જ્ઞાન સંવર્ધન

પ્ર.૧ સદ્. રામાનંદ સ્વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા ?

ઉ. પ્રાગટ્ય : સંવત ૧૭૯૫ શ્રાવણ વદ આઠમ : અયોધ્‍યામાં.

પ્ર.૨ સદ્. રામાનંદ સ્‍વામીના પૂર્વાશ્રમના માતાપિતાનું નામ શું ?

ઉ. પિતા : અજયવિપ્ર. માતા : સુમતિ.

પ્ર.૩ સદ્. રામાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે અંતર્ધાન થયા ?

ઉ. ફણેણી મુકામે, સંવત ૧૮૫૮ માગશર સુદ ૧૩ ને ગુરુવારે (તા. ૧૭-૨-૧૮૦૧)

પ્ર.૪ શ્રીજીમહારાજે સદ્. રામાનંદ સ્વામી પાસે ક્યાં, ક્યારે અને કયા બે વરદાન માગ્યાં ?

ઉ. જેતપુર મુકામે સંવત ૧૮૫૮ કારતક સુદ ૧૧ના રોજ રામાનંદ સ્‍વામીએ સહજાનંદ સ્‍વામીનો જ્યારે પટ્ટાભિષેક કર્યો ત્‍યારે મહારાજે સદ્. રામાનંદ સ્‍વામી પાસે બે વરદાન માગ્યાં.

૧) ભક્તોને એક વીંછીના ડંસ જેટલું દુ:ખ થવાનું હોય તો હે સ્વામી ! મને કોટિ વીંછીનું દુ:ખ ભલે થજો પણ તે ભક્ત સદા સુખી રહો. ૨) હે સ્વામી ! મુમુક્ષુ ભક્તના પ્રારબ્ધમાં રામપાતર મળે એવી ગરીબાઈ હોય તો તે મને મળજો પણ ભક્તો અન્‍ન-વસ્‍ત્રે ક્યારેય દુ:ખી ન થાય. ઉપરોક્ત બંને વરદાનો પોતાના ભક્તો સાથેની એકતા અને અનહદ પ્રેમ બતાવે છે.

પ્ર.૫ સદ્. મુક્તાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા ?

ઉ. પ્રાગટ્ય : સંવત ૧૮૧૪ ગામ : અમરાપુર (સૌરાષ્‍ટ્ર)

પ્ર.૬ સદ્. મુક્તાનંદ સ્‍વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાનાં નામ લખો.

ઉ. મુકુંદદાસ. પિતાનું નામ : આનંદરામ. માતા : રાધાબાઈ.

પ્ર.૭ સદ્. મુક્તાનંદ સ્વામી ક્યાં અને ક્યારે અંતર્ધાન થયા ?

ઉ. ગઢપુરમાં સંવત ૧૮૮૬ અષાઢ વદ ૧૧.

પ્ર.૮ સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા ?

ઉ. ભાદરા ગામ. સંવત ૧૮૪૧ આસો સુદ ૧૫.

પ્ર.૯ સદ્. ગુણાતીતાનંદ સ્‍વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાનાં નામ લખો.

ઉ. મૂળજી શર્મા. પિતા : ભોળાનાથ. માતા : સાકરબાઈ.

પ્ર.૧૦ સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે અંતર્ધાન થયા ?

ઉ. ગોંડલમાં. સંવત ૧૯૨૩ આસો સુદ ૧૩.

પ્ર.૧૧ સદ્. બ્રહ્માનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા ?

ઉ. ખાણ (રાજસ્‍થાન આબુની તળેટી) ગામે. સંવત ૧૮૨૮ મહા સુદ ૫.

પ્ર.૧૨ સદ્. બ્રહ્માનંદ સ્‍વામીનું પૂર્વાશ્રમનું નામ તથા માતાપિતાનું નામ લખો.

ઉ. લાડુદાન કવિ. પિતા : શંભુદાન. માતા : લાલુબા.

પ્ર.૧૩ સદ્. બ્રહ્માનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે અંતર્ધાન થયા ?

ઉ. મૂળી ગામે. સંવત ૧૮૮૮ જેઠ સુદ ૧૦.

પ્ર.૧૪ સદ્. નિત્‍યાનંદ સ્‍વામી ક્યાં પ્રગટ થયા ? તેમના પૂર્વાશ્રમનું નામ લખો.

