ભક્તિમય આહનિક - 4
November 18, 2019
સતત પ્રવૃત્તિશીલ જીવનમાં નિવૃત્તિ લઈ ભગવાનની ભજન-ભક્તિ કરવી ઘણી અઘરી છે પણ એવા કોઈક માધ્યમો દ્વારા ભગવાનમાં નિરંતર વૃત્તિ પરોવાયેલી રહે તે માધ્યમ એટલે જ આહ્ નિક
આરતી :
હેતુઃ આરતી એ મહારાજ પધાર્યા તેના સ્વાગતનું પ્રતીક છે. આરતીમાં પ્રગટાવાતી જ્યોત દ્વારા ભક્ત ભગવાનને પ્રાર્થના કરે છે કે આરતીની જ્યોતથી જેમ અંધારું જાય છે અને પ્રકાશ ફેલાય છે તેમ અમારા જીવનમાંથી પણ અજ્ઞાનરૂપી અંધારું દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરજો .
આરતીની રીત : શિખરબદ્ધ મંદિરમાં દિવસ દરમ્યાન પાંચ આરતી કરવામાં આવે છે. જેમાં, (૧) મંગળા આરતી, (૨) શણગાર આરતી, (૩) રાજભોગ આરતી, (૪) સંધ્યા આરતી, (૫) શયન આરતી. હરિમંદિરમાં માત્ર મંગળા આરતી અને સંધ્યા આરતી એમ બે જ આરતી કરવામાં આવે છે.
થાળ :
હેતુ : સંસ્કૃતમાં એક ઉક્તિ પ્રચલિત છે કે, ‘યથા દેહા તથા દેવા’ અર્થાત્ ‘જેવું દેહને કહેતાં શરીરને તેવું દેવને.’ જેમ આપણે જમીએ છીએ તેમ મહારાજની મૂર્તિ એ પણ કાંઈ આરસના પથ્થરનું પૂતળું નથી, પ્રતિમા એ કાંઈ ફોટો નથી પરંતુ મહારાજ સાક્ષાત્ પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજે છે. અને આપણને દર્શન-સેવા-પૂજાનું સુખ આપે છે. એ હેતુથી મહારાજને દિવસ દરમ્યાન સમયે સમયે થાળ ધરાવવામાં આવે છે.
થાળની રીત : દિવસ દરમ્યાન ઠાકોરજીને ચાર વખત થાળ ધરાવવામાં આવે છે. જેમાં,
૧. સવારે મંગળા આરતી પૂરી થયા બાદ ઠાકોરજીને બાળભોગ ધરાવવો. બાળભોગમાં ઠાકોરજીને દૂધ, ફરસાણ, તીખી ભાખરી, થેપલા વગેરે ધરાવી શકાય.
૨. બપોરે ઠાકોરજીને પાકા થાળ કરવા જેને રાજભોગ કહેવાય. રાજભોગમાં દાળ, ભાત, શાક, રોટલી વગેરે ધરાવવું. મીઠાઈ તથા ફરસાણ જો શક્ય હોય તો ધરાવવાં.
૩. સાંજે ઠાકોરજીનું ઉત્થાપન થાય ત્યારે ઠાકોરજીને ફૂટ્સ અથવા લીંબુ શરબત વગેરે કાંઈક ભોગ ધરાવવો.
૪. સંધ્યા સમયે ઠાકોરજીને સંધ્યા થાળ કરવો. સંધ્યા થાળમાં ખીચડી, શાક, ભાખરી, દૂધ કે ભીનું ફરસાણ વગેરે ધરાવવાં.
દંડવત :
હેતુઃ દંડવત એ ઠાકોરજીના આદરનું પ્રતીક છે. વળી, ઠાકોરજી, મોટાપુરુષ કે સંતો આગળ દાસત્વભાવ દઢ થાય, આપણાથી થયેલી ભૂલો ક્ષમ્ય થાય તે માટે દંડવત કરવામાં આવે છે.
