અંદરસિંહ ડાભી - બોરિયાવી ગામ
January 5, 2017
વિષયમાંથી આસક્તિ તોડાવીને જીવોને ચોખ્ખા કરી મહાપ્રભુના ગમતા પાત્ર કરે તેને જ સત્પુરુષ કહેવાય. આવા જ દિવ્ય સત્પુરુષ, ગુરુવર્ય પ.પૂ. બાપજી છે. જેમણે અથાગ દાખડા કરી, અપાર કષ્ટો વેઠી વિષયમય વાતાવરણમાં ઉછરતી એ પ્રજાને પશુ જીવનમાંથી મુક્તજીવન તરફ લઈ જવા નેમ લીધી હોય તેવું લાગે છે. આ દિવ્યપુરુષના સંગે કંઈક પાત્રો દિવ્યજીવન જીવતા થયા છે. જેમાંથી અત્રે એક પાત્રની ઝાંખી કરીએ.
“ઝાડી દેશની દશા ભૂંડી, દારૂ, માટી, અનાચાર;
વાઘ, સિંહ ને જીવતા ભૂત, અંધશ્રદ્ધા અપાર,
એ... બાપજી મળ્યા પહેલાં જાનવર હતા;
દુઃખનો નહિ કોઈ પાર...”
ઝાડી દેશ અર્થાત્ પંચમહાલના આદિવાસી વિસ્તારની વહેમ, અંધશ્રદ્ધા, વ્યસન તથા દારૂમાં ચકચૂર થઈ પશુ સમાન જીવન જીવતી પ્રજા. આ પ્રજાની દશા ખૂબ જ ભૂંડી હતી. ત્યારે આ પશુ સમાન જીવન જીવતી પ્રજાને ઉગારવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એમનો હાથ ઝાલ્યો. આ પ્રજાને ‘જાનવર’માંથી ‘મુક્ત’ની સ્થિતિ પમાડવા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અપાર કષ્ટ વેઠી, પંચમહાલમાં ખૂબ જ સત્સંગ વિચરણ કર્યું છે. તેઓના અપાર દાખડાઓના પરિણામે વર્તમાનકાળે અનેકાનેક આદિવાસી બંધુઓના જીવનમાં તેમણે આમૂલ પરિવર્તન આણ્યું છે. આવો ત્યારે, એવા એક આદિવાસી બંધુના જીવનપરિવર્તનને નિહાળીએ...
આ પરિવર્તન ગાથા છે પંચમહાલના બોરિયાવી ગામના રહેવાસી અંદરસિંહ ડાભીની. પંચમહાલના છેવાડાના શહેરા તાલુકાનું અંતરિયાળ ૧,૫૦૦થી ૧,૬૦૦ની વસ્તી ધરાવતું આ બોરિયાવી ગામ છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ ગામ પર દૃષ્ટિ પડતાં વર્તમાનકાળે ૧૨૦થી વધુ પરિવારો શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠાવાળા થયા છે. આ કૃપામાં પ.ભ. અંદરસિંહ પણ આવી ગયા. સત્સંગના પરિણામે પશુજીવનમાંથી તેઓ આજે મુક્તજીવનના યાત્રિક બન્યા છે. તેઓને સર્વોપરી ઉપાસના થઈ તે પહેલાં તેમનું જીવન માનવજીવનને ન શોભે તેવું હતું. આ અંગે તેઓ કહે છે કે, “સત્સંગ પહેલાંના મારા જીવનની વાત લખવા બેસીએ તો પાર આવે તેમ નથી... સાવ છેલ્લી કક્ષાનું જીવન હતું. રોજ સવાર, બપોર, સાંજ અને રાત્રે ચોવીસ કલાક દારૂના નશામાં ચકચૂર રહેતો... કોઈના લગ્નપ્રસંગે કે અન્ય પ્રસંગે ગયા હોઈએ તો આખી રાત તથા એ પ્રસંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી એ સ્થાન દારૂના પીઠા જેવા બની રહેતા... શ્રદ્ધાના નામે નવ નવ દિવસ નવરાત્રિમાં, હોળી ઉત્સવમાં, દિવાળી-બેસતા વર્ષના નવા દિવસોમાં કે અખાત્રીજમાં બકરા-કૂકડાની બલિ લઈ તેની મિજબાની માણતો... આમ, વહેમ, વ્યસન ને વ્યભિચારમાં મારી ૮૦% આવક વપરાઈ જતી. મારા આવા જીવનને લઈ ઘર-પરિવારમાં ઝઘડા-કંકાસનો