થાળ

થાળ એટલે શું ?

‘યથા દેહા તથા દેવા’ એ ન્યાયે જેમ આપણે દેહ ટકાવવા જમાડીએ છીએ તેમ પોતાના પ્રિયતમ પ્રભુને જમાડવાનો દિવ્ય અવસર એટલે થાળ.

ભક્તએ ભગવાનને રાજી કરવા અતિ સ્નેહથી બનાવેલી વાનગીઓનો સ્નેહપૂર્વક નિવેધ કરવો એટલે થાળ.

થાળનું મહત્ત્વ

કારણ સત્સંગનો સિદ્ધાંત છે કે મૂર્તિ સ્વરૂપે મહારાજ સદાય પ્રગટ-પ્રત્યક્ષ છે.

આપણા ઘરમાં મહારાજ પ્રગટ-પ્રત્યક્ષ બિરાજમાન છે. જે મહારાજ આપણું સર્વસ્વ છે. આપણી હરએક ક્રિયામાં કેન્દ્રસ્થાને મહારાજ જ રહે એ જ આપણી ભક્ત તરીકેની ફરજ છે. ચાહે પછી તે ગમે તે ક્રિયા હોય.

શ્રીજીમહારાજે શ્રીમુખે વચનામૃત સારંગપુરના ત્રીજામાં જણાવ્યું છે કે, “અમારા વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદ્‌ગદ કંઠ થઈને જો અમારી પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે અમારી માનસીપૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદ્‌ગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ અમારી પૂજા કરે છે તોય ન્યૂન છે ને માનસીપૂજા કરે છે તોય ન્યૂન છે.”

રસોઈ બન્યા પછી થાળ કરવો એ માત્ર વિધિ કે ઔપચારિક ક્રિયા નથી. પરંતુ થાળનો સ્વયં અક્ષરધામના અધિપતિ સર્વાવતારી પ્રભુ સ્વીકાર કરે છે. એમની દિવ્ય દૃષ્ટિ બનાવેલ વાનગી ઉપર પડે છે તેથી તેમાં રહેલ રજોગુણી, તમોગુણી કે અન્ય માયિક તત્ત્વોથી રહિત થાય છે.

અનાજ ખેતરમાં ઊગે છે ત્યારે કેવા ખેતરમાં ઊગ્યું છે ? કેવી ભૂમિ છે તેનો ખ્યાલ ન હોય. ત્યારબાદ તેને લણનાર, વેચનાર, લાવનાર, ધાન્ય દળનાર અને રસોઈ બનાવનાર બધાના સ્પર્શે તેમના વિચારો ખોરાકમાં ભળે છે.

તેમાં જો કોઈ અશુધ્ધ વિચાર હોય તો જમનારના વિચારને પણ અશુદ્ધ કરી નાખે. પરંતુ એ જ ખોરાકને પ્રભુને થાળમાં ધરાવવાથી નિર્ગુણ અને દિવ્ય બની પ્રસાદીરૂપ થઈ જાય છે.

પ્રભુની નિર્ગુણ પ્રસાદી જમવાથી વિચારોમાં, વર્તનમાં અને વાણીમાં સાત્ત્વિકતા આવે છે. અધ્યાત્મ માર્ગમાં ઊર્ધ્વકરણ થાય છે. વિષયનું બળ ઘટે છે.

થાળ કયા સમયે ? કેટલી વાર સુધી ધરાવવો જોઈએ ? તેમાં શું ધરાવી શકાય ?

બાળભોગ : સવારે 6:00થી 7:30 સુધીમાં ધરાવી શકાય.

બાળભોગમાં મીઠાઈ, દૂધ, ભાખરી-થેપલા, સૂકું ફરસાણ (સેવ, ચેવડો, સક્કરપારા વગેરે) ધરાવી શકાય. જો બધું શક્ય ન હોય તો દૂધ-ફ્રૂટ પણ બાળભોગમાં ધરાવી શકાય.

ફરસાણ-લાડુ-દૂધ સાથેનો બાળભોગ (નાસ્તો) હોય તો 8-10 મિનિટ સુધી થાળ ધરાવવો જોઈએ.

રાજભોગ : બપોરે 10:30થી 12:00 સુધીમાં મધ્યાહ્ન થાળ કરી શકાય.

મધ્યાહ્ન થાળમાં મીઠાઈ, ભીનું તથા સૂકું ફરસાણ, દાળ-ભાત, શાક-રોટલી, પૂરી, પાપડ, અથાણાં, રાયતાં, સલાડ, દહીં, છાસ વગેરે જે બનાવ્યું હોય તે થાળમાં ધરાવી શકાય. શાક-રોટલી હોય તોપણ ચાલે. પરંતુ જે બનાવ્યું હોય તે થાળમાં ધરાવીને જ જમવું જોઈએ.

મધ્યાહ્ન થાળ 15થી 20 મિનિટ સુધી ધરાવવો જોઈએ.

ઉત્ત્થાપનનો થાળ : સાંજે 4:00થી 4:30 સુધીમાં ઉત્ત્થાપનનો થાળ ધરાવી શકાય.

ઉત્ત્થાપનના થાળમાં જુદા જુદા ફ્રૂટ્સ, જ્યૂસ, આઇસક્રીમ, ડ્રાયફ્રૂટ્સ, સીંગ-સાકર વગેરે ધરાવી શકાય. પરંતુ માત્ર ખાંડ કે સાકરિયા ધરાવાય નહીં.

ઉત્ત્થાનનો થાળ 5 મિનિટ સુધી ધરાવવો જોઈએ.

સંધ્યા થાળ : સાંજે 6:00થી 8:00 સુધીમાં સંધ્યા થાળ ધરાવી શકાય.

સંધ્યા થાળમાં ખીચડી, શાક, ભાખરી, રોટલા, ઢોકળા, હાંડવો, કઢી અથવા દૂધ વગેરે ધરાવી શકાય.

સંધ્યા થાળ 10-15 મિનિટ ધરાવવો જોઈએ.

થાળ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

થાળમાં તમામ મસાલા સપ્રમાણમાં નાખવા. આપણને અનુકૂળ આવે છે તે નહિ પરંતુ ભગવાનને અનુકૂળ આવે તે જોવું – વિચારવું.

થાળ નીરસતા, આળસ-પ્રમાદ રાખીને નહિ પરંતુ ઉત્સાહ-ઉમંગથી સ્વંય મહારાજ થાળ સ્વીકારવાના છે એવા મહિમા સાથે થાળ બનાવવો, વેઠ ન ઉતારવી.

થાળ બનાવતી વખતે બિનજરૂરી ગ્રામ્ય કે વ્યવહારિક વાતો ન કરવી, કોઈના અભાવ-અવગુણની વાતો ન કરવી કે નકારાત્મક વિચારો પણ ન કરવા. કીર્તન-ધૂન બોલતાં કે કથાવાર્તા સાંભળતાં રસોઈ બનાવવી.

મહારાજના થાળના વાસણ (થાળી, વાટકી, ડીશ, ચમચી, ગ્લાસ, લોટો) બધાં જુદાં જ રાખવાં. તેમાં કોઈએ જમાડાય નહિ કે આપણા જમવાના એઠા વાસણ જોડે થાળ ધોવાય નહીં.

જો શક્ય હોય તો સિંહાસનમાં ટેબલ કે બાજોઠ મૂકી તેના ઉપર થાળ મુકીને થાળ કરવો જેથી મહારાજને જમાડતા ફાવે.

થાળ પૂર્વે શું કરવું ? થાળ પછી શું કરવું ?

થાળ કરતાં પૂર્વે મંદિર કે ઘરમંદિરમાં મહારાજને દાસભાવે પ્રાર્થના કરવી કે, હે મહારાજ ! આપ જમાડવા પધારો. ત્યારબાદ જો સિંહાસનમાં બટુક મહારાજ હોય તો અલંકારો, પાઘ, ખેસ, રૂમાલ મહારાજને વાગી ન જાય તેવી રીતે ઉતારવાં, મૂકવા બાજોઠ કે ટેબલ તૈયાર કરી જળનો ગ્લાસ કે લોટો મૂકવો.

થાળ પૂર્ણ થયા બાદ જળ અને મુખવાસ ધરાવવો. (મુખવાસમાં તલ, વરિયાળી, ધાણાની દાળ, સૂકો મેવો વગેરે ધરાવી શકાય.)

થાળ દરમ્યાન શું કરવું ? અને શું ન કરવું ?

ઠાકોરજી આગળ થાળ ધરાવીએ તે દરમ્યાન ઘરના અન્ય કામકાજ ન કરવા. જેમ આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તેમને જમાડતા મૂકી આપણે અન્ય કામ કરતા નથી તેમ મહારાજની સામે બેસી ભાવવિભોર થઈ પ્રેમથી મહારાજને જમાડવા જોઈએ.

થાળ ગાઈને કે ગદ્યમાં પ્રાર્થના કરીને કરવો પણ મહારાજ આગળ મૌન બેસી ન રહેવું. થાળ બોલીને મહારાજને જમાડવા.

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર કહેતાં હોય છે કે, “થાળ જમાડતી વખતે મહારાજ ખૂબ રાજી હોય તેથી એ વખતે આપણે જરૂરી નિષ્કામભાવે પ્રાર્થના મહારાજને કરવી. તે સમયની પ્રાર્થનાનો મહારાજ જરૂર સ્વીકાર કરે જ.”

મહારાજનો થાળ ચાલતો હોય ત્યારે આજુબાજુમાં મોટે મોટેથી બોલવું નહિ કે ઘોંઘાટ ન કરવો.

થાળનો ઇતિહાસ

આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ‘જમો થાળ જીવન જાઉં વારી...’ થાળ સુપ્રસિદ્ધ છે તે થાળ ક્યારે, કેવા સંજોગોમાં બન્યો તે જાણીએ.

શ્રીજીસમકાલીન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય નવો હોવાથી ચારેબાજુ વિરોધાત્મક વાતાવરણ હતું. સંતો જ્યાં જાય ત્યાં પથ્થરમારો થતો. અપમાનની ઝડી વરસતી હતી. તો પછી ઉતારા કે ઝોળીમાં અન્ન તો મળે જ ક્યાંથી ?

નંદપંક્તિના મોટેરા સંત સદ્. ભૂમાનંદ સ્વામી ગામડાંમાં વિચરણ કરતા હતા. વિરોધાત્મક વાતાવરણને કારણે સંતોને ચાર ચાર દિવસના ઉપવાસ થયા હતા. તેમ છતાં સંતો પાંચમા દિવસે સવારે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરતા ચાલતા જતા હતા. સામેથી એક ખેડૂત ખેતરથી આવતા હતા.

મહારાજની કૃપાથી ખેડૂતને સદ્ભાવના જાગી. સંતોને ચરણસ્પર્શ કરી જય સ્વામિનારાયણ કહ્યા. થોડી વાતચીત થઈ એ દરમ્યાન ખેડૂતને ખ્યાલ આવ્યો કે સંતોને ચાર ચાર દિવસના ઉપવાસ છે.

ખેડૂતે કહ્યું, “ઓહોહો... તમ જેવા સાચા સંતોને ચાર દિવસના ઉપવાસ છે. હું અત્યારે હાલ જ ખેતરથી ઘઉંનો પોંક પાડીને લાવ્યો છું; બીજું મારી પાસે કાંઈ નથી માટે આપ પોંક ગ્રહણ કરો.”

સંતોને ચાર દિવસના ઉપવાસ હતા તેનું દુ:ખ ન હતું પરંતુ ચાર દિવસથી ઠાકોરજીને થાળ થયો નહોતો તેનું દુ:ખ હતું તેથી પોંક મળતાં સંતોનાં નેત્ર હર્ષાશ્રુથી ઊભરાઈ ગયાં.

સદ્. ભૂમાનંદ સ્વામીએ જોડે રહેલા ઠાકોરજીને બિરાજમાન કર્યા અને ભાવવિભેર થઈ પ્રાર્થના કરતા હતા કે, “હે મહારાજ, રાજી રહેજો આપને ચાર દિવસથી થાળ થયા નથી. આજે આપે કરુણા કરી ખેડૂતને સામેથી મોકલ્યા. આજે આપને થાળ જમાડવાની તક મળી માટે વ્હાલા જમાડો. ખૂબ જમાડો. એમ પ્રાર્થના કરતાં કરતાં સાથે થાળ બોલવા લાગ્યા : “જમો થાળ જીવન જાઉં વારી...”

સદ્. ભૂમાનંદ સ્વામીએ જ્યાં થાળ શરૂ કર્યો ત્યાં મહારાજ પ્રગટ-પ્રત્યક્ષપણે આવીને બિરાજમાન થઈ ગયા. સ્વામી થાળમાં જે જે વાનગીના નામ બોલે તે મહારાજ પ્રત્યક્ષ જમતા હોય તેવાં દર્શન થતાં હતાં. થાળ પૂર્ણ થયો પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા. મહારાજનાં આવાં દિવ્ય દર્શનથી સ્વામીની ક્ષુધા પણ મટી ગઈ. ચાર દિવસના નકોરડા ઉપવાસ પછી ઘઉંનો પોંક મળતા પહેલાં મહારાજ સાંભર્યા, થાળ કર્યો. સ્વામીને મહારાજને વિષે કેવી દૃઢ પ્રીતિ, અહોભાવ, પ્રેમલક્ષણા ભક્તિ હશે ! એટલે જ સ્વયં મહારાજે પ્રગટપણે દર્શન આપ્યાં.

વિચરણ પૂર્ણ થતાં સ્વામી ગઢપુર પરત પધાર્યા. એ વખતે મહારાજ બપોરે જમાડવા માટે બિરાજ્યા હતા. મહારાજને સમાચાર મળ્યા કે સદ્. ભૂમાનંદ સ્વામી પધાર્યા છે તો મહારાજ જમાડતાં જમાડતાં ઊભા થઈ સ્વામીની સામે ગયા અને ખૂબ ભાવથી ભેટ્યા પોતાની સાથે સ્વામીને ખૂબ ભાવથી જમાડ્યા.

શ્રીજીમહારાજે કહ્યું, “સ્વામી, તે દિવસે પોંક હતો તોય તમે અમને ખૂબ ભાવથી થાળ ગાઈ જમાડ્યા હતા. અમને વારંવાર એ થાળ સાંભળવાનું મન થાય છે માટે ગાવ અમે જમાડીએ.” એમ કહી મહારાજે ચાર-પાંચ વાર સ્વામી પાસે આ થાળ ગવડાવ્યો.

સદ્. ભૂમાનંદ સ્વામીનો પ્રસાદીરૂપ થાળ આજે મંદિરો અને હરિભક્તોના ઘરમાં ગવાય છે. આપણે પણ તે થાળ બોલી મહારાજને જમાડીએ.