ચોકસાઈ-3

  January 12, 2019

ઉન્નતિનાં શિખરો સર કરવા રોજબરોજના જીવનમાં ચોકસાઈનું અંગ કેવી રીતે દૃઢ કરવું તેના પાઠ ભણીએ.

આપણા રોજબરોજના જીવનમાં કે ધંધા-વ્યવસાયમાં, સંસારમાં ચોકસાઈના અભાવે, ગાફલપણે વર્તવાથી કેવાં વિપરીત પરિણામો આવે તે સાંભળતાં-વાંચતાં ઘણી વખત કમકમાટી આવી જાય.

એક ભાઈ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. બસમાં ધૂમ્રપાન કરવું નહિ તે નિયમને તોડી તેઓ ચાલુ બસે સિગારેટ પીતા હતા. સિગારેટ પૂરી થતા તેમણે બુઝાવ્યા વગર જ બારીની બહાર ફેંકી દીધી. સળગતી સિગારેટ ઝૂંપડપટ્ટીની દીવાલ પાસે પડેલા કચરા પર પડી. સિગારેટના અંગારાથી સૂકું ઘાસ સળગ્યું. એક કલાકમાં તો સળંગ પ-૭ ઝૂંપડાં હતાં તે બધાં સળગી ગયાં. ઝૂંપડપટ્ટીમાં રહેનારા મજૂરો તો મજૂરી કરવા ગયા હતા. દોઢ કલાક પછી એ જ ભાઈ પોતાનું કામ પતાવી વળતી બસમાં પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં સળગતી ઝૂંપડપટ્ટી જોઈ તેમને સ્મૃતિ થઈ કે, ‘મેં અહીં જ ઓલવ્યા વિનાની સિગારેટ નાખી હતી.’ એક સિગારેટ ઓલવવાની બેદરકારીના કારણે પાંચ ગરીબ પરિવારો ઘરબાર વિનાના બની ગયા. એક નાની બેદરકારી, ચોકસાઈનો અભાવ કેવા અકસ્માત સર્જી નાખે છે તેનો વિચારવિમર્શ કરીએ.

અમદાવાદમાં રહેતા એક પરિવારને મુંબઈમાં રહેતા પરિવાર સાથે ઘર જેવા સંબંધ; તેમનામાં કદી જુદારો સંભવી જ ન શકાય. અમદાવાદના પરિવારમાં દીકરીનાં લગ્ન હતાં. દીકરીના પિતાએ યાદ કરી મુંબઈના પરિવારને કંકોત્રી લખી પહોંચાડવાનું કહ્યું હતું. પરંતુ કંકોત્રી લખનારની ચોકસાઈના અભાવે તેમને કંકોત્રી લખવાની જ રહી ગઈ. અમદાવાદમાં દીકરીનાં ધામધૂમથી લગ્ન ચાલતાં હતાં. પિતા પણ મુંબઈથી પરિવારના સભ્યોની આવવાની રાહ જુએ પણ તેઓ ના આવ્યા. આ બાજુ મુંબઈમાં રહેતા પરિવારને દીકરીનાં લગ્નના સમાચાર વાયા વાયા મળ્યા હતા. પરંતુ લગ્નપત્રિકા ન મળવાથી તેમને ખોટું લાગ્યું. ઘર જેવા સંબંધો એક કંકોત્રી આપવાની ચોકસાઈના અભાવે વણસી ગયા. બે પરિવાર વચ્ચેની આત્મીયતાનો ધ્વંસ થઈ ગયો. નાની ભૂલે ભયાનકતા સર્જી નાખી.