કાયમી નિવાસ રહેતો... મારો સ્વભાવ ક્રોધી ને આક્રમક હતો... ટૂંકમાં પશુને શરમાવે એવું હું નિમ્ન કક્ષાનું જીવન જીવતો હતો પણ જ્યારે મારા ગામના સત્સંગી અર્જુનસિંહ માલીવાડ મને તા. ૨૫-૯-૨૦૦૯ના રોજ ગોધરા ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ માટે લઈ ગયા ને ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મારા પર કૃપાદૃષ્ટિ કરી, બધાં જ પાપો-કર્મો બાળી ચોખ્ખો કરી કંઠી ધારણ કરાવી અને વર્તમાન ધરાવી સત્સંગી કર્યો. ત્યારનો દિન અને આજની ઘડી, મારો સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રહ્યો છે ને પૂર્વેનું જીવન એક સપનાની જેમ સાવ વિસરાઈ ગયું. મારો નવો જન્મ થયો ને પરિવાર પણ ચોખ્ખો થયો ને મારા ઘરમંદિરમાં શ્રીજીમહારાજ ને તેમના મુક્તો બિરાજમાન થયા. મારા જીવનમાંથી અંધશ્રદ્ધા, વ્યસન, વહેમ, વ્યભિચાર અને અજ્ઞાન બધું જ ટળી ગયું. શ્રીજીમહારાજની ઉપાસના અને મોટાપુરુષની આજ્ઞા આજ શિર સાટે પાળીએ છીએ. આ બધી કૃપા ગુરુવર્ય પ.પૂ. બાપજીની જ છે. એમણે મને પશુમાંથી પ્રથમ ભક્ત બનાવી, તેઓ જ આજે મને અનાદિમુક્તની સ્થિતિ તરફ આગળ વધારી રહ્યા છે. આથી વિશેષ બીજી શી કૃપા હોય ! તેઓએ મારા જીવનનો આખો થોકડો ફેરવી મને મહારાજની મૂર્તિનું સુખ પામવાનો અંતિમ અને શ્રેષ્ઠ જીવનધ્યેય આપ્યો.” આ ઉપરાંત પણ તેઓ પોતાના જીવનની પરિવર્તન ગાથા વિશેષ રૂપે વર્ણવતાં કહે છે, “આજે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મને જે સર્વોપરી ઉપાસનાનાં પીયૂષ પાયાં છે તેના પરિણામે આજે અમે ઉપાસનામાં સ્થિર રહ્યા છીએ. મારા મોટા દીકરાની ત્રણ વર્ષની દીકરી તેર દિવસમાં ધામમાં ગઈ અને એની પાછળ ને પાછળ એક માસના સમયગાળા દરમ્યાન મારા કુટુંબના બીજા બે મહિલાઓ પણ ધામમાં ગયાં. આથી મારા કુટુંબીઓ મને કહેવા લાગ્યા કે, “તેં દેવીને મૂકી એટલે આ બધાને દેવીએ ભરખી લીધા છે... તારા પર દેવીનો ભારે કોપ છે માટે સ્વામિનારાયણને મૂકી દે ને દેવીની માફી માગી એમના શરણે આવી જા...” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપા-બળથી મેં તેમને સણસણતો જવાબ આપી દીધો : જુઓ ભાઈઓ ! અનંતકોટિ બ્રહ્માંડના કર્તા એક શ્રીજીમહારાજ છે. એ જે કરતા હશે તે સારું જ કરતા હશે. એમની મરજીથી બધું થઈ રહ્યું છે. માટે મને બિવરાવશો નહીં. ઘણાં વર્ષો આ બીકમાં કાઢ્યાં છે. પણ હવે મને કોઈનો ડર નથી. કારણ કે મારા મહારાજ ને મારા બાપજી મારી સાથે સદાય પ્રગટ છે ને એમના સંબંધે હું નિર્ભય છું.” આમ તેઓએ આવા સમયે મહારાજ ને મોટાપુરુષનું બળ રાખી કુટુંબીઓને પોતાની પ્રાપ્તિનો અનુભવ કરાવી દીધો. વળી, ઉપાસનાને લઈ તેઓને તેમના કુટુંબીઓએ જુદા કરી, બધા વ્યવહાર પણ કાપી નાખ્યા તોય તેમણે મહારાજને જ મુખ્ય રાખ્યા.