દંડવતની રીત : મહિલા અને પુરુષ વર્ગ માટે દંડવતની રીત અલગ અલગ છે. જેમાં, મહિલા વર્ગે ઠાકોરજીને પંચાંગ પ્રણામ કરવા તથા પુરુષ વર્ગે ઠાકોરજીને સાષ્ટાંગ પ્રણામ કરવા. જેમાં,
મસ્તક, હાથ, પગ, મન અને વાણી આ પાંચ અંગોથી કરવામાં આવતા પ્રણામને પંચાંગ પ્રણામ કહેવાય છે. મહિલા વર્ગે આ રીતને અનુસરવું તથા મસ્તક, આંખ, વક્ષસ્થળ (છાતી), હાથ, પગ, ઘૂંટણ, મન અને વાણી આ આઠ અંગોથી કરવામાં આવતા પ્રણામને સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે. પુરુષવર્ગે આ રીતને અનુસરવું.
પ્રદક્ષિણા :
હેતુઃ શ્રીજીમહારાજના આશ્રિત તરીકે આપણા સૌના જીવનનું કેન્દ્રબિંદુ એકમાત્ર શ્રીજીમહારાજ છે. આપણે જે કાંઈ ક્રિયા કે સાધન કરીએને તેમાં કેન્દ્રસ્થાને મહારાજ રહે એ અનુસંધાન માટે પ્રદક્ષિણા કરવામાં આવે છે.
પ્રદક્ષિણાની રીત : પ્રદક્ષિણા કરવા માટે ઠાકોરજીને વચ્ચે રાખીને ઠાકોરજીની જમણી બાજુએથી ગોળ ફરતા પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતાં કરતાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્ય અથવા કીર્તનો બોલવાં જેથી મહારાજમાં જોડાયેલા રહેવાય.
પ્રાર્થના :
હેતુ : પ્રાર્થના એટલે ગદ્ગદભાવે, આર્તનાદે ઠાકોરજી આગળ કાકલૂદી કરીએ, આપણી ભૂલોનો સ્વીકાર કરીએ, ઠાકોરજી આગળ ભીખ માંગીએ તેને પ્રાર્થના કહેવાય. આપણા અંતઃશત્રુ ટાળવા માટે, અંતઃશત્રુ સાથે લડવાનું-ઝઝૂમવાનું બળ મેળવવા માટે, ઘાટ-સંકલ્પો ટાળવા માટે, નિર્મળ અંતઃકરણ કરવા માટે, શુષ્ક અવસ્થા - શૂનકાર અવસ્થા ટાળીને ભર્યા થવા માટે, દિવ્ય કલ્યાણકારી ગુણો પ્રાપ્ત કરવા તેમજ દેહાદિક દોષો ટાળવા માટે પ્રાર્થના કરવામાં આવે છે.
પ્રાર્થનાની રીત : પ્રાર્થના કરવા માટે ઠાકોરજી આગળ પોતાપણાના ભાવોને ભૂલી જઈ, પોતે ન્યૂન થઈ, દાસ થઈ, ઠાકોરજી આપણું સર્વસ્વ છે, એ સુખના સાગર છે, એ જ મારી રક્ષા કરશે, એ જ મારાં દુઃખ ટાળશે, એ જ મને મદદ કરશે, એ જ મારી વ્હારે આવશે એવા સંપૂર્ણ વિશ્વાસ સાથે ઠાકોરજીને કગરી પડવું.
કીર્તન ભક્તિ :
હેતુ : મહારાજમાં જોડાવા માટે, વર્તમાન સમયને અનુલક્ષીને નવધા ભક્તિમાં કીર્તનભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે. કીર્તનભક્તિથી મહારાજ બહુ જ રાજી થતા. આથી કીર્તનભક્તિનો મુખ્ય હેતુ મહારાજને રાજી કરવાનો છે. વળી, કીર્તનભક્તિમાં જોડાવાથી આપણાં દુઃખ, મૂંઝવણ, વ્યથા વગેરેમાંથી બહાર અવાય છે. વળી, કીર્તનો એ એક પ્રકારનું મહારાજ અને મોટાપુરુષના મહાત્મ્યનું, ગુણોનું ગાન છે જેનાથી આપણે ભર્યા થઈએ છીએ.
કીર્તનભક્તિની રીત : કીર્તનભક્તિ દરમ્યાન જ્યારે કીર્તનો બોલાતાં હોય ત્યારે નેત્ર મીંચીને, ઉચ્ચ સ્વરે, રાગઢાળમાં, સંગીતના લય સાથે, મૂર્તિમાં રહીને કીર્તનો બોલવાં; સાથે સાથે કીર્તનમાં આવતા શબ્દો સાથે એકાત્મ થતું જવું. શબ્દોના ગૂઢાર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો.
