આવો સ્વચ્છતાપ્રિય બનીએ - 3

  October 28, 2017

“અધ્યાત્મમાર્ગ કે વ્યવહારિક માર્ગ હોય પણ જેઓ મહાનતાના શ્રેષ્ઠ શિખરો સર કર્યા છે. તેઓના જીવનમાં સ્વચ્છતા રૂપી પાયાના ગુણના સાહજિક દર્શન થાય છે.” આ લેખમાળા દ્વારા આપણે સ્વચ્છતા અંગે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાય તથા જીવનદર્શન માણીએ.

 

શ્રીજીમહારાજે પણ જાહેર સ્વચ્છતા અંગે પોતાના આશ્રિતોને અતિશે આગ્રહ દર્શાવતાં શિક્ષાપત્રીના ૩૨મા શ્લોકમાં આજ્ઞા રૂપે કહ્યું છે કે, “લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્ય એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી-તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં.”

અહીં શ્રીજીમહારાજે સ્પષ્ટ સમજાવ્યું છે કે, જેને લોકોએ એટલે કે સમાજે અને શાસ્ત્રએ પ્રતિપાદિત કર્યાં હોય તેવાં જાહેર સ્થળોએ મળમૂત્ર તો ન કરવું પણ થૂંકવું પણ નહીં. તો પછી ગમે ત્યાં કચરો તો નખાય જ કેમ ? એ એક શિષ્ટાચાર છે અને બહુધા રોગચાળા આવી ગંદકીના કારણે જ ઊભા થતા હોય છે. કેટલીક વખત બિનસત્સંગી લોકો પાન-ગુટખા ખાઈ તેની પિચકારી ગમે ત્યાં દીવાલ પર મારતા હોય છે પરંતુ તેઓ એવું ભૂલી જતા હોય છે કે જાણ્યે-અજાણ્યે અમે રોગના જંતુઓને હવામાં ઊડતા કરીએ છીએ ! આવી કેટલીક કુટેવોમાંથી જ ‘સ્વાઇન ફલ્યૂ’ જેવા જીવલેણ રોગો વધુ વ્યાપક પ્રમાણમાં ફેલાતા હોય છે.

જાહેર સ્વચ્છતા એ સમગ્ર દેશ-સમાજના આરોગ્ય માટે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણે ચાર રસ્તા કે સોસાયટીનો કૉમન પ્લૉટ એટલે કચરો નાખવાનું ઠેકાણું - આવું માની ઘરનો કચરો ત્યાં ઠાલવતા હોઈએ છીએ. વળી, રસ્તા પર કે બસમાં કે અન્ય વાહનમાં બેઠા બેઠા ફળફળાદિ કે અન્ય વસ્તુ જમીને તેની છાલ રોડ પર ગમે ત્યાં ફેંકી દઈએ. ઘરની ગટરોનાં ગંદાં પાણી જ્યાંત્યાં ઉભરાવા દઈએ, તેનું કાંઈ ધ્યાન ન રાખીએ. એ જ રીતે આપણા ધંધા-વ્યવસાયના ગંદા પાણીનો કોઈ પણ પ્રકારનું શુદ્ધીકરણ કર્યા વગર ગમે ત્યાં નિકાલ કરતા હોઈએ છીએ. પરિણામે તેમાંથી મચ્છર-માંખનો ઉપદ્રવ થાય છે. પરિણામે મેલેરિયા, ટાઇફૉઇડ, ડેન્ગ્યુ જેવા રોગો થાય છે. પૂર્વે સુરતમાં ગંદકીને કારણે ફાટી નીકળેલ પ્લેગ જંગલના દાવાનળની આગની જેમ આખા શહેરમાં ફેલાઈ ગયો હતો અને કેટલાયના પ્રાણ લીધા હતા. માટે આપણા સૌના પરિવારની તંદુરસ્તી માટે પણ જાહેર સ્વચ્છતા રાખવી ફરજિયાત છે.

