અમારી માન્યતાઓ 

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સનાતન ને મૂળભૂત સિધ્ધાંતોને દ્રઢ કરી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય શાસ્ત્ર વચનામૃત અને શિક્ષાપત્રીમાં જણાવેલ પાયારૂપ માન્યતાઓને અનુસરવું તે SMVS સંસ્થાની આગવી ઓળખ છે. આ માન્યતાઓ મુજબ હજારો લોકોને વર્તવાની પ્રેરણા સંસ્થા દ્વારા અપાઈ રહી છે. આ રહી તેની પાયારૂપ માન્યતાઓ :

- ભગવાન બધા એક નથી; જુદા છે. ભગવાનના બે પ્રકાર છે : (1) સનાતન ભગવાન અને (2) આધુનિક ભગવાન. આધુનિક ભગવાન અનંત છે જ્યારે સનાતન ભગવાન અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ છે; જે છે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ. એમને વિષે પતિવ્રતાની ભક્તિ રાખી એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સ્વરૂપનિષ્ઠા - ઉપાસના દૃઢ કરવાથી આત્યંતિક મોક્ષ થાય છે. 

- આત્માનો અનાદિ ધર્મ પરમાત્માનું સુખ લેવાનો છે. પરંતુ આત્માએ દેહના સંગે દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. આ અજ્ઞાનને દૂર કરી, દેહથી પોતાનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જુદું માની એ આત્માને અનાદિમુક્ત માની શ્રીજીમહારાજનું ધ્યાન કરવાથી આત્મા ભગવાનરૂપ - પુરુષોત્તમરૂપ થાય છે જેને અનાદિમુક્તની સ્થિતિ કહેવાય છે. આ અનાદિમુક્તની સ્થિતિ પામવાથી જ પરમાત્માનું - ભગવાન સ્વામિનારાયણનું સુખ ભોગવાય છે.

- આત્મા વામન સ્વરૂપ છે; જ્યારે પરમાત્મા વિરાટ સ્વરૂપ છે. આત્મા સ્વબળે કરીને ભગવાનના સ્વરૂપને ઓળખી શકતો નથી તથા અનાદિમુક્તની સ્થિતિના માર્ગે આગળ ચાલી શકતો નથી. આ માટે અધ્યાત્મ માર્ગના પથદર્શક એવા સત્પુરુષની જરૂર પડે છે. આ સત્પુરુષ જ આત્માનું પરમાત્મા સાથે એકાત્મપણું કરાવે છે. સત્પુરુષના કર્તા સંપૂર્ણ ભગવાન જ હોવા છતાં તેઓ સેવક છે, ભક્ત છે ને ભગવાન સ્વામિનારાયણ એક જ ભગવાન છે. સત્પુરુષ કદી ભગવાન થતા નથી.

- ભગવાનનું સુખ લેવા માટે ભગવાનની ઉપાસના અને આત્મસ્વરૂપનું જ્ઞાન ઉપરાંત ચારિત્ર્ય પણ એટલું જ મહત્ત્વનું છે. વ્યક્તિગત જીવન કે સામૂહિક જીવનમાં ભગવાનની આજ્ઞા-અનુવૃત્તિ અનુસાર તેઓના રાજીપામાં જીવન જીવવું એ જ શ્રેષ્ઠ ચારિત્ર્ય છે. અને એ મુજબ વર્તવાથી ભગવાનનો રાજીપો થાય છે.

 

ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત પ્રાથમિક માન્યતાઓ :

 

  1. મૂર્તિપૂજા
  2. ભારતીય સંસ્કૃતિમાં મૂર્તિપૂજાનું મહત્ત્વ આદિકાળથી સમજાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં પણ કોઈ અમૂર્ત પદાર્થની પૂજા, ધ્યાન તથા ઉપાસના કરતાં ભગવાનની મૂર્તિને વિષે દિવ્યભાવ પ્રગટ કરીને કરવામાં આવેલી પૂજા, ધ્યાન અને ઉપાસનાને વધુ પ્રમાણભૂત ગણવામાં આવેલ છે.

    સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ મૂર્તિપૂજાને જ સમર્થન આપ્યું છે. એ હેતુથી જ સ્વામિનારાયણ ભગવાને પોતાની હયાતીમાં જ મંદિરો બંધાવીને મૂર્તિપૂજા શરૂ કરાવી હતી.

    “પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે મૂર્તિ અષ્ટપ્રકારની કહી છે. તેમાં પોતે સાક્ષાત્ પ્રવેશ કરીને વિરાજમાન રહે છે.” - ગઢડા પ્રથમનું 68મું વચનામૃત

  3. મંદિર
  4. મૂર્તિપૂજા અને મંદિર એકબીજા સાથે અભેદપણે સંકળાયેલાં છે. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પરલોકમાં પોતાના દિવ્ય ધામમાં વિરાજમાન રહે છે. પરંતુ આ લોકમાં જ્યારે મૂર્તિ રૂપે પ્રગટ હોય ત્યારે અતિ પવિત્ર સ્થાન એવા મંદિરમાં બિરાજે છે. ભલે પછી તે મંદિર નાનું હોય કે મોટું; પરંતુ ભગવાનની મૂર્તિને પધરાવવા માટે મંદિર ફરજિયાત છે.

