ઘરમંદિર

સમાજના કે સંપ્રદાયના દરેક સભ્યોને ભેગા મળી ભગવાન ભજવાનું સ્થાન એટલે મંદિર અને એક ઘરના તમામ નાના-મોટા સભ્‍યોએ ભેગા મળી ભગવાન ભજવાનું સ્થાન એટલે ઘરમંદિર.

જે ઘરમાં ભગવાનની મૂર્ત‍િ ન હોય તે ઘર સ્મશાન તુલ્‍ય ગણાય.

આપણે શીખી ગયા કે મહારાજની મૂર્ત‍િ એ મહારાજનું સ્વરૂપ છે. તે સાક્ષાત્ ભગવાન છે. એમ જાણ્‍યું હોય તો મૂર્ત‍િને બીજા ફોટાની જેમ દીવાલ ઉપર જ્યાં ત્‍યાં લટકાવીને ન રખાય. પરંતુ એક સુંદર વ્યવસ્‍થ‍િત સિંહાસન કે કબાટ બનાવવામાં આવે અને તેમાં મહારાજની મૂર્ત‍િ પધરાવવામાં આવે; તેને કહેવાય ઘરમંદિર.

આવા સુંદર રીતે બનાવેલા કબાટમાં કે સિંહાસનમાં સુંદર અને સ્વચ્છ આસન પર ઘનશ્યામ મહારાજ, બાપાશ્રી અને તેમના મુક્તોની મૂર્ત‍િઓ પધરાવવી જોઈએ.

મહારાજ અને મુક્તો સાક્ષાત્ છે. માટે તેમને ગરમી ન લાગે તે રીતે પંખાની કે એ.સી.ની વ્યવસ્‍થા પણ હોવી જોઈએ. (જેમ આપણા ઘરમાં આપણને બરાબર હવા-ઉજાશ મળી રહે તેવી કાળજી રાખીએ છીએ.) ઘરમંદિરનું સ્થાન પણ યોગ્ય હવા અને પ્રકાશની અવરજવર થાય, તેવી રીતે પસંદ કરવું જોઈએ.

ઋતુ ઋતુ પ્રમાણે મહારાજને જગાડવા, પોઢાડવા માટેના પડદા અને જરૂર લાગે ત્‍યારે મચ્છરદાની તથા ગોદડીની વ્યવસ્‍થા પણ હોવી જોઈએ.‘યથા દેહા તથા દેવા.’‘જેવું દેહને તેવું દેવને’ એ સૂત્ર મુજબ આપણને ઠંડી લાગે તેમ મહારાજનેય લાગે. એવી એકેએક ક્રિયામાં પ્રગટભાવ રાખવો.

ઘરમંદિરની સેવા ખૂબ ઉત્સાહથી કરવી. સવારમાં ઊઠી, સ્નાનાદિક વિધિ પતાવી, ગદ્ગદ કંઠે અને વિનય વચને, “જાગો... જાગો... મારા નાથ ! હે અધમ ઉધ્‍ધારક પ્રભુ ! જાગો... દયાળુ ! પ્રભાત થયું છે. પ્રાણપ્‍યારા જાગો... ” કહી મહારાજને પ્રભાતિયાં સાથે પડદો ખોલી, ટોકરીના મધુર રણકાર સાથે જગાડવા.

શુદ્ધ સારાં વસ્‍ત્રથી મહારાજની મૂર્ત‍િઓને હળવે હાથે, મારા પ્રિયતમને નેત્રમાં વાગી ન જાય, વસમું ન લાગે એવા સતત ખટકા સાથે લૂછવી. તથા મૂર્ત‍િની આજુબાજુ પણ બે-ત્રણ દિવસે સ્વચ્‍છતા જળવાય તેની કાળજી રાખવી.

મહારાજને જગાડ્યા પછી ભાવથી સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરી આર્તનાદે પ્રભુની આરતી કરવી.

સવારમાં મહારાજને ઋતુ ઋતુ પ્રમાણે દૂધની સાથે હળવો નાસ્‍તો ધરાવવો પછી પુષ્‍પહાર ધારણ કરાવવા.

બપોરે રસોઈ કરી પ્રેમથી થાળ બોલી મહારાજને જમાડવા. પછી જળ ધરાવવું અને લગભગ ૧૨ વાગે પોઢાડી દેવા.

વળી, સાંજે ચાર વાગે મહારાજને ફળ કે સૂકોમેવો એવું કંઈક ધરાવી જગાડવા. મહાબળવંત માયા તમારી... પ્રાર્થના કરવી ને ઓરડાનાં પદો બોલી મહારાજને રીઝવવા.

સંધ્‍યા સમયે સંધ્‍યા ભોગ ધરાવી, શક્ય હોય તો ઘરના તમામ સભ્‍યોએ ભેગા મળી સંધ્‍યા આરતી કરવી. ધૂન્‍ય, અષ્‍ટક, સ્તુતિ, પ્રાર્થના વગેરે નિત્‍ય નિયમનાં પદો બોલવાં. અને રાત્રે જળ ધરાવી ગદ્ગદ કંઠે પ્રાર્થના કરી પોઢાડવા.

આમ, ઘરમંદિર એટલે ભગવાનને વિષેથી પ્રતિમાભાવ ટાળી દિવ્યભાવ કેળવવાનું સ્થાન.