આરતી
આરતી વિષે એક કિંવદન્તી પ્રચલિત છે કે પૂર્વ આદિમાનવ ગુફામાં વસતો. ગુફા એટલે અંધકારનું ધામ. ગુફામાં અત્ર, તત્ર, સર્વત્ર અંધકારનું જ સામ્રાજય પથરાયેલું હોય. આદિમાનવ પણ ભગવાનને વિષે આસ્થાળુ હતો. ગુફામાં ભગવાનની મૂર્તિને રાખતો અને પૂજતો પણ ખરો ! પણ ગુફામાંના ઘોર અંધકારમાં ભગવાનની સેવા-પૂજા કે દર્શન કરવા સારુ, જંગલમાંથી કરગઠિયા વીણી લાવી એને ઝેગવતો એટલે ગુફામાં એટલું અંધારું દૂર થતું. પણ જ્યારે ભગવાનનાં દર્શન કરવા હોય ત્યારે આખું તાપણું હાથમાં ઊંચકી, ભગવાનની મૂર્તિની સામે લાવીને, મૂર્તિની ચારેકોર ફેરવીને તાપણાના અજવાળે મૂર્તિને નિહાળીને રાજી થતો અને દર્શનનું સુખ માણતો એમ એ ગમણું કદાચ આજની આરતીનું પૂર્વજ હશે ! અને એક અન્ય વાત મુજબ પૂર્વે મંદિરોને વિષે ગર્ભગૃહોમાં મોટે ભાગે અંધારું રહેતું. એવે વખતે ભગવાનનાં દર્શન કરવા સારુ દીવો પ્રગટાવી એની જ્યોતથી ભગવાનનાં દર્શન કરતા. સમગ્ર મૂર્તિને નિરખવાના આશયથી દીવાને મૂર્તિની ચારેકોર ફેરવવામાં આવતો અને કોઈ ચોક્કસ સમયે ઘણો ભક્ત સમૂહ ભેગો થાતો ત્યારે સૌને સામૂહિક દર્શન થાય તે હેતુથી દીવાની જ્યોત પ્રગટાવી દર્શન કરાવતા. એમ એ ક્રમશ: કાલાંતરે આરતીના સ્વરૂપમાં પરિણમ્યું હશે.
એ જે હોય તે પણ આજે આરતી એ મંદિરનું એક અવિભાજ્ય અંગ છે. જ્યાં પણ ભગવાનની મૂર્તિ હશે ત્યાં આરતીનું અસ્તિત્વ હશે જ. આરતી વિનાનું મંદિર અસંભવ. ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવાનું હોય કે મૂર્તિનું ઉત્થાપન કરવાનું હોય; ભગવાનને જગાડવાના હોય, જમાડવાના હોય કે પછી પોઢાડવાના હોય. ભગવાન પધરામણીએ નીકળ્યા હોય તોય ભલે. સમૈયો હોય કે મોટો મહોત્સવ હોય, સભાની પૂર્વે કે સભાને અંતે આરતી તો હોય, હોય અને હોય જ.
આરતી એટલે આર્તનાદે - ગદ્ગદ કંઠે મહારાજના મહિમાનું કરેલું સ્તુતિગાન. આરતી એટલે પ્રભુને પધાર્યા જાણી, અજવાળું કરી, સ્વાગત કરવાની એક રસમ.
આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત.
આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે દયાળુ ! જેમ આ આરતીની જ્યોત ઝળહળે છે એમ આપની મૂર્તિ દિવ્ય ગુણોથી ઝળહળે છે. એ જ રીતે હવે હે નાથ ! તમે અમારા જીવનનેય ઝળહળતું બનાવો. અમારા માયારૂપી અંધકારને ટાળી આપના સંબંધવાળું પ્રકાશમય કરો. એક કાવ્યપંક્તિ આવો જ સુચિતાર્થ દર્શાવે છે.
"પ્રભુ હે ! જીવન જ્યોત જગાવો..."
આરતી વખતે નગારું, ઝાલર કે ઘંટ શા માટે વગાડવામાં આવે છે ?
આરતી કરતી વખતે મહારાજને દીનભાવે કરાતી સ્તુતિ, પ્રાર્થના અને એકાગ્રતામાં બહારનો કોઈ અવાજ કાને સંભળાય જ નહિ એ માટે સાથે ઘંટડી વગાડવામાં આવે છે. જ્યારે દર્શનાર્થી ભક્તજનો પણ આ પ્રાર્થનામાં સંમત છે, તેવી આનંદોર્મિના પ્રતીક રૂપે સાથે ઝાલર-નગારાનો નાદ કરવામાં આવે છે.
વળી આપણને ખબર છે કે નાદની ઘેરી અસર વાતાવરણ પર વર્તાતી હોય છે. તબલા ઉપર થપાટ પડે કે ઢોલની ઉપર દાંડી ટિપાય ને જે ધ્રિબાંગ-ધ્રિબાંગ ઢોલ બજવા લાગે ત્યારે તેના નાદે, મડદાલ માણસના પગ પણ થરકવા લાગતા હોય છે. ડી.જે.નું સંગીત વાગે ને આબાલવૃદ્ધના પગની ચાલનો લય બદલાઈ જાય છે એમ નાદની અસર સમગ્ર વાતાવરણમાં વર્તાય છે. ઘંટ-ઝાલર-નગારાનો માંગલિક નાદ પણ માનવીના માનસપટ પર છવાઈ જાય છે. અને આરતી વખતે તો ભગવાનની દિવ્યતા, સર્વોપરીતા છવાઈ જાય છે અને માનસપટ પર વહેતા વિચારો વળીને ભગવાનના સ્વરૂપને વિષે નિમગ્ન બનતા હોય છે. આમ, ભગવાનની પ્રાપ્તિનો-દર્શનનો આનંદ પ્રતિઘોષિત કરવાના હેતુથી આરતી વખતે નગારું, ઘંટડી કે ઝાલરનો નાદ કરવામાં આવતો હોય છે.
