ચારિત્ર્યશીલતા-2

  February 19, 2019

વ્યક્તિની ઓળખ તેનું ચારિત્ર્ય છે. એવું જ ચારિત્ર્યશીલ વ્યક્તિત્વ ધરાવનાર એટલે જ ભાવનગરના રૂપાભાઈ દરબાર.

ચારિત્ર્યશીલતા અને વિશ્વસનીયતાને સીધો સંબંધ છે. ચારિત્ર્યશીલ માનવી દરેકના ભરોસાપાત્ર બની શકે છે. આવું ઉચ્ચતમ ચારિત્ર્યશીલ વ્યક્તિત્વ ધરાવતા ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ રાજીપાપાત્ર એટલે ભાવનગરના રૂપાભાઈ દરબાર.

રૂપાભાઈ ભાવનગર નરેશ વજેસિંહજીના દરબારમાં નોકરી કરતા હતા. એક વખત વજેસિંહનાં દીકરીના લગ્નમાં રાજ દરબારની મહેફિલમાં કસુંબો ઘોળાયો હતો. દરબારમાં હાજર રહેલ ગામધણીઓ તથા વજેસિંહજીના અતિ આગ્રહને અવગણીને પણ ભગવાન શ્રીહરિની આજ્ઞાને વશ થઈ રૂપાભાઈએ કસુંબો ન પીધો. વજેસિંહજીને અપમાન લાગતાં રૂપાભાઈને નોકરીમાંથી રજા આપી દીધી. આ વાતને છ મહિના વીતી ગયા હતા.

આ અરસામાં વજેસિંહજીનાં ધર્મપત્નીને યાત્રાએ જવું હતું. યાત્રામાં કોઈ વિશ્વાસુ માણસ સાથે મોકલવો પડે. વજેસિંહજી વિમાસણમાં પડ્યા કે એવો હાથનો અને મનનો ચોખ્ખો માણસ ક્યાં મળે ?

વજેસિંહજીએ પોતાની વ્યથા રાજમાતાને જણાવી : “મા, રાણીને યાત્રાએ જવું છે પણ એવો હાથનો અને મનનો ચોખ્ખો માણસ ક્યાં મળે ?”

“બેટા, એક વ્યક્તિ છે જે હાથનો અને મનનો ચોખ્ખો નિષ્કંચન જેવો છે.”

“કોણ છે એ ?”

“બેટા, એવી વ્યક્તિ આખા ભાવનગરમાં એક જ હતી રૂપાભાઈ. જેને તેં વગર વાંકે કાઢી મૂક્યો. મને વિશ્વાસ છે તે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત છે; તેમને મનમાં કંઈ નહિ હોય, તું બોલાવી લે અને નોકરીએ રાખી લે. આપણા દરબારનું એ રત્ન હતું.”

વજેસિંહજીએ રૂપાભાઈને અંતરથી માફી માગી બમણા પગાર સાથે નોકરીએ રાખ્યા. રૂપાભાઈ પણ તેઓની ભૂલને ભૂલી મોટું મન રાખી નોકરીએ જોડાઈ ગયા અને વજેસિંહજીની આજ્ઞાએ રૂપાભાઈ રાણી અને અન્ય મહિલાઓને યાત્રા કરવા લઈ ગયા. યાત્રા દરમ્યાન એક અણબનાવ બન્યો.

એક રાત્રિએ રાણીબાની દૃષ્ટિ બદલાતાં તેઓએ રૂપાભાઈને એકાંતે મધ્યરાત્રિએ બોલાવ્યા. રૂપાભાઈ ન ગયા અને કહેવડાવ્યું કે, “આપને જે કામ હશે તે માટે હું કાલે સવારે આવીશ પણ અત્યારે નહીં.” રાણીએ કહેવડાવ્યું કે, “રૂપાભાઈ, તમે અત્યારે નહિ આવો તો તમને નોકરીમાંથી કઢાવી નાખીશ; માટે આવવું જ પડશે.”

“રાણીબા, ભલે તમે મને નોકરીમાંથી કઢાવી મૂકશો તો તેના માટે હું તૈયાર છું પણ અત્યારે તો નહિ જ આવું. મારા ઇષ્ટદેવની આજ્ઞાને જરિયે નહિ લોપું.”

પછી રાણીએ ખોટી કાનભંભેરણી કરતાં તેમને નોકરીમાંથી જવું પડ્યું.

રૂપાભાઈએ નોકરીમાંથી છૂટું થવાનું પસંદ કર્યું પણ પોતાના ચારિત્ર્ય પર એક કલંક ન લાગવા દીધું. આ વાતની જાણ થતાં ભગવાન શ્રીહરિ તેઓ પર અત્યંત રાજી થયા અને સદ્ બ્રહ્માનંદ સ્વામી પાસે કીર્તન કરાવ્યું, “હરિજન સાચા...” એ રૂપાભાઈને મોકલાવ્યું અને ખૂબ રાજીપો આપ્યો.

