આધ્યાત્મિક પ્રવૃત્તિઓ
A. મંદિર
સુખ-શાંતિ, સદાચાર, પવિત્રતા અને સંસ્કારો પામવાનું સ્થાન એટલે મંદિર.
મંદિરોની આવી અલૌકિક અભિવ્યક્તિને કારણે ધર્મનિષ્ઠ વ્યક્તિઓ પોતાની કળા-કૌશલ્ય તેમજ તમામ શક્તિઓને મંદિરોની રચનામાં ઓવારી દે છે. હજારો વર્ષો પૂર્વે ભારતભૂમિથી શરૂ થયેલાં મંદિરો આજે દેશ-વિદેશના તમામ શહેરોમાં, ગામોમાં, શેરીઓમાં પથરાઈ રહ્યાં છે. એટલે જ તો સદીઓથી આધ્યાત્મિક સંસ્કૃતિને ઉજાગર કરતા અતિ મહત્ત્વનાં પાસાં તરીકે મંદિર એ વિશ્વવિખ્યાત થયું છે.
મંદિરો એ આધ્યાત્મિક અને સામાજિક પથદર્શક છે. માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરો એક આગવું સ્થાન ધરાવે છે. મંદિરનિર્માણથી અનેકવિધ ફાયદાઓની ફલશ્રુતિ સમાજને પ્રાપ્ત થાય છે. એટલે જ ગુરુવર્ય પ.પૂ. બાપજી મંદિરનિર્માણના કાર્યને અતિ વેગવાન બનાવી માત્ર સમાજઉત્થાનનું જ નહિ, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના તથા તેના સિદ્ધાંતો અને મૂલ્યોના ઉત્થાનનું કાર્ય કરી રહ્યા છે.
એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ગુરુવર્ય 5.પૂ. બાપજીની દિવ્ય પ્રેરણાથી ભારતના જુદાં જુદાં રાજ્યોમાં આશરે 80 કરતાં પણ વધુ મંદિરો નિર્માણ પામી ચૂક્યાં છે. વળી, મંદિરનિર્માણનો મહાયજ્ઞ આરંભવાના અતિ આગ્રહી ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દૂરગામી દૃષ્ટિકોણને લીધે નજીકના ભવિષ્યમાં નિર્માણ પામનાર સેંકડો નૂતન મંદિરો માટે પણ જુદાં જુદાં રાજ્યોમાં તથા જિલ્લાઓમાં આશરે 100 કરતાં પણ વધુ જમીનો સંપાદન થઈ ચૂકી છે. અને ખૂબ જ નજીકના સમયમાં સમગ્ર ભારતના એક એક રાજ્યમાં તથા ગુજરાતના એક એક જિલ્લા અને જે તે જિલ્લાના તાલુકાઓમાં પણ સેંકડો જમીન મંદિરોના નિર્માણકાર્ય માટે સંપાદન કરવામાં આવશે.
એસ.એમ.વી.એસ. દ્વારા નિર્માણ પામેલ આ મંદિરોની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંકલ્પ અનુસાર શુદ્ધ સર્વોપરી, સનાતન અને અજોડ ઉપાસનાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ મંદિરોમાં ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તોની જ મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપાસનાના શુદ્ધીકરણ માટેનું ક્રાંતિકારી કાર્ય છે.
મંદિરમાં આવનાર પ્રત્યેક દર્શનાર્થી સત્સંગનું જ્ઞાન, મૂલ્યો તથા સંસ્કાર અને કૌટુંબિક જીવનનું અનેરું માર્ગદર્શન મેળવી જીવનને ધન્ય બનાવે છે. એસ.એમ.વી.એસ. દ્વારા નિર્માણ પામેલ આવા ભવ્ય અને દિવ્ય મંદિરોમાં નિત્યપ્રત્યે હજારો ભક્તો પધારી પોતાના જીવનને નિત્યે નવો રાહ ચીંધે છે.
B. બાળ – બાલિકા પ્રવૃત્તિ
જ્યાં સત્સંગ, સંસ્કાર અને કળા-કૌશલ્યની ખિલવણીથી બાળકોનું સર્વાંગી ઘડતર થાય છે.
