આરતી

  August 12, 2019

આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમંદિરમાં નિત્ય આરતી કરે છે. આપણી દૈનિક ક્રિયાઓમાં આરતી અનોખું સ્થાન ધરાવે છે.
       પ્રાચીનકાળમાં મંદિરોનાં ગર્ભગૃહો ગુફા જેવાં ઊંડાં રહેતાં, તેથી ભગવાનનાં દર્શન કરવા દીવાની જ્યોત પ્રગટાવી તેને ભગવાનના ચરણથી લઈને મસ્તક સુધી ફેરવવામાં આવતી. કાળક્રમે એના સમય નિશ્ચિત થયા. એમાં સ્તુતિ, ધ્વનિ અને સંગીતના નાદ ઉમેરાયા અને એક મહત્ત્વની વિધિ તરીકે આરતી અસ્તિત્વમાં આવી.
 
       આરતી એટલે શું ? તો આર્તનાદે ગદ્ગદ કંઠે મહારાજના મહિમાનું કરેલું સ્તુતિગાન. આરતી એટલે ભક્ત દ્વારા પ્રભુનું થયેલું ભાવભર્યું સ્વાગત. મૂળ સંસ્કૃત શબ્દ ‘આર્ત’ માંથી આરતી શબ્દ ઊતરી આવ્યો છે. આર્તનો અર્થ છે   દુઃખ કે પીડા. આરતી દરમ્યાન ભગવાનના મહિમાનું ગાન અને દર્શન કરતા કરતા ભક્ત પોતાના તમામ દુઃખ કે પીડા - આપત્તિમાંથી મુક્ત થયાનો અનુભવ કરે છે.
 
       આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે, “હે દયાળુ ! જેમ આ આરતીની જ્યોત ઝળહળે છે, એમ આપની મૂર્તિ દિવ્યગુણોથી ઝળહળે છે. એ જ રીતે હે નાથ ! તમે અમારા જીવનને પણ ઝળહળતું બનાવો. અમારા જીવનમાંથી માયારૂપી અંધકારને ટાળી મૂર્તિસુખરૂપી અજવાળું કરો.”
       આરતી વખતે મહારાજની દીનભાવે કરાતી સ્તુતિ પ્રાર્થનામાં બહારનો કોઈ અવાજ કાને સંભલાય જ નહીં. તો વળી, મહારાજનાં દર્શનમાં એકાગ્રતા રહે એ માટે સાથે નગારું, ઝાલર કે ઘંટ વગાડવામાં આવે છે.
 
       આરતી દરમ્યાન ભગવાનની તેજસ્વી મૂર્તિનાં દર્શન સાથે શંખ અને નગારાના નાદથી વાતાવરણમાં અનેરી દિવ્યતા ચોમેર પ્રસરાઈ જાય છે. દિવ્ય ધ્વનિ, દિવ્ય પ્રકાશ અને દિવ્ય દર્શનનો એક અનોખો ત્રિવેણી સંગમ, જે આપણી વૃત્તિઓને મહારાજમય કરી દે છે.
 
       સ્વામિનારાયણ સંપ્રદાયમાં આરતીની ક્યાં ને ક્યારે રચના થઈ તેનો પૂર્વઇતિહાસ અહીં નિહાળીએ. શ્રીજીમહારાજ જે હેતુ માટે આ બ્રહ્માંડમાં મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા તે હેતુ ઝડપથી અને સરળતાથી સિધ્ધ થાય તે માટે સદ્.રામાનંદ સ્વામીએ અવરભાવની 21 વર્ષની ઉંમરમાં જ સહજાનંદ સ્વામીને સંવત 1858ની કાર્તિક સુદિ એકાદશીના રોજ સંપ્રદાયની ધુરા સોંપી દીધી. સહજાનંદ સ્વામીની સામર્થી, સંકલ્પોને બહાર લાવવા માટે ટૂંક સમયમાં સદ્.રામાનંદ સ્વામીએ પોતાના અવરભાવની લીલા સંકેલી લીધી. રામાનંદ સ્વામીના ચૌદમાના દિવસે શ્રીજીમહારાજે ‘સ્વામિનારાયણ’ મહામંત્ર પ્રકાશિત કર્યો અને આ મહામંત્રનું ભજન શરૂ કરાવ્યું. આ નામની ભણક જેના કાને પડે તેને સમાધિ થવા લાગી. શ્રીજીમહારાજ પશુ પંખી, પાત્ર કુપાત્ર બધાંને દૃષ્ટિ માત્રથી સમાધિ કરાવે.
 