    સ્વામિનારાયણ ભગવાને પણ પોતાની હયાતીમાં છ - છ મંદિરોની પ્રતિષ્ઠા કરી પોતાના સંપ્રદાયમાં મંદિરોનું મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે. વળી શિક્ષાપત્રીમાં પણ પોતાના આશ્રિતમાત્રને આજ્ઞા કરી છે કે, “અમારા આશ્રિતોએ પ્રાત:કાળે અથવા સાયંકાળે નિત્ય દિવસમાં એક વાર મંદિરમાં દેવ દર્શને જવું.”

  5. મૂર્તિ રૂપે ભગવાનનું પ્રગટપણું
  6. મૂર્તિપૂજાની સાથે ‘મૂર્તિ રૂપે ભગવાનનું પ્રગટપણું’ એ માનીનતાને અમે સવિશેષ અનુસરીએ છીએ. વળી પ્રગટભાવની આવી સમજણને લઈને ભગવાનની મૂર્તિને થાળ, આરતી, વસ્ત્ર-અલંકાર ધરાવવા, ભોગ ધરાવવા વિગેરે સેવા કરવામાં આવે છે.

  7. ઉપાસના
  8. હિંદુ શાસ્ત્રોમાં ‘ઉપાસના’ પ્રચલિત શબ્દ છે. ઉપાસના એટલે પોતાના જીવાત્માના મોક્ષ માટે પોતાના ઇષ્ટદેવના સ્વરૂપની જ્ઞાનલક્ષ નક્કી કરેલ સમજણ; જેને સ્વરૂપનિષ્ઠા કહીએ.

    અનંતકોટિ બ્રહ્માંડમાં શ્રીજીમહારાજ એક જ સનાતન ભગવાન છે, સર્વોપરી છે અર્થાત્ અન્વય અને વ્યતિરેક બંને લાઇનના ઉપરી છે. સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે, સદાય અંતર્યામી છે, સદાય દિવ્ય અને સાકાર મૂર્તિ છે, સર્વ કર્તા-હર્તા છે. આવી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એ જ યથાર્થ ઉપાસના.

  9. આત્યંતિક મોક્ષ-કલ્યાણ
  10. મોક્ષ શબ્દ આત્મલક્ષી છે. મોક્ષની વિભાવના સમજવી બહુ જરૂરી છે. મોક્ષના ઘણા પ્રકાર છે. નર્કમાંથી છૂટકારો થાય, સ્વર્ગની પ્રાપ્તિ થાય, અન્ય અવતારોના ધામની પ્રાપ્તિ થાય; આ બધાને મોક્ષ કહેવાય. પરંતુ આત્યંતિક મોક્ષ એ સૌથી છેલ્લો અને સર્વોત્તમ મોક્ષનો પ્રકાર છે. આ આત્યંતિક મોક્ષ એટલે ભગવાનના સુખને ભોગવવાની સર્વશ્રેષ્ઠ સ્થિતિ અને પદવી. જેને અનાદિમુક્તની સ્થિતિ કે પદ કહીએ.

    જ્યારે સર્વોપરી, સનાતન અને સર્વે અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા સ્વામિનારાયણ ભગવાન મળે કાં તો એમના ધામમાંથી પધારેલા સત્પુરુષ મળે અને એમના જોગ - સમાગમે કરી શ્રીજીમહારાજના સ્વરૂપની જેમ છે એમ ઓળખાણ થાય, નિષ્ઠા-ઉપાસનાની દૃઢતા થાય ત્યારે જીવાત્માનો આત્યંતિક મોક્ષ થાય એટલે કે અનાદિમુક્તની સ્થિતિ પામી શકાય છે.

  11. કૃતાર્થપણું
  12. ભારતીય સંસ્કૃતિમાં રચાયેલ તમામ સંપ્રદાયોમાં, તમામ શાસ્ત્રોમાં દેહને અંતે જ મોક્ષ થાય અર્થાત્ મર્યા પછી જ મોક્ષ થાય એ વાતને જ સમર્થન અપાયું છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્ત જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ છતે દેહે કલ્યાણ-મોક્ષની સર્વોચ્ચ અને વાસ્તવિક સમજણ પોતાના આશ્રિતોને પ્રદાન કરી છે. જેથી પોતાના કલ્યાણમાં અધૂરું ન માનતાં પૂર્ણપણું મનાય છે. કારણ, મોક્ષનું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન છે. જેને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. જેને મોક્ષના સ્વરૂપની પ્રાપ્તિ થઇ તેનો મોક્ષ થઈ જ ગયો છે આનું નામ જ કૃતાર્થપણું.

  13. પ્રેમલક્ષણા ભક્તિ
  14. પ્રેમલક્ષણા ભક્તિ એ ભગવાનના પ્રગટપણાનું પ્રતિક છે. ભગવાનની મૂર્તિની સેવા-પૂજા અતિ પ્રેમમગ્ન બનીને કરવી એ પ્રેમલક્ષણા ભક્તિ છે. મૂર્તિને થાળ કરવા, શણગાર કરવા, અન્નકૂટ ધરાવવા, અભિષેક કરવો આ સર્વે પ્રેમલક્ષણા ભક્તિના માધ્યમરૂપ સાધનો છે. પ્રેમલક્ષણા ભક્તિથી ભક્તને ભગવાનને વિષે અતિશે પ્રેમ ને સ્નેહ પ્રગટ થાય છે.

