અવિરત વિચરણના હિમાયતી
July 6, 2017
“દાતણ હોય ત્યાં દીવો નહિ ને દીવો ત્યાં નહિ દાતણ.” એવું અવિરત વિચરણ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અનેક મુમુક્ષુઓને આત્યંતિક કલ્યાણના કોલ આપતા. એવું જ અવિરત વિચરણ વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ તાદૃશ્ય થાય છે કે જેઓ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવી આત્યંતિક કલ્યાણના કોલ આપવા સખત દાખડો કરી રહ્યા છે.
5મી ફેબ્રુઆરી, 2014ના રોજ નિત્યક્રમ મુજબ સવારે વહેલી પરોઢે 3:30 વાગ્યે જાગી, પ્રાત: ક્રિયા તથા પૂજાપાઠ પતાવીને કારણ સત્સંગના સર્વે સમાજ માટે મહાપ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. 6:00 વાગ્યે મંગળા આરતી પતાવી ઘાટલોડિયા પ્રાત: સભામાં હરિભક્ત સમાજને બળિયો કરવા પહોંચી ગયા. તે જ દિવસે મોરબીની પાસે ધૂનડા ગામે બપોરે 3:00 વાગ્યે શોભાયાત્રામાં પહોંચવાનું હતું. ઘાટલોડિયા 9:00 વાગ્યે સભા પૂર્ણ કરી, બે મહાપૂજાનો પ્રોગ્રામ પૂરો કર્યો. 11:00 વાગ્યે વાસણા ઠાકોરજી જમાડીને મોરબી જવા નીકળે તો 2:00 વાગતા પહોંચાય તેમ હતું. પરંતુ મહાપૂજા પૂરી થયા બાદ પૂ. સંતોના તથા હરિભક્તોના આગ્રહથી 3-4 પધરામણીઓ ગોઠવાઈ. પ્રેમીભક્તોના મનોરથ પૂરા કરવામાં ઘાટલોડિયા જ પોણા અગિયાર થઈ ગયા. હવે જમાડવાનો સમય ન રહ્યો. સાથે આવેલ હરિભક્તોની ચિંતા રાખી વાસણા જમાડવા પધાર્યા. જમ્યા ન જમ્યા ને તરત જ મોરબી જવા ગાડી ઉપાડી દીધી. મોરબી જતા વચ્ચે રસ્તમાં પોતાને ડાયાબિટીસની તકલીફ હોવા છતાં લઘુ કરવા ગાડી ઊભી ન રાખી. એમ કરતાં સતત 250 કિ.મી.ની જર્ની (મુસાફરી) પૂરી કરી બપોરે 3:10 વાગ્યે મોરબી પહોંચ્યા. ત્યાં પણ બે-ત્રણ પધરામણી પતાવી શોભાયાત્રામાં જોડાયા. સવારે વહેલી પરોઢના 3:30 વાગ્યાથી લઈ સતત સાંજના 5:00 વાગ્યા સુધી અવિરત વિચરણ 81 વર્ષની ઉંમરે કરવું અસંભવ છે જે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં વર્તમાનકાળે નિહાળી શકાય છે. શોભાયાત્રા બાદ સાંજે 7:00 વાગ્યા સુધી 4500 જેટલા મુક્તોને કથવાર્તાનો લાભ આપી ખૂબ બળિયા કર્યા.
રાત્રિના 8:00 વાગ્યે મોરબી મંદિરે પધારી ત્યાંથી પછી સવારે વાસણાથી સાથે લીધેલ ભાખરી ને છૂંદો જમાડ્યાં. રાત્રે 8:30 વાગ્યે વાસણા પરત થવા નીકળ્યા ને 11:45 વાગ્યે 650 કિ.મીની મુસાફરી 1 દિવસમાં કાપી વાસણા પહોંચ્યા. તેઓને અવરભાવની ઉંમરના કારણે રાત્રે 10-11 વાગ્યા પછી ઊંઘ ન આવે તો આજે કેમ આવે ! તેમ છતાં નહિ કોઈ થાક-ઉજાગરો. બીજા દિવસે વળી પાછા સવારમાં 6:15 વાગ્યે વિચરણ માટે ગાડીમાં બેસી ગયા. આવા છે વિચરણના આગ્રહી. તથા આવું તો અનેક વખત જોવા મળે છે આ દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં. સવારે ગોધરા હોય તો બપોરે માલપુર અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર.
વહેતા પાણી જેવું અવિરત વિચરણ કરી અનેક મુમુક્ષુઓને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની ઓળખાણ કરાવવા આ દિવ્યપુરુષે 81 વર્ષની ઉંમરે પણ નથી ભૂખ સામે જોયું, નથી ઊંઘ સામે જોયું કે નથી થાક સામે જોયું.
ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં સત્સંગ કાર્યક્રમ રાખેલો. સવારે 7 વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા. દાતા ગામે પ્રોગ્રામ પતાવી 1 વાગ્યે વાસણા પરત પધાર્યા ને અડધા દિવસમાં તો લગભગ 300 કિ.મી.ની સફર થઈ. બપોરે વાસણા આવી ઠાકોરજી જમાડ્યા ને તરત જ સુરત જવા નિર્ધાર્યું. પૂ. સંતો તથા સાથેના કેટલાક હરિભક્તોએ બપોરે થોડોક આરામ કરવા નમ્ર પ્રાર્થના કરી. પરંતુ દરિયાના પાણીને રોકી ન શકાય તેમ આ દિવ્યપુરુષના આગ્રહો ને સંકલ્પોમાં રુકાવટ લાવી ન શકાય.
ગુરુવર્ય પ.પૂ. બાપજી તો બપોરે જમાડીને સુરત જવા ગાડીમાં બેસી ગયા. ત્યાં જઈને પણ લગભગ બાર-તેર જેટલી પધરામણીઓ કરી ને રાત્રે 8:00 વાગ્યે સુરત મંદિરે પહોંચ્યા. એમ એક દિવસમાં કુલ 600 કિલોમીટરનું વિચરણ કર્યું. આખા દિવસનો થાક લાગ્યો છે તે સામે દૃષ્ટિ કરવાને બદલે બીજા દિવસે 8 કલાકની સભા કરી સૌના જીવમાં મહારાજનો મહિમા ભરી સૌને ખૂબ બળિયા કર્યા. તે જ દિવસે ઠાકોરજી જમાડી રાત્રે વડોદરા જવા નીકળ્યા. બીજા દિવસે વડોદરા પ્રાત: સભા પતાવી સીધા જ અમદાવાદ-નરોડા મંદિરે પ્રાત: સભામાં પધાર્યા અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર લાભ આપવા પધાર્યા.
આવી રીતે પોતાના સ્વાસ્થ્ય પરત્વે કઠોરતા કેળવી અવિરત વિચરણ તેઓએ કર્યું છે અને વર્તમાન સમયે કરી રહ્યા છે. વળી, પોતાના સંતોને વિચરણ માટેની પ્રેરણા પ્રેરતા તેમના શબ્દો છે, “સંતો ! તૂટી પડો...” આ શબ્દો એમના મુખના નથી. એમના વર્તનમાંથી મળતી પ્રેરણાના છે. અને તેઓ આવા વિચરણના આગ્રહી છે ત્યારે જ આ એસ.એમ.વી.એસ. સંસ્થા 26 વર્ષના ટૂંકાગાળામાં શૂન્યમાંથી સર્જન પામી વિશ્વના ફલક પર પહોંચી રહી છે.