       મોટા મોટા અષ્ટાંગ યોગીઓને પણ આ સમાધિ દુર્લભ અને દુષ્કર છે, તે સમાધિ શ્રીજીમહારાજ ચપટી વગાડીને કરાવતા. આ સમાધિ પ્રકરણ સદ્.રામાનંદ સ્વામીના મુખ્ય શિષ્ય સદ્.મુક્તાનંદ સ્વામીને અરુચિકર લાગ્યું. એટલે તેઓ સહજાનંદ સ્વામીને ઠપકો આપવા કાલવાણી પધાર્યા. ત્યાં સહજાનંદ સ્વામીની મરજીથી સદ્.મુક્તાનંદ સ્વામીના સંકલ્પે શતાનંદ સ્વામીને સમાધિ થઈ અને સ્વામી તો વિચારમાં જ પડી ગયા.
 
       બીજા દિવસે સવારે સદ્.મુક્તાનંદ સ્વામી સ્નાનાદિક ક્રિયા કરવા મેઘવતી નદીને કાંઠે જતા હતા ત્યાં ખાખરાના વનમાંથી પસાર થતી વખતે અચાનક ખાખરાનાં ઝાડ ખડખડ્યાં હોય એવું લાગ્યું અને ત્યાં તેઓને એકાએક ગુરુ રામાનંદ સ્વામીનાં દર્શન થયા ને પછી રામાનંદ સ્વામીએ નજીક આવીને કહ્યું, “મુક્તાનંદ સ્વામી ! તમે આટલું જલ્દી અમારું વચન ભૂલી ગયા ? હું કહેતો હતો ને કે, હું તો ડુગડુગી વગાડનારો છું. ખરો ખેલ ભજવનારા આ સહજાનંદ સ્વામી છે. માટે તેમના કાર્યમાં કોઈ સંશય કરશો નહિ. હું અને મારા જેવા તો અનેક એમના સેવકો છીએ. હું તમારો ગુરુ પણ એ તો મારા અને સૌના ગુરુ છે. માટે તેમનો ખૂબ મહિમા સમજી રાજી કર્યા કરજો.”
 
       આ વાત સાંભળી સ્વામીને સહજાનંદ સ્વામીનો ખૂબ મહિમા થયો અને સ્વામી તો ભાવવિભોર બની ગયા. સ્વામીએ પોતે વનમાંથી પુષ્પો ચૂંટ્યાં અને હાર બનાવ્યો. મહાપ્રભુ કાલવાણી ગામે સભામાં બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. અતિશે પ્રેમઘેલા બનેલા સ્વામીએ મહારાજને શી સ્તુતિ-પ્રાર્થના કરવી ? એવી ગડમથલમાં સ્વામીની નજરે આરતી સ્ફુરી અને શીધ્ર કવિ સદ્.મુક્તાનંદ સ્વામીના મુખકમળમાંથી મહાપ્રભુની મહિમાસભર પ્રાર્થના સ્તુતિ આર્તનાદે સરી પડે છે,
 
                                                                “જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી...”
 
       અને આ આરતીનો પ્રાગટ્ય દિન એટલે સંવત 1859 ને અષાઢી દશમ.
 