સન ૧૯૪૧માં હજુ ભારત દેશને પૂર્ણ સ્વરાજ મળ્યું નહોતું તે સમયે પણ ગાંધીજીએ ભારત દેશના વિકાસ માટે ‘રચનાત્મક કાર્યક્રમ - તેનું રહસ્ય અને સ્થાન’ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં તેઓએ આમુખમાં જણાવ્યું છે કે, “રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. આપણા રાષ્ટ્રનું ઠેઠ પાયામાંથી ઘડતર કરવા માટે જે રચનાત્મક કાર્યક્રમ અહીં બતાવવામાં આવ્યો છે તેના અમલમાં આપણી ચાલીસ કરોડની વસ્તી દૃઢ સંકલ્પ કરીને જોડાઈ જાય.” જે કાર્યક્રમમાં તેમણે જાહેર સ્વચ્છતાના એક ભાગ રૂપે ગામ-સફાઈનો કાર્યક્રમ બતાવ્યો હતો.

ગાંધીજીએ સ્વાતંત્ર્ય પહેલાં જે સ્વચ્છ ભારતની કલ્પના કરી હતી તેને પૂર્ણ કરવા માટે રજી ઑક્ટોબર ૨૦૧૪ના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૪-૨૦૧૯ એમ પાંચ વર્ષ માટે ‘સ્વચ્છ ભારત’ અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં તેમણે પોતે જાહેર સ્વચ્છતા માટે વર્ષના ૧૦૦ કલાક સમય ફાળવવાનું નક્કી કરી સૌને જાહેર સ્વચ્છતા માટે પ્રેરણા આપી છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “Cleaning up the country can not be the sole responsibility of sweepers. Do citizens have not role in this? We have to change this mindset” અર્થાત્‌ “દેશને સ્વચ્છ રાખવો એ માત્ર સફાઈ-કામદારોની જ જવાબદારી નથી. શું દેશના નાગરિકોની આ માટે કોઈ જવાબદારી નથી ? છે જ. આપણે આપણી આ માનસિકતાને બદલવી જ પડશે.” “Though it is a difficult task, it can be achived and for that people will have to change their habits” અર્થાત્‌ “સમગ્ર દેશને સ્વચ્છ કરવો તે ભલે થોડું મુશ્કેલ કાર્ય છે. પરંતુ તે સિદ્ધ કરી શકાય છે. એના માટે લોકોએ તેમની ટેવને (કુટેવને) બદલવી જ પડશે.”

ભારત સરકાર તરફથી જાહેર કરાયેલ સ્વચ્છતા-અભિયાન એ જીસ્ફજી સંસ્થાની પણ એક જવાબદારી છે. એમ સ્વીકારી ...... ઑક્ટોબર, ૨૦૧૪ના દિવસે સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે જ્ઞાનસત્રમાં સન ૨૦૧૯માં આવી રહેલ ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીએ ૨૦૦ જાહેર સ્થળોએ સ્વચ્છતા કરવાનો સંકલ્પ જાહેર કરી ‘સ્વચ્છ ભારત’ અભિયાનને સમર્થન આપ્યું છે. એટલું જ નહિ, તેમાં સહભાગી થયા છે.