તેઓ જેવા ઉપાસનામાં શૂરા છે તેવા જ આજ્ઞામાં પણ પૂરા છે; આ અંગે જણાવતાં તેઓ કહે છે : “ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના પ્રસંગે મારા જીવનમાં આજ્ઞાની પણ એવી અડગતા રહી છે. આજે મારા નિર્વ્યસની જીવને ઘણાને નિર્વ્યસની કર્યા છે. હું પોલીસ ખાતામાં છું ત્યારે મારા ઉપરી અધિકારી ને સહસાથીઓ મારી હાજરીમાં વ્યસન પણ કરતા નથી. તેઓ મારી ભક્ત તરીકેની મર્યાદા રાખે છે.
એક સમયે મારું પોસ્ટિંગ મહીસાગર જિલ્લાનાં દટીવાસ ગામ ખાતે થયું હતું. ત્યાંથી ચૂંટણીને લીધે મને અચાનક સુરત ખાતે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યો એટલે ત્યાં તાત્કાલિક જવાનું થયું. તે સમયે પૂજા સાથે લીધી પણ સાથે જમવાનું લેવાનું રહી ગયું. પરિણામે સુરત ખાતે ચાર દિવસ બંદોબસ્તમાં સવારથી મોડી રાત સુધી ખડેપગે ઊભા રહેવાનું થયું. પણ તે સમયે એકલા પાણી પર જ રહ્યો હતો. કેમ કે બહારનું જમવાનું સદંતર બંધ કરેલ છે. પછી પાંચમા દિવસે ઘરે આવીને જમાડ્યું.” આમ, તેઓએ ગુરુવર્ય બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને રાજી કરવા પંચવર્તમાન સંબંધી આજ્ઞા પણ વિકટ પરિસ્થિતિમાં પાળી.
તેઓના જીવનમાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનો અપાર મહિમા જોવા મળે છે. એટલે પોતાની નોકરીએથી છૂટી ઘરે આવી ત્યારબાદ જેટલો સમય મળે તેટલો તેઓ ૭૦થી ૮૦ કિ.મી.ના આસપાસનાં ૨૨થી ૨૫ ગામોમાં સ્વખર્ચે સત્સંગ પ્રચાર-પ્રસારની સેવા માટે કાઢે છે. વળી, સત્સંગીમાત્રને સદાય મદદરૂપ બની રહે છે. બોરિયાવી ગામની સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર તરીકેની સેવા પણ તેઓ બજાવે છે. ‘મહારાજની મૂર્તિ એ જ મારો ધ્યેય છે’ એ જીવનમંત્રની કલમને આત્મસાત્ કરવા તેઓ ખૂબ આગ્રહ સાથે ‘આદર્શ સ્પિરિચ્યુઅલ યુવા કૅમ્પ’માં જોડાઈ, મોટાપુરુષનું ગમતું, રુચિકર જીવન જીવે છે.
આમ, તેઓના પર દિવ્ય સત્પુરુષની થયેલ કૃપાનું ગાન કરતાં તેઓ કહે છે, “ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મને પશુમાંથી મુક્ત કરી, પશુજીવનમાંથી દિવ્યજીવન આપી મારા જીવનમાં પરિવર્તન આણી મને સુખિયો કર્યો છે ત્યારે એ દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણકમળમાં સેવકના કોટિ કોટિ વંદન હો...”