સ્થાપનાનો ઈતિહાસ

સ્વાસ્થ્ય જાગૃતિ

સન 1969-70ની સાલમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજી બાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિદ્ધાંતોને વિરોધના વંટોળની વચ્ચે રહી પ્રવર્તાવી રહ્યા હતા. આ સિદ્ધાંતોના વિશેષ પ્રસારણ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં મલેકસાબન સ્ટેડિયમની પાળે સભા આરંભી. હરિભક્તોનો સમૂહ વધતાં નજીકના ઓઢવ વિસ્તારમાં ઘનશ્યામનગર સોસાયટીમાં નૂતન મંદિર માટે 1500 વાર જેટલી જમીન નાણાંની કટોકટી વચ્ચે સંપાદન થઈ. 1, 5, 10, 1પથી લઈને વધુમાં વધુ 500 રૂપિયાના ફંડફાળાની સેવા નોંધી તથા હરિભક્તોના સેવાના સહયોગથી 12 એપ્રિલ સન 1974માં તો ગગનચુંબી મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ શુદ્ધ સર્વોપરી અજોડ ઉપાસનાની પહેલ કરી મંદિરમાં એકમાત્ર મહારાજ અને મુક્તોનાં જ સ્વરૂપ પધરાવ્યાં. જે સ્વામિનારાયણ ભગવાનનો અધૂરો સંકલ્પ હતો તે એમણે પૂર્ણ કર્યો. આ રીતે એમણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શુદ્ધ ઉપાસનાયુક્ત મંદિરો રચવાનો પ્રારંભ કર્યો.

સન 1984માં ઘનશ્યામનગર મંદિરના દશાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી દ્વારા સત્સંગનો વ્યાપ વધુ વિસ્તર્યો. વળી, એ જ અરસામાં મહારાજના સંકલ્પથી ગુરુવર્ય પ.પૂ. બાપજી સંપ્રદાયની પ્રથાનાં બંધનોમાંથી નિર્બંધ થયા. હવે તો કોઈની શેહ-શરમ કે દબાવમાં રહી સત્સંગનો વ્યાપ કરવાનો નહોતો. તેથી સિદ્ધાંતોનો છડેચોક પ્રચાર કરવા અને એક ચિરંતન સંસ્થાના નિર્માણ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંકલ્પ કર્યો કે, “આપણે નદી પાર પેલી બાજુએ મંદિર કરવું છે; માટે જમીનની તપાસ ચાલુ કરો.” સન 1985માં ગુરુવર્ય પ.પૂ. બાપજીની આજ્ઞાથી પ.પૂ. સ્વામીશ્રીએ વાડજ, રાણીપ, પાલડી, જીવરાજ પાર્ક આદિ ઘણા વિસ્તારોમાં આશરે 100 કરતાં વધુ જગ્યા ગુરુવર્ય પ.પૂ. બાપજીને દેખાડી ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી એક જ વાક્ય કહેતા કે, “અહીં મહારાજનો સંકલ્પ નથી.”

આ જોતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો હેતુ કંઈક જુદો જ જણાતો હતો. તેઓના હેતુમાં કંઈક આર્ષ દૃષ્ટિકોણ હતો. જોગાનુજોગ એક દિવસ જમીનદલાલ વાસણા ખાતે આઝમ-મુઆઝમખાનના મકરબા પાસેની એક અવાવરી જગ્યામાં લઈ ગયા. 776 વારનો ખુલ્લો પ્લૉટ, તેના ઉપરથી જ હેવી ગ્રીડ લાઈન પસાર થતી હતી. બાજુમાં જ પુરાતત્ત્વ ખાતાની મસ્જિદ, આજુબાજુ 20-25 જેટલાં ઝૂંપડાંઓ અને એ ઝૂંપડાવાસીઓનું ટોઇલેટ (પાયખાનું) એટલે જ આ 776 વારનો ખુલ્લો પ્લૉટ. આવી ગંદકી ભરેલી અને મંદિર કરવામાં પણ કાયદાકીય અનેક ગૂંચ જણાતી જગ્યામાં મંદિર બાંધવાની હિંમત કોણ કરે ? પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જ્યાં આ જગ્યા જોઈ કે અતિશે પ્રસન્ન થઈ ગયા. વળી, આ જમીન પર પ્રસરાયેલા લીંબતરુના વૃક્ષને જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “જેમ ગઢપુરમાં શ્રીજીમહારાજ લીંબતરુના વૃક્ષ નીચે બિરાજતા એમ એ જ શ્રીજીમહારાજનો આ લીંબતરુના વૃક્ષ નીચે બિરાજમાન થવાનો સંકલ્પ છે. માટે મંદિર તો અહીં જ થશે.”

મોટાપુરુષનો આર્ષ દૃષ્ટિકોણ હોય છે. એ મુજબ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પસંદ કરેલ આ જગ્યા અંગે સાંપ્રદાયિક શાસ્ત્રોમાં સંશોધન કરતાં એ સ્પષ્ટ થયું છે કે, “શ્રીજીમહારાજ જ્યારે જ્યારે અમદાવાદ પધારતા ત્યારે સરખેજ-પાલડી-અમદાવાદના રસ્તે પધારતા.” ત્યારે જરૂરથી રસ્તામાં આવતા આઝમ-મઆઝમખાનના મકરબા પાસેની જગ્યામાં લીંબતરુના વૃક્ષ નીચે બિરાજતા હશે. આ એ જગ્યા કે જ્યાં ગુરુવર્ય પ.પૂ. બાજીએ મંદિર-નિર્માણનો સંકલ્પ કર્યો.

