સંસ્થાપક અને અમીરપેઢી

ઈ.સ. 1987માં ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા સ્વયં શ્રીજીમહારાજે આ SMVS સંસ્થાની સ્થાપના કરી હતી.

ગુરુવર્ય પ.પૂ. બાપજી સદૈવ સર્વે સંતો-ભક્તોને સમજાવે છે કે, “SMVS સંસ્થાના સ્થાપક અને પ્રવર્તક સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે.” 

SMVSની ગુરુપરંપરાને ‘કારણ સત્સંગની અમીરપેઢી’ તરીકે ઓળખવામાં આવે છે. આ અમીરપેઢીની પરંપરા સ્વયં ભગવાન સ્વામિનારાયણે પ્રસ્થાપિત કરેલ છે. ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના આધ્યાત્મિક વારસદાર તરીકે સદ્. ગોપાળાનંદ સ્વામીને નિયુક્ત કર્યા. આ સદ્. ગોપાળાનંદસ્વામીના પરંપરાગત છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર તરીકે વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજમાન છે. આ અમીરપેઢીનો ટૂંકો પરિચય મેળવીએ.

સ્વાસ્થ્ય જાગૃતિ

 

ભગવાન શ્રી સ્વામિનારાયણ

પ્રાગટ્ય :  સંવત 1837, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. 03/04/1781)

પ્રાગટ્ય સ્થળ : ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત

પ્રચલિત નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.

માતાનું નામ : ભક્તિમાતા

પિતાનું નામ : ધર્મપિતા

ભાઈનું નામ : રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ

બાલ્યકાળ : સંવત 1837થી સંવત 1849 – 11 વર્ષ

વનવિચરણ : સંવત 1849થી સંવત 1856 – 7 વર્ષ

સત્સંગ વિચરણ : સંવત 1856થી સંવત 1886 – 31 વર્ષ

સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય : સંવત 1858, માગશર વદ એકાદશી

આશ્રિતગણ : 20 લાખ હરિભક્તો અને 3,000 સંતો

મંદિર રચના : પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. સર્વે સંપ્રદાયોમાં શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
  2. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ ‘શિક્ષાપત્રી’ ગ્રંથ અને સૈદ્ધાંતિક ગ્રંથ ‘વચનામૃત’ની ભેટ આપી તથા સંતો-હરિભક્તોનાં પંચવર્તમાન આપ્યા.
  3. તેઓએ આત્મા-પરમાત્માનું શુધ્ધ અને સર્વોપરી જ્ઞાન આપી પોતાની સનાતન સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી.
  4. તેઓએ પોતાનો સનાતન અને વિશિષ્ટ એવો ‘વિશિષ્ટાદ્વૈત’ સિધ્ધાંત આપ્યો.
  5. તેઓએ વર્તનશીલ અને ધર્મ-નિયમયુક્ત સંતોની રચના કરી, સંત-અસંતની ઓળખ કરાવી.
  6. પોતાના દિવ્ય સત્પુરુષો દ્વારા પરંપરાગત આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ચાલુ રાખ્યો.
  7. તેઓએ સમાજમાં મહિલા વર્ગને એક અલગ અને આગવું સર્વોચ્ચ સ્થાન આપ્યું.
  8. તેઓએ સમાજના દૂષણરૂપ કેટલાક કુરિવાજો જેવા કે દૂધપીતી, સતીપ્રથા આદિ દૂર કર્યા.
  9. પોતાના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા પોતાના મુક્ત ‘શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી’ સ્વરૂપે પ્રગટ થવાના આશીર્વાદ તથા મુક્ત સ્વરૂપે પ્રગટ થઈ પોતાની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું.

અનુગામી : અ. મુ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી

અંતર્ધાન : સંવત 1886, જેઠ સુદ દસમ (તા.1 જૂન, 1830)

અંતર્ધાન સ્થળ : ગામ - ગઢડા, તા. જિ. - બોટાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : 49 વર્ષ, 11 માસ, 1 દિવસ (સંવત 1837, ચૈત્ર સુદ નોમથી સંવત 1886, જેઠ સુદ દસમ)

 

જીવનપ્રાણ અબજીબાપાશ્રી

પ્રાગટ્ય : સંવત 1901, કારતક સુદએકાદશી, (પ્રબોધિની એકાદશી), સોમવાર, (તા.20/11/1844)