બેદરકારી, ગાફલાઈ જીવનમાં આગળ વધવાની તકને પણ વેડફી નાખે છે. જ્યારે ચોકસાઈ ઉન્નતિનાં શિખરો સર કરાવે છે. એક મોટી હૉસ્પિટલમાં નર્સિંગ અંગે તાલીમ મેળવવા એક નર્સે પ્રવેશ મેળવ્યો હતો. પ્રવેશના પ્રથમ દિવસે જ તેને ઑપરેશન થિયેટરમાં સેવા મળી. એ દિવસે એક દર્દીના પેટનું ઑપરેશન હતું. આ ઑપરેશન દરમ્યાન ડૉક્ટરના મદદનીશ તરીકે તેઓ હતાં.

ઑપરેશનમાં જે કાંઈ ચીજવસ્તુઓ વપરાતી હોય તે ચોક્કસ ગણતરી કરેલી જ હોય. ગણતરી કરવાની જવાબદારી આ નર્સના શિરે હતી. ઑપરેશન બાદ ડૉક્ટરે પેટ ઉપર ટાંકા લેવાની શરૂઆત કરી. એ વખતે નર્સે કહ્યું, “સર, માફ કરજો. આપણે ઑપરેશન દરમ્યાન રૂના ૧૨ પેલ (દવા મિશ્રિત રૂનાં પોતાં) વાપર્યા છે પરંતુ આપે ૧૧ જ પાછા આપ્યા છે. એક પેલ દર્દીના પેટમાં છે તે શોધવો પડશે.”

ડૉક્ટરે કહ્યું, “મેં બધા જ પેલ તને પાછા આપ્યા છે; તારી ગણતરીમાં ભૂલ હશે.” નર્સે નમ્રતાથી કહ્યું, “સર, મારી ગણતરી ચોક્કસ છે. હું ખાતરીપૂર્વક કહું છું કે મેં બાર પેલ આપ્યા હતા.” ડૉક્ટરે ગુસ્સાથી કહ્યું, “તું હજુ આજે જ નવી આવી છે. તારી ગણતરી ખોટી હશે; મારા જેવા સિનિયર ડૉક્ટરની તું ભૂલ કાઢે છે ? તારું કામ કર. મને મારું કામ કરવા દે. ખોટી માથાકૂટ ન કરીશ.” એટલું કહી ડૉક્ટરે આગળ ટાંકા લેવાનું ચાલુ રાખ્યું.

નર્સે ફરી નમ્રતાપૂર્વક વિરોધ કરતાં કહ્યું, “માફ કરજો સર, પણ હું આપને આગળ ટાંકા નહિ લેવા દઉં. દર્દીનો ખાસ વિચાર કરવો જોઈએ. જો પેલ બહાર નહિ નીકળે તો ફરી ઑપરેશન કરવું પડશે. માટે પ્લીઝ મારી વિનંતી સાંભળો.”

ડૉક્ટર નર્સની ચોકસાઈ જોઈ ખુશ થઈ ગયા. તેમણે પોતાનો એક પગ ઊંચો કરી શૂઝ નીચે દબાવેલ રૂનો પેલ બતાવ્યો. ડૉક્ટરે નર્સને કહ્યું, “I am very impress about your accuracy.” વિશેષ કહ્યું, “તમે તમારી ચોકસાઈના ગુણથી ઘણી સફળતા પામી શકશો. હું આજે જ તમને પ્રમોશન સાથે હૉસ્પિટલમાં કાયમ માટે સ્વીકારું છું.” એટલે જ કહ્યું છે, 'Accuracy build credibility' અર્થાત્ ‘ચોકસાઈ આપણા પ્રત્યેનો વિશ્વાસ બાંધે છે.’

ચોકસાઈ દરેક વ્યક્તિને ગમે છે પરંતુ તે કેળવી શકાતી નથી તેના કેટલાંક કારણો છે. જેવાં કે, બેદરકારીપણું, ‘ચાલશે'ની ભાવના, આળસ, જવાબદારીની અસભાનતા, આયોજનનો અભાવ, છટકી જવું આવી ઘણી બાબતો તેના કારણ સ્વરૂપે હોય છે. આપણા સ્વજીવનમાં રહી જતા આવા કારણને ચકાસી કસરને ટાળવી. આ કસરો ટાળવા અને ચોકસાઈ કેળવવા છ બાબતો જીવનમાં કેળવવી પડે.

