આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 2
October 19, 2017
Being a cleaning lover is not enough for taking a pleasure of cleanliness. We must become a cleaners. આપણા રોજબરોજના જીવનમાં આપણે કયાં કયાં સ્વચ્છતા રાખવાની જરૂર છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.
સફાઈથી (સ્વચ્છતાથી) કોઈને નુકસાન થતું નથી. સર્વદા બધાને ફાયદો જ થતો હોય છે. તો શા માટે સ્વચ્છતા માટે જાગૃત ન બનવું ? આ માટે આપણા જીવનમાં સ્વચ્છતા ક્યાં ક્યાં જરૂરી છે ?
(૧) સ્વજીવનમાં ‘Everyone must be his own scavengers’ અર્થાત્ ‘દરેક વ્યક્તિ પોતે જ પોતાની સ્વચ્છતા કરનાર છે.’ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ ન્યાયે જો આપણે તંદુરસ્ત રહેવું હોય તો આપણા સ્વજીવનની સ્વચ્છતા કેળવવાનું અચૂક શીખીએ. તેમાં આપણી દૈહિક સ્વચ્છતા આંખ, કાન, નાક, વાળની નિયમિત કરીએ. સાથે સાથે આપણાં કપડાં, વસ્તુ, ટેબલ, કબાટની પણ યોગ્ય સ્વચ્છતા રાખવી. મેલાં-ઘેલાં ગંદાં કપડાં નહિ પણ સ્વચ્છ-વ્યવસ્થિત કપડાં પહેરીએ. આપણા દેહની અને સ્વવપરાશની તમામ વસ્તુ, જગ્યાની સ્વચ્છતા આપણે જ રાખવી જોઈએ. પ.પૂ. સ્વામીશ્રી સમગ્ર સંસ્થાનું સંચાલન કરે છે તેમ છતાં પોતાનું બેસવાનું આસન, ટેબલ આ બધું પોતે જાતે જ સ્વચ્છ રાખે છે તથા ગોઠવે છે.
(૨) ઘરમાં : સ્વચ્છ અને સુઘડ ઘર તન-મનને શાંતિ આપે છે. સ્વચ્છ ઘરમાં જ ભગવાન બિરાજે છે. પ.પૂ. સ્વામીશ્રી ઘણી વાર કહેતા હોય છે કે, “અમે કોઈ હરિભક્તના ઘરે પધરામણીએ જઈએ અને જો તે ઘરમાં વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હોય, રૂમ-રસોડું, પલંગ-સોફા ગંદાં, મેલાં-ઘેલાં હોય, ઠાકોરજીનું સિંહાસન અસ્વચ્છ હોય તો તે ઘરના સભ્યોનું સ્વચ્છતાનું મૂલ્ય અંકાઈ જાય કે પરિવારના સભ્યોમાં કેટલી સ્વચ્છતા હશે ! જો એક મહેમાન આપણા ઘરે આવવાના હોય તોય બધું ચોખ્ખું કરી દઈએ છીએ તો અનંતકોટિ બ્રહ્માંડના રાજાધિરાજ સ્વામિનારાયણ ભગવાન અખંડ આપણા ઘરમાં બિરાજે છે તો હંમેશાં આપણું ઘર સ્વચ્છ રાખવું.” ઘરમાં રૂમ, કબાટ, ફર્નિચર, રસોડું, પાણિયારું, સંડાસ-બાથરૂમ કે ગાર્ડન હોય પણ બધું હીટ્ઠા ટ્ઠહઙ્ઘ ષ્ઠઙ્મીટ્ઠહ રાખવું. એટલું જ નહિ, ઘરની આસપાસ ક્યાંય કચરો ન નાખવો કે ગંદા પાણીના ખાડા ન ભરાવા દેવા.
(૩) મંદિરમાં : મંદિર એ આંતર-બાહ્ય પવિત્રતાનું ધામ છે જ્યાંથી આપણે સુખ અને શાંતિનો અનુભવ કરવાનો છે; તો તેની સ્વચ્છતા જાળવવી તે આપણા સૌની પવિત્ર ફરજ છે. એટલું જ નહિ, મંદિરની સ્વચ્છતા કરવાથી મહારાજ અને મોટાપુરુષનો વિશેષ રાજીપો થાય અને આપણા અંતઃકરણની અનાદિકાળની મલિન વાસના પણ ટળી જાય. મંદિરની સ્વચ્છતા કરનાર પર રાજીપો દર્શાવતાં પ.પૂ. સ્વામીશ્રી કહેતા હોય છે કે, “હું કોઈને હાથમાં સાવરણી લઈને કચરો વાળતા જોઉં કે શૌચાલય સાફ કરતા જોઉં તો ભેટી પડવાનું મન થાય.” આવો અંતરનો રાજીપો પ્રાપ્ત કરવા આપણને જ્યારે પણ મંદિર સ્વચ્છતા કરવાની તક મળે તો જવા દેવી નહીં.
