દાસાનુદાસ થઈ રહીએ - 10
June 14, 2021
સૌને વિષે દિવ્યદૃષ્ટિ કેળવવી :
દાસાનુદાસ થવા આપણા જીવનમાં એક વસ્તુ બદલવી ખૂબ અગત્યની છે : ‘Change your vision’ અર્થાત્ ‘દૃષ્ટિકોણ બદલવો’. આ કારણ સત્સંગના દિવ્ય યોગમાં મહારાજ અને મોટાપુરુષે સૌને કોલ આપ્યા છે કે તમે બધા અનાદિમુક્તો જ છો. મહારાજના સંકલ્પથી જ આ યોગમાં આવ્યા છો.
મોટાના આશીર્વાદને જાણવા છતાં અવરભાવનાં સ્વભાવ-પ્રકૃતિ, રીતરસમ જોઈ સૌને વિષે દેહદૃષ્ટિ રહે છે તેથી કોઈના અવરભાવના દોષ કે સ્વભાવ જોઈ એમ થાય કે આવાના દાસ થવાનું ? એની આગળ નમવાનું ? આવી દેહદૃષ્ટિ ટાળી દિવ્યદૃષ્ટિ થાય તો મહારાજના સંબંધવાળા સૌની આગળ નમી જવાય.
ઉકાખાચરને સૌને વિષે મહારાજના ભાવે દિવ્યદૃષ્ટિ વર્તતી હતી. ગજુભા વાળેલા ચોકમાં પાંદડાં નાખીને ઉકાખાચરને ધમકાવવા માંડ્યા. ઉકાખાચર ગામધણી હતા જ્યારે ગજુભા સામાન્ય પાળા હતા. તેમ છતાં તેમને વિષે દિવ્યદૃષ્ટિ હતી તો ઉકાખાચર તેમના સ્વભાવ, અવળી ક્રિયા જોવા છતાં દાસાનુદાસ થઈ તેમની વગર વાંકે માફી માગી શક્યા.
ઉકાખાચરે ગજુભાને વિષે મહારાજના પાળા છે એવી દિવ્યદૃષ્ટિ કેળવી હતી તો તેમની આગળ દાસ થઈ શક્યા તેમ આપણે પણ સૌને વિષેથી દેહદૃષ્ટિ ટાળી મહારાજના વ્યતિરેકના સંબંધવાળા દિવ્ય મુક્તો છે તેવો ભાવ કેળવીશું તો દાસાનુદાસ થઈ શકાય.
રાજાનો કુંવર અલ્પ બુદ્ધિવાળો હોય તોપણ બધા તેને સલામ કરે છે. કુંવર જેટલી જ ઉંમરવાળો બીજો કોઈ બુદ્ધિશાળી બાળક હોય તોપણ કોઈ તેને સલામ કરતું નથી. જ્યારે કુંવર રાજાનો વારસદાર છે એવી દૃષ્ટિ રહે છે તેથી તેને સલામ ભરાય.
સત્સંગમાં મોટા હોય, બુદ્ધિશાળી હોય તેમની આગળ તો દાસ થવાય પણ આપણી દૃષ્ટિએ અલ્પ બુદ્ધિવાળા જણાતા હોય અને આપણામાં તેમના કરતાં કંઈક આવડત-બુદ્ધિ વિશેષ દેખાતી હોય તો હું મોટો છું, તેના કરતાં ઉત્તમ છું તેવો ભાવ રહે છે તેથી તેમની આગળ દાસ ન થઈ શકાય. પણ સૌ રાજાધિરાજના કુંવર છે એવી દિવ્યદૃષ્ટિ થાય તો દાસ થવાય.
શ્રીજીમહારાજે તેથી જ અમદાવાદના ૮મા વચનામૃતમાં દેહદૃષ્ટિ પ્રત્યે અનુરોધ કરતાં કહ્યું છે, “હું મોટો છું, ને ઉત્તમ છું ને આ તો મોટો નથી ને નાનો છે એવી રીતે દેહદૃષ્ટિ ન કરવી.”
શ્રીજીમહારાજ અનેક લીલાઓ કરીને પણ સૌને વિષે દેહદૃષ્ટિ ટળાવી દિવ્યદૃષ્ટિ કરાવી સુખિયા કરતા. એક વખત શ્રીજીમહારાજ જેતલપુરમાં સભામાં બિરાજ્યા હતા. સિંહાસન ઉપરથી ઊભા થઈ મૂળજી બ્રહ્મચારી પાસે ચંદનનો વાટકો મગાવ્યો. સંતોને સંબોધતાં કહ્યું, “તમે અમારી પૂજા કરી માટે હવે અમે તમારું પૂજન કરીશું.”