(૧) એકાગ્રતા : Concentration. (૨) પૃથક્કરણ કરવું/તપાસ કરવી : Analysis. (૩) ગંભીરતા : Seriousness. (૪) આળસનો ત્યાગ : Remove laziness. (૫) જવાબદારીનું અંગ : Take responsibility. (૬) જાતે સામેલ થવું : Self involvement.

આ બાબતોના ઘણી વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પ્રસંગોપાત્ત દર્શન થાય છે જેની એક પ્રસંગ દ્વારા પ્રેરણા મેળવીએ.

પૂનમના સમૈયામાં એક સેન્ટરના હરિભક્તે સામેથી ગુરુવર્ય પ.પૂ. બાપજીને વાત કરી કે, “મારે એક મોટી આવક થઈ છે તેમાંથી ઠાકોરજીને ધર્માદો આપવો છે તો ક્યાં લખાવું ?” “તમારા સેન્ટરના મંદિરે જ લખાવી દ્યો.”

થોડા દિવસ પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી તે સેન્ટરના મંદિરે પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા. સભા બાદ હરિભક્તો દર્શન કરવા આવતા હતા એ વખતે તે હરિભક્તે સામેથી કહ્યું, “બાપજી, મેં ધર્માદાની રકમ મંદિરમાં જમા કરાવી દીધી છે.” ચોકસાઈના અતિ આગ્રહી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તુરત કહ્યું, “અમે એમ ન માનીએ; બોલાવો કોઠારીને.” કોઠારી આવ્યા. તેમણે મોઢામોઢ કહ્યું, “બાપજી, આમનો ધર્માદો જમા થઈ ગયો છે.”

તેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીના નજીકના હરિભક્ત હતા, ઘરધણી હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને એમના ઉપર લગીરે અવિશ્વાસ નહોતો કેમ કે એ બોલ્યા હોય તો એ પ્રમાણે જ હોય. પછી કોઠારીએ પણ કહ્યું, “એમનો ધર્માદો આવી ગયો છે.” એમણે તેની નોંધ પણ કરી હતી. તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઝીણી ચોકસાઈ તથા વ્યવહારકુશળતાનાં દર્શન કરાવવાં હતાં એટલે એમણે કહ્યું કે, “એમ મૌખિક નહિ, લખેલું બતાવો.” કોઠારીએ તેમની રફનોટની પાછળ લખેલી નોંધ બતાવી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આવું રફનોટમાં નહિ, ધર્માદા રજિસ્ટરમાં બતાવો.” કોઠારીએ કહ્યું, “એ દિવસે ધર્માદા રજિસ્ટર હાથવગું નહોતું તેથી આમાં લખ્યું હતું.” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “તો પછી તરત કેમ ન લખ્યું ? આપણું કામ ચોક્કસ જોઈએ.” એમ કહી પોતાની હાજરીમાં જ ધર્માદા રજિસ્ટરમાં નોંધ લખાવી તેમની સહી કરાવી. ગુરુવર્ય પ.પૂ. બાપજી સાથે સેવક સંત હતા અને તે સેન્ટરની જવાબદારી સંભાળતા સંત પણ હતા તેમ છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તે વાત કોઈના ઉપર ન છોડી દેતાં પોતે જાતે ઊંડા ઊતરી ચોકસાઈનું અંગ કેવું હોવું જોઈએ તેના સહુને પાઠ ભણાવ્યા હતા.

આપણે સૌ એ દિવ્ય સત્પુરુષના શિષ્યો છીએ ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીને અતિ પ્રિય એવો ચોકસાઈનો ગુણ આપણા વ્યવહારિક જીવનમાં અને આધ્યાત્મિક જીવનમાં દઢ કરીએ એ જ અભ્યર્થના.