  15. ગુરુ-સત્પુરુષ
  16. હિંદુ ધર્મમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે. અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. ગુરુ વિના જ્ઞાન ન મળે. ગુરુ એ આત્મા અને પરમાત્માનું મિલન કરાવનાર મધ્યસ્થી છે. સત્પુરુષ બની શકાતું નથી. સત્પુરુષ સ્વયં પ્રગટે છે. સત્પુરુષ એ ભગવાનના ઘરેથી આવેલું સ્વરૂપ છે. જે અખંડ ભગવાનની મૂર્તિમાં રહેતા હોય, જેના સંપૂર્ણ કર્તા ભગવાન હોય એ જ ખરા સત્પુરુષ. આવા સત્પુરુષ જો ગુરુ રૂપે મળે તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્યંતિક કલ્યાણ થાય. એવા સત્પુરુષ વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ.બાપજી અને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી છે. 

  17. કૃપા-રાજીપો
  18. ભગવાનનું સુખ મેળવવાના બે રસ્તા આધ્યાત્મિક માર્ગમાં જણાવેલ છે :

    (1) સાધનનો માર્ગ અને (2) કૃપાનો માર્ગ.

    મોટા ભાગના શાસ્ત્રોમાં સાધનનો માર્ગ જ મુખ્યત્વે બતાવવામાં આવ્યો છે. પરંતુ સાધનનો માર્ગ લાંબો છે અને અઘરો છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઇ ફદલનો, કૃપાનો માર્ગ આપ્યો. આ કૃપાનો માર્ગ સાવ ટૂંકો અને સરળ છે. કૃપાને બીજા શબ્દોમાં કહીએ તો રાજીપો, ભગવાનની પ્રસન્નતા.

    સાધનનો માર્ગ સીડી દ્વારા ચડવાનો માર્ગ છે જ્યારે કૃપા એ લિફ્ટ દ્વારા ચડવાનો માર્ગ છે. માટે દોષ ટાળવાનો અને ભગવાનના સુખને પામવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કૃપા-રાજીપો છે. વચનામૃત ગઢડા મધ્યના 7માં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતાં કરતાં વિકાર આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે.”

  19. ભગવાનનું કર્તાપણું
  20. અનંતકોટી બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ કર્તા નથી. અનંત અવતારો પણ જે કાંઈ કાર્ય કરે છે તે શ્રીજીમહારાજે આપેલી સત્તા – સામર્થીના બળે કરે છે. પરંતુ કોઈની પાસે પોતાની આગવી સામર્થી નથી. 

    સ્વામિનારાયણ ભગવાનનું આવું કર્તાપણું દ્રઢ કરી, અન્ય દેવ - અવતારોના ભારથી મુક્ત થવું. વળી, જીવનમાં આવતા સુખ-દુ:ખ, તકલીફ-મુશ્કેલી ભગવાનની ઈચ્છાથી જ આવે છે. આવી કર્તાપણાની સમજણના બળે સદાય આનંદમાં રહેવું.

    સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા પછી અન્ય અવતારોને કર્તા નથી સમજવાના; પરંતુ પોતાનું કર્તાપણું પણ ન સમજવું; પોતાના કર્તા ભગવાનને કરવા. ‘જે કાંઈ કરે છે તે ભગવાન કરે છે’ આ વિચારે પોતાના કર્તાપણાથી રહિત થવું.

  21. દિવ્યદૃષ્ટિ
  22. ભગવાનનો મહિમા સમજ્યા પછી ભગવાનના સંબંધમાં આવેલ વસ્તુ, પદાર્થ, સ્થાન કે વ્યક્તિનો પણ મહિમા સમજવો. એમને વિષે પણ લૌકિક બુદ્ધિ ન રાખતાં અલૌકિકભાવ સમજવો તે દિવ્યદૃષ્ટિ. ભગવાનને થાળ કરવા લાવેલ ફળ કે અન્ય કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવ્યા પછી પ્રસાદ કહેવાય. એના માટેની આપણી દૃષ્ટિ બદલાઈ જાય છે. કેમ ? તો, ભગવાનના સંબંધમાં આવવાથી તે દિવ્ય થઈ ગયું.

    જો જડ વસ્તુમાં દિવ્યદૃષ્ટિ રાખતા હોઈએ તો મહારાજના વ્યતિરેક સંબંધમાં આવેલ સંતો-ભક્તોને વિષે દિવ્યદૃષ્ટિ રાખવાની જ હોય. સર્વે સંતો-ભક્તો અનાદિમુક્તો છે. કોઈ દેહધારી નથી. આવી દિવ્યદૃષ્ટિ રાખવાથી અખંડ આનંદ વર્તે છે અને આપણો દેહભાવ પણ ટળે છે.