મહાપ્રભુ પણ આરતી વખતે ભક્તોના પ્રેમને જોઈને ખૂબ પ્રસન્ન હોય છે. એટલે જ આરતીનાં દર્શન એટલે કેવળ મહાપ્રભુની અનહદ પ્રસન્નતાની અમીદ્રષ્ટિનાં દર્શન. ભગવાનની પ્રસન્નતા જો મફત મળતી હોય તો શા માટે ન લેવી ?
આરતીના પ્રકાર
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિખરબદ્ધ મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે. જ્યારે હરિમંદિર અને ઘરમંદિરમાં બિરાજમાન મહાપ્રભુની સવાર-સાંજ એમ બે આરતી કરવામાં આવે છે. પાંચ આરતી આ પ્રમાણે છે :
૧ મંગળા આરતી - સવારે મહાપ્રભુ જાગે ત્યારે.
૨. શણગાર આરતી - બાળભોગ ધરાવી-દિવ્ય શણગારો ધારણ કરે ત્યારે.
૩. રાજભોગ આરતી - બપોરે મહાપ્રભુને થાળ જમાડ્યા પછી.
૪. સંધ્યા આરતી - સાંજે મહાપ્રભુને થાળ જમાડ્યા પછી સંધ્યા સમયે.
૫. શયન આરતી - રાત્રે મહાપ્રભુને શયન કરાવતી વખતે.
આ પાંચેય આરતીની શરૂઆત મહાપ્રભુ શ્રીહરિના સમયથી જ થઈ હતી.
આરતી કોણ કરી શકે ?
શ્રીજીમહારાજના વખતમાં શિખરબદ્ધ મંદિરને વિષે ઠાકોરજીની સેવા-પૂજા, થાળ કે આરતી બ્રહ્મચારી કરતા. આજે પણ શિખર મંદિરને વિષે બ્રહ્મચારી અથવા સંતો જ છોળે રહીને આરતી કરી શકે છે. જ્યારે હરિમંદિરને વિષે સંતો ન હોય તો ગૃહસ્થ હરિભક્તો નાહી-ધોઈ ધોયેલાં વસ્ત્ર પહેરી ઠાકોરજીની આરતી કરી શકે છે. અને બાઈઓના મંદિરમાં ગૃહસ્થ બાઈઓ આરતી કરી શકે છે.
સંપ્રદાયમાં આરતીનો મંગલકારી ઇતિહાસ ?
સહજાનંદ સ્વામીને જેતપુરને વિષે ગાદી સોંપી અને પટ્ટાભિષેક કર્યો ત્યારે સદ્. રામાનંદ સ્વામીએ એમની સર્વપ્રથમ આરતી ઉતારી હતી. જોકે એ વખતે આરતીનું કયું પદ ગાયું હશે તેની કોઈ જ માહિતી અંગે સંપ્રદાયના સાહિત્યમાં ઉલ્લેખ થયેલો જોવા મળતો નથી. પણ શ્રીજીમહારાજે ધર્મધુરા સંભાળી લીધા પછીથી નંદસતોએ શ્રીજીમહારાજના આરતીનાં અનેક પદો રચેલાં જણાય છે. માત્ર આરતી વિષયક જ સાહિત્ય જોઈશું તો સદ્. બ્રહ્માનંદ સ્વામીએ મંગળા, શણગાર અને સંધ્યા આરતીનાં આઠ પદો રચ્યાં છે. સદ્. મુકતાનંદ સ્વામીએ સંધ્યા આરતીનાં પાંચ પદો રચ્યાં છે. કૃષ્ણાનંદ બ્રહ્મચારીનું એક પદ આરતી વિષયક રચાયું છે. તેમજ સદ્. પ્રેમાનંદ સ્વામીએ પણ આરતીનાં પદો રચ્યાં છે. પરંતુ તેમાંથી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અદ્યાપિપર્યંત મુખ્યત્વે તો સદ્. મુક્તાનંદ સ્વામીકૃત સુપ્રસિદ્ધ આરતી "જય સદ્ગુરુ સ્વામી..." જ બોલવામાં આવે છે. તે આરતી સદ્. મુક્તાનંદ સ્વામીએ કેવી રીતે રચી છે તેનો તો આખો ઇતિહાસ જ રોચક છે. તે અહીં નિહાળીએ.
શ્રીજીમહારાજ જે હેતુ માટે આ બ્રહ્માંડમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા તે હેતુ ઝડપથી અને સરળતાથી સિદ્ધ થાય તે માટે સદ્. રામાનંદ સ્વામીએ અવરભાવની ૨૧ વર્ષની ઉંમરમાં જ સહજાનંદ સ્વામીને સંપ્રદાયની ધુરા સોંપી દીધી હતી. અને ટૂંક સમયમાં જ પોતે અવરભાવની લીલા સંકેલી લીધી. જોકે સદ્. રામાનંદ સ્વામીના જ ઘણા શિષ્યોને નવા-સવા સહજાનંદ સ્વામીને ધુરા સોંપેલી તે અજુગતું તેમજ આશ્ચર્યજનક લાગતું ! અવરભાવવાળાને પરભાવનું સ્વરૂપ શી રીતે ઓળખાય ? પરંતુ મહારાજનો પ્રૌઢ પ્રતાપ ઢાંક્યો ઢંકાયો રહ્યો નહીં. સદ્. રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે લાખો હરિભક્તોની મેદની સમક્ષ સ્વમુખે ‘સ્વામિનારાયણ’ મહામંત્ર પ્રકાશિત કર્યો. એટલું જ નહિ, તેનું મહિમાગાન કરીને તે જ સમયે સભામાં ઉપસ્થિત ભક્તજનોને એનું ભજન શરૂ કરાવ્યું.