તા. ૧૫-૧-૧૫ના દિવસે પ.પૂ. સ્વામીશ્રીને શારીરિક તકલીફ હોવાથી ઑપરેશન કરાવ્યું હતું. ડૉક્ટરે ૨૦-૨૫ દિવસ માટે સંપૂર્ણ આરામ કરવાનું સૂચન કર્યું હતું તથા હરવું-ફરવું કે ચાલવું તથા સેવા-પ્રવૃત્તિ કરવા અંગે સંપૂર્ણ મનાઈ કરી હતી. તેમ છતાં તા. ૧૯-૧-૧૫ના દિવસે જીસ્ફજી સંસ્થા વતી સ્વામિનારાયણ ધામ ગાંધીનગર અન્વયે ગાંધીનગરનાં ૧૦ જાહેર સ્થળો અને ગામોમાં ‘સ્વચ્છતા-અભિયાન’નું ૧૨૦૦ કરતાં પણ વધુ સંતો-હરિભક્તોના સ્વયંસેવક સમૂહ સાથે મોટા પાયા પર આયોજન થયું હતું. સંતો-હરિભક્તોને આ અભિયાનમાં જોડાયેલા જોઈ સ્વચ્છતાપ્રિય અને સ્વચ્છતાના અતિ આગ્રહી એવા પ.પૂ. સ્વામીશ્રી સર્જરીના ચોથા જ દિવસે ‘સ્વચ્છતા-અભિયાન’માં સહભાગી થવા પધાર્યા. સંતો-હરિભક્તોએ ઘણી પ્રાર્થના-વિનંતી કરી છતાં તેઓ એકના બે ન જ થયા. ચાલી શકાય તેવી પણ કોઈ સ્થિતિ ન હોવા છતાં તેઓ હાથમાં સાવરણો લઈ સ્વચ્છતા કરવા માંડ્યા ત્યારે સંતો-હરિભક્તોએ કહ્યું, “દયાળુ, આપને ક્યાં જરૂર છે ? રહેવા દો. અમે બધાએ ‘સ્વચ્છતા-અભિયાન’માં ભાગ લીધો એમાં આપ ભેળા આવી ગયા.” છતાંય પ.પૂ. સ્વામીશ્રીએ જાહેર સ્વચ્છતા કેળવવાની સૌને પ્રેરણા આપવા તથા પોતાની એક ફરજ અદા કરી રહ્યા છે એવા ભાવથી સ્વચ્છતા કરી. વાંકા વળી કચરો ભેગો કરતા દુઃખાવો થયો હતો છતાં તેઓ દેહની પરવા કર્યા વિના ‘સ્વચ્છતા-અભિયાન’માં લગભગ ૧ કલાક સુધી જોડાયા. આ પ્રસંગ દ્વારા પ.પૂ. સ્વામીશ્રી આપણને સૌને જાહેર સ્વચ્છતા કેળવવાનો આગ્રહ દર્શાવે છે.

મોટા મોટા મહોત્સવ પ્રસંગે તથા તેના નિમિત્ત રૂપે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી જાહેર સ્વચ્છતાનો અભિગમ રજૂ કરતા હોય છે. ૧૯૯૫માં પણ ‘બાપાશ્રી મહોત્સવ’ ઉપક્રમે અમદાવાદની સિવિલ, ફ.જી., શારદાબેન, જનરલ, ન્.ય્. જેવી મોટી મોટી હૉસ્પિટલોમાં સેંકડો સ્વયંસેવકોના માધ્યમથી ખૂબ મોટા પાયે ‘સ્વચ્છતા-અભિયાન’નું આયોજન કરી સૌને જાહેર સ્વચ્છતા કરવાની પ્રેરણા આપી હતી.

સ્વચ્છતાના આ ગુણને સર્વવ્યાપક કરવા માટે નવી ઊગતી બાળપેઢીના લોહીમાં જ આ ગુણ રેડી દેવો ફરજિયાત છે. ઘરમાં, શાળામાં, મંદિરમાં, સમાજનાં સંમેલનોમાં, બાળકોમાં સંસ્કાર વધે, તેમનો સર્વાંગી વિકાસ થાય તેવા વિધ વિધ પ્રયત્નો થતા હોય છે. તેમાં આ એક નૂતન અભિગમ દ્વારા બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાનો ગુણ દૃઢ કરાવીએ. સ્વચ્છતા અંગે ઊંડી સૂઝ આપી તેમની રોજબરોજની ટેવોમાં આ ગુણ દૃઢ કરાવીએ. બાળકો બહુધા જે જુએ છે તેવું જ કરવા શીખે છે.

ઘરમાં વડીલોએ શાક સમારી કચરો બારી કે બારણાની બહાર નાખ્યો, તૂટેલી નકામી વસ્તુનો ભંગાર, જૂનાં જૂતાં ઘર સાફ કરતાં બહાર ફેંક્યાં, રસ્તા પરથી પસાર થતાં બાળકોને બિસ્કિટ કે અન્ય વસ્તુ જમાડી તેનો કચરો રોડ પર જ ફેંક્યો, મંદિરમાં કે અન્ય સ્થળોએ નાસ્તો કરી પેપરડિશ ગમે ત્યાં ફેંકી બાળકો આ બધી બાબતોનું સૂક્ષ્મ અવલોકન કરી અનુકરણ કરતા હોય છે. માટે બાળકોને સ્વચ્છતાનો ગુણ દૃઢ કરાવવાની સાથે આપણી જીવનશૈલીમાં યથાયોગ્ય ફેરફાર કરી જાહેર સ્વચ્છતા રાખવામાં મદદરૂપ થવું જોઈએ.