પ્રાગટ્ય સ્થળ : ગામ - બળદિયા (વૃષપુર), તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત

માતાનું નામ :  દેવુબા

પિતાનું નામ : પાંચાપિતા

કારણ સત્સંગની સ્થાપના : પરોક્ષપણાની માનીનાતા દૂર કરી પ્રત્યક્ષપણાની માનીનાતા દ્રઢ કરાવવા અબજીબાપાશ્રીએ કાર્ય અને કારણ આ બેની શુદ્ધ સમજણ આપી. સાધુ, આચાર્ય, બ્રહ્મચારી, મંદિર, દેશ, ગાદી આ બધું કાર્ય છે અને મહારાજની મૂર્તિ એ કારણ છે. એકમાત્ર મૂર્તિમાં જોડાવવા માટે અબજીબાપાશ્રીએ કારણ સત્સંગની સ્થાપના કરી.

સમજાવેલ સિધ્ધાંત :  સંપ્રદાયમાં પ્રવર્તતી ઉપાસના અંગેની માનીનતાઓમાં શુદ્ધિકરણ કરી શ્રીજીસંમત સનાતન સિધ્ધાંત આપ્યો : “સ્વામિનારાયણ એક જ સનાતન ભગવાન છે અને તે અજોડ છે” તથા “અનાદિમુક્તની સ્થિતિ એજ શ્રેષ્ઠ અને અંતિમ સ્થિતિ છે.સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ લેવા માટે આ સ્થિતિને પામવી ફરજિયાત છે.”

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. તેઓએ સંપ્રદાયમાં પ્રવર્તેલી પરોક્ષભાવની ગેરસમજને દૂર કરી તથા ‘ભગવાન સ્વામિનારાયણ મૂર્તિરૂપે સદાય પ્રગટ છે’તે સમજણ આપી.
  2. તેઓએ શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથનાં ગૂઢાર્થભર્યા રહસ્યોને સમજાવ્યા.
  3. તેઓએ અન્વય-વ્યતિરેક સ્વરૂપનું જ્ઞાન સમજાવી સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજાવ્યા.
  4. તેઓએ અનાદિમુક્તની સ્થિતિને યથાર્થ સમજાવી તથા અનંતને એ સ્થિતિ પમાડી મૂર્તિના સુખભોક્તા કર્યા.
  5. તેઓએ સંતો-હરિભક્તોને પોતાના વર્તન દ્વારા ધર્મ-નિયમ તથા વર્તનની દ્રઢતા કરાવી.
  6. તેઓએ મોટા મોટા 6 યજ્ઞોનુંઆયોજન કરી અનંતાનંત જીવોને આત્યંતિક કલ્યાણના મોક્ષભાગી કર્યા.
  7. તેઓએ પ્રતિલોમ ધ્યાનની સર્વશ્રેષ્ઠ લટક આપી જ્ઞાન-ધ્યાનના અખંડ અખાડા ચલાવ્યા.
  8. સત્સંગ મહાસભાની સ્થાપના કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને દેવની મિલકત-પ્રાસાદિક સ્થાનો કાયમી સમગ્ર સંપ્રદાયના સંતો-ભક્તોને સમર્પણ કરી દીધા.
  9. તેઓએ કારણ સત્સંગના સિદ્ધાંતોને ઉજાગર કરનાર ગુરુવર્ય પ. પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય પ.પૂ. બાપજી)ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.

સંપ્રદાયમાં પ્રભાવ :

