બાપાશ્રી પ્રત્યેની અસ્મિતા
March 7, 2017
“બાપા... બાપા... અબજીબાપા...” કહેતાં કહેતાં તો એમનું મુખ ભરાઈ જાય. એમના મુખ પર પ્રસન્તાનો મહાસાગાર લહેરાઈ જાય.
બાપાશ્રી પ્રત્યે તેમને આગવો, અદ્વિતીય ને અજોડ પ્રીતિનો નાતો, અનુપમ લગાવ અને આગવી અસ્મિતા પણ એવી જ અલૌકિક !
ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં સૌને બે હસ્ત ઊંચા કરી બોલાવડાવે, “બાપા !! કોના બાપા ? આપણા બાપા...”
તા. 14-2-14ને શુક્રવારના રોજ પૂનમના સમૈયામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી આશીર્વાદની લ્હાણી કરતા બોલ્યા, “આપણી અમીરપેઢી ગોપાળબાપાની અને એમાં પાછી સોનામાં સુગંધ પેઠી. શું સુગંધ ? આપણા બાપા આહાહા... અલ્યા સોનામાં સુગંધ શું પેઠી ? આપણો બાપો. આપણા આગવા બાપા હોં ! બાપા... બાપા... કેવો પ્યારો શબ્દ એ બોલતાં બોલતાં તો આમ શેર શેર લોહી ચઢવું જોઈએ અને એમાંય આપણને તો એના વારસદાર કર્યા છે ! વાહ બાપા વાહ ! ન્યાલ કર્યા... ન્યાલ કર્યા !”
બાપાશ્રીનો મહિમા અને ઋણ સમજાવવાની સાથે બાપાશ્રીના સમજાવેલા જ્ઞાન માટે યાહોમ કરી દેવાની અસ્મિતા પૂરતા તેમના શબ્દો વ્યક્તિ વ્યક્તિમાં બાપાશ્રી માટે બલિદાન દેવાની ચિનગારી પ્રગટાવી દે છે.
“બાપાના ગુણલા ગાવા માટે અને એમણે પ્રસ્થાપિત કરેલ કારણ સત્સંગના શ્રીજીસંમત સિદ્ધાંતોના પ્રચાર માટે તો આપણો જન્મ છે.”
“બાપાનો પ્રચાર આપણે નહિ કરીએ તો બીજું કોણ કરશે ?”
“આ બાપા માટે તો અમે મૂંડાવ્યું છે.”
“આ ધડ ઉપરથી તમે માથું ઉતારી શકશો પણ બાપાને અને એમના સિદ્ધાંતોને તો નહિ જ !”
“અમારા કોઈ રઈ રઈ જેવડા ટુકડા કરે તોય અમારા રોમરોમમાંથી બાપા... બાપા... નામનો ગુંજારવ ન થાય તો બાપા મળ્યા શા કામના ?!!”
આવા અસ્મિતાભેર સિદ્ધાંતસૂત્રોની પ્રતીતિ એ દિવ્યપુરુષના પરભાવી કર્તવ્યમાં સદૈવ ઝળહળતી જોવા મળે. અને એમના આ સિદ્ધાંતસૂત્રોમાંથી પ્રેરણા પામીને જ આજે બાપાશ્રીએ પ્રવર્તાવેલ જ્ઞાન માટે તન, મન, ધન સમર્પિત કરી દેનાર મહામોટો સમુદાય ખડો થયો છે.
એ સમય હતો કે જ્યારે બાપાશ્રીએ સમજાવેલ શ્રીજીસંમત સિદ્ધાંતોના પ્રવર્તન કાજે એ દિવ્યપુરુષને એકલપંડે મોટા મંદિરમાં ચારસો સાધુઓની વચ્ચે ઝઝુમવું પડતું હતું. આ દિવ્યપુરુષના શબ્દોમાં કહીએ તો, “ચારે કોરે બોમ્બ મારો થતો હતો.” છતાંય બાપાની અસ્મિતામાં ફેર નહોતો પડવા દીધો. આવી નીડરતાના પ્રતાપે વિરોધીઓ પણ “સાચા શૂરા જેના વેરી ઘાવ વખાણે...” એ ન્યાયે આમ ઉચ્ચારતાં, “આ મંદિરમાં બાપાના હેતવાળા કોઈ પચાસ ટકા, કોઈ પંચોતેર ટકા હશે પણ પેલા દેવસ્વામી (ગુરુવર્ય પ.પૂ. બાપજી) છે એ એકસો દશ ટકા બાપાવાળા જ છે.”
એક વખત કેટલાક વિઘ્નસંતોષીઓએ એક હરિભક્તને બાપાશ્રી અને તેમના શ્રીજીસંમત સિદ્ધાંતોને લઈ ગુરુવર્ય પ.પૂ. બાપજી પરત્વે કાનભંભેરણી કરી ખૂબ ચઢાવ્યા. તેથી તે હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી સમક્ષ આવી બાપાશ્રી વિશે જેમ તેમ એલફેલ બોલવા માંડ્યા. પોતાના વિશે કોઈ ગમે તે બોલે તે ચલાવી લે પણ બાપા માટે કોઈ એક શબ્દ બોલે તો તેઓ ચલવી ન લે એવા અસ્મિતાસભર આ દિવ્યપુરુષ સિંહગર્જના કરતા બોલ્યા, “અલ્યા એ ચૂપ થા. બાપા માટે એક પણ શબ્દ એલફેલ બોલતો નહીં. તું બાપાના રૂંવાડા જેવોય નથી ને તેમના વિશે બોલે છે ? બાંડી ઘો જેવો તું અને મણિધરનું (મારા વ્હાલા બાપાનું) માપ કાઢે છે ? બાપા માટે કંઈ બોલ્યો તો તારા સોથા ઊડી જશે.” એમ કહી તે હરિભક્તને ચૂપ કરી દીધા. આવા તો અનેકાનેક વિઘ્નસંતોષી ભગવાધારી અને અજ્ઞાની મનુષ્યો હતા કે જેઓ બાપા માટે તેમની આગળ એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નહીં; બલ્કે દૂર રહેતા.
જેમ સિંહને સો લાંઘણ થાય, ભૂખ્યો ઊભો ઊભો સુકાઈ જાય પણ કદી ખડ ન ખાય. તેમ આ દિવ્યપુરુષે બાપાશ્રીના સિદ્ધાંતો શિર સાટે રાખવામાં ગમે તેટલા વિરોધો થયા, આફતો ને મુશ્કેલીઓની ઝડી વરસી તેમ છતાં તે બધી વિપત્તિઓની સામે તેઓએ ના તો પીછેહઠ કરી, ના તો કોઈ જ રીતે સમાધાન કર્યું ને વિઘ્નસંતોષીઓને સ્પષ્ટ પરખાવ્યું, “આ ધડ ઉપરથી માથું ઉતારી શકશો, પરંતુ બાપાશ્રીને અને એમના સિદ્ધાંતોને નહિ મુકાવી શકો કે નહિ રોકી શકો.” ત્યારે સંપ્રદાયમાં સૌ કોઈને એ દિવ્યપુરુષમાં અબજીબાપાશ્રીની અસ્મિતાના સાક્ષાત્ સ્વરૂપનો અહેસાસ થયો.