કીર્તનભક્તિ

અનાદિકાળથી વિષય-વાસનામાં ડૂબેલો જીવાત્મા દિવસે દિવસે આ ઘોર કળિયુગમય વાતાવરણમાં લેવાતો જાય છે. બોલવામાં, સાંભળવામાં, જોવામાં, સ્પર્શ કરવામાં વિષયસુખનો જ સ્વાદ માણે છે. પરિણામે જન્મમરણની ભવાબ્ધિરૂપી ખાઈમાં ઊંડો ને ઊંડો ધકેલાતો જાય છે.

ત્યારે આ જન્મમરણની ભવાબ્ધિમાંથી છોડાવી, મનુષ્યજન્મની સાર્થકતા સિદ્ધ કરી ભગવાનમાં જોડવા માટે સ્વામિનારાયણ ભગવાનના સંતોએ અથાગ દાખડો કર્યો છે અને કરી રહ્યા છે. વર્તમાનકાળે આ ઘોર કળિકાળમાં સરળતાથી ભગવાનમાં જોડાવાય તેવું એકમાત્ર સાધન એટલે કીર્તનભક્તિ.

ભગવાનના મહિમાનું ગુણગાન, અંતરના ઊંડાણમાંથી નીકળતી ઊર્મિઓ, પ્રેમ તથા પ્રભુપ્રાપ્તિ માટે થનગનાટ, પ્રભુપ્રાપ્તિનો આનંદ તથા વિરહ-વ્યાકુળતા જેવા ભાવોને રજૂ કરવા માટેનું સાધન એટલે કીર્તનભક્તિ.

શ્રીજીમહારાજને પણ કીર્તનભક્તિ ખૂબ ગમતી. તેઓ કાયમ સભા પહેલાં સંતો પાસે કીર્તન ગાન કરાવતા. સંતોરચિત કીર્તનોના ભાવોચક શબ્દો હૃદયને સ્પર્શી, હૃદયને દિવ્યતાથી ભીંજવી નાખે. ક્યારેક વાતાવરણમાં પણ એવું પરિવર્તન થઈ જાય કે કાળ અને સ્થળને પણ ભૂલી જવાય.

ભગવાનને રાજી કરવા તથા ભગવાનમાં પ્રેમ કેળવવા માટે આ કીર્તનભક્તિ અનોખું માધ્યમ છે.

૧. કીર્તન-ઓરડાનાં પદો :

લાખોના લાડીલા અને અનંતના પ્રાણઆધાર ભગવાન શ્રીહરિ સંતોનું ખૂબ મહાત્મ્ય સમજતા. ક્યારેક પીરસવા પધારતા તો ક્યારેક ઉપદેશ કરવા એમ બહુધા સંતોને જમવાની પંક્તિ વખતે અવશ્ય પધારતા.

તે સમયમાં એવો નિયમ હતો કે, ઠાકોરજીના હરે થાય એટલે બધાં જોડે (એક સાથે) જ જમાડવા પધારે.

એક દિવસનો સમય હતો. ઠાકોરજીના હરે થયા. મહાપ્રભુ જમવા પધાર્યા. સંતોની પંક્તિ થઈ. મહારાજે સંતોની પંક્તિમાં દૃષ્ટિ રેલાવી અને જોયું તો પ્રેમમૂર્તિ સદ્. પ્રેમાનંદ સ્વામી દેખાયા નહીં. કારણ કે તેમને એવો નિયમ હતો કે, દરરોજે ચાર પદ કીર્તનના બનાવી અને પછી જ ઠાકોરજી જમાડવા. પરંતુ આજે તે નિયમ પૂર્ણ થયો ન હતો. તેથી તેઓ ઠાકોરજી જમાડવા પધાર્યા નહોતા.

મહાપ્રભુ સ્વયં સદ્. પ્રેમાનંદ સ્વામીના આસને પધાર્યા અને કહ્યું, “સ્વામી, થાળ ઠંડા થઈ જશે, ચાલો ઠાકોરજી જમાડવા.”

સદ્. પ્રેમાનંદ સ્વામી કીર્તન બનાવતાં બનાવતાં આવા અચાનક મહારાજનાં દર્શનથી ખૂબ રાજી થઈ ગયા. પ્રેમવિભોર થઈ મહારાજને કહ્યું, “મહારાજ, રાજી રહેજો ! આપ જમાડી લ્યો. મારું રોજનાં ચાર પદ બનાવ્યા પછી જ જમવાનું નિયમ પૂરું થયું નથી. દયાળુ, બે પદ લખ્યાં છે ને બે હજુ બાકી જ છે. એ પૂર્ણ થાય પછી જમાડીશ. આપ જમાડી લ્યો.”

મહારાજે કહ્યું, “સ્વામી, એમાં શું ? લ્યો, અમે બાકીના બે પદ બોલીએ તમે લખો જેથી તમારે ચાર પદ બનાવવાનું નિયમ પૂરું થઈ જાય.” અને નૂતન ઇતિહાસ સજર્યો. સ્વયં શ્રીજીમહારાજે આ ત્રીજું અને ચોથું પદ બનાવ્યું. જેમાં પોતાનો અંતર્ગત અભિપ્રાય, પોતાના સ્વરૂપનો મહિમા સ્વમુખે આપી ભક્તો પર કેટલી અપાર કરુણા વરસાવી ! આ રહ્યાં એ બે પદો...

કીર્તન-૧

બોલ્યા શ્રીહરિ રે, સાંભળો નરનારી હરિજન;

મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન.

મારી મૂરતિ રે, મારા લોક, ભોગ ને મુક્ત;

સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત.

મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;

સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ.

અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;

શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.

તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;

દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર.

જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;

સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન.

અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;

મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય.

એમ મુને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;

મેં તો તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી.

હું તો તમ કારણે રે, આવ્યો ધામ થકી ધરી દેહ;

પ્રેમાનંદનો રે, વા’લો વરસ્યા અમૃત મેહ.

કીર્તન-ર

વળી સહુ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;

પરમ સિધ્‍ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ.

સહુ હરિભકતને રે, જાવું હોયે મારે ધામ;

તો મને સેવજો રે, તમે શુધ્‍ધ ભાવે થઈ નિષ્કામ.

સહુ હરિભક્તને રે, રહેવું હોયે મારે પાસ;

તો તમે મેલજો રે, મિથ્યા પંચવિષયની આશ.

મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર;

પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર.

સહુ તમે પાળજો રે, સર્વે દૃઢ કરી મારા નેમ;

તમ પર રીઝશે રે, ધર્મ ને ભક્તિ કરશે ક્ષેમ.

સંત હરિભક્તને રે, દીધો શિક્ષાનો ઉપદેશ;

લટકાં હાથનાં રે, કરતાં શોભે નટવર વેશ.

નિજજન ઉપરે રે, અમૃત વરસ્યા આનંદ કંદ;

જેમ સહુ ઔષધિ રે, પ્રીતે પોષે પૂરણ ચંદ.

શોભે સંતમાં રે, જેમ કાંઈ ઉડુગણમાં ઉડુરાજ;

ઈશ્વર ઉદય થયા રે, કળિમાં કરવા જનનાં કાજ

આ પદ શીખશે રે, ગાશે સાંભળશે કરી પ્યાર;

પ્રેમાનંદનો રે, સ્વામી લેશે તેની સાર.