સભામાં બેઠેલો વર્ગ તો સદ્. રામાનંદ સ્વામીને વિષે જ દ્રઢ નિષ્ઠાવાળો હતો. તેમને આ પથ્ય ન પડ્યું. એમને આ વાત અસહ્ય થઈ પડી. સભામાં માંહોમાંહી ચણભણાટ પણ શરૂ થયો. અધૂરામાં પૂરું શ્રીજીમહારાજે ભરસભા વચ્ચે સ્વામિનારાયણ મંત્રની ધૂન્ય ઉચ્ચ સ્વરે બોલાવવાની શરૂ કરાવી. તે નામનું જેણે ભજન કર્યું કે જેણે એ નામ સૂણ્યું કે જેના કર્ણપટ ઉપર આ અલૌકિક ષડાક્ષરી મહામંત્રની ભણક પડી તે બધાયને નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ ! હજારો ભક્તજનો સભા મધ્યે શબવત્ થઈ ગયા.
આખી સભામાં સોપો પડી ગયો. તો કોઈએ વળી ગોકીરો મચાવી દીધો. પરંતુ આ તો હજુ અહીંથી સમાધિ પ્રકરણની શરૂઆત થઈ હતી.
પછી તો શ્રીજીમહારાજ જ્યાં પણ જાય ત્યાં ચાહે કોઈ પાત્ર હોય કે કુપાત્ર હોય, મનુષ્ય હોય કે પશુ-પંખી હોય તેને પણ દ્રષ્ટિમાત્રથી સમાધિ કરાવી દે. સોટી અડાડે ને સમાધિ, ચાખડીના ચટાકાના અવાજે સમાધિ, સ્પર્શથી સમાધિ કે એમનાં દર્શનમાત્રે પણ જીવોને સમાધિ કરાવી દે. એમ શ્રીજીમહારાજ જ્યાં જાય ત્યાં સમાધિ, સમાધિ અને સમાધિની જ વાતું ચર્ચાતી. એમ આ સમાધિ પ્રકરણ એવું તો ધૂમ-ધડાકાભેર મહારાજે ચલાવેલું કે લોકોમાં અને ખાસ કરીને સદ્. રામાનંદ સ્વામીના શિષ્યોમાં હાહાકાર મચી ગયો. ઘણાને આ વાત ખટકતી હતી.
“આવું તો બની જ કેમ શકે ? સદ્. રામાનંદ સ્વામીએ કદી આવું કર્યું ન હતું. અરે, મોટા મોટા અષ્ટાંગ યોગીઓને પણ આ સમાધિ દુર્લભ ને દુષ્કર છે. અત્યાર સુધીના અનંત અવતારો જે થઈ ગયા તેનાથી પણ આવું થઈ શકયું નથી. શાસ્ત્રમાં પણ આટલી સહજ સમાધિનો ક્યાંય ઉલ્લેખ નથી. તે આ સહજાનંદ સ્વામી જેને ને તેને કેમ સમાધિ કરાવી શકે ? નક્કી કાંઈક કામણ-ટૂમણ જણાય છે. આ નવયુવાન ને બિનઅનુભવી સહજાનંદ સ્વામી ઐશ્વર્ય અને પરચા-ચમત્કાર ચલાવી રામાનંદ સ્વામીની શુદ્ધ પરંપરાને કલંક લગાવી દેશે.” એમ સૌને સંશયના વમળો ઊઠવા માંડ્યા.
હવે તેને સમાવે કોણ ? એમાં રામાનંદ સ્વામીના પ્રમુખ શિષ્યો સદ્. મુક્તાનંદ સ્વામી, માધવદાસ અને હરિભક્તોમાં પર્વતભાઈએ નક્કી કર્યું કે આ સહજાનંદ સ્વામી ગમે તેવું ને ગમે તેટલું ઐશ્વર્ય બતાવે પણ આપણે રામાનંદ સ્વામીને વિષેથી ભગવાનપણાની નિષ્ઠા ડગવા દેવી નહિ એમ નક્કી કરી રાખેલું અને... આટલી બધી એમણે મડાગાંઠ વાળી હતી. છતાં સમય જતાં પર્વત ડગ્યો. માધવદાસ પણ ડગ્યા અને રહ્યા માત્ર મુક્તાનંદ સ્વામી.
મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય હતા. તેઓ અવરભાવમાં શ્રીજીમહારાજથી ઉંમરમાં ૨૩ વર્ષ મોટા હતા. શ્રીજીમહારાજના ગુરુભાઈ હતા. સહુના વડીલ હતા એટલે શ્રીજીમહારાજ પણ એમની મર્યાદા રાખતા.
