ચોકસાઈ-2
January 5, 2019
ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવનાં જીવનદર્શન સામે સૂર્ય-ચંદ્રની ઉદય-અસ્ત થવાની અને ઋતુને સમયાનુસાર બદલાવાની ચોકસાઈ પણ ઝાંખી પડે. તેમના જીવનની હરએક ક્રિયામાં ચોકસાઈનાં દર્શન અચૂક થાય છે.
ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા હતા. તે વખતે ૧૦×૮ની નાની ઓરડી એ જ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું આસન, શયનખંડ, રસોડું અને કથાવાર્તાનો સભાખંડ હતો. રૂમમાં કોઈ કબાટ કે સામાન્ય ખીંટી પણ નહોતી. એક વાર સંતો-હરિભક્તો એ સ્મૃતિને વાગોળતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “ભલે ઓરડીમાં કોઈ ફર્નિચર નહોતું પણ અમારી વસ્તુ મૂકવાની જગ્યા ચોક્કસ હતી. વચનામૃત-બાપાની વાત તો સામેના ખૂણામાં જ. ત્યાં જ બાજુમાં પૂજાનો ખડિયો ને ચશ્માં રાખતા. રાત્રે અંધારામાં વગર લાઇટ કર્યે એ જ વસ્તુ હાથમાં આવે; જ્યારે તમારે તો કબાટ હોય ને લાઇટ કરો તોય વસ્તુ ન મળે.” એવી રમૂજ કરી તેઓએ ચોકસાઈનો ગુણ સૌને શીખવ્યો હતો.
ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણમાં સાથે લેવાની વસ્તુઓ ભગવી થેલીમાં રાખે. આ થેલીમાં તેમની માળાથી માંડી મહત્ત્વનાં કાગળો – બધો સરસામાન આવી જાય. પરંતુ થેલીમાં પ્રથમ દિવસથી વસ્તુ મૂકવાની જગ્યા ચોક્કસ. થેલીના આગળના ખાનામાં ગૌમુખી-માળા, અંદર સાથે લેવાનું પુસ્તક, ચશ્માં, કાગળો બધું ૪૦ વર્ષથી એક જ જગ્યાએ મૂકતા. આજે શારીરિક અસ્વસ્થતાના કારણે આ બધી સેવા સેવક સંત કરે તો તેમની પાસે પણ થેલીમાં ચોક્કસ જગ્યાએ જ ચોક્કસ વસ્તુ મુકાવવાનો આગ્રહ. તેઓ કાયમ કહેતા હોય છે કે, “થેલીમાં હાથ નાખે કે તુરત વસ્તુ મળી જવી જોઈએ એવી ચોક્કસ ગોઠવવી.” એટલું જ નહિ, તેઓ વિચરણમાં પધારતા હોય તે વખતે ગાડીમાં બેસતા પહેલાં સેવક સંતને અચૂક પૂછતા હોય કે, “માળા લીધી ? પાઘ લીધી ? થેલી લીધી ?” આવી રીતે ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનની હરએક ક્રિયામાં ચોકસાઈનાં દર્શન થાય. કોઈ હરિભક્તે સેન્ટરમાં પધાર્યા હોય ત્યારે કોઈ બાબતે પ્રશ્ન પૂછ્યો હોય અને ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂનમના સમૈયામાં જવાબ આપીશ એમ કહ્યું હોય તો તેઓ દર્શન કરવા આવે ત્યારે અચૂક જવાબ આપે જ; કદી ભૂલી ગયા હોય તેવું ન બને.
ગુરુવર્ય પ.પૂ. બાપજી વિચરણમાં પધારતા હોય ત્યારે રસ્તામાં ટોલટેક્ સ આવે એ વખતે જો એ જ દિવસે પાછું વાસણા આવવાનું હોય તો ગાડી જેવી બુથ આગળ ઊભી રહે કે તુરત તેઓ બોલે, “રીટર્ન”. અને જો એ જ રસ્તે પાછું ન આવવાનું હોય અથવા બીજા દિવસે પાછું આવવાનું હોય તો “સિંગલ” બોલે. આજ દિવસ સુધી તેઓ કદી બોલવાનું ચૂક્યા નથી. એક વખત ગાડી ચલાવનાર હરિભક્ત ટોલટેક્સની ટિકિટ લઈ ગાડીના ખાનામાં મૂકવા જતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “એને ખાનામાં નહિ, ઉપર જ રાખો. દેખાય તેમ મૂકો. ક્યાંક આઘી-પાછી થઈ જાય તો શોધવામાં સમય બગડે ને ન મળે તો ફેર પૈસા આપવા પડે.” ગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી ઝીણવટભરી ચોકસાઈ જોઈ ગાડીમાં સૌ ચોકસાઈનો ગુણ દૃઢ કરવાના પાઠ શીખ્યા.
