ચોકસાઈ-1

  December 28, 2018

પ.પૂ.સ્વામીશ્રીના પ્રિય પાંચ ગુણોમાંનો એક એટલે ચોકસાઈ.

“સ્વામીશ્રી, અમારે આપની સાથે રહેવું છે; તો આપ લાભ આપશો ?”

“હા જરૂરથી; કેમ નહીં ?”

“સ્વામીશ્રી, આપ કેવા ગુણો હોય તેમને સદાય સાથે રાખો ?”

“અમે જેનામાં પાંચ ગુણો હોય તેમને સદાય સાથે રાખવા ઇચ્છીએ.”

“કયા પાંચ ગુણો ?”

“(૧) ચોખ્ખાઈ, (૨) ચોકસાઈ, (૩) દાસભાવ (૪) દિવ્યભાવ અને (૫) આંતરમુખી જીવન. જેનામાં આ પાંચ ગુણો હોય તે અમને ખૂબ ગમે; તેને સાથે રાખીએ.”

“સ્વામીશ્રી, અમે પણ આ પાંચેય ગુણો કેળવીશું. આપ બળ આપજો.”

આ પ.પૂ. સ્વામીશ્રી અને સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર - STK (સમર્પિત તાલીમ કેન્દ્ર)માં લાભ લેનાર સમર્પિતમુક્તો વચ્ચેનો વાર્તાલાપ છે. જે આપણને પ.પૂ. સ્વામીશ્રીને અતિ પ્રિય પાંચ ગુણોનાં દર્શન કરાવી તે પ્રમાણે આપણું જીવન કરવાની પ્રેરણા આપે છે.

પ.પૂ. સ્વામીશ્રીને પ્રિય પાંચ ગુણોમાંનો એક ગુણ છે : ચોકસાઈ.

કોઈ પણ કાર્ય કે બાબતમાં બધાં પાસાં ધ્યાનમાં રાખી સંપૂર્ણતા પ્રાપ્ત કરવી અથવા તે કામને યોગ્ય રીતે પૂરું કરવું એટલે ચોકસાઈ.

સુયોગ્ય પદ્ધતિથી નિશ્ચિત સમયમર્યાદામાં સિદ્ધાંતો સાથે, કાળજીપૂર્વક, ચીવટતાથી કાર્ય કરવાની સુટેવ એટલે ચોકસાઈ.

'Accuracy play an important role in each and every moment in our life.' અર્થાત્ ‘ચોકસાઈ આપણા જીવનમાં દરેક ક્ષણે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે.’ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા સાથે આગળ વધવામાં ચોકસાઈ રાખવાથી આપણા જીવનમાં ઘણાબધા ફાયદા થાય છે. જેમ કે, (૧) સમયનો બચાવ, (૨) પૈસાનો બચાવ, (૩) અકળામણ-અથડામણ ટળે, (૪) કાર્યમાં સંપૂર્ણતા અને સરળતા, (૫) ભરોસો અને આદર પ્રગટે.

'In a small routine task as well as in major task accuracy is mandatory.' અર્થાત્ ‘રોજબરોજની ક્રિયા-પ્રવૃત્તિથી માંડી મોટી બાબતોમાં પણ ચોકસાઈ ફરજિયાત છે.'

૫.પૂ. સ્વામીશ્રી ઘણી વાર જીવનની નાનામાં નાની બાબતમાં પણ કેવી ચોકસાઈ રાખવી તે શીખવતા હોય છે. જેમ કે, લખવા માટે પેન લીધી તો લખવાનું કાર્ય પૂર્ણ થતાં તરત પેનનું ઢાંકણું બંધ કરવું જેથી પેનનો પૉઇન્ટ ખરાબ ન થાય. રસોડામાં કાચની બરણી કે ડબ્બામાંથી વસ્તુ લીધા પછી તેનું ઢાંકણ યોગ્ય રીતે બંધ કરવું. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં, જેમ હતી તેમ જ મૂકવી. કોઈના આસને કે રૂમમાં ગયા હોઈએ ત્યારે દરવાજો બંધ હોય તો જતી વખતે બંધ કરવો અને ખુલ્લો હોય તો ખુલ્લો રાખવો.

આ ઉપરાંત એક વખત પ.પૂ. સ્વામીશ્રીએ ચોકસાઈનાં બાહ્ય ચિહ્નો દર્શાવ્યાં હતાં :

(૧) હસ્તાક્ષર બરાબર હોય, સુવાચ્ય હોય, પદ્ધતિસરનું લખાણ હોય.

(૨) માથાના વાળ વ્યવસ્થિત ઓળાયેલા હોય.

(૩) કપડાં સ્વચ્છ અને સુઘડ હોય.

(૪) વાપરવાની વસ્તુ, ટેબલ, કબાટ, પુસ્તકો, ગૌમુખી, નોટ-પેન તથા આજુબાજુ પડેલી વસ્તુ પણ વ્યવસ્થિત હોય; જ્યાં ત્યાં ન પડ્યું હોય.

(૫) કોઈ પણ કાર્ય પદ્ધતિસર જ હોય.

(૬) સમયપાલનના આગ્રહી હોય.

પ.પૂ. સ્વામીશ્રીના રોજબરોજના જીવનમાં પળે પળે ચોકસાઈનાં સહસા જ દર્શન થાય.