       શિખરબદ્ધ મંદિરને વિશે બ્રહ્મચારી અથવા સંતો જ છોળે રહીને આરતી કરી શકે છે. જ્યારે હરિ મંદિરને વિષે સંતો ન હોય તો હરિભક્તો નાહી-ધોઈ, પવિત્ર વસ્ત્ર પહેરીને ઠાકોરજીની આરતી કરી શકે છે. બાઈઓના મંદિરમાં ગૃહસ્થ બાઈઓ આરતી કરી શકે છે. ઘરમંદિરમાં ઘરના કોઈ પણ સભ્યો આરતી ઉતારી શકે છે. 
આરતી ઉતારતી વખતે મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે. તે તેજના સમૂહમાં જ છે. પ્રતિમા નથી, સાક્ષાત્ છે. વળી સમગ્ર મૂર્તિનાં દર્શન કરતા કરતા ખૂબ પ્રેમભાવે તથા પ્રગટ અને પ્રત્યક્ષભાવે આરતી ઉતારવી.
 
       સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિખરબદ્ધ મંદિરમાં પાંચ વખત આરતી કરવામાં આવે છે. જ્યારે હરિમંદિર અને ઘરમંદિરમાં બિરાજમાન મહાપ્રભુની સવાર-સાંજ એમ બે વખત આરતી કરવામાં આવે છે.
 
       સવારે 5.30 થી 6.00 વાગ્યા દરમ્યાન જ્યારે મહારાજ જાગે પછી સ્નાનાદિક બાદ હળવાં વસ્ત્રોમાં તૈયાર થયેલ મહારાજનાં દિવ્ય દર્શનના અવસરે મંગળા આરતી ઉતારવામાં આવે છે.
 
       સવારે 7.30 થી 8.30 વાગ્યા દરમ્યાન મહારાજને બાળભોગ ધરાવી દિવ્ય શણગાર ધારણ કરાવવામાં આવે છે. શણગાર દર્શન વખતે શણગાર આરતી ઉતારવામાં આવે છે.
 
       સવારે 10.30 થી 11.30 દરમ્યાન થાળ ધરાવી રાજભોગ આરતી ઉતારવામાં આવે  છે. સાંજે 6.30 થી 7.30 દરમ્યાન સંધ્યા આરતી ઉતારવામાં આવે છે. 
રાત્રે 8.30 થી 9.00 દરમ્યાન મહારાજ સૌને દર્શનદાન આપી શયન કરવા પધારે તે દરમ્યાન શયન આરતી ઉતારવામાં આવે છે.
 
       આરતી બાદ શિખરબદ્ધ મંદિરોમાં શંખ વડે જળનું આવર્તન આરતી ફરતે કરવામાં આવે છે. સમગ્ર મૂર્તિની નખથી શિખા પર્યંત આરતી ઉતારી હોય છે. એ દિવ્યાતિદિવ્ય મૂર્તિના સંબંધે દિવ્ય થયેલી, ઝળહળતી જ્યોતિને શંખપૂરીત જળ વડે ટાઢી કરવામાં આવે છે. હરિમંદિરમાં આમ કરવું ફરજિયાત નથી.
 
       આરતી બાદ દરેક મુમુક્ષુ પોતાના બે હાથ વડે આરતીની જ્યોતને વધાવી પોતાના નેત્ર અને મસ્તક ઉપર ચડાવે છે. તને આસકા લીધી એમ કહેવાય છે. નિર્ગુણ મૂર્તિ એવા મહાપ્રભુના સંબંધે કરીને આરતી પણ નિર્ગુણ ને દિવ્ય બને છે. તે જ્યોતિને પ્રત્યેક ભક્ત પોતાની દૃષ્ટિમાં ઉતારે છે. બે હાથ વડે આરતીની આસકા લઈ મસ્તક પર ધારે છે. જેથી આરતી જ્યોતની જેમ પોતે પણ નિર્ગુણ બને છે અને અંતરમાં દિવ્યતા પ્રગટે એવા ભાવથી આરતીની આસકા લેવામાં આવે છે. સાથે સાથે અતિ ભાવિક ભક્ત સમાજને મહાપ્રભુની સાક્ષાત્ સ્તુતિ કરવાનો મોકો મળ્યો છે. તે સમયે પ્રભુની અતિ પ્રસન્નતા ફદલમાં મળતી હોય છે. તેથી ભક્ત ભગવાનને કાંઈક  અર્પણ કરવા ઈચ્છતો હોઈ, આરતી લેતી વખતે યથાશક્તિ દાન કરે છે.
 