  1. અમદાવાદ દેશના આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને સમર્થ સદ્. ગુણાતીતાનંદ સ્વામી પણ સ્વયં બાપાશ્રીનો અપાર મહિમા સમજતા. આદિ આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ પણ તેઓનો અપાર મહિમા સમજતા અને તેઓના સમાગમનો લાભ લેતા તેમજ બાપાશ્રી પાસેથી મૂર્તિસુખના આશીર્વાદ મેળવતા.
  2. અમદાવાદ, મૂળી, વડતાલ, ગઢડા, ભૂજ વગેરે મોટાં મોટાં ધામના 500 સમર્થ સદ્ગુરુ સંતો બાપાશ્રીનો જોગ-સમાગમ કરવા માટે વર્ષમાં છ-છ મહિના બળદિયા જતા અને તેમના ખોળામાં માથું મૂકી, “બાપા ! અમારું પૂરું કરો.” એવા આશીર્વાદ માગતા અને બાપાશ્રી પણ રાજી થઈને જ્યાં આશીર્વાદ આપતા કે, “જાવ, તમારું પૂરું, પૂરું ને પૂરું...” ત્યાં ઝળળળ તેજના સમૂહમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનાં દર્શન થતાં અને અખંડ મૂર્તિના સુખભોક્તા થઈ જતા.
  3. સાંપ્રદાયિક પ્રશ્નોના નિવારણ તેમજ મહત્ત્વના નિર્ણયો લેવા માટે આદિ આચાર્યશ્રીઓ તથા મોટા મોટા સંતો-હરિભક્તો પણ બાપાશ્રી પાસે બળદિયા આવતા.
  4. તેઓના દિવ્ય પ્રભાવથી સંપ્રદાયમાં સંતો-હરિભક્તો પોતપોતાના પંચવર્તમાન અને ધર્મ-નિયમમાં ખબડદાર થઈને વર્તતા. કોઈ પણ શ્રીજીમહારાજની અલ્પ સરીખી આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતા નહોતા એવો તેમનો આજ્ઞા પળાવવાનો આગ્રહ હતો.
  5. મંદિરોમાં મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિપ્રતિષ્ઠા કરવા માટે પણ તેઓ પધારતા અને તેઓના દિવ્ય હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા કરવામાં આવતી.
  6. તેઓ સંપ્રદાયમાં ‘સમાધિવાળા અબજીભાઈ’ તરીકે સુપ્રસિદ્ધ હતા. તેથી જ્યારે તેઓ સમાધિમાં ચાલ્યા જતા ત્યારે તેઓની એ અલૌકિક સ્થિતિનાં દર્શન કરવા માટે હજારો સંતો-હરિભક્તોનાં ટોળા ઊમટી પડતાં અને તેઓનાં દર્શન કરી અહોહોભાવમાં ડૂબી જતા.
  7. તેઓ મોટાં મોટાં યજ્ઞો કરતાં ત્યારે તે યજ્ઞમાં તેઓના ‘ફદલ’માં આત્યંતિક કલ્યાણના આશીર્વાદ મેળવવા માટે લાખો હરિભક્તો બળદિયા આવતા ને તેઓનાં દર્શન, સમાગમ અને આશીર્વાદનો લાભ લઈને મોક્ષભાગી થતા.
  8. તેઓના માટે સંપ્રદાયમાં એવી વાયકા સુપ્રસિદ્ધ હતી કે, “વર્તમાનકાળે શ્રીજીમહારાજની મૂર્તિનું સુખ જોઈતું હોય તો જાવ બળદિયા અબજીબાપા પાસે”. આમ, તેઓ કેવળ શ્રીજીમહારાજની મૂર્તિના સુખની લહાણી કરનાર સ્વતઃસિદ્ધ મહાઅનાદિમુક્ત હતા.
  9. હજારો સંતો-હરિભક્તો તેઓના સમાગમનો લાભ લેવા બળદિયા જતા ત્યારે બળદિયાની સીમમાં પેસતાં જ સૌના ઘાટ-સંકલ્પો બંધ થઈ જતા. એવો તેઓનો દિવ્ય પ્રભાવ હતો.

 

અનુગામી : અંતર્ધાન થતા પૂર્વે સમગ્ર સત્સંગ સમાજને જ્ઞાન-સ્થિતિની દ્રઢતા કરાવવાની,ધર્મ-નિયમમાં વર્તાવવાની તથા મૂર્તિના સુખે સુખિયા રાખવાની જવાબદારી સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્. વૃંદાવનદાસજી સ્વામી તથા સદ્. મુનિસ્વામીને સોંપી હતી.

અંતર્ધાન : સંવત 1984, અષાઢ સુદ પાંચમ (તા.23/06/1928)

અંતર્ધાન સ્થળ : બળદિયા (વૃષપુર)

આલોકમાં દર્શન : 84 વર્ષ, 7 માસ, 23 દિવસ (સંવત 1901, કારતક સુદ એકાદશીથી સંવત 1984, અષાઢ સુદ પાંચમ)

અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી

પ્રાગટ્ય : સંવત 1837, મહા સુદ આઠમ

પ્રાગટ્ય સ્થળ : ગામ – ટોરડા, તાલુકો - ભિલોડા, જિલ્લો - સાબરકાંઠા, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : ખુશાલ ભટ્ટ

માતાનું નામ : જીવીબા

પિતાનું નામ : મોતીરામ ભટ્ટ

ગુરુનું નામ : ભગવાન શ્રી સ્વામિનારાયણ

સંત દીક્ષા : સંવત 1864, કારતક વદ આઠમને દિવસે ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં અક્ષરઓરડીએ સ્વયં ભગવાન સ્વામિનારાયણેસંત દીક્ષા આપી હતી.