કેટલીક વાર આપણી પડી ગયેલી ટેવ-કુટેવોને કારણે મંદિરમાં પણ કેટલીક અશિસ્ત થઈ જતી હોય છે. ગમે ત્યાં કાગળના ટુકડા, ફૂડપૅકેટની કોથળીઓ કે અન્ય કચરો ફેંકતા સંકોચ નથી થતો. ગાર્ડનમાં કે અન્યત્ર ગમે ત્યાં બેઠા હોઈએ અને ત્યાંથી ઊભા થઈએ તો ડસ્ટબિન હોવા છતાં જ્યાંત્યાં કચરો મૂકતા હોઈએ છીએ. પ્રસાદી જમાડ્યા પછી ખાલી ડિશ-પડિયા કચરાપેટીમાં ન નાંખતાં ગમે ત્યાં નાખી દેતા હોઈએ છીએ. માટે કેટલીક આપસૂઝ કેળવી આપણી રીત-રસમને બદલી મંદિર સ્વચ્છ રાખવા પ્રયત્ન કરવો જોઈએ. કોઈ સારી કંપનીમાં કે ધનાઢ્યના ઘરે ગયા હોઈએ તો કોઈના કહ્યા વગર સ્વયંશિસ્ત જાળવીએ છીએ તો અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિનાં દર્શને મંદિરમાં આવ્યા હોઈએ તો કેટલી સ્વયં સ્વચ્છતા જાળવવી જોઈએ ? આ વિષે ઊંડું મનન કરી આપણા જીવનમાં ઘટતા સુધારા કરી મહારાજ અને મોટાપુરુષને રાજી કરીએ.
(૪) જાહેર સ્થળોએ : આપણે ઘરની બહાર નીકળ્યા પછી તો જાહેર રસ્તા-ફૂટપાથ, બસસ્ટેશન, રેલ્વેસ્ટેશન, સરકારી મકાનો, ફરવાલાયક ઐતિહાસિક સ્થળો, સ્કૂલ-કૉલેજો, દરિયાકિનારા, નદી-તળાવના આરા જેવાં અનેક જાહેર સ્થળોનો અવારનવાર ઉપયોગ કરીએ છીએ. પરંતુ ‘જે સૌનું એ કોઈનું નહીં.’ એ ન્યાયે આ જાહેર સ્થળો સૌનાં છે એવું માનીએ છીએ પણ તેની સ્વચ્છતા રાખવાની જવાબદારી મારી નથી એવું કહી છટકી જઈએ છીએ. ઊલટાનું આવા જાહેર સ્થળોએ સ્વચ્છતા કેળવવાના પ્રયાસમાં મદદરૂપ થવાને બદલે ક્યાંક આપણી કેટલીક અશિસ્તથી ગંદકી કરતા હોઈએ છીએ.
સ્વચ્છતા એ એક સાંસ્કૃતિક ખાસિયત છે. તેનું કોઈ પણ સંસ્કૃતિની ઉત્કૃષ્ટતામાં ઊંચું મૂલ્ય રહેલું છે. ભારતીય સંસ્કૃતિમાં સ્વચ્છતાનું મૂલ્ય તો સમાયેલું છે પરંતુ માત્ર વ્યક્તિગત સ્વચ્છતાનું. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં વ્યક્તિગત સ્વચ્છતા કરતાં જાહેર સ્વચ્છતાને વધુ પ્રાધાન્ય અપાયું છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે રોજ નાહીએ છીએ, રોજ કપડાં બદલીએ છીએ, દરરોજ કપડાં ધોઈએ છીએ, રોજ ઘર સ્વચ્છ કરીએ છીએ, શૌચવિધિ પછી હાથ ધોઈ સ્નાન કરીએ છીએ. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં આનાથી ઊલટું છે. તેઓ જે સ્વચ્છતા રાખે છે તે આપણે રાખી શકતા નથી. તેઓ પોતાના ઘરનો કચરો જ્યાંત્યાં રોડ ઉપર નાખતા નથી જ્યારે આપણે ઘરની વંડીની બહાર ગમે ત્યાં શેરીમાં કે જાહેર સ્થળોએ વિના સંકોચે ગમે તેવો કચરો નાખી દઈએ છીએ. તેઓ ગમે ત્યાં થૂંકતા નથી. જ્યારે આપણે રસ્તા ઉપર મન પડે ત્યાં થૂંકીએ છીએ, નાક સાફ કરી ગંદકીનો ઉપદ્રવ કરતા હોઈએ છીએ. અર્થાત્ આપણે વ્યક્તિગત રીતે સ્વચ્છતા રાખી વ્યક્તિગત પવિત્રતા રાખવામાં માનીએ છીએ, તેનો જ ખ્યાલ રાખીએ છીએ પરંતુ જાહેર સ્વચ્છતાને આપણે પવિત્રતા સાથે જોડી તેનું યોગ્ય જતન કરતા નથી. આપણે સ્વચ્છતા તો કરીએ જ છીએ પરંતુ હવે (દરેકે વ્યક્તિગત રીતે) ‘એક કદમ જાહેર સ્વચ્છતા કી ઓર’ ઉઠાવવું એ ભારતીય નાગરિક તરીકે આપણા સૌની પવિત્ર ફરજ છે.
અત્રે આપેલ તમામ જગ્યાઓએ સ્વચ્છતા રાખવા માટે કૃતનિશ્ચયી બનીએ તેવી વિનંતી.