       પ્રગટપ્રભુની આરતી દરમ્યાન કોઈ સાથે વાત ન કરવી કે દર્શન કરતી વેળાએ આડુંઅવળું જોવું પણ નહીં. એકાગ્ર મને દર્શન કરવાં. આ વાતનો અભિપ્રાય શ્રીજીમહારાજ ગ.મ.25મા વચનામૃતમાં આપતાં કહે છે કે, “અમારાં દર્શન મૂકીને બીજે આડુંઅવળું જુએ પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે, જે શું કરીએ સાધુ થયા, નહિ તો એનું કાંઈક તાડન કરીએ.”
 
       જ્યારે સ્વયં મહાપ્રભુની આરતી ઉતારાતી હોય ત્યારે પ્રગટભાવ કેળવવો. એક સ્થાને બેસીને, બે હાથ જોડીને દર્શન કરવાં. પણ તાળી પાડવી નહિ કે ઊભા પણ રહેવું નહીં. મહાપ્રભુની આરતીના શબ્દો એ ઔપચારિક શબ્દો નથી. એક એક પંક્તિના શબ્દોમાં ગૂઢાર્થ ભરેલો છે. મહારાજના અપરંપાર મહિમાનું દર્શન કરે છે. દા.ત. મંગળા આરતીમાં મહારાજની નખથી શિખા પર્યંત મૂર્તિનું વર્ણન આવે છે. તો મંગળા આરતી વખતે મહારાજનાં એક એક દિવ્ય અંગ નિહાળીને દર્શન કરવાં અને એ શબ્દોની સાથે તન્મયતા કેળવવી. આરતી માત્ર ક્રિયારૂપ કે નિયમરૂપ ન બનાવતાં એકાગ્રતાથી દર્શન કરી મહાપ્રભુને રાજી કરીએ.
 
       શ્રીજીમહારાજ સંધ્યા આરતીનું મહત્ત્વ દર્શાવતાં સ્વહસ્ત લિખિત ગ્રંથ શિક્ષાપત્રીમાં કહે છે કે “સાયંકાળે નિત્ય મંદિરને વિષે જવું ને આરતીનાં દર્શન કરવા.” સંધ્યા આરતી એટલે દિવસ દરમ્યાન પડેલી મૂંઝવણો   તકલીફો પ્રભુ આગળ ઠાલવી હળવા થવાનો સમય. સંધ્યા આરતી એટલે દિવસ દરમ્યાન થયેલી ભૂલોને પ્રભુ આગળ માફ કરાવવાનો સમય.
 
       ગુરુવર્ય પ.પૂ.બાપજી સુરેન્દ્રનગરની સભા પૂરી કર્યા પછી જ્યારે આરતી બોલાતી હોય ત્યારે એક એક કડી બોલતી વખતે એક ભુજ ઊંચો કરી હસ્તના લટકા કરતા થકા ભારે શબ્દો તરફ ઇશારા કરે. આરતીમાં ઓતપ્રોત થયા હોય ત્યારે એમના મુખારવિંદ ઉપર ઝળહળતી પ્રસન્નતાનું દર્શન અનેરું થતું હોય છે. 
પૂ.સ્વામીશ્રી પણ આરતીની મહત્તા વર્ણવતાં કહે છે, “ગમે તેવું કામ પડતું મૂકીને આરતીમાં પહોંચી જવું. દેહની ક્રિયાઓ પણ ઠેલવી કે વહેલી પતાવી દેવી, પણ આરતી ન ચૂકવી જોઈએ.”
 
       કદાચ મંદિરે ન જઈ શકીએ એમ હોય, તો ઘરમંદિરમાં તો આરતી સમૂહમાં અવશ્ય કરવી જોઈએ. આમ આરતી એ ભગવાનના ભક્તના દૈનિક ક્રમનું એક અવિભાજ્ય અંગ છે. આમ પ્રગટભાવે મહાપ્રભુના યથાર્થ મહિમાસભર જે આરતી કરવામાં આવે તેનો આનંદ અવર્ણનીય છે. તો તે સ્વાદ જરા ચાખી તો જોજો !