આદિવાસી ઉત્કર્ષ

A. આદિવાસી ઉત્કર્ષ પ્રવૃત્તિ 

સ્વાસ્થ્ય જાગૃતિ

પંચમહાલ એ આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટ પિછાણ ધરાવતો ડુંગરાળ, વન્ય સૃષ્ટિ અને જંગલ વિસ્તારથી પથરાયેલો છે. આશરે 1200 કરતાં પણ વધુ ગ્રામ્ય વિસ્તારથી સમૃદ્ધ આ વિસ્તારમાં મુખ્યત્વે આદિવાસી પ્રજા નિવાસ કરે છે.

દાયકાઓથી આ પંચમહાલની પથરાળ ભૂમિ ગરીબીમાં જ સપડાયેલી છે. તો વળી, સાક્ષરતાના અભાવને પામેલ આદિવાસી ભોળી પ્રજા વિષય, વ્યસન, વહેમ, અંધશ્રદ્ધા, ચોરી, લૂંટફાટ આદિ દૂષણોમાં દોરાયેલી છે. આ પ્રજાનો ઉત્કર્ષ કરવાનું કાર્ય અતિ કઠિન હતું અને છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઈ.સ. 1985માં આ પંચમહાલની ધન્ય ધરાને પોતાના ચરણકમળથી પાવન કરી અવિરત વિચરણ કર્યું. ઈ.સ. 2005માં શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરી શુદ્ધ સર્વોપરી ઉપાસનાના પાયા પાતાળે નાખ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીની દિવ્ય પ્રેરણાથી વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો પણ આ પંચમહાલની ધન્ય ધરા ઉપર રાત્રિ-દિવસ હાડમારી સહન કરીને પણ વિચરણ કરી રહ્યા છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અત્યંત રાજીપો, પ.પૂ. સ્વામીશ્રી દ્વારા થયેલ દિવ્યજીવનના ગુણોનું સિંચન તથા પૂ. સંતો દ્વારા મળતા નિરંતરના સત્સંગથી પશુ કરતાં પણ વધુ બેદ જીવન જીવતા આદિવાસી હરિભક્તો આજે દિવ્યજીવનના માર્ગે ચાલી આદર્શ ભક્ત અને મુક્તજીવન જીવી રહ્યા છે.

કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ આ બધું જેમના જીવનમાં રોજિંદો એક ક્રમ જ બની ગયો હતો. વળી, ચોરી, લૂંટફાટ, મારઝૂડ કરી લોકોને રંજાડવા - જે એમનો શોખ બની ગયો હતો. આ બધા કુસંસ્કારોમાંથી તેઓને બહાર લાવી સુસંસ્કારે યુક્ત જીવન જીવવું તથા પ્રામાણિક અને નીતિમય જીવન જીવવાની પ્રેરણા એસ.એમ.વી.એસ. સંસ્થા કરી રહી છે. જેથી અનેકનાં જીવન નિર્વ્યસની બન્યાં છે.

આવા ઉચ્ચતમ સંસ્કારો તથા સત્સંગના મૂલ્યોના સિંચન માટે બ્રહ્મસત્રો, દાબડા ઉત્સવ, યુવા શિબિર, બાળ શિબિર, બાલિકા શિબિર, વડીલ શિબિર, મહિલા શિબિર, ઉપાસના શિબિર, સંસ્કાર રેલી, વ્યસનમુક્તિ માટે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે તથા ગામોગામ અને શહેરોમાં અઠવાડિક સત્સંગ સભાઓ યોજવામાં આવે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે ધાબળા દાન, નોટબુક-ચોપડા વિતરણ, ચંપલ વિતરણ વગેરે જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. તદુપરાંત, એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર, ગોધર ખાતે ગૌશાળાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

આમ, આદિવાસી ઉત્કર્ષ માટે 200 કરતાં પણ વધુ ગામડાંઓમાં એસ.એમ.વી.એસ.ની અનેકવિધ પ્રવૃત્તિઓ ગતિમાન છે. તદુપરાંત અનેક આદિવાસી વિસ્તારોમાં મંદિરનિર્માણ માટેની જગ્યાઓનું સંપાદન થઈ ગયું છે. તો વળી, ક્યાંક ક્યાંક મંદિરોના નિર્માણનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે.