ઉ. દંતિયા ગામ (બુંદેલખંડ-મધ્‍યપ્રદેશ), દીનમણિ શર્મા.

પ્ર.૧૫ સદ્. નિત્‍યાનંદ સ્‍વામીના પૂર્વાશ્રમનાં માતાપિતાનું નામ લખો.

ઉ. પિતા : વિષ્ણુશર્મા, માતા : વિરજાદેવી.

પ્ર.૧૬ સદ્. નિત્‍યાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે અંતર્ધાન થયા ?

ઉ. વડતાલમાં. સંવત ૧૯૦૮ માગશર સુદ ૧૧.

પ્ર.૧૭ સદ્. નિષ્‍કુળાનંદ સ્‍વામી ક્યાં અને ક્યારે પ્રગટ થયા ? તેમનું અને તેમના પૂર્વાશ્રમના માતાપિતાનાં નામ લખો.

ઉ. શેખપાટ. સંવત ૧૮૨૨ મહા સુદ ૫. લાલજીસુતાર. પિતા : રામભાઈ. માતા : અમૃતબા.

પ્ર.૧૮ નૈમિષારણ્‍ય ક્ષેત્ર એટલે શું ?

ઉ. જ્યાં ઇ‍‍ન્દ્રિયો-અંત:કરણની ધારા કુંઠિત થાય એવો સંતનો સમાગમ જે સ્‍થળને વિષે હોય તે સ્થળને નૈમિષારણ્‍ય ક્ષેત્ર કહેવાય.

પ્ર.૧૯ સ્થાવર તીર્થ એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજ અને તેમના મુક્તો જ્યાં જ્યાં વિચર્યા હોય તે પ્રસાદીભૂત સ્થાનને સ્થાવર તીર્થ કહેવાય છે.

પ્ર.૨૦ જંગમ તીર્થ એટલે શું ?

ઉ. જેના સમાગમે શ્રીજીમહારાજની આજ્ઞા ને ઉપાસના દૃઢ થાય અને દોષમાત્રથી રહિત થવાય, એવા ભગવાનના સંબંધવાળા સત્‍પુરુષ એટલે જ જંગમ તીર્થ.

પ્ર.૨૧ અવરભાવ એટલે શું ?

ઉ. અવરભાવ એટલે માયિકભાવ.

માયિક એવા ઇન્દ્રિયો અને અંત:કરણે કરીને જે કાંઈ પણ જોવાય, સ્પર્શાય, સંભળાય કે ભોગવાય તેને કહેવાય અવરભાવ.

પ્ર.૨૨ પરભાવ એટલે શું ?

ઉ. પરભાવ એટલે દિવ્યભાવ, અલૌકિકભાવ.

જે માયિક એવા ઇન્દ્રિયો અને અંત:કરણે કરીને દેખાતું નથી, ભોગવાતું નથી, અનુભવાતું નથી, પમાતું નથી, માત્ર સમજાય છે અને જે કાયમી છે તેને કહેવાય પરભાવ.

પ્ર.૨૩ પરોક્ષાર્થ અને પ્રત્‍યક્ષાર્થ એટલે શું ?

ઉ. પરોક્ષાર્થ : શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ જ્યાં જેવી સભા અને જેવા ભક્તો સામે બેઠા હતા તેમને પથ્ય પડે એવી રીતે વાત કરી હતી. જે વાતો પોતાની મેળે સમજાતી નથી અને ભ્રમી જવાય છે તે પરોક્ષાર્થ કહેવાય.

પ્રત્યક્ષાર્થ : શ્રીજીમહારાજે અને મોટા સત્પુરુષોએ શાસ્ત્રોમાં જે જે વાત કરી એ ક્યા હેતુથી કરી ? શા માટે કરી ? અને એનો સાચો રહસ્ય અને ગૂઢ અર્થ શું થાય ? એ સમજવું એ કહેવાય પ્રત્યક્ષાર્થ.

પ્ર.૨૪ અક્ષરધામ એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજની મૂર્ત‍િમાંથી નીકળતો અધોઊર્ધ્‍વ ચારેકોરે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ તે અક્ષરધામ.

પ્ર.૨૫ વ્યતિરેક સ્વરૂપ એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજની દિવ્ય તેજોમય મૂર્તિ એ જ એમનું વ્યતિરેક સ્વરૂપ.