પ્રસિદ્ધિ : ખૂણિયા જ્ઞાનવાળા, યોગમૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક વડા

અધ્યક્ષ : અમદાવાદ અને વડતાલ બંને દેશના આચાર્યોના ઉપરી કરી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનાઉત્તરાધિકારીઅધ્યક્ષસ્થાને ભગવાન સ્વામિનારાયણે તેઓની નિમણૂક કરી.

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનનું સૌપ્રથમ બીડું તેઓએ ઝડપ્યું હતું. તેઓ ખૂણામાં બેસાડી બેસાડી ઉપાસના સમજાવતા હતા. તેથી તેઓ ખૂણિયા જ્ઞાનવાળા કહેવાયા.
  2. ભગવાન સ્વામિનારાયણેપ્રસ્થાપિત કરેલ સંપ્રદાયની આત્યંતિક મોક્ષકારી ધુરા શ્રીહરિના અંતર્ધાનગમન બાદ તેમણે સંભાળી સંપ્રદાયને વિસ્તાર્યો હતો.
  3. તેઓએ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી જ્ઞાન અને સિધ્ધાંતને ઉજાગર કરતાં શાસ્ત્રોની રચના કરી તથા શ્રીમુખવાણી વચનામૃત ગ્રંથ – રચનાની સેવા કરી.
  4. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ તથા પ્રણાલિકાઓ તૈયારી કરી સમગ્ર સંતો-હરિભક્તો સર્વના ધર્મ-નિયમ અને વર્તનમાં એકસૂત્રતા કરાવી.
  5. તેઓએ અદ્ભુત ગ્રંથ ‘ગોપાળાનંદ સ્વામીની વાતો’ આપ્યો હતો.

વિશિષ્ટતા :

  1. ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે તેઓમાં અદ્ભુત સામર્થી હતી. તેઓના સંકલ્પથી બ્રહ્માંડોનો પ્રલય થઈ જતો. સૂર્ય અને ચન્દ્રની ગતિ અટકી જતી.
  2. 3,000 નંદસંતોમાં ભગવાન સ્વામિનારાયણે તેઓના દ્વારા સૌથી વધુ સામર્થી જણાવી હતી.
  3. તેઓ ભગવાન સ્વામિનારાયણના સૌથી વ્હાલા અને અતિ નિકટના સંત હતા.
  4. તેઓના સંકલ્પમાત્રથી અનેક પામર-પતિત જીવો પણ અક્ષરધામને કહેતાં મૂર્તિના સુખને પામ્યા હતા.

અનુગામી : અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી

અંતર્ધાન : સંવત 1908, વૈશાખ સુદ પાંચમ

અંતર્ધાન સ્થળ : ગામ - વડતાલ, તાલુકો - નડિયાદ, જિલ્લો - ખેડા, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : 71 વર્ષ, 2 માસ, 27 દિવસ (સંવત 1837, મહા સુદ આઠમથી સંવત 1908, વૈશાખ સુદ પાંચમ)

 

અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી

પ્રાગટ્ય : સંવત 1880, ચૈત્ર સુદ નોમ

પ્રાગટ્ય સ્થળ : ગામ - ચુડા, તાલુકો - ચુડા, જિલ્લો - સુરેન્દ્રનગર, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : નાનજીભાઈ જાની

માતાનું નામ : અમૃતબા

પિતાનું નામ : કાળીદાસભાઈ જાની

ભાઈનું નામ : હરિશંકરભાઈ, પોપટભાઈ, હરજીવનભાઈ

ગુરુનું નામ : અ.મુ. સદ્. શ્રી ગોપાળાનંદ સ્વામી

સંત દીક્ષા : સંવત 1896માં, વડતાલ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : સ્વામીશ્રી, બાપજી

કરેલા મહત્ત્વનાં કાર્યો :

  1. તેઓએ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું છડેચોક પ્રવર્તન કર્યું. એ માટે અનેક વિટંબણાઓ, કષ્ટો, તિરસ્કારો સહન કર્યા.
  2. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની ઓળખાણ કરાવી તથા તેઓનો મહિમા સમજવાની રીત જણાવી અને અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો.
  3. તેઓએ ‘સદ્દગુરુશ્રી નિર્ગુણદાસજી સ્વામીની વાતો’રૂપી શ્રીજીમહારાજના જ સર્વોપરી ચરિત્રોનો સુંદર ગ્રંથ આપ્યો.

