇન્ડિયાનો ઇન્ટરવ્યૂ આવેલો. તેમાં ૧૩ સીટ જ લેવાની હતી ને અરજદારો ઘણા હતા. એટલે બપોરે ૧૨ વાગ્યે વાસણા મંદિરે પ.પૂ. સ્વામીશ્રીને મળવા આવ્યો. પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરીને કહ્યું, “રીઝર્વ બેંકનું ઇન્ટરવ્યૂ છે. મેં રીટર્ન ટેસ્ટ (written test) પાસ કરેલ છે. પણ ઓરલ બાકી છે. તેથી આજે ઇન્ટરવ્યૂ આપવા ત્રણ વાગ્યે આશ્રમરોડ પર આવેલી રીઝર્વ બેંકની ઑફિસે જવાનું છે. આપ મહારાજને પ્રાર્થના કરો. આપની પ્રાર્થના મહારાજ સાંભળે છે. મારે માટે આ છેલ્લો ચાન્સ છે. મારે ૨૫ વર્ષ પૂરાં થવાની તૈયારી છે. જો અહીં નોકરી નહિ મળે તો પછી કોઈ ચાન્સ રહેતો નથી. માટે આપ કૃપા કરી આશીર્વાદ આપો.”
પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તમારે માટે અમે જરૂર મહારાજને પ્રાર્થના કરીશું. પણ મહારાજ પ્રાર્થના નહિ સાંભળે.” “કેમ નહિ સાંભળે ?” “તમે મહારાજનું વચન માનતા નથી એટલે !” પછી કહ્યું કે, “તમે રોજ પૂજા કરો છો ?” “હા.” “તિલક-ચાંદલો કરો છો ?” “ના.” “તમે આ આજ્ઞા માનતા નથી એટલે મહારાજ અમારી પ્રાર્થના નહિ સાંભળે !” સ્વામીશ્રીએ ખુલાસો કર્યો. “તો પછી દયાળુ, તમે મહારાજને પ્રાર્થના કરો. હવે હું કાલથી જરૂર તિલક-ચાંદલો કરીશ.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કાલથી નહિ, આજથી જ કરો. આજથી જ નહિ, અત્યારથી જ શરૂ કરો.” એમ કહી કહ્યું, “લાવો, તમને તિલક-ચાંદલો કરી આપું. અને તિલક-ચાંદલો કરીને જ ઇન્ટરવ્યૂ આપવા જાવ.” “પણ સ્વામી, દયાળુ, રાજી રહેજો. આજે રહેવા દો, કાલથી જરૂર કરીશ. આજે ઇન્ટરવ્યૂ આપવાનો છે. અને ત્યાં સાહેબોને મળવા જવાનું છે. માટે, આજે રહેવા દો તો સારું.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તું જેને મળવા જવાનો છે એના કરતાંય મોટા સાહેબનો તિલક-ચાંદલો છે ! અને એનાથી મોટા સાહેબ કોઈ નથી.” “પણ સ્વામી શરમ બહુ આવે છે.” પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “તને તો તારો તિલક-ચાંદલો દેખાતો નથી પછી શાની શરમ આવે ? બોલ, તું રોજ તિલક-ચાંદલો કરવાનો હોય ને અત્યારે કરીને જાય તો અમારી પ્રાર્થના મહારાજ જરૂર સાંભળશે. મહારાજની આજ્ઞામાં વર્તો તો સંત રાજી થાય અને સંત રાજી થાય તો મહારાજ તરત રાજી થાય.”
હરિભક્તને ખરી ગરજ હતી. મને-કમને પણ પ.પૂ. સ્વામીશ્રીના હસ્તે તિલક-ચાંદલો કરીને ઇન્ટરવ્યૂ આપવા ગયા. ઇન્ટરવ્યૂમાં એમનો ૧૮૭મો ટોકન હતો. વારાફરતી બધાયના નંબર આવતા ગયા એમ આ હરિભક્તનો પણ નંબર આવ્યો. ઇન્ટરવ્યૂ લેવા સાત સાહેબોની પેનલ બેઠેલી હતી. એમાં મુખ્ય સાહેબ પોતે સત્સંગી હતા. જોકે તેમણે તિલક-ચાંદલો કરેલો નહીં. પણ પેલા હરિભક્તે તિલક-ચાંદલો કર્યો હતો તે જોઈ ગયા. બીજા કોઈ સાહેબ પ્રશ્ન પૂછે એ પહેલાં આ મુખ્ય સાહેબે પ્રશ્ન પૂછયો, “નિયમ, નિશ્ચય અને પક્ષ એટલે શું ?” હવે આ પ્રશ્ન તો ગઢડા મધ્યના ૬૧મા વચનામૃતનો હતો. આ હરિભક્ત સમાગમ રોજ કરતો એટલે તરત ઉત્તર કર્યો, “ભગવાનના કહેલા નિયમનું પાલન કરવું તે નિયમ અને ભગવાનને સર્વોપરી જાણવા તે નિશ્ચય અને એવા નિયમ ને નિશ્ચયવાળાનો પક્ષ રાખવો એ પક્ષ રાખ્યો કહેવાય.” જવાબ સાંભળી પેલા મુખ્ય સાહેબે ગળાની કંઠી દેખાડી કહ્યું, “મારે પણ તમારો પક્ષ રાખવો પડશે.” અને એ હરિભક્તને નોકરી મળી ગઈ. ફકત ૧૩ સીટમાં એમનો નંબર લાગી ગયો. ભલે આજ્ઞા નાનકડી છે પણ રાજીપો મોટો થઈ ગયો.