પ્ર.૨૬ અન્‍વય સ્વરૂપ એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજની સમગ્ર મૂર્ત‍િમાંથી નીકળતા તેજની અનંત કિરણોમાંની ફક્ત એક કિરણ એ મહારાજનું અન્‍વય સ્વરૂપ.

પ્ર.૨૭ ચાલોચાલ ભક્ત એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજને જેમ છે તેમ અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી સમજતો હોય અને મહારાજના કહેલાં પંચવર્તમાન યથાર્થ પાળતા હોય તેમને ચાલોચાલ ભક્ત કહેવાય.

પ્ર.૨૮ એકાંતિક ભક્ત એટલે શું ?

ઉ. જે શ્રીજીમહારાજને જેમ છે તેમ અન્વય-વ્યતિરેકપણે સર્વોપરી સમજતા હોય, પંચવર્તમાન પૂરેપૂરા પાળતા હોય વળી, શ્રીજીમહારાજ સિવાય બીજી કોઈ વાસના ન હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ આ ચાર સાધન જેમણે સિદ્ધ કર્યા હોય તથા પોતાના આત્માને બ્રહ્મરૂપ (શ્રીજીમહારાજના તેજરૂપ) માનીને શ્રીજીમહારાજનું ધ્યાન-ભજન કરે તેમને એકાંતિક ભક્ત કહેવાય.

પ્ર.૨૯ પરમ એકાંતિકમુક્ત એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજની મૂર્તિ સાથે અંગોઅંગ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ શ્રીજીમહારાજની મૂર્તિની બહાર રહી અંગોઅંગ મૂર્તિનું સુખ ભોગવતા હોય તેવા મુક્તને પરમ એકાંતિકમુક્ત કહેવાય.

પ્ર.૩૦ અનાદિમુક્ત એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ શ્રીજીમહારાજની મૂર્તિની અંદર-બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ ભોગવતા મુક્તને અનાદિમુક્ત કહેવાય.

પ્ર.૩૧ સનાતન ઈશ્વર એટલે શું ?

ઉ. સનાતન ભગવાન એટલે જે છે, છે ને છે જ. એટલે કે જે કોઈના કર્યા થયા નથી અને કોઈના કાઢ્યા (ભગવાનની પદવીમાંથી) જતા નથી. જે પોતે જ સંપૂર્ણ સ્વતંત્ર સત્તાયમાન અને સ્વતંત્ર સત્તાધીશ છે તથા જેમના કોઈ ઉપરી નથી અને જેમને કોઈનું ભજન-ભક્તિ કે ઉપાસના કરવાની નથી એવા જે હોય તેને સનાતન ભગવાન કહેવાય. આવા સનાતન ભગવાન અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ હોય અને તે સ્વામિનારાયણ ભગવાન છે.

પ્ર.૩૨ આધુનિક ઈશ્વર એટલે શું ?

ઉ. જે સનાતન ભગવાનની સત્તાથી જ થયા છે અને એમની સત્તાના આધારે જ રહ્યા છે વળી, જે સનાતન ભગવાનના કર્યા થયા છે અને સનાતન ભગવાનના કાઢ્યા જાય છે; એવા હોય તેને આધુનિક ઈશ્વર કહેવાય.

પ્ર.૩૩ સનાતન ઈશ્વર કોણ છે ?

ઉ. સર્વોપરી, સર્વ અવતારના અવાતરી, શ્રી સ્વામિનારાયણ ભગવાન સનાતન ઈશ્વર છે.

પ્ર.૩૪ આસ્‍ત‍િકભાવ એટલે શું ?

ઉ. મૂર્તિઓને વિષે સદા દિવ્યભાવ રહે અને મહારાજ અને મુક્તને સદા અંતર્યામી જાણે ને સદા સમીપે જાણે ને સંકલ્પને પૂરો થવા દે નહિ એ આસ્‍ત‍િકભાવ કહેવાય.

પ્ર.૩૫ નાસ્‍ત‍િકભાવ એટલે શું ?

ઉ. મૂર્તિઓને વિષે ચિત્ર-પાષાણાદિકનો ભાવ રહે તથા મુક્તને વિષે મનુષ્યભાવ રહે તથા મહારાજ વિના બીજો ઘાટ ઊપજે તેને પૂરો થવા દે પણ થતાં જ તે ઘાટને તોડી પાડે નહિ તે નાસ્તિકભાવ કહેવાય.

