સંસ્કારનું મહત્ત્વ

એક મોટા શહેરમાં ફૂટપાથ પર શિયાળાની રાત્રે કડકડતી ઠંડીમાં કેટલાક ગરીબ લોકો ટૂંટિયું વાળીને સૂતેલા. ઠંડી અસહ્ય હતી. એવામાં ત્યાંથી એક ગાડીવાળા ભાઈ નીકળ્યા. તેમને આ ઠંડીમાં સૂતેલા લોકો ઉપર દયા આવી. એટલે રાતોરાત નવા ધાબળાની આખી ટ્રક ભરી લાવ્યા. અને દરેક સૂતેલા માણસો પર એક એક ધાબળો ઓઢાડી દીધો.

સવારે સૌ ઊઠ્યા. ઊઠીને જોયું તો દરેકને એક એક નવો ધાબળો કોઈએ ઓઢાડેલો. તેઓ તો આનંદમાં આવી ગયા અને બધા એક દુકાને ધાબળાને અડધી કિંમતમાં વેચી આવ્યા અને તે પૈસામાંથી દારૂ પીધો. પછી આખી રાત તોફાન કર્યું. ફરી પાછા એ જ માણસો એ જ રીતે ટૂંટિયું વાળીને સૂતા થઈ ગયા.

આવું બનવાનું કારણ હતું સંસ્કારનો અભાવ. જો તેમને ધાબળા આપ્યા એના કરતાં સંસ્કાર આપ્યા હોત તો આવું ન બનત.

આજે શાળા-કૉલેજમાં મોટી મોટી ડિગ્રીઓ આપવામાં આવે છે પણ સંસ્કારો અપાતા નથી. ભણતર રહ્યું છે પણ ગણતર ગયું છે.

એક મોટા ડૉક્ટર આવ્યા. તેમણે વાત કરી કે તેમના કુટુંબમાં બધા ભણેલા છે. દીકરો એન્જિનિયર છે. પુત્રવધૂ ડૉક્ટર છે. દીકરી ડૉક્ટર છે. છતાંય ઘરમાં સભ્યોને ભેગા થયે બનતું જ નથી. તરત ઝઘડો થાય છે. આમ કેમ ?

ભણીગણી ડૉક્ટર થયા કે વકીલ થયા પણ પછી ઑપરેશન કરાવનાર પૈસા ક્યાંથી લાવશે ? તેનું શું થશે ? એવું કંઈ જ વિચાર્યા વિના મોટી મોટી ફી દર્દી પાસેથી લેવામાં તેમને કેમ દુઃખ નહિ થતું હોય ?

બેંકના મેનેજર કે ઑફિસર કક્ષાના મહિને સારામાં સારું કમાતા ‘એ’ ગ્રેડના સ્ટાફવાળાએ પણ દર મહિને વ્યાજથી શરાફના ઘર કેમ ભરવા પડતા હશે ?

બે બે કલાક માળા લઈ ભગવાન સામે બેસી રહેવા છતાંય ઘેર જઈ ઘરના સભ્યો સાથે સ્નેહની ભીનાશ કેમ નહિ જળવાતી હોય ?

પોતે ગરીબી જોઈને આવ્યા હોય છતાં પણ શિક્ષકનું સર્ટિફિકેટ મળ્યા પછી વિદ્યાર્થી પાસેથી ટ્યૂશનની મોટી આવકની આશાઓ કેમ વધતી જાય છે ?

આ બધાની પાછળ બસ એક જ જવાબ દેખાય છે કે સમાજ સંસ્કારોથી દૂર જતો જાય છે. સંસ્કારની અછતનાં જ આ કારણો છે. એટલે જ અંગ્રેજીમાં કહ્યું છે, "When character is lost, everything is lost." એ ઉક્તિ આજે ભુલાઈ ગઈ લાગે છે.

સંસ્કાર એ કોઈ બજારમાં વેચાતી ચીજ નથી. સંસ્કાર તો ભગવાનના સત્પુરુષ જ આપી શકે.

બાળક તેનાં માબાપ સામે જ્યારે તડ ફડ જવાબ આપે ત્યારે એ જરૂર બોલશે, "સાલામાં સંસ્કાર નથી." પણ વાલી એમ નથી વિચારતા કે અમે બે પતિ-પત્ની ખૂબ ઝઘડીએ છીએ, મારામારી કરીએ છીએ કે અમે અમારા ઘરડાં માબાપ સામે બોલીએ છીએ, તેમની સેવા કરતા નથી એનું શું ? એ સંસ્કાર કે અસંસ્કાર ?

બાળકનો ઉછેર સમાજના સભ્યો વચ્ચે થાય છે. અને ખાસ કરીને તેના વડીલોની રીતરસમ તેના જીવનનું ઘડતર કરે છે. બાળક પૂજા કરતાં શીખે છે એ પણ ઘરમાંથી જોઈને, જ્યારે ઝઘડતા શીખે છે તે પણ ઘરમાંથી જોઈને.

