મહાત્મ્ય - ૧૨

  January 3, 2022

અભાવ-અવગુણ ટાળવા પોતાનું જ જોવાની ટેવ પાડવી. અન્યના દોષ કે ક્રિયા જેટલી દેખાય તેટલા વધુ અવગુણ આવે માટે બીજાનું જોવા કરતાં પોતાનું જોઈ દોષ ટાળવા ‘હરિને ગમે એવા થવું જ છે’ પુસ્તિકામાં કૃપાવાક્ય નં. ૭૯માં કહ્યું છે કે, “કોઈનાય અભાવ-અવગુણ કે અમહિમાની વાત કરવી નથી, વિચારવી નથી, જોવી નથી કે સાંભળવી નથી. સૌના ગુણ જ જોવા છે.” તથા કૃપાવાક્ય નં. ૮૭માં અભાવ-અવગુણ ટાળવાના ઉપાય દર્શાવતાં કહ્યું છે કે,
૧. જેનો અવગુણ આવતો હોય તેના ગુણને જોવા અને ગુણોનું મનન કરવું.
૨. કોઈનો અભાવ-અવગુણ લેનાર હું કોણ ? હું ક્યાં સંપૂર્ણ દોષરહિત છું ?
૩. મહારાજે ક્યાં મને એ સોંપ્યું છે તે હું બીજાના અવગુણો શોધતો ફરું છું ? મહારાજે મને ક્યાં એ અધિકાર આપ્યો છે ?
૪. કોઈનો અભાવ-અવગુણ આવ્યો હોય તો મહારાજ અને મોટાપુરુષની આગળ નિષ્કપટી થઈ માફી માંગી લેવી.
૫. જેનો અવગુણ આવ્યો હોય તેની પણ દાસભાવે માફી માંગી લેવી.
આવી રીતે સર્વેને પોતાનાથી અધિક માની, તેમના ગુણનો વિચાર કર્યા કરવાથી અવગુણ લેવાનો સ્વભાવ ટળતો જાય છે તથા કોઈનો જાણે-અજાણે અભાવ-અવગુણ આવી ગયો હોય તો તેને ટાળવાનો ઉપાય દર્શાવતાં લોયાના ૧લા વચનામૃતમાં સદ્‌. ભગવદાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં શ્રીમુખે કહ્યું છે કે, “જ્યારે કોઈ સંતનો અવગુણ આવે ત્યારે એમ વિચાર કરે જે, મેં અતિ મોટું પાપ કર્યું જે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશે દાઝ હૈયામાં થાય તે દાઝને મારે અન્ન જમે તો તેના સ્વાદુ-કુસ્વાદુપણાની ખબર પડે નહિ તથા રાત્રિને વિષે નિદ્રા પણ આવે નહિ અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહિ ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું તરફડે તેમ અતિ વ્યાકુળ થાય અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશે ગુણ આવે ને તે સંત કોઈ વાતે દુઃખાણા હોય તો તેને અતિ દીન થઈને પ્રસન્ન કરે, એવી જાતનો જેના હૃદયમાં વિચાર રહેતો હોય તો તેને સંતનો અવગુણ આવ્યો હોય તે પણ ટળી જાય ને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય પણ એ વિના બીજો કોઈ એવો ઉપાય નથી કહ્યો; એ જ એક ઉપાય છે.”
આ રીતનો અવગુણ ટાળ્યાનો ઉપાય કર્યાથી માત્ર પૂરું ન થઈ જાય. બીજી વાર પણ કદાચ અભાવ-અવગુણ આવવાની શક્યતા રહે માટે આવી રીતના ઉપાય કરવાની સાથે સાથે સૌને વિષે દેહદૃષ્ટિ ટાળી, દિવ્યદૃષ્ટિ દૃઢ કરતા જવાથી, સૌના પરભાવનો વિચાર કરવાથી કોઈને વિષે અભાવ-અવગુણનો સંકલ્પ ન થાય. સત્સંગી સૌ મહારાજના વ્યતિરેકના સંબંધવાળા અનાદિમુક્તો છે એવી રીતે કોઈનો અવરભાવ જોવો જ નહિ તો અભાવ-અવગુણ ન આવે. આ વાતની પુષ્ટિ કરતાં શ્રીજીમહારાજ ગઢડા પ્રથમના ૨૪મા વચનામૃતમાં જણાવે છે કે, “અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે તોય પણ એને જો સત્સંગ મળ્યો છે ને એ જો જેવોતેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે તો આવો સત્સંગ મળ્યો છે, એમ સમજીને તેનો પણ અતિશે ગુણ લેવો.”
સત્સંગમાં આવ્યા પછી અભાવ-અવગુણ ન લે તો જ મહાત્મ્ય સમજાય અને મહાત્મ્ય જેમ જેમ સમજાતું જાય તેમ તેમ અભાવ-અવગુણ ન આવે પણ પ્રારંભ તો કોઈને વિષે અભાવ-અવગુણ ન લેવાથી જ કરવો પડે માટે મહાત્મ્યના માર્ગમાં અવરોધક એવા અભાવ-અવગુણરૂપી દોષને જડમૂળથી આપણા જીવનમાંથી કાઢીએ તથા નિરંતર સત્સંગમાં મહાત્મ્યસભર થઈ ટકેલા રહેવા દિવસ દરમ્યાન પ્રાર્થના કરવી કે,
“તમારો ને તમારા કોઈ મુક્તનો;
ભૂલેચૂકે દ્રોહ નવ થાય... એ વર મુને આપજો.
તમારી ને તમારા મોટા મુક્તની;
ક્રિયામાં મુને સંશય નવ થાય... એ વર મુને આપજો.”
તથા ગુરુદેવ પ.પૂ. બાપજીની આજ્ઞા અનુસાર દિવસમાં ત્રણ વાર નિત્ય પ્રત્યે પ્રાર્થના કરવી કે,
    “દયા કરીને મુજને નિભાવજો;
જાણી ગાંડો ઘેલો તવ બાળ... એ વર મુને આપજો.”