પ.પૂ. સ્વામીશ્રી પણ સ્વજીવનમાં ચોકસાઈનો આગ્રહ રાખે અને સૌની પાસે રખાવે. એક વખત પ.પૂ. સ્વામીશ્રી સ્નાનવિધિ કરી બહાર પધાર્યા. આ તકનો લાભ જોઈ એક સમર્પિતમુક્તે ધોતિયું સૂકવવાની સેવાનો લાભ લીધો. તેઓએ રૂમની અગાસીમાં ધોતિયું સૂકવ્યું. ૫.પૂ. સ્વામીશ્રીની ચોકસાઈભરી દષ્ટિ ધોતિયું ધારણ કરતાં પણ તે તરફ હતી. પ.પૂ. સ્વામીશ્રી ગાતડિયું ઓઢી સમર્પિતમુક્તને બહાર અગાસીમાં લઈ ગયા અને કહ્યું, “આપણે કોઈ પણ કાર્ય કરીએ તે ચોક્કસ હોવું જોઈએ. આ ધોતિયું સૂકવ્યું તો તેના ચારેય છેડા એકસરખા, એક લેવલમાં હોવા જોઈએ. ધોતિયાંની પટ્ટી પણ વળેલી ન હોય તેવી રીતે સૂકવીએ તો ખરું ધોતિયું સૂકવ્યું કહેવાય. નાની બાબતોમાં ચોકસાઈનું અંગ પાડશો તો મોટી બાબતમાં પણ પડશે.”
સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મિટિંગ હતી. મિટિંગના ઍજન્ડામાં એક ઍજન્ડા એવો હતો કે, પ્રિ-મુમુક્ષુ બૅચના બધા સભ્યો એકસાથે પોતાની રીતે સ્વ-સ્વરૂપચિંતન કરી શ્રીજીમહારાજમાં જોડાઈ શકે તે માટે દરેક સભ્યો જરૂરી વસ્તુઓ પોતાની રીતે લાવે. મિટિંગમાં ચર્ચાનો મુદ્દો નીકળ્યો કે પેનડ્રાઇવ પોતાની લાવે પણ તેને ઑપરેટ કરવા માટે સાથે શું લાવવું ? પ.પૂ. સ્વામીશ્રીએ પેનડ્રાઇવ ચાલે તેવા player વિષે વાત કરી. બધા સભ્યો પ.પૂ. સ્વામીશ્રી શું કહેવા માગે છે તે સમજી ગયા હતા પરંતુ તેનું શું નામ છે તે ખબર ન હોવાથી બધા સભ્યો જુદાં જુદાં નામ બોલવા માંડ્યા. કોઈએ કહ્યું, “નાનું ટેપરેકર્ડર”, કોઈએ કહ્યું, “ઓડિયો પ્લેયર”, કોઈએ કહ્યું, “વૉકમેન.” પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “ના, ખરેખર તેનું નામ આ નથી. કોઈ હરિભક્તે અમને એક કાગળ આપ્યું હતું તેમાં એ લખેલું હતું.” મિટિંગના ઍજન્ડા આગળ ચાલ્યા. પ.પૂ. સ્વામીશ્રીએ ઘણા સમય પહેલાં હરિભક્ત તરફથી આવેલું સજેશનનું કાગળ ફાઈલમાંથી શોધી તુરત કહ્યું, “તેને USB player કહેવાય.” આમ, પ.પૂ. સ્વામીશ્રીએ ચોક્કસ નામ શોધ્યું ત્યારે એમને નિરાંત થઈ; ત્યાં સુધી એમને આ વાતને લઈને સંતોષ ન હતો પણ જ્યાં ચોક્કસ નામ હાથ આવ્યું ને કહ્યું આને ‘USB player' કહેવાય. ચોકસાઈના આગ્રહીને ચોક્કસતા પ્રાપ્ત થાય ત્યારે જ સંતોષ થાય. એ સાથે બેઠેલા સૌને કહ્યું, “જે વાતની આપણી પાસે ચોક્કસ માહિતી ન હોય તેને ખોટા નામથી રજૂ ન કરવી. કોઈને USB playerના નામની ખબર નહોતી તો શા માટે જુદાં જુદાં નામ આપ્યાં ? આ આપણા જીવનમાં ચોકસાઈનો અભાવ કહેવાય. માટે જીવનમાં ચોક્કસ બનવું.”
ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાં ક્ષણે ક્ષણે ચોકસાઈનાં દર્શન થાય છે.