રૂપાભાઈને ન તો ધનની પરવા હતી, ન તો પોતાની આબરૂની પરવા. તેઓને તો પોતાના ચારિત્ર્ય અને મહારાજના રાજીપા સાથે નિસબત હતા તેથી અડગ રહી શક્યા.

આજના મનુષ્યને પોતાના ચારિત્ર્ય કરતાં પણ આબરૂ અને પ્રતિષ્ઠા વધુ વ્હાલી છે. ખરેખર આબરૂ એટલે આપણો મૂળ ચહેરો ઢાંકવાનું કૌશલ્ય માત્ર ! અને પ્રતિષ્ઠા એટલે પકડાઈ ન જવાની ચાલાકી.

'Character is like a tree and reputation like a shadow. We take great care of the shadow but it is the tree which needs to be taken care of.' અર્થાત્ ‘ચારિત્ર્ય એ ઝાડ સમાન છે જ્યારે પ્રતિષ્ઠા અને આબરૂ એ તેના પડછાયા સમાન છે, આપણે પડછાયાને સાચવવા માટે વિચાર કરીએ છીએ પણ સાચવવા જેવું તો આપણું ચારિત્ર્ય છે.’

મનુષ્યની ચારિત્ર્યશીલતાને જોખમમાં મૂકનાર પરિબળોમાંનું સૌથી મોટું પરિબળ છે ધન અને સંપત્તિની લાલસા. આજે મનુષ્ય પોતાના ચારિત્ર્યને સાધન બનાવી ધન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે. ખરેખર ધન સાધન છે તેથી ચારિત્ર્યશીલતાને જ પ્રતિષ્ઠિત થવાનો અધિકાર છે.

જૂનાગઢના ગોવા ભક્ત જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી પણ અંતરાત્મા ચારિત્ર્યની સમૃદ્ધિથી અમીર હતો. તેઓ જૂનાગઢમાં કલેક્ટરના ઘરે ઝાડું વાળવાનું કામ કરતા. એક વખત ચોક વાળતાં વાળતાં સોનાનું ઝાંઝર પડેલું દેખાયું. શ્રીજી આજ્ઞાનુસાર તેઓ પારકી વસ્તુને ધૂળ સમાન માનતા. તેથી સાવરણીમાં ઝાંઝર લઈ કલેક્ટર સાહેબને બતાવ્યું ને કહ્યું,

“સાહેબ, વરંડામાંથી આ ઝાંઝર મળ્યું છે માટે લઈ લ્યો.”

“પણ આમ સાવરણીમાં કેમ ?” સાહેબે આશ્ચર્યથી પૂછ્યું.

“સાહેબ, પારકી વસ્તુ એ મારા માટે ધૂળ સમાન છે, માટે એને અડવામાં હું દુઃખ માનું છું.”

કલેક્ટર સાહેબ ગોવા ભક્તની ઇમાનદારી અને ચારિત્ર્યતા જોઈ આભા જ બની ગયા.

ચારિત્ર્યશીલતા એ જ સાચી અમીરાઈ છે. ચારિત્ર્યશીલ વ્યક્તિ જ અંતરની પવિત્રતા પામી શકે છે. જો એ જાય તો બધું જ જતું રહે છે. એટલે જ કહ્યું છે: “જો ધન ગયા તો કુછ નહિ ગયા, સ્વાસ્થ્ય ગયા તો થોડા સા ગયા પર જો હમારે ચારિત્ર્ય મેં કલંક લગા તો હમારે પાસ સે સબ કુછ ચલા ગયા !”

આજના વર્તમાન યુગમાં જોવા જઈએ તો ધન-સંપત્તિની લાલસા અને ઇન્દ્રિયો-અંતઃકરણના આવેગો ચારિત્ર્યતા માટે પડકારરૂપ બાબત છે. રેવાલ ઘોડા પર અસવારી કરતાં લગામની સરત હાથમાં રાખવી જ પડે. જો નિયંત્રણ ગુમાવે તો અસવાર બેહાલ થઈ જાય. તેમ ઇન્દ્રિયો-અંતઃકરણરૂપી તોફાની ઘોડાના આવેગો પર નિયંત્રણ રાખવું એટલું જ જરૂરી છે. તેની પર નિયંત્રણ ન રહે તો ચારિત્ર્યશીલતા પર કલંક લાગે જ. ઇચ્છાઓ, આસક્તિઓ પર જેટલું વિવેકનું શાસન અધિક એટલી ચારિત્ર્યતા સુરક્ષિત રહે છે.