પ્ર.૩૬ નેતિ નેતિ એટલે શું ?

ઉ. નેતિ એટલે ન ઇતિ. અર્થાત્ જેનો અંત નથી એટલે કે મહારાજનો મહિમા અપાર અપાર છે.

પ્ર.૩૭ આપણા વેદ કોણ ?

ઉ. અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્‍વામી, સદ્. ગુણાતીતાનંદ સ્‍વામી, સદ્. મુક્તાનંદ સ્‍વામી, સદ્. બ્રહ્માનંદ સ્‍વામી વગેરે મહારાજના સમર્થ મુક્તો જે મહારાજના મહિમાનો પાર પામી શકતા નથી તે આપણા વેદ.

પ્ર.૩૮ શ્રુતિ એટલે શું ?

ઉ. મહારાજના મુખકમળમાંથી નીકળેલી વાણી એટલે શ્રુતિ. દા.ત. વચનામૃત, શિક્ષાપત્રી.

પ્ર.૩૯ સ્મૃતિ એટલે શું ?

ઉ. મહારાજના મુક્તોના મુખકમળમાંથી નીકળેલી વાણી એટલે સ્‍મૃતિ. દા.ત. સત્‍સંગીજીવન, સત્‍સંગીભૂષણ, બાપાશ્રીની વાતો, ગોપાળાનંદ સ્‍વામીની વાતો વગેરે.

પ્ર.૪૧ ધ્‍યાનના મુખ્‍ય પ્રકાર કેટલા? કયા કયા?

ઉ. બે. (૧) પ્રતિલોમ ધ્‍યાન (૨) અનુલોમ ધ્યાન.

પ્ર.૪૧ ધ્યાનના મુખ્ય પ્રકાર કેટલા ? કયા કયા ?

ઉ. ધ્યાનના ચાર પ્રકાર. (૧) સાંગ, (૨) ઉપાંગ, (૩) સલીલ, (૪) સપાર્ષદ.

(૧) સાંગ : શ્રીજીમહારાજની વસ્ત્ર-અલંકાર વિનાની જે મૂર્તિ તેને તેજોમય છે એવી ભાવનાથી ધ્યાન કરવું તે સાંગ ધ્યાન કહેવાય.

(૨) ઉપાંગ : શ્રીજીમહારાજે જરિયાન જામો, સોનેરી સુરવાળ, મસ્તકે મુગટ, કર્ણમાં કુંડળ ધારણ કર્યાં છે. આવી વસ્ત્ર-અલંકાર સહિતની મૂર્તિનું ધ્યાન કરવું તેને ઉપાંગ ધ્યાન કહેવાય.

(૩) સલીલ : સલીલ ધ્યાન એટલે શ્રીજીમહારાજે કરેલી લીલાઓ સંભારીને ધ્યાન કરવું.

(૪) સપાર્ષદ : જો શ્રીજીમહારાજની એકલી મૂર્તિનું ધ્યાન ન કરી શકતા હોઈએ તો શ્રીજીમહારાજની સાથે તેમના મુક્તોને ધારવા એને સપાર્ષદ ધ્યાન કહેવાય.

પ્ર.૪૨ પ્રતિલોમ ધ્‍યાન એટલે શું ?

ઉ. મહારાજની મૂર્તિનું મુખોન્મુખ ભાવે ધ્યાન કરવું એનું નામ પ્રતિલોમ ધ્યાન. મહારાજના મસ્તકે મસ્તક; નેત્રે નેત્ર, છાતીએ છાતી, ઉદરે ઉદર, ચરણે ચરણ એમ મૂર્તિમાં રહીને મૂર્તિને સળંગ નિહાળવી એ પ્રતિલોમ ધ્‍યાનની લટક છે. આ ધ્‍યાનથી અનાદિમુક્તની સ્‍થ‍િતિને પમાય.

પ્ર.૪૩ અનુલોમ ધ્‍યાન એટલે શું ?

ઉ. મહારાજની મૂર્તિનું સન્મુખ ભાવે (સામે ધારવી) ધ્યાન કરવું એનું નામ અનુલોમ ધ્‍યાન. આ ધ્‍યાનથી પરમએકાંતિકની સ્‍થ‍િતિને પમાય.

પ્ર.૪૪ મહારાજનો પ્રગટ થવાનો મુખ્‍ય હેતુ કયો ?

ઉ. પૂર્વે થઈ ગયેલા અનંત અવતારો અને અતારોના ભક્તોને પોતાનું સર્વોપરી જ્ઞાન અને ઉપાસના સમજાવી પોતાના ધામમાં લઈ જવા એ મહારાજના પ્રાગટ્યનો મુખ્ય હેતુ હતો.

પ્ર.૪૫ મુમુક્ષુ એટલે શું ?

ઉ. વિષયસુખનો ત્યાગ કરી મોક્ષને માર્ગે ચાલે તે જ મુમુક્ષુ કહેવાય. અર્થાત્ જેને એકમાત્ર આત્માના મોક્ષની જ ઇચ્છા હોય તેને જ મુમુક્ષુ કહેવાય..

પ્ર.૪૬ ભગવાનનો દ્રોહ ક્યારે કર્યો કહેવાય ?

ઉ. શ્રીજીમહારાજને અન્‍ય અવતાર જેવા જાણવા તે ભગવાનનો દ્રોહ છે. (ગ.મ. ૯)

પ્ર.૪૭ મહારાજ કયા અપરાધને ક્યારેય માફ કરતા નથી ?

ઉ. સાચા સંતના કે ભક્તના દ્રોહથી થયેલા અપરાધને મહારાજ ક્યારેય માફ કરતા નથી.

પ્ર.૪૮ પૂજા સમયે એક દંડવત્ પ્રણામ અધિક શા માટે ?

ઉ. મન, કર્મ, વચને, જાણે કે અજાણે એવા કોઈ મુક્તનો, સંતનો કે ભક્તનો અપરાધ થઈ ગયો હોય તો તેના પ્રાયશ્ચિત્ત માટે એક દંડવત્ પ્રણામ અધિક કરવો. (ગ.મ.૪૦)

પ્ર.૪૯ કઈ સંસ્‍થામાં જ કલ્‍યાણ થાય ?

ઉ. કલ્‍યાણ એ સંસ્‍થાવાચક, સ્થાનવાચક કે વ્યક્તિવાચક શબ્દ નથી. કલ્યાણના કર્તલ તો શ્રીજીમહારાજ જ છે.

શ્રીજીમહારાજને જેમ છે તેમ સર્વોપરી, સર્વ અવતારના અવતારી સમજે અને શ્રીજીમહારાજની પંચવર્તમાનની નાની-મોટી આજ્ઞા પાળે તે ભક્ત ગમે તે સંસ્‍થામાં હોય તેનું કલ્‍યાણ થઈ ચૂકેલું છે.

પ્ર.૫૦ જીવનો નાશ કેમ થાય ?

ઉ. શ્રીજીમહારાજના મુક્ત કે ભક્તના અપરાધથી જીવનો નાશ થઈ જાય છે.

પ્ર.૫૧ જીવને ફરી મનુષ્‍યજન્‍મ ક્યારે મળે છે ?

ઉ. મનુષ્‍યના જ્યારે ૮ અબજ ૬૪ કરોડ વર્ષ થાય ત્‍યારે બ્રહ્માનો ૧ દિવસ થાય છે. એવા બ્રહ્માના ૧૦૦ વર્ષ થાય ત્‍યારે એક પ્રાકૃત પ્રલય થાય છે. એવા સાડા ત્રણ કરોડ પ્રાકૃત પ્રલય થાય ત્‍યારે ફરી મનુષ્‍યજન્‍મ મળે છે.

પ્ર.૫૨ શ્રીજીમહારાજના જમણા ચરણમાં ચિહ્ ન કેટલાં ? કયાં કયાં ?

ઉ. નવ. ૧) અષ્‍ટકોણ, ૨) ઊર્ધ્‍વરેખા, ૩) સ્વસ્‍ત‍િક, ૪) જાંબુ, ૫) જવ, ૬) વજ્ર, ૭) અંકુશ, ૮) કેતુ, ૯) પદ્મ.

પ્ર.૫૩ શ્રીજીમહારાજના ડાબા ચરણમાં ચિહ્ ન કેટલાં ? કયાં કયાં ?

ઉ. સાત. ૧) ત્રિકોણ, ૨) કળશ, ૩) ગોપદ, ૪) ધનુષ, ૫) મીન, ૬) અર્ધચંદ્ર, ૭) વ્યોમ.

પ્ર.૫૪ નવધા ભક્ત‍િનાં નામ આપો.

ઉ. ૧) શ્રવણભક્ત‍િ, ૨) કીર્તનભક્ત‍િ, ૩) સ્મરણભક્ત‍િ, ૪) પાદસેવનભક્તિ (ચરણ સેવા કરવી), ૫) પૂજનભક્તિ (પૂજન કરવું), ૬) વંદનભક્તિ (નમસ્‍કાર કરવા), ૭) દાસત્વભક્તિ (દાસપણું રાખવું), ૮) સાખ્યભક્તિ (સખાભાવ રાખવો), ૯) આત્મનિવેદનભક્તિ (આત્‍મનિવેદન કરવું).

પ્ર.૫૫ ભગવાનના ભક્તે ધર્માદો કેટલો કાઢવો ?

ઉ. આર્થ‍િક રીતે સુખી હરિભક્તે તેને ચોખ્‍ખી આવકનો દસમો ભાગ; જ્યારે દુર્બળ હરિભક્તે વીસમો ભાગ કાઢવો જોઈએ.

પ્ર.૫૬ નંદસંતોમાં સર્વોપરી ઉપાસનાના મુખ્‍ય પ્રવર્તક સંતો કોણ હતા ?

ઉ. અ.મુ.સદ્. શ્રી ગોપાળાનંદ સ્‍વામી તથા અ.મુ.સદ્. શ્રી ગુણાતીતાનંદ સ્‍વામી.

પ્ર.૫૭ અ.મુ.સદ્. ગુણાતીતાનંદ સ્‍વામીએ જૂનાગઢ મંદિરની મહંતાઈ સ્વીકારતા પહેલાં મહારાજ પાસે શું શરત કરી ?

ઉ. અ.મુ.સદ્. ગોપાળાનંદ સ્‍વામી પ્રતિ વર્ષે ૨ માસ સમાગમ કરાવવા માટે જો પધારે તો જ હું જૂનાગઢ જાઉં.

પ્ર.૫૮ કઈ ત્રણ એકાદશી ફરજિયાત નકોરડી કરવી જોઈએ ?

ઉ. ૧) અષાઢ સુદ ૧૧, ૨) ભાદરવા સુદ ૧૧, ૩) કારતક સુદ ૧૧.

પ્ર.૫૯ ત્રણ ગુણ કયા કયા ?

ઉ. ૧) રજોગુણ : સારુ સારું ખાવાની, પીવાની, પહેરવા-ઓઢવાની ઇચ્છા વર્તે તથા વિષય ભોગવવાની ઇચ્છા (વાસના)ને રજોગુણ કહેવાય.

૨) તમોગુણ : ક્રોધ, ગુસ્સો (તામસી પ્રકૃતિ) તથા આળસ, પ્રમાદ, નિંદ્રા (ઊંઘ ઊંઘ કરવું તે) વગેરે તમોગુણ કહેવાય.

૩) સત્ત્વગુણ : સારી ઇચ્છા સત્ત્વગુણ કહેવાય. દા.ત. માળા ફેરવવાની ઇચ્છા, વચનામૃત વાંચવાની ઇચ્છા વગેરે...

આ ત્રણેય ગુણ માયિક છે.

જીવનપ્રાણ બાપાશ્રીએ ચોથો ગુણ સમજાવ્યો.

શુદ્ધ સત્ત્વગુણ : મૂર્તિમાં રહેવું, મૂર્તિરૂપે વર્તવું તેનું નામ શુદ્ધ સત્ત્વગુણ. જે કાંઈ ક્રિયા કરીએ તે ભગવાનની મૂર્તિમાં રહીને કરવી તેનું નામ શુદ્ધ સત્ત્વગુણ.

પ્ર.૬૦ ત્રણ દેહ કયા કયા ?

ઉ. ૧) સ્થૂળ : હાડમાંસનો બનેલો આ દેખાતો દેહ તે સ્થળ દેહ.

૨) સૂક્ષ્‍મ : અંદર થતા સંકલ્પ-વિકલ્પ તે સૂક્ષ્મ દેહ.

૩) કારણ : ઊંડે ઊંડે રહેલી જે વિષય ભોગવવાની ઇચ્છા તે કારણ દેહ.

પ્ર.૬૧ ત્રણ અવસ્‍થા કઈ કઈ ?