અનુગામી : અ.મુ. સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી

અંતર્ધાન : સંવત 1948, આસો સુદ એકમ

અંતર્ધાન સ્થળ : કાલુપુર - અમદાવાદ, જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : 68 વર્ષ, 5 માસ, 23 દિવસ (સંવત 1880, ચૈત્ર સુદ નોમથી સંવત 1948, આસો સુદ એકમ)

 

અ.મુ. સદ્. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી

પ્રાગટ્ય:સંવત 1918, ચૈત્ર સુદ બીજ

પ્રાગટ્ય સ્થળ:ગામ - અસલાલી, તાલુકો - દસ્ક્રોઈ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : બહેચરભાઈ

માતાનું નામ : જીવીબા

પિતાનું નામ : અમથાભાઈ

ભાઈનું નામ : કસીભાઈ

ગુરુનું નામ : અ.મુ. સદ્. શ્રી નિર્ગુણદાસજી સ્વામી

સંત દીક્ષા : સંવત 1942ના કારતક માસમાં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : પંજાબમેલ, નીડર સિદ્ધાંતવાદી,સદગુરુબાપા, સદગુરુશ્રી, ઈશ્વરમૂર્તિ

મહંતાઈ : સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. અબજીબાપાશ્રીએ શ્રીમુખવાણી વચનામૃતનાં રહસ્યમય ગૂઢાર્થ જ્ઞાનને યથાર્થ સમજાવ્યું. તેને સદ્. ઈશ્વરબાપાએ 18-18વર્ષ દાખડા કરી ગ્રંથસ્થ કર્યું અને ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત’ તથા ‘અબજીબાપાશ્રીની વાતો’ એવા બે અમૂલ્ય ગ્રંથોની ભેટ આપી.
  2. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.
  3. તેઓએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.
  4. તેઓએ સંપ્રદાયનાં વ્યવહારિક શુદ્ધિકરણ માટે સત્સંગ મહાસભાનું સુકાન સંભાળ્યું.
  5. તેઓએ ‘અબજીબાપાશ્રી જીવનચરિત્ર’ ગ્રંથ પ્રકાશિત કરાવ્યો હતો.
  6. તેઓએ સદ્. મુક્તાનંદ સ્વામી રચિત ‘શ્રી બ્રહ્મસૂત્રભાષ્યરત્ન’ આ ગ્રંથ સૌપ્રથમ સંપ્રદાયમાં પ્રકાશિત કર્યો હતો.
  7. તેઓએ શ્રીજીમહારાજને જ સર્વેના આચાર્ય સમજી તથા શ્રીજીમહારાજની મૂર્તિને પ્રગટ-પ્રત્યક્ષ જાણી તેમના દિવ્ય સાંનિધ્યમાં સાધુ-ગુરુ થકી સાધુની દીક્ષા ગ્રહણ કરવાની પ્રણાલિકા શરૂ કરાવી.

વિશિષ્ટતા : તેઓ બાપાશ્રીના અત્યંત રાજીપાના પાત્ર બન્યા હતા. બાપાશ્રી તેઓનો મહિમા જણાવતા કે, “સદગુરુ ઈશ્વરસ્વામી એટલે ઈશ્વર મૂર્તિ જ જોઈ લ્યો. આફ્રિકાનાં ગાઢ જંગલોમાં જઈ કોઈ એટલું બોલે ‘હે સદગુરુ ઈશ્વરસ્વામી’ અને એ શબ્દની ભણક જેના કાને પડે તેનો પણ મોક્ષ થઈ જાય.”

શિષ્યપરંપરા : સદ્. ઈશ્વરબાપાના શિષ્ય સદ્. હરિકૃષ્ણદાસજી સ્વામીને દીક્ષા ગુરુ સ્થાને સ્વીકારી સદ્. ઈશ્વરબાપાની વર્તમાન શિષ્ય પરંપરામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કારણ સત્સંગનું સુકાન સંભાળી રહ્યા છે.

અંતર્ધાન:સંવત 1998, આસો વદ અમાસ, રવિવાર (તા. 8-11-1942)

અંતર્ધાન સ્થળ:સરસપુર, અમદાવાદ, તા. જિ. - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન:80 વર્ષ, 6 માસ, 28 દિવસ (સંવત 1918, ચૈત્ર સુદ બીજ થી સંવત 1998, આસો વદ અમાસ)

 

અ.મુ. સદ્. શ્રી વૃંદાવનદાસજી સ્વામી

પ્રાગટ્ય : સંવત 1906

પ્રાગટ્ય સ્થળ : ગામ - ભારાસર, તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : શામજીભાઈ

ગુરુનું નામ : દીક્ષા ગુરુ - સદ્. માધવપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનગુરુ-જીવનપ્રાણ અબજીબાપાશ્રી

સંત દીક્ષા : સંવત 1924માં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : જ્ઞાનાચાર્ય, સદ્ગુરુશ્રી

મહંતાઈ : સ્વામિનારાયણ મંદિર, ધોળકા

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. તેઓએ અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના સેવાકાર્યમાં ખૂબ મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.
  2. તેઓ અબજીબાપાશ્રીની વાતોના સંકલન કાર્યની સેવામાં સહયોગી બન્યા હતા.
  3. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોના પ્રચારકાર્યની સેવા કરી હતી તથા અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો હતો.
  4. તેઓએ અનાદિમુક્તની સ્થિતિની ઉત્તમ વાતો પીરસતો અદ્દભુત ગ્રંથ આપ્યો ‘વૃંદાવનસ્વામીની વાતો’.

અંતર્ધાન : સંવત 2000, કારતક વદ અમાસ

અંતર્ધાન સ્થળ : ગામ - કરજીસણ, તાલુકો - કડી, જિલ્લો - મહેસાણા, રાજ્ય - ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : 94 વર્ષ (સંવત 1906થી સંવત 2000)

 

અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી

પ્રાગટ્ય : સંવત 1936

પ્રાગટ્ય સ્થળ : ચાણપર, તાલુકો : મૂળી, જિલ્લો-સુરેન્દ્રનગર, રાજ્ય – ગુજરાત, ભારત

પૂર્વાશ્રમનું નામ : હીરાભાઈ

માતાનું નામ : હરિબા

પિતાનું નામ : માંડણભાઈ

ભાઈનું નામ : પ્રાગજીભાઈ, જેઠાભાઈ, પીતાંબરભાઈ

ગુરુનું નામ : દીક્ષાગુરુ - મુરલીમનોહરદાસજી સ્વામી, જ્ઞાનગુરુ - સદ્. જીવનપ્રાણ અબજીબાપાશ્રી

સંત દીક્ષા : સંવત 1951 ચૈત્ર સુદ નોમના દિવસે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.

પ્રસિદ્ધિ : મુનિસ્વામી, પુરાણી

મંદિરમાં સેવા : (1) સ્વામિનારાણ મંદિર, ભુજ, (2) સ્વામિનારાયણ મંદિર, પાટડી.

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. તેઓ અબજીબાપાશ્રીના અત્યંત કૃપાપાત્ર અને રાજીપાના પાત્ર બન્યા હતા.
  2. તેઓએ ‘શિક્ષાપત્રી રહસ્યાર્થ’, ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’, ‘અબજીબાપાશ્રી જીવનવૃત્તાંત’ આદિ ગ્રંથો તૈયાર કરવાની સેવાનો લાભ લીધો હતો.
  3. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા અને અબજીબાપાશ્રીનો મહિમા અનંતને સમજાવ્યો.
  4. તેઓએ કારણ સત્સંગનાં સિદ્ધાંતોને ઉજાગર કરનાર દિવ્ય સત્પુરુષ પ.પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (પ.પૂ. સ્વામીશ્રી)ના પ્રાગટ્યના આશીર્વાદ આપ્યા.
  5. તેઓની ધ્યાનસ્થ અવસ્થા અદ્ભુત હતી. તેથી તેઓશ્રી ‘મુનિસ્વામી’ના નામથી પ્રસિદ્ધિ થયા હતા.

અનુગામી : પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી)

અંતર્ધાન : સંવત 2030, વૈશાખ વદ બીજ

અંતર્ધાન સ્થળ : ગામ – બળદિયા (વૃષપુર), તાલુકો – ભુજ, જિલ્લો – કચ્છ, રાજ્ય – ગુજરાત, ભારત

આલોકમાં દર્શન : 95 વર્ષ (સંવત 1936થી સંવત 2030)

 

પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામી (વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી)

પ્રાગટ્ય : સંવત 1989, ફાગણ વદ એકમ

પ્રાગટ્ય સ્થળ : ગામ - વાસણ, તાલુકો-વિરમગામ, જિલ્લો - અમદાવાદ

પ્રાગટ્યના આશીર્વાદ : શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીના દિવ્ય આશીર્વાદથી જ તેઓનું પ્રાગટ્ય થયું છે.

પૂર્વાશ્રમનું નામ : દેવુભાઈ

માતાનું નામ : ધોળીબા

પિતાનું નામ : જેઠાભાઈ

ભાઈનું નામ : રતિભાઈ

ગુરુનું નામ : જ્ઞાનગુરુ - અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)

સંત દીક્ષા : સંવત 2012, અષાઢ વદ એકાદશી, સન 1956, 3 ઑગસ્ટના રોજ તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી. સંત દીક્ષા

પ્રસિદ્ધિ : વચનામૃતના આચાર્ય, બાપજી, સિદ્ધાંતવાદી પુરુષ, ક્રાંતિકારી સત્પુરુષ

સંસ્થાપક : તેઓએ ‘સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા’ (SMVS)ની સ્થાપના ઈ.સ. 1987માં કરી. સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનની નૂતન કેડી કંડારી.

શિષ્યગણ : 200 કરતાં પણ વધુ ત્યાગી સંતો તથા ત્યાગી મહિલામુક્તો અને લાખો હરિભક્તોનો સમાજ

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. તેઓએ શુદ્ધ સર્વોપરી ઉપાસનાયુક્ત મંદિરોની રચના કરી તેમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને તેમના મુક્તો પધરાવ્યા છે.
  2. તેઓએ સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ બની ભગવાન સ્વામિનારાયણે પ્રબોધેલા અને બાપાશ્રીએ સમજાવેલા કારણ સત્સંગના સનાતન સિદ્ધાંતોને છડેચોક પ્રવર્તાવ્યા.
  3. તેઓએ વિશાળ વર્તનશીલ સંતસમુદાય અને હરિભક્ત સમુદાયની રચના કરી છે.
  4. તેઓએ વચનામૃતમાં તથા ‘રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા’માં ગૂંથાયેલાં ગૂઢાર્થ તથા રહસ્યોને જેમ છે તેમ યથાર્થ સમજાવ્યા.
  5. તેઓએ માત્ર 30 વર્ષના ટૂંકાગાળામાં 50 કરતાં પણ વધુ મંદિરોની રચના તથા 125 કરતાં પણ વધુ નૂતન મંદિરોના સેવાકાર્ય માટેનાં સ્થાનોનું નિર્માણ કર્યું છે.
  6. તેઓએ 32 કરતાં પણ વધુ નાની-મોટી સમાજસેવાઓ તથા આ સેવા માટે 5,000 કરતાં પણ વધુ હરિભક્તોનાં સ્વયંસેવકદળની રચના કરી છે.
  7. તેઓએ ભારત, અમેરિકા, કૅનેડા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કુવૈત, દુબઈ, કેન્યા, યુગાન્ડા આદિ 10 કરતાં પણ વધુ દેશોમાં સત્સંગ પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે.
  8. તેઓએ પોતાની હયાતીમાં જ પોતાના અનુગામી સત્પુરુષ તરીકે ‘વ્હાલા પ.પૂ . સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી’ની નિમણૂક કરી તેઓનો મહિમા સમજાવ્યો.
  9. અનંત વર્ષો સુધી પોતે સ્થાપેલ SMVS સંસ્થાના સિદ્ધાંતો અને ધારા-ધોરણો કોઈ બદલી ન શકે તે માટે સંસ્થા બંધારણની રચના કરી તથા સંતોમાં પણ પોતે જે સાધુતા દૃઢ કરાવી છે તથા રીતિ-નીતિ આપી છે. અને તેમાં ફેરફાર ન થાય તે માટે સંત બંધારણની રચના કરી અને તેનો અમલ કરાવ્યો.

ગ્રંથ રચના : કારણ સત્સંગના સિદ્ધાંતોને સ્પષ્ટપણે સમજાવતો ‘સ્વરૂપનિષ્ઠા’ ગ્રંથ તેઓની પ્રેરણા અને માર્ગદર્શનથી રચાયો.

અનુગામી : પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)

 

પ. પૂ. અ.મુ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રી (વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી)

પ્રાગટ્ય : સંવત 2015, આસો સુદ દસમ

પ્રાગટ્ય સ્થળ : ગામ - દદુકા, તાલુકો - સાણંદ, જિલ્લો - અમદાવાદ, રાજ્ય - ગુજરાત, ભારત

પ્રાગટ્ય આશીર્વાદ : અ.મુ. સદ્. શ્રી કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી)ના દિવ્ય આશીર્વાદથી તેઓનું પ્રાગટ્ય થયું છે.

પૂર્વાશ્રમનું નામ : ઘનશ્યામભાઈ

માતાનું નામ : નર્મદાબા

પિતાનું નામ : કેશવલાલ નંદાણી

ભાઈનું નામ : જગદીશભાઈ નંદાણી

ગુરુનું નામ : પ.પૂ. અ.મુ. સદ્. શ્રી દેવનંદનદાસજી સ્વામીશ્રી (ગુરુવર્ય પ.પૂ. બાપજી)

અભ્યાસ : ચાર્ટડ એકાઉન્ટન્ટ (સી.એ.), બી.કોમ

સંત દીક્ષા : સંવત 2037, માગસર સુદ એકાદશી, ગુરુવાર ( ઇસ.1980, 18 ડિસેમ્બર)ના રોજ ઘનશ્યામનગર (ઓઢવ, અમદાવાદ) મંદિરે આપવામાં આવી હતી.

અધ્યક્ષ : ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તા. 28-12-2012ના રોજ પોતાના અનુગામી આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર સત્પુરુષ તરીકે સમગ્ર સત્સંગ સમાજ સમક્ષ તેઓને ઘોષિત કર્યા હતા.

પ્રસિદ્ધિ : પ.પૂ. સ્વામીશ્રી

કરેલાં મહત્ત્વનાં કાર્યો :

  1. અનાદિમુક્તની સ્થિતિના જ્ઞાનની યથાર્થ સ્પષ્ટ સમજૂતી આપી તેનું વિશ્વવ્યાપી પ્રવર્તન કર્યું.
  2. સંત થયા બાદ તરત જ સમગ્ર SMVS સંસ્થાના વહીવટની તમામ જવાબદારી પોતાના શિરે ઉપાડી લઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને તેની ચિંતામાંથી મુક્ત કર્યા.
  3. ગુરુવર્ય પ.પૂ. બાપજીના પરભાવના દિવ્ય સ્વરૂપની સમગ્ર સત્સંગ સમાજને ઓળખાણ કરાવી, તેઓનો મહિમા અનંતને સમજાવ્યો અને તેમની સાથે આત્મબુદ્ધિ કરવાની રીત શીખવી.
  4. SMVS સંસ્થાનું આદર્શ નેતૃત્વ સંભાળી તેનું સુયોગ્ય રીતે વિવિધ કાર્યાલયોની રચના કરી સંચાલન કર્યું.
  5. સમગ્ર સંત સમાજ અને હરિભક્ત સમાજનું કથાવાર્તા તથા માતૃવાત્સલ્યતા અને વર્તનશીલ જીવન દ્વારા ઘડતર કરીને શ્રીહરિના રાજીપામાં વર્તતા, દિવ્યજીવન જીવતાં, વર્તનશીલ અને ગુણવત્તાસભર સમાજની રચના કરી.
  6. શ્રીજીસંમત કારણ સત્સંગનાં સનાતન સિદ્ધાંતોને ઉજાગર કરી છડેચોક પ્રવર્તાવ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીને ‘સ્વામી દેવનંદનદાસજી’માંથી ‘બાપજી’નું અજોડ બિરુદ સમગ્ર સંત-હરિભક્ત સમાજના અંતરે અને મુખમાં ગુંજતું કર્યું.

  1. SMVSના શૂન્યમાંથી સર્જનના સર્વે દાખડા, સર્વે સફળતાનો સર્વે યશ પોતાના બદલે હરહંમેશ ગુરુવર્ય પ.પૂ. બાપજીને જ ચરણે સમર્પિત કર્યો. પોતે સંપૂર્ણ સેવકભાવે વર્ત્યા છે. તથા વર્તી રહ્યા છે.

સાહિત્યિક સેવા : તેઓએ જ્ઞાન, સિદ્ધાંત, વર્તન તથા સંસ્કારલક્ષી અનેક પુસ્તકોની રચના કરી તથા કરાવી રહ્યા છે.