મંદિરના નિર્માણકાર્ય માટે શ્રીજીમહારાજની પ્રાસાદિક ભૂમિ તો પસંદ થઈ પણ તેને ખરીદવા માટે નાણાંની પૂરતી સગવડ નહોતી. પરંતુ શ્રીજીમહારાજનો મંદિરનિર્માણનો સંકલ્પ પ્રબળ હતો તેથી જમીનમાલિકમાં પણ મહાપ્રભુએ પ્રવેશ કર્યો અને 3,50,000 રૂપિયાની જમીન સામે માત્ર 35,000 રૂપિયાનું બાનું લઈ દસ્તાવેજ કરી આપ્યો. અને ત્યારબાદ મંદિરનિર્માણનું કાર્ય હરણફાળ ગતીએ શરૂ થયું. ભગવાન સ્વામિનારાયણનો મંદિરનિર્માણનો સંકલ્પ પ્રબળ છે તેની પ્રતીતિ મંદિરનિર્માણના સેંકડો પ્રસંગોમાં થઈ આવતી. મંદિર નિર્માણ માટે માલ સામાન લાવવા પૈસાની ખેંચ રહેતી. માલ તો ખરીદી લીધો હોય પણ તેની રકમ ચૂકવવા પૈસા ન હોય, પરંતુ મહારાજ નિરંતર પ્રગટપણે રક્ષામાં રહેતા. પૈસાની સગવડ મહારાજ કરી દેતા. કોઈક મુમુક્ષુ અથવા તો કોઈક હરિભક્તને મહારાજના મંદિર નિર્માણમાં જેટલી જરૂર હોય તેટલી રકમ લઈ મોકલતા. તો વળી, ઠાકોરજી આગળ મૂકેલી ગલ્લાપેટી પણ મહારાજની ઇચ્છા મુજબ અનેક વખત ગોમતી ગાયની જેમ લાજ રાખતી. અર્થાત્ જેટલી રકમની જરૂર હોય તેટલી રકમ ગલ્લાપેટીમાં તૈયાર જ હોય. આમ અનેક ચમત્કારો વચ્ચે જોત જોતામાં માત્ર 11 માસના ટૂંકાગાળામાં મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું. અને મૂર્તિપ્રતિષ્ઠા-ઉત્સવનો અવસર આવી ગયો.

તા. 22-2-1987નો મહા સુદ નોમ ને રવિવારનો મહા મંગળકારી દિન સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. આજના પ્રતિષ્ઠા દિને પ્રતિષ્ઠિત થનાર ઘનશ્યામ મહારાજની મૂર્તિને ભવ્ય શોભાયાત્રા અને શયન બાદ પ્રાતઃ કાળે 4 વાગ્યે મંદિરના ગર્ભગૃહ સમક્ષ લાવવામાં આવી. મૂર્તિનું વજન 702 કિલો હોવાથી 15-20 હરિભક્તો મૂર્તિને ઊંચકી લાવ્યા હતા. પરંતુ ગર્ભગૃહનો પ્રવેશદ્વાર પ્રમાણમાં ખૂબ નાનો હતો. માટે મૂર્તિ ગર્ભગૃહમાં કઈ રીતે લઈ જવી ? આ મોટી સમસ્યા ઊભી થઈ. ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીની પ્રાર્થનાથી મહાપ્રભુએ પ્રગટપણું જણાવ્યું અને વજન સાવ હળવું કરી દીધું. જે મૂર્તિ 15-20 સભ્યોથી માંડ ઊંચકાતી હતી તે મૂર્તિને માત્ર 2 હરિભક્તોએ ઊંચી કરી ગર્ભગૃહમાં પધરાવી. મહારાજે પ્રતિષ્ઠિત થયા પૂર્વેથી પોતાનું પ્રગટપણે જણાવ્યું અને એ જ રીતે ધામધૂમથી ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા થઈ ત્યારથી અદ્યાપિ મહારાજ મૂર્તિ રૂપે પોતાનું પ્રગટપણે નિરંતર દર્શાવી રહ્યા છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય કરકમળ દ્વારા વાસણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા ત્યારથી આ સંસ્થાનો પ્રાદુર્ભાવ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) તરીકે થયો. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના ક્રાંતિકારી પ્રયત્નો સવિશેષ ગતિમાન બન્યા અને એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવાનો એક નવો રાજમાર્ગ ખુલ્લો થયો.

એસ.એમ.વી.એસ. સંસ્થાના પ્રાદુર્ભાવથી અદ્યપી સમાજઉદ્ધારક આધ્યાત્મિક તેમજ સામાજિક અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે તથા વર્તમાનકાળે પણ તેનું ફલક બહોળા પ્રમાણમાં વિસ્તરી રહ્યું છે. ભારતના નાના ગામડાંથી લઈને વિદેશનાં અનેક દેશો તથા શહેરોમાં એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા કાર્યરત પ્રવૃત્તિઓ આધ્યાત્મિક તથા સામાજિક અને સંસ્કારસિંચન સેવાનાં અજવાળ પાથરી જન જનના હૈયે વસી રહી છે.