એક રાજા છૂપાવેશે નગરચર્યા કરવા નીકળ્યા. એક ઘરમાં પ્રવેશ કરતાં તેમણે જોયું કે એક પાંજરામાં પુરાયેલો પોપટ બોલી રહ્યો હતો, "મારી નાખો, કાપી નાખો, તોડી નાખો, ફોડી નાખો, જોજો જાય નહીં." રાજા ત્યાંથી નીકળી આગળ જતાં બીજા એક ઘરમાં પ્રવેશ્યા. ત્યાં પણ બારણામાં જ એક પોપટ પાંજરામાં હતો. તે પણ બોલતો હતો, "આવો... પધારો... બેસો... ઊઠો... જમો... રમો ને આનંદ કરો."

રાજાએ બંને પોપટની બોલી પરથી નક્કી કર્યું કે, “પહેલી વખત જે ઘરમાં ગયા તે નક્કી કોઈ કસાઈનું કે ખાટકીનું ઘર હોવું જોઈએ, જ્યારે બીજું ઘર કોઈ શાહુકાર કે દીવાનનું હોવું જોઈએ કારણ કે ઘરના વાતાવરણ પરથી જ પોપટ બોલતાં શીખ્યો છે.”

આપણે રૂપિયા, સોનું-દાગીના, મકાન, મોટર વગેરે સંપત્તિને ખૂબ સાચવીએ છીએ પણ આપણી સંતતિની કોઈ સાચવણી ખરી ? એના સંસ્કાર પાછળ આપણે ધ્યાન નથી આપતા એ જ આપણામાં રહેલા સંસ્કારોનો અભાવ બતાવે છે.

એક પિતા કહેતા કે, “મને એ વાતનો બહુ આનંદ છે કે ભલે મેં મારા બાળકોને રૂપિયા નથી આપ્યા પણ સંસ્કાર તો જરૂર આપ્યા છે. લાખો-કરોડોની મૂડી હશે પણ સંસ્કાર નહિ હોય તો મૂડી સહજમાં વેડફાઈ જશે.”

એક તત્ત્વચિંતકે સાચે જ કહ્યું છે કે, "દુનિયાને બદલવી હોય તો બાળકોને બદલો." બાળકમાં એવી અભૂતપૂર્વ શક્તિ પડેલી છે કે જેનાથી ધાર્યું કામ થાય. પણ... આજના કલુષિત અસંસ્કારી વાતાવરણથી બાળકની શક્તિ અવળા રસ્તે વેડફાઈ રહી છે. અને તે માટે ખાસ કરીને તેના વડીલો વધુ જવાબદાર છે. એક પિતાને એ જ ખબર નહિ કે તેમનો બાળક કયા ધોરણમાં ભણે છે ? તો વધુ આશા તો આપણે તેમની પાસેથી કેમ રાખી શકીએ ?

૩પ વર્ષનો ચંબલડાકુ સોહનસિંહ જયારે ૧૦૮ ખૂન પછી પકડાયો અને તેને ફાંસીની સજા અપાઈ ત્યારે તેણે છેલ્લા શબ્દો એ જ કહ્યા કે, "હું નાનો હતો ત્યારે પહેલાં કીડી-મંકોડા મારતો થયો, પછી પક્ષી મારતો થયો, પછી કૂતરાના કુરકુરિયા મારતો થયો અને પછી માણસ મારતો થયો. પણ જો કીડી-મંકોડા મારતા જ મારી માએ મને અટકાવ્યો હોત તો મારી આ પરિસ્થિતિ ન થઈ હોત. માટે મારી સજા માટે મારી મા જ મુખ્ય જવાબદાર છે."

પહેલાના વખતમાં રોજ રાત્રે દાદા-દાદી બાળકોને પાસે બેસાડી ભગવાનના મહિમાની, શૌર્યની, સંસ્કારલક્ષી વાતો કહેતાં. જ્યારે આજે ? આજે દાદા-દાદી સાથે બેસી બાળકોને ટી.વી. પર સિનેમા કે અન્ય બીભત્સ પ્રોગ્રામો દેખાડે છે. સ્કૂલોમાં પાઠ અને કવિતાઓ પણ એવી સંસ્કારલક્ષી આવતી જેમ કે,

"ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ;

ગુણ તારા નિત્ય ગાઈએ, થાય અમારાં કામ."

જ્યારે આજે કવિતા આ પ્રકારની હોય છે.

"કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયાં..."

જ્યારે પાઠ શરૂ થાય તો પહેલું જ વાકય હોય... "બા ચા પા." માટે જ બાળકને ઘરનાં કે સમાજના વાતાવરણમાંથી સંસ્કાર મળવા આજે દુર્લભ બન્યું છે. જે મળે છે ફક્ત એવા સાચા સત્પુરુષના સાંનિધ્યથી.

ત્યારે આવા સંસ્કાર કેન્દ્રમાં સક્રિયપણે રસ લઈ જોડાઈ જવું એ ઘણું આવકાર્ય છે. આપણા માટે, આપણાં બાળકો માટે અને તેમના બાળકો માટે ખૂબ જરૂરી છે. એ માટે જ આ અભ્યાસક્રમ છે, પરીક્ષાઓ છે.

આવો એક એક પ્રકરણમાં રહેલા હાર્દને વાંચીએ, સમજીએ અને અમલમાં ઉતારીએ. એ બધાનો નીચોડ એટલે જ સંસ્કાર પ્રાપ્તિ.