સ્વચ્છતાનો ગુણ આપણા જીવનમાં કેળવવા શું કરવું ?

સ્વચ્છતાનો ગુણ કેળવવા આપણે સૌપ્રથમ કોને ગંદું કહેવાય અને કોને સ્વચ્છ કહેવાય આ બંનેનો ભેદ સમજી સ્વચ્છતા પ્રિય બનવાનો દૃઢ સંકલ્પ કરીએ. આપણને સ્વચ્છતા કરેલી તો ગમે જ છે પણ કરવું નથી ગમતું માટે આપણા આળસ-પ્રમાદને દૂર કરી સ્વચ્છતા કરવા દૃઢસંકલ્પી બનવું. તે માટે સ્વચ્છતા અંગે વિશિષ્ટ દૃષ્ટિ કેળવીએ અને સ્વચ્છતાના કાર્યમાં નાનપ ન અનુભવીએ. આપણા દેશમાં જાહેર સ્વચ્છતા કરનારને સામાજિક-આર્થિક રીતે નીચો ગણતા હોય છે જ્યારે પશ્ચિમના દેશોમાં જાહેર સ્વચ્છતાને વધુ મહત્ત્વ અપાય છે. પોતાના ઘર કે ઑફિસની આગળ આવેલા જાહેર રસ્તાની ફૂટપાથથી માંડી કોઈ પણ જાહેર સ્વચ્છતા કરવામાં તેઓ નાનપ કે શરમ નથી અનુભવતા. તેઓ તેને નીચું કામ નહિ, પોતાની પવિત્ર ફરજ સમજે છે. માટે આપણે ‘આપણું આંગણું ચોખ્ખું કરી નાખો તો ગામ ચોખ્ખું’ આ કહેવત બદલી ‘આપણા ગામ અને શહેર ચોખ્ખા કરીએ તો રાજ્ય અને દેશ ચોખ્ખો થઈ જશે.’ એ પ્રમાણે કરવાની જરૂર છે. તેના માટે આપસૂઝ કેળવીએ. ક્યાંય પણ ગયા હોઈએ અને જો ગંદું દેખાય કે કોઈને ગંદકી કરતા જોઈએ તો તેને સાફ કરી નાખીએ અથવા વિનમ્રભાવે તે કરતા અટકાવીએ. આપણને કેટલીક ખબર હોવા છતાં જાણી જોઈને ગંદકી કરવાની જ કુટેવ છે તેને સુટેવમાં બદલીએ. જ્યાંથી અને જેની પાસેથી શીખવા મળે તેનો સ્વીકાર કરીએ. આપણે ક્યાંય પણ ગયા હોઈએ અને ત્યાં સ્વચ્છતા અંગે કોઈ નવી પદ્ધતિ જોઈએ તો તેને સ્વીકારીએ અને આપણાં ઘર, ગામ, સોસાયટી, મંદિરોમાં તેને અપનાવીએ. ક્યારેક સમૂહમાં ભેગા મળી જાહેર સ્વચ્છતા ગોઠવીએ.

શ્રીજીમહારાજ, જીવનપ્રાણ બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ. બાપજી, પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે, હે દયાળુ, આપને પ્રિય એવો સ્વચ્છતાનો ગુણ અમારા જીવનમાં દૃઢ કરીએ અને આપને રાજી કરી શકીએ એવી સમજ અને શક્તિ આપજો. બાહ્ય સ્વચ્છતામાં અમે ભેગા ભળીએ તો આપ દયા કરી અમારી આંતર સ્વચ્છતામાં બળ, આશીર્વાદ વરસાવો એવી પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ.