અસ્મિતા-3
February 5, 2019
મળેલા સર્વોપરી સિધ્ધાંત અને સંસ્થા (SMVS)ના અહોભાવથી અસ્મિતાસભર થઈએ.
મળેલા સિદ્ધાંત અને સંસ્થાની અસ્મિતા :
આપણું સિદ્ધાંત સૂત્ર છે કે, “સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દઢ કરી, અનાદિમુક્તની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ.” ઉપાસના દઢ થયા પછીનું પહેલું અને છેલ્લું સ્ટેપ અનાદિમુક્તની સ્થિતિ પામવી તે છે. જે સ્થિતિ માટે મંડે, તત્પર હોય તે જ મુમુક્ષુ. તે તરફની જ જેની સતત દૃષ્ટિ હોય, તેવું વર્તન હોય તેને જ સિદ્ધાંતની અસ્મિતા કહેવાય.
આ સિદ્ધાંતને સાકાર કરવા માટે જ SMVS અર્થાત્ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાનો પ્રાદુર્ભાવ છે.
હીરાની એક મોટી કંપનીમાં એક યુવાન મૅનેજર કક્ષાએ નોકરી કરતો હતો. મૅનેજર કક્ષાના બધાનો પગાર ૧ લાખ રૂપિયા હતો. બધા મૅનેજરમાં આ યુવાનને તેની કંપની માટે ખૂબ ગૌરવ હતું. ૨૪ કલાકમાંથી ૧૮ કલાક કામ આપે તોપણ કોઈ વિશેષ વળતરની અપેક્ષા વગર હસતાં હસતાં કરે. કંપનીના ટર્નઓવરમાં વધારો કરવામાં પણ આ યુવાનનો ઘણો મોટો ફાળો હતો. તેમની કંપની પ્રત્યેની વફાદારી, અસ્મિતા, ઉત્સાહ, જુસ્સો અને સમર્પણભાવના બદલ તેને ૫૦ હજારનું બોનસ આપ્યું હતું. તેમ છતાં તેની નજર બોનસ તરફ નહિ, બસ મારી કંપનીની નામના કેમ વધે ? તે તરફ હતી તે માટે રાત્રિ-દિવસ મંડ્યો રહે.
મારી આ જવાબદારી છે કે નહિ તેનો વિચાર ન કરે; બસ મારી કંપનીની બધી જવાબદારી મારી છે તેવા અહોભાવથી કામ કરતા; એ જ તેમની પોતાની કંપની પ્રત્યેની અસ્મિતા હતી. આવી અસ્મિતા તેમને પોતાની કંપની માટે, પોતાની ફરજ અને કર્તૃત્વ માટે સતત જાગ્રત રાખતી. ગમે તેવા વિપરીત સમય-સંજોગમાં પણ તેઓ પોતાની જવાબદારીમાંથી સહેજ પણ ઊણા ઊતર્યા નથી. ઉપરથી પોતાની કંપની માટે નવી સર્જનાત્મક તકો ઊભી કરવા તત્પર રહેતા.
કંપનીની જગ્યાએ આપણી SMVS સંસ્થા છે અને યુવકને ઠેકાણે આપણે છીએ. જેમ યુવકને કંપની માટે અસ્મિતા હતી તો તેની નજર ઘડિયાળ સામે કે વળતર સામે કે બોનસ સામે નહોતી. બસ, કેમ કરીને કંપની આગળ આવે તે પોતાની જવાબદારી સમજી તેમાંથી ક્યારેય ઊણા ઊતર્યા નહોતા.
આપણે પણ SMVSની અસ્મિતા રોમ રોમમાં દૃઢ કરવી તો આપણાં સમય, શક્તિ, બુદ્ધિ, આવડત રાજીપાદર્શનની કોઈ અપેક્ષા વગર SMVS માટે એટલે કે શ્રીજીમહારાજ માટે વપરાય. SMVS માટે જે કરવું પડે તે કરવા તત્પર રહેવું. કોઈ સેવામાં થાક, કંટાળો, આળસ, ઊંઘ આડા ન આવવા દેવાં. મારી જ જવાબદારી, મારી જ ફરજ સમજી મોટાપુરુષના સંકલ્પ મુજબ રાત્રિ-દિવસ તેના વિકાસ માટે મથ્યા રહીએ એ જ આપણી તેના પ્રત્યેની અસ્મિતા છે. માત્ર એટલું જ નહિ, સ્વવિકાસ માટે અને અનાદિમુક્તની સ્થિતિ કરવા માટે પણ સાવધાન થઈને યત્ન કરવો એ સિદ્ધાંતની ખરી અસ્મિતા છે.
SMVS એટલે શ્રીજીમહારાજનો સંકલ્પ.
SMVS એટલે શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ.
SMVS એટલે સર્વોપરી ઉપાસનાનું સર્વોપરી કેન્દ્ર.
SMVS એટલે દિવ્યજીવનનો રાજમાર્ગ.
SMVS એટલે સ્થિતિવાળો સમાજ તૈયાર કરવાની પાઠશાળા.
SMVS એટલે શ્રીજીમહારાજના રાજીપા માટેની તત્પરતા તથા ભૂખ જગાવતો સમાજ.
SMVS એટલે સત્પુરુષની છત્રછાયા.
SMVS એટલે નિયમ-ધર્મેયુક્ત સંતો-ભક્તોનો દિવ્ય સમુદાય.
આપણને શ્રીજીમહારાજના સંકલ્પ સમાન SMVS પરિવારના સભ્ય થવાનું મળ્યું છે તેની રોમ રોમમાં અસ્મિતા રાખીએ. આપણને મળેલી આ SMVS સંસ્થાને છાજે એવું આપણું વર્તનશીલ જીવન કરવું એ આપણી અંતરમાં છલકાતી અસ્મિતાની એક ભૂમિકા છે.
આપણે અસ્મિતાસભર થવું જ છે. અસ્મિતા પ્રગટાવવા કેટલીક મહત્ત્વની બાબતો આપણા જીવનમાં દૃઢ કરીએ :
૧. અસ્મિતાસભર રહેવા હિંમત અને સાહસ કેળવીએ.
૨. અસ્મિતાસભર પાત્રોનો સંગ કરીએ.
૩. અસ્મિતાસભર પુસ્તકોનું વાંચન તથા એવું જ શ્રવણ કરીએ.
૪. અસ્મિતાસભર પાત્રોનું જીવનદર્શન કરી તે પાત્રમાં ડૂબી જઈએ.
૫. અસ્મિતાને તોડતી નકારાત્મક વાતો, બાબતોથી છેટા રહીએ.
હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી, અમારા સૌનું અસ્મિતાસભર જીવન થાય એવી દયા કરો. અમારી રગેરગમાં મળેલા સર્વોપરી મહારાજની, મળેલા મોટાપુરુષની, મળેલા સિદ્ધાંત અને સંસ્થાની, મળેલી સેવા-જવાબદારીની અસ્મિતા પ્રગટે એવી ખૂબ ખૂબ દયા કરો એવી આપના દિવ્ય ચરણોમાં પ્રાર્થના.