કચ્છમાં રામાનંદ સ્વામીના શિષ્યોનો સમુદાય બહોળો હતો. રામાનંદ સ્વામી અંતર્ધાન થયા હોવાથી તે ભક્તોને રામાનંદ સ્વામીનો વિરહ ને વિયોગ ન સાલે એટલે મુક્તાનંદ સ્વામી આશ્વાસન, દિલાસો-સાંત્વના આપવા કચ્છ જઈ રહ્યા હતા. માર્ગમાં કેટલાક શિષ્યોએ સહજાનંદ સ્વામીએ સમાધિનો સોથ વાળેલો એની ફરિયાદ કરતાં કહ્યું, “સહજાનંદ સ્વામી જેને ને તેને સમાધિ કરાવે છે. શું એમ તે કાંઈ સમાધો થાતો હશે ? જરૂર કાંઈક મંત્ર-જંત્ર કે કામણ-ટૂમણ કરે છે. એમણે તો રામાનંદ સ્વામીની આખી પ્રથા ફેરવી નાખી છે. એમને કહેનારું હવે કોણ છે ? એમને તો છૂટો દોર મળી ગયો છે. માટે સ્વામી, તમે વડીલ છો, મોટા છો, બે શબ્દ કહી શકો એમ છો, માટે તમે જ એમને પાછા વાળો ! એ તમારા જ વાર્યા વળશે.” અને આ બધી ફરિયાદો સાંભળ્યા પછી મુક્તાનંદ સ્વામીએ પણ એક અદ્ભુત લીલા આદરી ! ખરેખર મુક્તાનંદ સ્વામી તો શ્રીજીમહારાજ સાથે ધામમાંથી આવેલા મુક્ત હતા. એમનાથી મહારાજની લીલા શી રીતે અજાણી હોઈ શકે ? છતાં અવરભાવવાળાને અવરભાવની રીતે સમાસ કરાવવા, મહારાજ અને મુક્તાનંદ સ્વામીએ એક અદ્ભુત નાટક ભજવ્યું.
મુક્તાનંદ સ્વામીએ બધાયની વાત કાને ધરી અને નક્કી કરી દીધું કે, સહજાનંદ સ્વામીને ઠપકો આપવો અને પાછા વાળવા. પછી એમણે ભૂજ જવાનું માંડી વાળ્યું ને ત્યાંથી જ પાછા ફર્યા. મહારાજને ઠપકો આપવા સારુ ઉતાવળે ઉતાવળે ચાલ્યા તે જ્યાં મહારાજ બિરાજમાન હતા તે સોરઠની ભૂમિ પર કાલવાણી ગામે આવી પહોંચ્યા. ત્યાં પહોંચીને સીધા મહારાજને મળ્યા ! ઉતાવળા અને હાંફળા-ફાંફળા મુક્તાનંદ સ્વામીના મુખારવિંદના ભાવો પરથી જ મહારાજે પારખી લીધું કે આજ મુક્તાનંદ સ્વામી રોજ કરતાં કાંઈક જુદા જણાય છે. એટલે એમણે પૂછ્યું, “સ્વામી, કેમ તમે અચાનક પધાર્યા ? આપ તો કચ્છ જવા નીકળ્યા હતા ને ! કેમ આજે આટલી રઘવાટમાં છો ?” સ્વામીએ થોડું રોષપૂર્વક કહ્યું, “એ બધીય વાત પછી ! પણ મને કહો મહારાજ, કે આપ સત્સંગમાં કેમ બહુ ફેલી થયા છે ! આ સમાધિ પ્રકરણના તમાશા બંધ કરો ! એમ તે કાંઈ સમાધિ શું સાવ સહેલી છે ? તે તમે જેને ને તેને કરાવવા લાગ્યા છો ? મહારાજ ! સમાધિ તો બહુ દોહ્યલી છે. માટે આ બધું ધતિંગ સંકેલી લ્યો.” એમ ખૂબ ઠપકો આપ્યો.
પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની પૂર્ણ મર્યાદા જાળવી ! એક હરફ પણ ન ઉચ્ચાર્યો. મહારાજે ધીમે રહી કહ્યું, “સ્વામી, મને પણ ખ્યાલ નથી આવતો કે આ સમાધિ કેમ થાય છે ? જો આપ સંકલ્પ કરો તોપણ સમાધિ થશે.” અને પછી મુક્તાનંદ સ્વામીએ જ્યાં સંકલ્પ કર્યો ત્યાં તો શાંતાનંદ સ્વામીને સમાધિ થઈ ગઈ. ત્યારે મહારાજે કહ્યું, “સ્વામી, તમે આ શું કર્યું ?” એટલે સ્વામી વિચારમાં પડી ગયા.
બીજા દિવસે વહેલી સવારે મુક્તાનંદ સ્વામી શૌચાદિક વિધિ માટે મેઘવતી નદીના કાંઠે આવેલા ખાખરાના વનમાં ગયા. મળસકુ થવાને (સૂર્યોદય થવાની) હજુ વાર હતી. વનમાં ચોતરફ ભેંકાર નિઃશબ્દ સ્તબ્ધતા છવાયેલી હતી. એટલામાં ખાખરાના ઝાડ ખડખડ્યા હોય એવું જણાયું. સ્વામીએ ચોપાસ નજર કરી પણ કશું નજરે ચડ્યું નહીં. હશે કોઈ પશુ-પક્ષી, જંગલી જનાવર ! એમ વિચારી મનને પાછું વાળ્યું. ફરી પાછો ખળભળાટ ને કોઈકની હાજરીનો અણસાર વર્તાણો !
સ્વામીએ આંખ ને કાનને સરવા કર્યા. ત્યાં તો કોઈકનો સુપરિચિત ને સુમધુર અવાજ સ્વામીના કાને અથડાયો. “મુકતાનંદ સ્વામી !” સ્વામી તો પળભર અવાક્ થઈ ગયા. અરે, આ તો ગુરુ રામાનંદ સ્વામીનો અવાજ ! પણ સ્વામી અત્યારે અહીં ક્યાંથી હોય ? કાંઈ મને ભ્રમ તો નથી થયો ને ? એમ વિચારી જે દિશા ભણીથી અવાજ આવ્યો હતો ત્યાં નજર ફેરવીને જોયું તો એ દ્રશ્ય જોઈ સ્વામી દિગ્મૂઢ થઈ ગયા. સદ્. રામાનંદ સ્વામીના મંદ મંદ હાસ્ય વેરતા ને આછેરા રોષે ભરેલા મુખારવિંદનાં દર્શન થયાં ! કાંઈ હું સ્વપ્ન તો નથી જોતો ને તેની ખાતરી કરવા આંખના પોપચાને બે હાથે ચોળ્યા. આંખ પહોળી કરીને જોયું તો સદ્. રામાનંદ સ્વામીનાં દર્શન થયા. સ્વામી તો રામાનંદ સ્વામીના ચરણમાં ઢળી પડ્યા. રામાનંદ સ્વામીએ નજીક આવીને સ્વામીને બે હસ્ત વડે ઊભા કરીને કહ્યું, “સ્વામી, તમે આટલું જલદી અમારું વચન ભૂલી ગયા ? હું નહોતો કહેતો કે ખરા પુરુષોત્તમનારાયણ તો આ સહજાનંદ સ્વામી છે. માટે તમે હવેથી એમના કોઈ કાર્યમાં સંશય કરશો નહીં. એ તો સર્વ અવતારના ઉપરી એવા સ્વયં સર્વોપરી ભગવાન છે. હું અને મારા જેવા તો અનેક એમના સેવકો છીએ. સ્વામી, હું તમારો ગુરુ છું પણ એ તો મારાય ગુરુ અને સૌના સદ્ગુરુ છે, સૌના ઇષ્ટદેવ છે. માટે જાવ, તેમનો મહિમા સમજી, સ્તુતિ કરો અને એમને રાજી કરો.”
મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળી રાજી રાજી થઈ ગયા. એમના સર્વે સંશયો આજ ઝાડવેથી સૂકા પાંદડાં ખરે એમ ખરી ગયાં !! અંતરમાં શાંતિ વળી ગઈ. સહજાનંદ સ્વામી વિષેનો સમગ્ર દૃષ્ટિકોણ બદલાઈ ચૂક્યો ! સ્વામી ભાવવિભોર બની ચૂકયા, અંતરે દિવ્યભાવની સરવાણીઓ ફૂટી નીકળી. સર્વ અવતારના અવતારી સર્વોપરી મહાપ્રભુની પ્રાપ્તિના કેફે હૈયું હરખાઈ ઊઠયું. મેઘવતી નદીમાં સ્નાન કરી, સ્વામીએ પોતે વનમાંથી સુંદર મજાનાં પુષ્પો ચૂંટ્યાં. મહાપ્રભુને પહેરાવવા અતિ સ્નેહે અને અદકેરા મહાત્મ્યથી પુષ્પનો સુંદર હાર તૈયાર કર્યો. સુંદર હાર બનેલો જોઈ સ્વામીને હૈયે હરખ સમાતો નહોતો, સ્વામીનું હૈયું હાથવગું રહેતું નહોતું. ક્યારે મહારાજ પાસે પહોચું ને ક્યારે એમને હાર પહેરાવું ને ક્યારે એમની સ્તુતિ કરું !! પછી તો એવા દિવ્ય સંકલ્પોની વણઝાર ચાલી.
કાલવાણી ગામે શ્રીજીમહારાજ સભા મધ્યે બિરાજમાન થઈ ચૂક્યા હતા. મોટા મોટા સંતો તથા મોટા મોટા હરિભક્તોની સભા હકડેઠઠ જામી ગઈ હતી. ત્યાં મુક્તાનંદ સ્વામી પુષ્પનો સુંદર મજાનો હાર લઈ પધાર્યા. સ્વામીએ દંડવત શરૂ કર્યા. મહારાજની દૃષ્ટિ સ્વામી તરફ ફરી; એ સાથે જ આખી સભાની નજર પણ સ્વામી તરફ મંડાઈ ગઈ. સ્વામી ધીરે ધીરે ડગ માંડતા મહારાજ તરફ ચાલ્યા. આખી સભાને કુતૂહલ હતું કે સ્વામી હવે શું કરશે ? મહારાજને વઢશે કે શું ? ત્યાં તો સ્વામીએ હરખભેર મહારાજને પુષ્પનો હાર પહેરાવી દીધો. અતિશે પ્રેમઘેલા બનેલા સ્વામીને, મહારાજને શી સ્તુતિ - પ્રાર્થના કરવી ? કેવા શબ્દોમાં મહાપ્રભુનું મહાત્મ્ય વર્ણવું ? એવી ગડમથલમાં ને ગડમથલમાં જ સ્વામીની નજરે આરતી સ્ફુરી ! સ્વામીએ આરતી હાથમાં લઈ સહજાનંદ સ્વામીની આરતી ઉતારવા માંડી ને તે સમયે સ્વામીના મુખકમળમાંથી મહાપ્રભુની મહિમાસભર પ્રાર્થના-સ્તુતિ આર્તનાદે સરી પડી જે સંપ્રદાયની સુપ્રસિદ્ધ અને નિત્ય ગવાતી આરતી બની ગઈ...
“જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી,
સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી...”
આમ, મુક્તાનંદ સ્વામી જેવા મોટેરા સંતને દિવ્યભાવસભર આરતી ઉતારતા જાણી ત્યારનું સમગ્ર વાતાવરણ દિવ્યતાસભર નિહાળી, સમગ્ર સભા કિંકર્તવ્યમૂઢ બની ચૂકી હતી. સૌને આજે શ્રીજીમહારાજનું અનેરું મહાત્મ્ય સમજાયું હતું. આવી રીતે મહારાજ ને મુક્તાનંદ સ્વામીની એક અદ્ભુત લીલાથી સુંદર આરતીનું પદ સંપ્રદાયને ભેટમાં મળ્યું !
અદ્ભુત આરતીનું અદ્ભુત પદ અને વિવરણ
આજે આ આરતી આખા સંપ્રદાયમાં નિત્ય પ્રત્યે બોલાય છે. પણ આરતીના મહાપ્રભુના મહાત્મ્યસભર અર્થ પ્રત્યે આપણે કેટલા ગંભીર છીએ ! તેની તપાસ કદી કરી છે ? ચાલો, આપણને ગુરુવર્ય પ.પૂ. બાપજી એક જ પંક્તિ દ્વારા તેની કેવી તપાસ કરાવે છે.
“અડસઠ તીરથ ચરણે કોટિ ગયા કાશી.”
શ્રીજીમહારાજનાં ચરણોમાં માત્ર અડસઠ તીર્થો નહિ, અનંત તીર્થો રહેલાં છે. અડસઠ તીર્થ મોટા છે, એટલે સ્વામીએ તેને કહ્યા છે. જો આપણા ઇષ્ટદેવના ચરણોમાં અનંત તીર્થો રહેલાં હોય, અરે તીર્થને તીર્થત્વ આપનાર સાક્ષાત્ પ્રભુની પ્રાપ્તિ આપણને થઈ હોય તો તેમના આશ્રિતને પરોક્ષ તીર્થોની યાત્રા કરવાના અભરખાઓ શાના રહે છે ? ગુરુવર્ય પ.પૂ. બાપજી કહેતા હોય છે, “શું આ મુક્તપતિ ઓછા પડ્યા તે અન્ય પરોક્ષની જાત્રાએ જવાની જરૂર પડી ?”
શ્રીજીમહારાજમાં શું ઓછું છે ? શું આપણે આશ્રિત તરીકે કોઈ જાતનો વિચાર જ નહિ કરવાનો ? શું મુક્તાનંદ સ્વામીની આરતી ફક્ત બોલવા માટે જ છે ?
થોડુંક કાંઇક વિચારીયે તો ખરા ! અડસઠ તીર્થ જે શ્રીજીમહારાજના ચરણમાં છે તેની વાત જવા દો. સદ્.ગોપાળાનંદસ્વામીના ચરણની પણ વાત જવા દો. સંપ્રદાયના એક સામાન્ય ખેડૂત જેવા જણાતા મુકત સમા કણબી હરિભકત પર્વતભાઇના ઘેર, અડસઠ તીર્થો એમના ચરણોમાં આળોટવા આવતા, એવું સંપ્રદાયનો ઇતિહાસ કહે છે. તો પછી પર્વતર્ભાઇને જે શ્રીજીમહારાજ મળ્યા હતા એજ મહારાજ આપણને નથી મળ્યા ? શું આપણે એમના હરિભકત નથી ? અરે, આપણને તો મૂર્તિમાં રાખ્યા છે. આ આપણી મસ્તી છે. અને છતાં જો હજુ જયાં-ત્યાં જવાનાં લાવાંઝાવાં થતાં હોય કે હરડકા ઊપડતા હોય તો પછી આપણે શ્રીજીમહારાજના આશ્રિત શાના ? આપણે ભકત શાના ? કયાં ગયું આપણા ઇષ્ટદેવના સર્વોપરીપણાનું ગૌરવ કે કયાં ગઇ આપણા ભકતપણાની ગરવાઇ ? જેને શ્રીજીમહારાજે મૂર્તિમાં રાખ્યો હોય એ શું પરોક્ષ તીર્થની રમણ રેતીમાં આળોટે કે પછી શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં રમણ કરે ?
જેરામ બ્રહ્મચારીનું કીર્તન આપણે રોજ બોલીએ છીએ...
“તપ રે તીરથમાં હું કાંઇ નવ જાણું,
સ્હેજે સ્હેજે રે હું તો સુખડાં રે માણું.”
મુકતાનંદ સ્વામીએ પણ એક પદમાં કહ્યું છે...
“તપ-તીર્થ સાધન સ્વપ્નમેં ન આવે,
જૈસે કોઇ ધૃત કો છાંડી છાશ કો ન ખાવે.”
ઘણા દલીલ કરશે કે શ્રીજીમહારાજ બધાંય તીર્થોમાં ફર્યા હતા. તો પછી આપણને શો વાંધો ? પ્રથમ વિચારો કે શું શ્રીજીમહારાજનું અધૂરું હતું એટલા માટે તીર્થોમાં ફર્યા હતા ? અરે ભાઇ, શ્રીજીમહારાજ તો અનેક તીર્થોને તીર્થત્વ આપવા, તીર્થોનાં પાપોને બાળવાં ને મુમુક્ષુઓના મોક્ષ કરવાને અર્થે એટલે સહેતુક પધાર્યા હતા. આપણી જેમ જાત્રા કરવા નહોતા નીકળ્યા.
હવે પ્રત્યક્ષના તીર્થની વાત કરીએ. તો પ્રત્યક્ષના તીર્થમાં પણ એકલા જવામાં જોખમ છે. હરિભકતોને થશે કે શ્રીજીમહારાજના પ્રસાદીના સ્થાન છે ને ? ત્યાં વળી જવામાં શો વાંધો ? હરિભકતોને ઝાઝી સૂઝ પડતી ન હોય તો ત્યાં કમાવાને બદલે ખોટય કરીને આવે. એટલે કે ત્યાં જઇને કોઇકનો અભાવ-અવગુણ લઇને આવવાનું થાય તો ખોટ કરી કહેવાય. પ્રત્યક્ષના તીર્થમાં જવાની ના નથી. પણ સાથે દિવ્યદ્રષ્ટિ આપનારા મોટાપુરુષ સાથે હોય તો વાંધો આવવા દે નહીં ! અને છતાંય જો કોઇ સત્સંગીને એવા પ્રસાદીના જ સ્થાન દર્શન કર્યા વગર કે ત્યાં ગયા વગર અધૂરું મનાતું હોય તો સમજવું કે એ હરિભકતને સમજણમાં બહુ મોટી કચાશ છે. જેનું પ્રસાદીનું સ્થાન છે, જેનાથી એ સ્થાનનું માહાત્મ્ય છે તે સ્વયં પ્રભુ તો આપણી ભેળા જ છે. આપણને ખુદને આખા પ્રસાદીના કર્યા છે પછી શાની મહત્તા રહી ? આ તો કારણ સત્સંગ છે. કાર્યની મહત્તા તો કાર્ય સત્સંગવાળાને હોય.
“પગલાં, પદાર્થ, વસ્ત્રો, મંદિરો, ઉત્સવ, સમૈયા, સાધુ, આચાર્ય, સત્સંગી એ સર્વે કાર્ય છે. મૂર્તિ એ કારણ છે.”
“પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે
કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે.”
પ.પૂ.બાપજી આ પંકિતનું સુંદર વિવેચન કરે છે. પુરુષોત્તમ પ્રગટ ત્યારે શ્રીજીમહારાજ હતા. એમનું જે દર્શન કરશે, પંકિતમાં એવું નથી કહ્યું કે માત્ર અમારા આશ્રિત દર્શન કરશે તો તે કાળ, કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. જે દર્શન કરશે... જે એટલે કોઇ પણ - ગમે તેવો જીવ પણ જો શ્રીજીમહારાજનાં દર્શન કરશે તો અને માત્ર દર્શનનું ફળ સ્વામીએ કેટલું કહ્યું છે ? દર્શન કરનારો એકલો નહીં, તે આખા કુટુંબે સહિત તરશે. શ્રીજીમહારાજે આટલો કવોટા તો માત્ર દર્શનથી આપવાનું નક્કી કર્યું છે. જેમ કોઇ અબજોપતિ માણસની ટીપ પણ લાખોમાં હોય તેમ આ તો સર્વોપરી સનાતન પુરુષોત્તમ નારાયણ છે. અનંત અવતારોના અવતારી છે. તેનાં દર્શનમાત્રનો આવો અદ્ભૂત મહિમા છે.
પ.પૂ.બાપજી કહે છે કે દર્શનમાત્રથી કાળ, કર્મથી રહિત થવાય. પણ અનાદિમુકત ન થવાય. અનાદિમુકત થવું હોય તો જેના દર્શન કરીએ છીએ-તેના સ્વરૂપને જેમ છે તેમ અન્વય-વ્યતિરેક પ્રમાણે ઓળખવું જ પડે. તો જ અનાદિમુકત થવાય.
આ પ્રમાણે સમજીને શ્રીજીમહારાજની આરતી કરવામાં આવે તો આરતી કરી સાર્થક ગણાય.
મંગળા આરતી
આપણી સંસ્થામાં મંગળા આરતી આ પ્રમાણે બોલાય છે. જેમાં મહાપ્રભુની મંગલકારી મૂર્તિનું નખથી શિખાપર્યંત વર્ણન કરેલું છે.
“જય મંગલકારી પ્રભુ (૨) જય ઘનશ્યામ દયાળુ (૨)
જય જય સુખકારી... જય ૦ટેક
મંગળરૂપ અનુપમ, નખશિખ મંગળ છે (૨)
સુખડા દેવા મંગળ (૨) મૂર્તિ મંગળ છે... જય ૦૧
મંગળ મુખકમળ જોઈ, સુખમાં થીજું છું (૨)
નાસા નયન ભ્રકુટી (૨) ભાલે રીઝું છું... જય ૦૨
મંગળ હૃદયકમળ પર, સ્તન મંગળ શોભે (૨)
છાતી ઊપડતી કંઠે (૨) મુનિજન સૌ લોભે... જય ૦૩
મંગળ હસ્તકમળમાં, રેખાઓ ન્યારી (૨)
કાંડા કોણી ને બાહુ (૨) બળ ભર્યું ભારી... જય ૦૪
મંગળ નાભિકમળ પર, ત્રિવળી મંગળ છે (૨)
શ્યામ કટિ પર ધોતી (૨) ઉદર મંગળ છે... જય ૦૫
મંગલ ચરણ કમળમાં, ચિહ્ન ભલાં સોળ (૨)
ઘૂંટી ફણા ને જંઘા (૨) જાનું છે ગોળ... જય ૦૬
મંગલમય મૂર્તિનું, જે દર્શન કરશે (૨)
દાસાનુદાસ કહે રસબસ (૨) થઈ સુખમાં ઠરશે... જય ૦૭
શણગાર આરતી
મહાપ્રભુ જ્યારે વસ્ત્ર–અલંકારોથી સજ્જ થઈ પોતાના પ્રેમીભક્તોને દિવ્ય દર્શન આપે છે ત્યારે શણગાર આરતી કરવામાં આવે છે. આ આરતીમાં મહાપ્રભુનાં નવલાં દર્શન થતા હોય છે. પ્રેમી ભક્તોના મન હરી લેતી મૂર્તિ અતિશે શોભાયમાન જણાતી હોય છે.
રાજભોગ આરતી
મધ્યાહ્ન ભોજનનો સમય થાય ત્યારે મહાપ્રભુને થાળ ધરાવ્યા પછી રાજભોગ આરતી કરવામાં આવે છે. જેમાં મહાપ્રભુને આરતી દ્વારા થાળ જમાડ્યા બાદ પ્રસન્ન કરવાનો દિવ્ય અવસર પ્રાપ્ત થતો હોય છે.
સંધ્યા આરતી
સાયંકાળે જ્યારે વ્યવહારિક કાર્યોમાંથી પરવારી જવાય ત્યારે ભગવાનમય થવા સંધ્યા આરતી કરવામાં આવે છે. સંધ્યા આરતીનું વાતાવરણ શાંત અને સુખદાયક હોય છે.
જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી;
સહજાનંદ દયાળુ(ર) બળવંત બહુનામી... જય સદ્ગુરુ ટેક
ચરણ સરોજ તમારા, વંદુ કર જોડી(ર)
ચરણે શીશ ધર્યાથી(ર) દુઃખ નાખ્યાં તોડી... જય સદ્ગુરુ ૦૧
સ્વામિનારાયણ સુખદાતા, દ્વિજકુળ તનુ ધારી(ર)
પામર પતિત ઉદ્ઘાર્યા(ર) અગણિત નરનારી... જય સદ્ગુરુ ૦૨
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી(ર)
અડસઠ તીરથ ચરણે(ર) કોટિ ગયા કાશી... જય સદ્ગુરુ ૦૩
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે(ર)
કાળ કર્મથી છૂટી(ર) કુટુંબ સહિત તરશે... જય સદ્ગુરુ ૦૪
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી(ર)
મુક્તાનંદ કહે મુક્તિ(ર) સુગમ કરી સીધી... જય સદ્ગુરુ ૦૫
સદ્. બ્રહ્માનંદ સ્વામીકૃત આ આરતી ઘણાં મંદિરોમાં સંધ્યા સમયે બોલાય છે. અહીં આપેલી સંધ્યા આરતીમાં શ્રીજીમહારાજનું મહાત્મ્ય સ્પષ્ટ રીતે સમજાય તે રીતે આપેલ છે.
સુરેન્દ્રનગર સભા પૂરી કર્યા પછી આ સંધ્યા આરતી જ્યારે પણ બોલાતી ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી આ આરતીની એક એક કડી બોલતી વખતે એક ભુજ ઊંચો કરી, હસ્તના લટકા કરતા થકા અને ભારે શબ્દો તરફ ઇશારા કરી, આરતીમાં ઓતપ્રોત થયા હોય ત્યારે એમના મુખારવિંદ ઉપર ઝળહળતી પ્રસન્નતાનું અનેરું દર્શન થતું.
શયન આરતી
રાત્રે મહાપ્રભુને દિવ્ય સુખશૈયામાં પોઢાડતી વખતે શયન આરતી કરવામાં આવે છે. શયન આરતી દ્વારા મહારાજને પોઢાડવામાં આવે છે ત્યારે મહાપ્રભુના મુખારવિંદ પર અનેરી પ્રસન્નતાનાં દર્શન થાય છે. દિવસ દરમ્યાન સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી મુક્તિ મેળવવાનો એક અણમોલ લાભ એટલે જ શયન આરતીનાં દિવ્ય દર્શન. જે તમામ દુ:ખોથી રહિત કરી દે છે.
આરતી બાબતે પ.પૂ. સ્વામીશ્રીની રુચિ/અભિપ્રાય
આરતીના સમયે તમામ કાર્યો કરવાના મૂકી દઈ મહારાજની આરતી કરી લેવી. નેત્ર બંધ કરી, બે હાથ જોડી ગાડીમાં હોઈએ, ઘરમાં હોઈએ, મંદિરમાં હોઈએ, કોઈ સેવામાં હોઈએ, બહારગામ ગયા હોઈએ પણ આરતીના સમયે અચૂક સમયસર આરતી કરી જ લેવી.
શંખ વડે જળનું આવર્તન આરતી ફરતે કેમ ?
સમગ્ર મૂર્તિની નખથી શિખાપર્યંત આરતી ઉતારી હોય છે. એ દિવ્યાતિદિવ્ય મૂર્તિના સંબંધે દિવ્ય થયેલી, ઝળહળતી જ્યોતિને શંખપૂરિત જળ વડે કરી, ટાઢી કરવાની માત્ર ઔપચારિક વિધિ છે. જોકે હરિમંદિરોમાં આમ કરવું ફરજિયાત નથી.
આરતીના આસકા (આરતી લેવી તે / મસ્તકે ચડાવવી) શા માટે ?
નિર્ગુણ મૂર્તિ એવા મહાપ્રભુના સંબંધે કરીને આરતી પણ નિર્ગુણ ને દિવ્ય બને છે. તે જ્યોતિને પ્રત્યેક ભક્ત પોતાની દ્રષ્ટિમાં ઉતારે છે. બે હાથ વડે આરતીની આસકા લઈ મસ્તક પર ધારે છે. જેથી આરતીની જ્યોતની જેમ પોતે પણ નિર્ગુણ બને અને અંતરમાં દિવ્યતા પ્રગટે એવા ભાવથી આરતીના આસકા લેવામાં આવે છે.
આરતી લેતી વખતે પૈસા કેમ નાખવામાં આવે છે ?
મહાપ્રભુની સાક્ષાત્ સ્તુતિ કરવાનો મોકો આપ્યો અને તે સમયે પ્રભુની અતિ પ્રસન્નતા મફતમાં મળતી હોવાથી, ભક્ત કાંઈક ભગવાનને અર્પણ કરવા ઇચ્છતો હોઈ, આરતી લેતી વખતે થાળીમાં દ્રવ્યની સેવા કરે છે.
આરતીનું ખરું રહસ્ય પિછાણ્યા પછી દરેક કુટુંબે પોતાના ઘરે સવાર-સાંજ નિયમિતપણે અવશ્ય મહાપ્રભુની આરતી ઉતારવાનો અણમોલ લાભ લેવો જોઈએ.
આમ, આરતી એ મંદિરનું અવિભાજય અંગ છે. આરતી એ ભગવાનના ભક્તના દૈનિક ક્રમનું પણ એક અવિભાજ્ય અંગ છે. આમ પ્રગટભાવે મહાપ્રભુના યથાર્થ મહિમાસભર થઈ જે આરતી કરવામાં આવે તેનો આનંદ અવર્ણનીય હોય છે.