બાલ્યાવસ્થા એટલે કુમળો છોડ. કુમળા છોડને જેમ વાળો તેમ વળે. એ જ રીતે બાળકને પણ બાલ્યાવસ્થામાં જેવી રીતે વાળીએ તેમ વળે. પરંતુ જરૂર છે તેને યોગ્ય દિશામાં વાળનારની; ઘડતર કરનારની.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા સ્વામિનારાયણ દિગ્વિજય મંડળ અંતર્ગત બાળ-બાલિકા પ્રવૃત્તિનો પ્રારંભ ઈ.સ. 1987થી કરવામાં આવ્યો છે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. સંસ્કારોનું સિંચન, સત્સંગના મૂલ્યોનું સિંચન, કળા-કૌશલ્યની ખિલવણી, અભ્યાસમાં ગુણવત્તા જેવાં અનેકવિધ પાસાંઓના માધ્યમથી સર્વાંગી વિકાસ કરવામાં આવે છે.
આ બાળ-બાલિકા મંડળોમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વાર્તાલેખન સ્પર્ધા, મંદિર રચના સ્પર્ધા, રમતોત્સવ જેવી સ્પર્ધાઓ તથા વાલીસંપર્ક, સેવા-સ્વચ્છતા, વ્યસનમુક્તિ જેવાં અભિયાનો પણ યોજાય છે. આ ઉપરાંત, સત્સંગના મૂલ્યોનું સિંચન કરવા સમૂહપૂજા, ઉત્સવો ઉપક્રમે નિત્ય બાળ-બાલિકા શિબિરો જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વળી, બાળકો માટે સંસ્થા દ્વારા www.kids.smvs.org વેબસાઇટ પ્રકાશિત કરવામાં આવી છે.
સાત વર્ષની ઉંમરથી લઈને ચૌદ વર્ષની ઉંમરના બાળકો માટે બાળ-બાલિકા મંડળો સંસ્થાના સત્સંગ પ્રવૃત્તિ કાર્યાલયના માર્ગદર્શન હેઠળ દેશ-પરદેશમાં 633 કરતાં પણ વધુ સંખ્યામાં કાર્યરત છે. જેમાં દર અઠવાડિયે 15,000 કરતાં પણ વધુ બાળ-બાલિકાઓ આ બાળ-બાલિકા મંડળોનો લાભ લે છે.
C. યુવા-યુવતી પ્રવૃત્તિ
જ્યાં પ્રામાણિકતા, ચારિત્ર્યતા, આત્મીયતા, ઉપાસના, મહિમા આદિ દિવ્ય ગુણોથી યુવાની કેળવાય છે.
વિશ્વના બધા દેશો પાસે પોતાની આગવી સમૃદ્ધિની ઓળખ છે. ભારત પાસે પણ એવી જ ઓળખ છે : ‘ભારતીય યુવાધન’. દુનિયામાં સુશિક્ષિત, સંસ્કારી અને બુદ્ધિવાન યુવા વર્ગ ભારત પાસે સૌથી વધુ છે. આજના યુવાનમાં દેશ અને સમાજના ઉત્થાન અને વિકાસની તાકાત છે. તેનામાં વૈશ્વિક સંસાધનો અને પરિવર્તનની ક્રાંતિ સામે પડકાર ઝીલવાની શૌર્યતા છે પરંતુ તેની પાસે સાચી દૃષ્ટિ નથી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ યુવા વર્ગની ઉત્ક્રાંતિ માટે ઈ.સ. 1987માં સ્વામિનારાયણ દિગ્વિજય મંડળ અન્વયે કિશોર-યુવક મંડળોની સ્થાપના કરી છે. જેમાં યુવા વર્ગનું સર્વાંગી ઘડતર, માર્ગદર્શન તથા પરિવર્તન કરવામાં આવે છે.
આ કિશોર-યુવક મંડળોમાં સાત્ત્વિક જીવન, ધર્મ-નિયમની દૃઢતા, ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના, વૈભવી મટી સંયમી જીવન આદિ આધ્યાત્મિક મૂલ્યો તથા ચારિત્ર્ય, પ્રામાણિકતા, નૈતિકતા, સત્યતા જેવા પાયાના સામાજિક મૂલ્યોનું પણ સિંચન કરવામાં આવે છે. સમૂહપૂજા, મંત્રલેખન, અખંડ ધૂન, પ્રાર્થના સપ્તાહ, પ્રભાતફેરી, સંધ્યાફેરી, પદયાત્રા, સાઇકલ યાત્રા, સ્કૂટર રેલી જેવાં આયોજનોની સાથે ચિત્ર સ્પર્ધા, મંત્રલેખન સ્પર્ધા, મુખપાઠ સ્પર્ધા, હસ્તલિખિત અંક સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા વાક્છટા માટે ‘બોલો ઔર જીતો’ જેવી અનેક સ્પર્ધાઓ પણ યોજાય છે. આ ઉપરાંત, શિબિરો, કથા-પારાયણો તેમજ યુવક સંમેલનો અને અધિવેશનો પણ યોજાય છે.
આ યુવા પ્રવૃત્તિના આકર્ષણનું વિશિષ્ટ આયોજન એટલે ‘આદર્શ યુવા પ્રૉજેક્ટ’ (AYP). જેમાં સામાન્ય યુવકોમાંથી આદર્શતાને પામી શકે તેવા ચુનંદા યુવકોને શૈક્ષણિક ઢબે અધ્યાત્મ માર્ગે આગળ વધારવામાં આવે છે. આ પ્રૉજેક્ટ અંતર્ગત 2934 કરતાં પણ વધુ યુવકો તેમાં જોડાયા છે. એ જ રીતે જીવનની પાનખર તથા જીવનની સંધ્યા વેળાએ પહોંચેલા વડીલો પણ આદર્શ વડીલ બને તે માટે ‘આદર્શ વડીલ પ્રૉજેક્ટ’ (AVP) કાર્યરત છે. જેમાં 1816 કરતાં વધુ વડીલો જોડાયા છે.
દેશ-પરદેશમાં વિસ્તરેલ આ યુવા પ્રવૃત્તિ ભારત દેશના જુદાં જુદાં રાજ્યો, જિલ્લા, તાલુકા તથા શહેરોમાં રર6 કરતાં વધુ યુવા તથા સંયુક્ત મંડળો ધરાવે છે. જ્યારે પરદેશમાં 30 કરતાં પણ વધુ મંડળો ધરાવે છે. આ યુવા - સંયુક્ત મંડળોમાં દર અઠવાડિયે 10,000 કરતાં પણ વધુ સભ્યો લાભ લે છે.
D. મહિલા પ્રવૃત્તિ
ભક્તિનિવાસ : મહિલા પ્રવૃત્તિનું નાભિકેન્દ્ર
જ્યાં મહિલા વર્ગ પણ સંસારથી વિરક્ત બની પ્રભુપરાયણ જીવન જીવી મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિમાં જોડાય છે.
ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી વેશે સદ્. રામાનંદ સ્વામીના આશ્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાય માટેની એક નવી પ્રણાલિકા આરંભી. સ્ત્રી અને પુરુષનો સંયોગ થાય ત્યાં ધર્મ દૃઢ ન રહે. માટે સ્ત્રીઓ સ્ત્રીઓ ભેગા થઈને ભગવાન ભજે તથા પુરુષો પુરુષો જુદા ભેગા થઈને ભગવાન ભજે જેથી ચારિત્ર્યની દૃઢતા જળવાયેલી રહે. આવા સ્પષ્ટ હેતુથી જ તેઓએ સમાજમાં સ્ત્રીઓને એક નવું સ્થાન આપ્યું.
પુરુષોની જેમ સ્ત્રીઓ પણ ભગવાન ભજી શકે તથા સંસારથી વિરક્ત બની ત્યાગાશ્રમ પણ સ્વીકારી શકે તેવી પ્રણાલિકા પ્રારંભી. આ માટે પોતાની હયાતીમાં ‘સાંખ્યયોગી બહેનો’ની પ્રણાલિકાનો પ્રારંભ કરાવ્યો.
ભગવાન સ્વામિનારાયણના આ યુગકાર્યને અનુસરી તેમાં સાંપ્રત સમાજવ્યવસ્થા તથા વિષયમય જીવનશૈલીને ધ્યાનમાં લઈ આ પ્રણાલિકાના નિયમોને વધુ સજ્જ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ્રેરણાથી એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા ‘ભક્તિનિવાસ’ એકમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
તા. 22-2-2001ના રોજ આ ભક્તિનિવાસ એકમની સ્થાપના સ્વામિનારાયણ મંદિર વાસણા, અમદાવાદ ખાતે થઈ. વળી, તા. 1-1-2002ના મંગલકારી દિને નૂતન વ્હાલા હરિકૃષ્ણ મહારાજની ભક્તિનિવાસ એકમ ખાતે પધરામણી થઈ. વરતાલના 18મા વચનામૃત મુજબ ત્યાગાશ્રમના માર્ગે ચાલનાર મુમુક્ષુ મહિલાઓએ હરિકૃષ્ણ મહારાજને પ્રગટ - પ્રત્યક્ષ જાણી ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી.
ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય એવાં શ્વેત વસ્ત્રોનો પહેરવેશ ધારણ કરી તથા સાંસારિક સંબંધો અને સુખોથી અલિપ્ત બની ‘ભક્તિનિવાસ’ એકમ દ્વારા 83 જેટલાં પૂ. ત્યાગી મહિલામુક્તો ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત સિદ્ધાંતોના પ્રવર્તનની સેવા કરી રહ્યાં છે તથા ત્યાગાશ્રમના માર્ગે વળવા ઇચ્છતી યુવતીઓ માટે ‘સમર્પિત તાલીમ કેન્દ્ર’ કાર્યરત છે. જેમાં 52 કરતાં પણ વધુ યુવતીઓએ પોતાનું જીવન પ્રભુભક્તિ માટે સમર્પિત કર્યું છે. આ ‘ત્યાગી મહિલામુક્ત’ સમાજની વિશિષ્ટતા એ છે કે તેઓ દ્રવ્યનો સ્પર્શ કરતા નથી તથા પુરુષનો પણ અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે.
ભક્તિનિવાસ એકમ એ એસ.એમ.વી.એસ. સંસ્થાનું મહિલા ઉત્કર્ષ માટેનું એક અવિભાજ્ય અંગ છે.
E. સંતો
પોતાની આધ્યાત્મિક ઉન્નતિ અને સાથે સમાજની ઉન્નતિના ઉમદા હેતુ માટે પોતાના મોજશોખ, આશા-અરમાનોને છોડી પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરતા સમાજના જ અંશ એટલે સંતો. જેઓ સમાજ વચ્ચે સંસારથી નિર્લેપ રહી સમાજને ઉન્નત બનાવે છે. SMVSમાં હાલમાં 100 સંતો-પાર્ષદોની ભગવી સેના છે. જે અગરબત્તીની જેમ પોતે સળગી સમાજમાં પ્રભુનો સુવાસ ફેલાવે છે.
SMVSના સંતો રાત્રિ-દિવસ વિચરણ કરી, સત્સંગ સભાઓનું આયોજન કરીને વ્યક્તિ વ્યક્તિથી નજીક જાય છે અને વ્યસન, વ્યભિચાર, દૂરાચાર, ભ્રષ્ટાચાર જેવી અસમાજિક વૃત્તિને એક એકના અંતરમાંથી હટાવે છે. બાળકોને પોતાના માતા - પિતા કરતા પણ વધુ વાત્સલ્ય આપી સત્સંગ અને સંસ્કારના પાઠ શીખવે છે. કિશોરો અને યુવકોના નિકટતમ મિત્ર બની તેઓને કુસંગથી બચાવી સત્સંગના રંગથી રંગે છે. વડીલોને આશ્વાસન આપી પરિવારમાં સંપ, સુહૃદયભાવ અને સત્સંગ જાળવી રાખવાનો ઉમદા ઉપદેશ આપે છે. ભારતીય સંસ્કૃતિમાં આજદિન સુધી જે કાંઈ સત્વ ટકી રહ્યું છે તેનો સંપૂર્ણ યશ જાય છે સંત સમાજને.
એ જ રીતે જીવાત્માનું મોક્ષસંબંધીનું કાર્ય પણ સંતો દ્વારા અવિરતપણે ચાલુ રહે છે. આ માટે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના તથા અનાદિમુક્તની સ્થિતિનું સર્વોપરી જ્ઞાન સંતો મુમુક્ષુઓને આપતા રહે છે.
F. સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)
‘શ્રીજી અર્થે અમારું જીવન’નું સૂત્ર ગુંજાવતા પોતાનું જીવન ગુરુવર્ય પ.પૂ. બાપજીના શ્રીચરણોમાં સમર્પિત કરી દેનાર એસ.એમ.વી.એસ.ના યુવાનોને કોટાનકોટિ ધન્યવાદ છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો વર્ષોથી એક સંકલ્પ હતો કે, ‘જેમ આ લોકની એક લૌકિક પદવી મેળવવી હોય તોપણ જ્ઞાનશાળા અને પ્રાધ્યાપકની જરૂર પડે છે તેમ પરલોકની વિદ્યા ભણવા અને ભગવાન સ્વામિનારાયણ પછીની બીજા નંબરની સંત તરીકેની પદવી પ્રાપ્ત કરવા માટેની પણ એક આધ્યાત્મિક શાળા હોવી જોઈએ કે જ્યાંથી પદ્ધતિસર આવા યુવાનોનું ઘડતર થાય.’ તેઓના આ સંકલ્પને પૂર્ણ કરવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ તેને સાકાર સ્વરૂપ આપ્યું : ‘સમર્પિત તાલીમ કેન્દ્ર’ અને ‘સંત તાલીમ કેન્દ્ર’ દ્વારા જેને ટૂંકું અને મધુર ઉપનામ મળ્યું : ‘STK’.
સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે તારીખ 11 જૂન, 2011 ને શનિવારના રોજ વિધિવત્ રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના વરદ હસ્તે આ STKનો પ્રારંભ થયો.
ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સિદ્ધાંતોનાં ઊંડાં રહસ્યો શીખવાં તથા પ્રવર્તાવવાં, સાધુને શોભાવે તેવી દિવ્ય સાધુતા પામવા, જ્ઞાન-ધ્યાનની લગની લગાડી અનાદિમુક્તની સ્થિતિ પામવા તથા ભગવાન સ્વામિનારાયણે સંતજીવન માટેનાં જે કાંઈ આદર્શો, મૂલ્યો અને મર્યાદાઓ બાંધ્યાં છે તે પેઢીઓની પેઢીઓ સુધી યાવદ્ચંદ્રદિવાકરૌ સંતોના જીવનમાં ચરિતાર્થ થાય તે માટે એવું આધ્યાત્મિક ઘડતર અને વ્યવહારિક તાલીમ આપવા માટે આ એસ.ટી.કે.નું નિર્માણ છે. જેમાં વર્તમાન-આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓના આધારે તાલીમ મેળવવા માટે સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. જેમાં કુલ સાત સેમેસ્ટરમાં શૈક્ષણિક ઢબથી સમગ્ર એસ.ટી.કે.નું માળખું ગોઠવાયેલું છે.
STK માં જોડાનાર દરેક મુમુક્ષુનું માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકાગાળામાં સર્વાંગી ઘડતર સમર્પિત સેવક, સાધક, પાર્ષદ અને સંત એમ ક્રમશઃ પદ્ધતિસર કરવામાં આવે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી, પ.પૂ. સ્વામીશ્રીની પ્રેરણા તથા એસ.ટી.કે.ના અનેરા આકર્ષણથી માત્ર આઠ વર્ષના ટૂંકાગાળાના અંતે 42 કરતાં પણ વધુ તાલીમાર્થીઓ આ એસ.ટી.કે.માં તાલીમ મેળવી સંતના માર્ગે આગળ વધ્યા છે.