ભલા થઈને પૈસા, પદ, પ્રતિષ્ઠા ને વાહ વાહમાં ન લેવાતા-2

  April 28, 2017

પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવાની ઘેલછાએ આજના માનવીને બીજું બધું ગૌણ કરાવી દીધું છે. પણ ભગવાનના ભક્ત તરીકે આપણી દૃષ્ટિ તો મહારાજ અને મોટાની રુચિ તરફ જ હોય. એ માટે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયો, સુરુચિઓ શું છે ? તો આવો જાણીએ...

 પૈસૌ-પદ-પ્રતિષ્ઠા એ અવરભાવમાં જીવનનું અભિન્ન અને મહત્ત્વનું અંગ બની ગયું છે ત્યારે આપણે વિવેક રાખીને તથા મહારાજ અને મોટાપુરુષોના અંતર્ગત અભિપ્રાયોને ઉર ધરી આપણી પ્રાપ્તિથી સ્થિતિ સુધીની મંગલયાત્રા સુખમય પસાર થાય તેવી રીતે વર્તન કરવુ ઉચિત છે.

પૈસો ભેગો કરવો, પદ અને પ્રતિષ્ઠા માટેના જ પ્રયત્ન કરવા અને ઝાઝા માણસો માનતા થાય ને જગત આખું વાહ વાહ કરતું થાય - આ બધાંથી શ્રીહરિને સખત વિરોધ હતો અને આજે પણ છે. એટલે જ તો મોટાપુરુષો આપણને શ્રીહરિનો આ અંતર્ગત અભિપ્રાય જુદા જુદા પ્રકારે જણાવીને પણ શ્રીહરિના ગમતામાં વર્તાવી રહ્યા છે. ત્યારે આ અંગે શ્રીહરિનો અને મોટાપુરુષનો કેવો સ્પષ્ટ અને ઉચ્ચ આગ્રહ છે તેને શબ્દસહ માણીએ...

 

ગઢપુરમાં શ્રીજીમહારાજે સંતોને અડધી રાત્રે ઉઠાડી સભા કરીને કહ્યું, “અમારા મનમાં એમ સમજાય છે જે આ સંસારને વિષે જેને ગામ-ગરાસ હોય યા ધન-દોલત હોય એ જ અતિશે દુઃખિયો છે અને જેને ધન-દોલત-રાજ ન હોય તે જ સુખિયો છે.”                                                                           - ગઢડા મધ્યનું ૨૧મું વચનામૃત.

સંતોને આ કલમ લાગુ પડતી ન હોવા છતાં શ્રીજીમહારાજે આ વાત કરી હતી કારણ કે તેમને હરિભક્તોને ઉપદેશ આપવાનો છે, હરિભક્તોને સાવધ કરવાના છે; નહિ તો તેઓ સહેજે ધન-દોલતમાં લેવાઈ જાય. માટે તેમને ઉપદેશ કરીને, રોકીને પાછા વાળવા માટે સંતોને આ વાત કરી હતી.

તો વળી, શ્રીજીમહારાજ અમારી મોટપ શાને કરીને છે તે વર્ણવતાં કહે છે, “મારી મોટપ છે તે તો સ્વ-સ્વરૂપનો પ્રકાશ તથા ભગવાનની ઉપાસના તે વડે છે. પણ ભારે ભારે વસ્ત્ર તથા અમૂલ્ય આભૂષણ તથા રથ, પાલખી, હાથી, ઘોડા તેની જે અસવારી તે વડે મોટપ નથી અને જગત બધીના માણસ ને જગત બધીના રાજા સત્સંગી થઈને હાથ જોડીને ઊભા રહે તે વડે કરીને પણ અમારી મોટાઈ નથી.”                               - ગઢડા પ્રથમનું ૮મું વચનામૃત.

શ્રીજીમહારાજે વરતાલ મધ્યે સંતો-ભક્તોની સભામાં અંતરનો રહસ્ય અભિપ્રાય જણાવ્યો : “મોટા માણસ સાથે અમારે ઝાઝું બને નહીં. શા માટે જે એને રાજનો ને ધનનો મદ હોય, અને અમારે ત્યાગનો ને ભક્તિનો મદ હોય માટે કોઈ કેને નમી દે એવું કામ નથી.”                                                  - વરતાલ પ્રકરણનું ૧૬મું વચનામૃત.

ધનવાનને ધનની મોટપ મનાણી હોય, તેનું માન હોય તેથી તેમની સાથે મહારાજને ઝાઝું બને નહીં. આપણા ઇષ્ટદેવને જો તેની સાથે ન બને તો તેવા સુખિયાને શું કરવાના ? એવી મોટપનો શો અર્થ ? આપણે તો ધણીને રાજી કરવાના છે તો મહારાજની કોરે મોટા થાય એ મોટપ તો કૃપા કરીને ક્યારનીયે ફદલમાં આપી દીધી છે કે ‘જા તારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો’ તો હવે બીજી કઈ મોટપને પામવા માટે લાવાં-ઝાવાં કરવાનાં હોય ?

“જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ બેય બરોબર હોય અને આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ હોય જ નહિ અને એક ભગવાનને વિષે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે.”

- ગઢડા પ્રથમનું ૩૬મું વચનામૃત.

“ગૃહસ્થ હોય તેમને તો શ્રીજીમહારાજ સુખેથી સાંભરે ને કથાવાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા વગેરે નિયમ બરાબર સચવાય અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય, એવી રીતે દેહનિર્વાહ જેટલો જ વહેવાર કરવો પણ વહેવારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વહેવાર ન કરવો.”

- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૦૮

“અને આપણે તપાસ કરવો જે હજાર રૂપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રૂપિયા મળે તેનું શું ફળ છે ? કે કરોડ રૂપિયા મળે તેનું શું ફળ છે ? કેમ જે રોટલાથી તો વધારે ખવાતું નથી માટે તેનો તપાસ કરવો ને પાછું વળતાં શીખવું.”

-સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતો : ભાગ-૧, વાર્તા-૩૪

“દુઃખ કોઈ માનશો નહિ, ને જે જોઈએ તે આપણને મળ્યું છે ને ઝાઝા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહિ, તે સારુ આપતા નથી.”                                 - સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૩૦

“આપણે મોટા ઉત્સવો-મહોત્સવો ઊજવીએ તો તેમાં મહારાજને કર્તા કરવા. અને કોઈ પ્રકારનો દેખાડો કરવાની, વાહવાહ કરાવવાની, સરસાઈ દેખાડવાની કે પ્રસિદ્ધિની ઇચ્છા ન રાખવી. એક ધણીને રાજી કરવાની જ ઇચ્છા રાખવી.”                                                                                             - ગુરુવર્ય પ.પૂ. બાપજી

આમ, મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયોને જીવનમાં ચરિતાર્થ કરી દિવ્યજીવન બનાવીએ.