આમ, આદિવાસી જાતિઓના ઉત્કર્ષ માટે વ્યાપક સ્તરે સંપૂર્ણ જતનસભર મહત્ત્વનું સેવાકાર્ય ગુરુવર્ય પ.પૂ. બાપજી કરી રહ્યા છે. છેવાડાના માણસોને ‘માનવ’થી આગળ ‘મુક્તકક્ષા’ સુધી લઈ જવાની નેમ આ સેવાકાર્યનું ધ્યેય સર્વવિદિત થાય છે.

 

B. અભિષેક મંદિર

સ્વાસ્થ્ય જાગૃતિ

અભિષેક વિધિ એ સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત ચાલી આવતી પૂજાવિધિનો એક ભક્તિસભર પ્રકાર છે. ભારતીય સંસ્કૃતિમાં ઉત્તરાધિકારીને ગુરુની ગાદી અપાતી વેળા, રાજકુંવરને રાજસિંહાસન આપતી વેળા વગેરે જેવા શુભ પ્રસંગોમાં વિધિયુક્ત અભિષેક પૂજા કરવામાં આવે છે. એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠાના પ્રસંગે, મંદિરોના પાટોત્સવ પ્રસંગે, જળઝીલણી એકાદશી જેવા ઉત્સવોમાં સ્વામિનારાયણ ભગવાનના મૂર્તિનો અભિષેક વિધિ કરવામાં આવે છે.

અભિષેક વિધિમાં કેસર જળ, ચંદન જળ, શુદ્ધ જળ, દૂધ, દહીં, પંચામૃત આદિક પવિત્ર વસ્તુઓને એક શુદ્ધ પાત્રમાં ભરી ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિનો વિધિયુક્ત અભિષેક કરવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટપણે બિરાજમાન થઈ એ મૂર્તિ ઉપર થતા અભિષેક વિધિને ગ્રહણ કરે છે અને ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે.

જાહેર જનતા પણ પોતાના શુભ સંકલ્પો પૂર્ણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિનો અભિષેક કરી શકે તે હેતુથી ગુરુવર્ય પ.પૂ. બાપજીના વરદ હસ્તે દેશ-વિદેશમાં ભગવાન સ્વામિનારાયણના ઘનશ્યામ મહારાજના સ્વરૂપની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એસ.એમ.વી.એસ. સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં અભિષેક મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. દેશમાં ગુજરાતના પંચમહાલના ગોધરમાં તથા વિદેશમાં લંડન, કેનેડા, અમેરિકામાં સ્થિત મંદિરમાં હજારો મુમુક્ષુઓ માટે અભિષેક મંદિર સ્થાપવામાં આવ્યાં છે. 

આ અભિષેક દરમ્યાન હજારો પોતાનાં દુઃખ-દર્દ ભૂલીને એક અનેરી હળવાશ અને શાંતિનો અનુભવ કરે છે. આ માટે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશીર્વાદ પાઠવ્યા છે : 

“હે મહારાજ ! હે બાપા ! હે સદગુરુ ! કોઈની પાત્રતા જોયા વગર ગમે એવો દુઃખી હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવી મુશ્કેલી હોય પણ હે મહારાજ ! આ અભિષેક મંદિરોમાં જે કોઈ આવે અને તમારાં દર્શન કરે, સંકલ્પ કરે, તમારી આસ્થા રાખે, બાધા રાખે, માનતા રાખે, તમારો અભિષેક કરે તો એના ઉપર ખૂબ રાજી થજો. ગમે એવી શારીરિક મુશ્કેલી હોય, આર્થિક મુશ્કેલી હોય, ડૉક્ટરો છૂટી પડ્યા હોય તો એને નવો જન્મ આપીને પણ તેનાં બધાં દુઃખ ટાળજો.” 

ભગવાન સ્વામિનારાયણ મનુષ્યોને મનુષ્ય જેવાં દર્શન આપતા તે સમયે મહાપ્રભુના દિવ્ય અભિષેકનો જે લાભ સૌ સંતો-હરિભક્તોને મળતો એ જ સ્વામિનારાયણ ભગવાન મૂર્તિ રૂપે પ્રગટપણે બિરાજમાન થઈ સૌ મુમુક્ષુઓના ભક્તિભાવને ગ્રહણ કરી રહ્યા છે. હજારો મુમુક્ષુ આ પ્રગટપણાની અનુભૂતિ માણી ઘનશ્યામ મહારાજની દિવ્ય મૂર્તિના અભિષેકનો લાભ લઈ રહ્યા છે.