સંતોએ ઘણી ના કહી છતાં સૌને દિવ્યભાવ દૃઢ કરાવવા શ્રીહરિએ પ્રથમ રામદાસસ્વામીની, સદ્. મુક્તાનંદ સ્વામીની તથા મોટેરા સંતોની પૂજા કરી. પછી નાનામાં નાના સંતની પૂજા કરી સૌને ફૂલના હાર પહેરાવ્યા. હસ્તમાં ફૂલના બાજુબંધ બાંધ્યા અને મસ્તકે ફૂલની ટોપી પહેરાવી શ્રીહરિ બે હસ્ત જોડી સૌ સંતોના દિવ્યભાવે દર્શન કરતા થકા બોલ્યા, “તમે સર્વે અક્ષરધામના મુક્તો છો અને તમને આ લોકના કેવળ સાધુ સમજે તે સર્વે અજ્ઞાની છે. કારણ, તેમને તમારા દિવ્ય સ્વરૂપનું ભાન નથી.” એમ કહી શ્રીહરિ સૌને દિવ્યભાવે ભેટ્યા. સંતોના શરીરે ચોપડેલું ચંદન શ્રીહરિને લાગવાથી તેઓ ખૂબ રાજી થયા.
સ્વયં પુરુષોત્તમનારાયણ હોવા છતાં દિવ્યદૃષ્ટિ કરવાની અદ્ભુત રીત સૌને શીખવી. કારણ, આ દિવ્યદૃષ્ટિ એ જ સુખિયા રહેવાની ચાવી છે. જેટલો સૌને વિષે દિવ્યભાવ દૃઢ થાય તેટલા જ પરભાવમાં ડુબાય, મૂર્તિના સુખમાં રહેવાય.
“દેહદૃષ્ટિ ટાળી દિવ્યદૃષ્ટિ કરું, મૂર્તિના સુખમાં સહેજે ઠરું;
પુરુષોત્તમની દૃષ્ટિએ દૃષ્ટિ કરું, અવરભાવ ટાળી પરભાવે ફરું.”
દાસાનુદાસ થઈ સુખિયા થવાનો રાજમાર્ગ એટલે સૌને પુરુષોત્તમની દિવ્યદૃષ્ટિએ જોવા.
તું, તારી, તારા જેવાં ‘તું’કાર વચનો જ દેહદૃષ્ટિની વધુ ને વધુ પુષ્ટિ કરે છે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દેહદૃષ્ટિ ટાળી દિવ્યદૃષ્ટિ કરવા સૌને માનથી બોલાવવાની આજ્ઞા કરી છે. સત્સંગમાં આપણા ખરા પરિવારના સભ્યોને પણ ‘મહારાજ’ અને ‘દયાળુ’ના સંબોધનથી જ બોલાવવા; જેથી કોઈને વિષે તું, તારીના ભાવ ન આવે અને દેહદૃષ્ટિ ટાળી દિવ્યદૃષ્ટિ કરી શકાય. એટલું જ નહિ, નાનાં બાળકોને પણ પપ્પાને ‘મોટા મહારાજ’ અને મમ્મીને ‘નાના મહારાજ’ના સંબોધનથી બોલાવવાની આજ્ઞા કરી છે. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તો રસ્તે જનાર ભિક્ષુકને પણ માનથી બોલાવવા એવી આજ્ઞા કરી છે.
સદ્. મુક્તાનંદ સ્વામી સમગ્ર સત્સંગ સમાજની ‘મા’ કહેવાતા તેમ છતાં પોતાના દીકરા સમાન નાનામાં નાના સંતને માનથી બોલાવતા. જેનો ઉલ્લેખ બાપાશ્રીએ ભાગ-૧ની ૯૮મી વાતમાં કર્યો છે, “જુઓને ! શ્રી મુક્તાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા ! એવું દાસપણું રાખવું.”
મોટા સંતોએ વર્તીને બતાવ્યું છે ત્યારે દાસાનુદાસ થવા સૌને વિષે દિવ્યદૃષ્ટિ કરીએ. સૌને ‘મહારાજ’, ‘દયાળુ’ના એસ.એમ.વી.એસ.ના આગવા સંબોધનથી સંબોધી દાસાનુદાસ થઈને વર્તનારા સમાજમાં ભેગા ભળવાનો દૃઢ સંકલ્પ કરીએ.