ઉ. ૧) જાગ્રત અવસ્‍થા, ૨) સ્વપ્‍ન અવસ્થા, ૩) સુષુપ્તિ અવસ્‍થા.

પ્ર.૬૨ પંચભૂત કયા કયા ?

ઉ. ૧) પૃથ્‍વી, ૨) જળ, ૩) તેજ, ૪) વાયુ, ૫) આકાશ.

પ્ર.૬૩ પંચવિષય કયા કયા ? પંચતન્માત્રા કઈ કઈ ?

ઉ. ૧) શબ્દ, ૨) સ્પર્શ, ૩) રૂપ, ૪) રસ, પ) ગંધ.

પ્ર.૬૪ પાંચ જ્ઞાને‍ન્દ્રિય કઈ ?

ઉ. ૧) શ્રોત્ર (કાન), ૨) ત્‍વક્ (ત્વચા), ૩) ચક્ષુ (આંખ), ૪) રસના (જીભ), ૫) ઘ્રાણ (નાક).

પ્ર.૬૫ પાંચ કર્મે‍ન્દ્રિયો કઈ ?

ઉ. ૧) વાક્ (વાણી/મોં), ૨) પાણિ (હાથ), ૩) પાદ (પગ), ૪) પાયુ (ગુદા/મળદ્વાર), પ) ઉપસ્‍થ (શિશ્ન/મૂત્રદ્વાર).

પ્ર.૬૬ ચાર અંત:કરણ કયા ?

ઉ. ૧) મન, ર) બુદ્ધિ, ૩) ચિત્ત, ૪) અહંકાર.

પ્ર.૬૭ ત્રિવિધ તાપ કયા કયા ?

ઉ. ૧) અધ્‍યાત્‍મ, ૨) અધિભૂત, ૩) અધિદૈવ.

પ્ર.૬૮ કયા પાંચ તત્ત્વો અનાદિ છે ?

ઉ. ૧) જીવ, ૨) ઈશ્વર, ૩) માયા, ૪) બ્રહ્મ, ૫) પરબ્રહ્મ.

પ્ર.૬૯ જન્‍મમરણની કઈ ચાર ખાણ છે ?

ઉ. ૧) અંડજ, ૨) સ્વેદજ, ૩) ઉદ્ બિજ, ૪) જરાયુજ.

પ્ર.૭૦ સંકલ્‍પ સ્‍વરૂ૫ એટલે શું ?

ઉ. શ્રીજીમહારાજનું વેષાંતરભાવે દેખાતું સ્વરૂપ તેને સંકલ્પ સ્વરૂપ કહેવાય. સંકલ્પ સ્વરૂપનું કાર્ય અનાદિમુક્તની લટક આપવાનું છે.

પ્ર.૭૧ સંકલ્‍પી અને સંકલ્‍પ સ્‍વરૂપમાં તફાવત કયો ?

ઉ. સંકલ્પ સ્વરૂપ એટલે વેષાંતરભાવે મહારાજ જ્યારે સંકલ્પી એટલે સ્વયં મહારાજ પોતે જ. (સંવત ૧૮૩૭ની મૂળ મૂર્તિ)

સંકલ્પ સ્વરૂપ તો અનંત છે જ્યારે સંકલ્પી તો એક જ છે.

પ્ર.૭૨ અનાદિમુક્ત આ લોકમાં આવે છે ? મુમુક્ષુને ઉપદેશ કોણ આપે છે ?

ઉ. અનાદિમુક્ત અખંડ મૂર્ત‍િમાં જ છે, તે આવતા કે જતા નથી. ઉપદેશાદિક જે જે ક્રિયા કરે છે તે મહારાજ પોતે કરે છે.

પ્ર.૭૩ મૂળપુરુષ એટલે કોણ ? તેમનાં અન્‍ય નામ કયાં કયાં ?

ઉ. મૂળપુરુષ એટલે શ્રીકૃષ્‍ણ. અન્‍ય નામ - મહાપુરુષ અને પ્રકૃતિપુરુષ.

પ્ર.૭૪ પ્રધાનપુરુષ એટલે કોણ ? તેમનાં અન્‍ય નામ કયાં કયાં ?

ઉ. પ્રધાનપુરુષ એટલે રામચંદ્રજી. તેમનું અન્‍ય નામ ભોમાપુરુષ.