સુરેન્દ્રનગરના એક હરિભક્ત જયેશભાઈ મણિયાર છે. પોતે જ્ઞાતિએ જૈન વાણિયા છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી નિષ્ઠાવાળા સત્સંગી છે. એમના મુક્તરાજ ખિલેન ભણવામાં ખૂબ જ હોશિયાર. તે પોતે સી.યુ. શાહ કૉલેજમાં BCAનો કોર્સ કરે. કાયમ એમનો દરેક સેમિસ્ટરમાં કૉલેજમાં પ્રથમ નંબર જ આવે. પરંતુ યુનિવર્સિટીમાં બીજો નંબર આવે. આવું ચાર સેમિસ્ટર સુઘી ચાલ્યું. એક વખતે મંદિરે એના પપ્પા સાથે દર્શન કરવા આવ્યા. પૂ. સંતોએ ખિલેનને કહ્યું, “તું તિલક-ચાંદલો નિયમિત કરવાનું ચાલુ કર. મહારાજ રાજી થશે. મહારાજ રાજી થશે તો યુનિવર્સિટીમાં પણ પહેલો નંબર આવશે.” અને ખિલેન વચન માની નિયમિત તિલક-ચાંદલો કરી કૉલેજ જતો થયો. પાંચમાં સેમિસ્ટરમાં મહારાજને કરવું ને કૉલેજમાં પ્રથમ નંબર આવ્યો. ને યુનિવર્સિટમાં પણ પ્રથમ નંબર આવ્યો. તિલક-ચાંદલો કરવાનું થોડો સમય બરાબર ચાલ્યું. પાછો એ આજ્ઞાનો ભંગ કર્યો તો જ્યારે છઠ્ઠા સેમિસ્ટરમાં એમનો નંબર છઠ્ઠો આવ્યો ત્યારે ખૂબ પસ્તાવો થયો. ત્યારપછી આજે તો એમને MCA પણ પૂર્ણ થઈ ગયું છતાં નિયમિત તિલક-ચાંદલો કરે છે.
આપણા ઘણા કિશોરો વિદેશમાં વસે છે ત્યાં તેઓ અચૂક તિલક-ચાંદલો કરે છે. દુબઈ જેવા મુસ્લિમ દેશમાં તિલક-ચાંદલો કરવો એ ઘણું અઘરું છે. છતાં દુબઈમાં વસતા કિશોરો તિલક-ચાંદલાનો નિયમ ચૂકતા નથી. એક કિશોર પોતે સિવિલ એન્જિનિયર છે. તેમને દુબઈમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ઇન્ટરવ્યૂ હતો. તેમને તિલક-ચાંદલો કરવાની નિયમિત ટેવ એટલે કપાળે તિલક-ચાંદલો હતો. ઇન્ટરવ્યૂ લેનાર અરબી હતો. ઇન્ટરવ્યૂ ખૂબ જ સારો ગયો. નોકરી પાકી જ હતી. પણ અરબીએ તેના કપાળ સામે જોઈ પૂછ્યું, “આ શું કર્યું છે ? શેનું ચિહ્ન છે ?” સત્સંગી કિશોરે કહ્યું, “આ અમારા ઇષ્ટદેવનો તિલક-ચાંદલો છે; અમારા ધર્મનું પ્રતીક છે.” અરબીએ રિજેક્ટેડ કરી દીધો. સત્સંગી કિશોરને થોડો ચચરાટ જરૂર થયો કે તિલક-ચાંદલાના હિસાબે નોકરી મળી નહીં. પરંતુ તેણે તિલક-ચાંદલો બંધ કર્યો નહિ અને થોડા જ દિવસમાં મહારાજને કરવું ને તેથી ડબલ પગારવાળી બીજી નોકરી મળી ગઈ.
ગમે તેવા દેશકાળમાંય પોતાના ઇષ્ટદેવના ગૌરવ સમા તિલક-ચાંદલાથી અળગા ન થાય કે તિલક-ચાંદલાને કપાળેથી અળગો ન કરે તેવા ખુમારીવાળા સત્સંગીઓ મહારાજને બહુ વ્હાલા છે.
અને જે લોકલાજથી ડરે છે ને તિલક-ચાંદલો કરવામાં ખચકાટ અનુભવે છે એવા માટે સદ્. મુકતાનંદ સ્વામીએ કહ્યું છે,