ધૂન્ય :
હેતુ : મહારાજમાં જોડાવા માટે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે, ઘાટ-સંકલ્પનો વિરામ કરવા માટે, ભૂતપ્રેતના ઉપદ્રવથી બચવા માટે, આપણાં વિઘ્નો ટાળવા માટે, રક્ષા કરવા માટે, રાજી કરવા માટે આમ ઘણા બધા હેતુસર ધૂન્ય કરવામાં આવતી હોય છે. નજીકના સમયમાં જ પવિત્ર ધનુર્માસ નિમિત્તે પ્રાતઃકાળે મંદિરના દિવ્ય પ્રાંગણમાં ઠાકોરજીનાં દિવ્ય સાંનિધ્યમાં આપણને ધૂન્યનો લાભ મળશે તો સર્વે મુક્તોએ પોતાનાં નજીકનાં સેન્ટરોમાં અચૂક તેનો લાભ લેવો.
ધૂચની રીત : ધૂન્ય ત્રણ પ્રકારે બોલવામાં આવે છે :
(૧) મુખેથી બોલવું, (૨) મૂર્તિમાં વૃત્તિ રાખીને બોલવું અને (૩) મૂર્તિમાં રહીને બોલવું. જેમાં ત્રીજી રીત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીત છે.
કથાવાર્તા :
હેતુ : ગઢડા છેલ્લા પ્રકરણના ૨૪મા વચનામૃતમાં શ્રીજીમહારાજ કહે છે કે, “જેને કથાવાર્તામાં પ્રીતિ નથી એના કોરની એમ અટકળ કરી રાખવી કે એમાં રૂડા ગુણની પ્રાપ્તિ ક્યારેય નહિ થાય.” આથી કથાવાર્તાનો મુખ્ય હેતુ જ આ છે રૂડા ગુણની પ્રાપ્તિ કરવી, દિવ્યજીવન બનાવવું. કથાવાર્તા વિના આપણને આપણી ભૂલ, દોષ ક્યારેય નહિ ઓળખાય. કથાવાર્તા થકી જ આપણને આપણી ભૂલોનો ખ્યાલ આવશે અને એમાં સુધારો થશે. વળી, કથાવાર્તા થકી જ આપણને મહારાજ અને મોટાપુરુષના ગમતા-ન ગમતા, રુચિ-અરુચિનો ખ્યાલ આવશે અને આપણું જીવન દિવ્ય રાજીપાયુક્ત બનશે.
કથાવાર્તા શ્રવણની રીત : કથાવાર્તામાં ક્યારેય કોઈ અવરભાવની આકૃતિ સામે લક્ષ્ય ન રાખવો. બસ, મહારાજ જ વાત કરે છે. મારા માટે જ વાત કરે છે, મારામાં કસર છે એટલે મને સુધારવા માટે, મને એમનું ગમતું પાત્ર કરવા માટે વાત કરે છે એવા દિવ્યભાવ સાથે તથા મારે કંઈક પામવું છે એવા ભૂખ્યા-ગરજુ-મુમુક્ષુ થઈ કથાવાર્તાનું શ્રવણ કરવું.
શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા :
હેતુ : સ્વાભાવિક ચેષ્ટા રાત્રે સૂતા પહેલાં જ બોલવાની આજ્ઞા કરી છે કારણ કે આપણે દિવસ દરમ્યાન જે કાંઈ પ્રવૃત્તિ કરી હોય તે પ્રવૃત્તિના ફેર ચડ્યા હોય જે રાત્રે સ્વપ્નમાં પણ નડે તથા ભૂંડા ઘાટ-સંકલ્પ થાય. આથી ચેષ્ટા એ શ્રીહરિની દિવ્યલીલાનું વર્ણન છે. સૂતા પહેલાં ચેષ્ટા બોલીએ એટલે મહારાજની દિવ્ય મૂર્તિનું ચિંતવન થાય અને મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં શયન થાય તો સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં પણ ઘાટ-સંકલ્પ કે મનોવિકારો આદિ નડી શકે નહીં.
સ્વાભાવિક ચેષ્ટાની રીત : સ્વાભાવિક ચેષ્ટા બોલીએ ત્યારે રાગ-ઢાળ મુજબ શાંતિથી નેત્ર મીંચીને, મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં ઉચ્ચ સ્વરે બોલવી. વળી, ચેષ્ટા દરમ્યાન અન્ય કોઈ જ પ્રવૃત્તિ કે વાતચીત ન કરવી.