દાસાનુદાસ થઈ રહીએ - 11
June 21, 2021
મુમુક્ષુતા પ્રગટાવવા સૌની આગળ દાસાનુદાસ થઈ વર્તવું ફરજિયાત છે. તે પછી આગળ મૂર્તિસુખના અંતિમ લક્ષ્યને પૂર્ણ કરવા ખરા દાસ થવું જ પડે.
જે સંપૂર્ણ પોતાનું અસ્તિત્વ મિટાવી સ્વામીના અસ્તિત્વને પ્રસ્થાપિત કરે તે ખરા દાસ કહેવાય. આવા ખરા દાસ તો એકમાત્ર અનાદિમુક્ત જ છે. જેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં રસબસ, ઓતપ્રોત, તદ્રૂપ, તલ્લીન થઈ જાય છે પછી તેમનો મહારાજથી જુદો દેખાવ કે મરજી રહેતી નથી. સંપૂર્ણ ક્રિયાના કર્તા પણ એકમાત્ર મહારાજ જ બની જાય છે. અવરભાવમાં એવા અનાદિમુક્ત-સત્પુરુષને શ્રીજીમહારાજ ગમે તેવા નિમિત્ત કરે તોપણ તેઓ સદા સેવકભાવે જ વર્તે છે. કદી સ્વામી કે ધણી થતા નથી.
અનાદિમુક્તોનો કેવો ખરો દાસભાવ હોય તે સદ્. ગોપાળાનંદ સ્વામીના જીવનમાં પ્રસંગોપાત્ત જણાતો હતો. સદ્. ગોપાળાનંદ સ્વામી બહુધા વડોદરા ખાતે બિરાજતા હતા. શ્રીજીમહારાજે તેમના દ્વારા અદ્ભુત ઐશ્વર્ય જણાવ્યું હતું. નાની કાશી જેવા પંડિતોથી ખીચોખીચ આખું વડોદરા સ્વામીના ઐશ્વર્યથી પ્રભાવિત હતું.
એક દિવસ એક પંડિત સ્વામી પાસે આવ્યા અને કહ્યું, “બધા ભલે તમારા પરચાથી પ્રભાવિત થાય પણ હું તમને કાંઈ માનતો નથી.” જેને આ લોકનાં માન-મોટપની કોઈ સ્પૃહા નહોતી એવા સદ્. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “આપ માનો એનો મને કોઈ આનંદ નથી અને ન માનો તેનું કાંઈ દુ:ખ નથી. પણ આપ કારણ જણાવશો કે તમારી દૃષ્ટિએ હું કાંઈ નથી એવું શા માટે ?”
પંડિતે કહ્યું, “ભગવાનના સાચા સંત કોઈ દિવસ ચમત્કાર કરે જ નહીં. એમને પોતાની સિદ્ધિ વાપરવામાં, લોકોને પોતાની પાછળ ગાંડા કરવામાં કોઈ રસ હોતો નથી. જ્યારે તમે આવું કરો છો તેથી હું તમને સંત નહિ પણ ઢોંગી બાવો માનું છું. સાચા સંત તો ભગવાન ભજે અને ભજાવે; આવા ડોળ કે પાખંડ ન કરે. તમે ભગવાન ભજતા મળેલી સામર્થીથી બહેકી ગયા છો. ચમત્કારો દેખાડી ભોળી પ્રજાને ભરમાવો છો માટે મારા જેવા ડાહ્યા માણસો કોઈ તમને સાધુ ન માને.”
સદ્. ગોપાળાનંદ સ્વામીએ પંડિતને પૂછયું, “ઐશ્વર્ય, પ્રતાપ, સિદ્ધિઓ, ચમત્કાર આ બધું કોનું છે ? અને કોણ કરી શકે ?”
“એકમાત્ર પરમેશ્વર.” “પરમેશ્વરને પોતાની સિદ્ધિ વાપરવામાં કે ચમત્કાર બતાવવામાં કોઈની પાબંધી હોય ?”
“પરમેશ્વર તો સ્વતંત્ર છે, ચાહે સો કરી શકે. પણ સાધુએ ન કરાય.”
પરસ્પરનો વાર્તાલાપનો દોર આગળ વધી રહ્યો હતો. જેઓ સદા મૂર્તિમાં નિમગ્નપણે રહેનારા અને જેમની ક્રિયાના કરનારા એકમાત્ર શ્રીજીમહારાજ જ હતા એવા સદ્. ગોપાળાનંદ સ્વામીએ દાસત્વભાવે કહ્યું, “મારા દ્વારા જેટલા ઐશ્વર્ય, ચમત્કાર ને પ્રતાપ જણાયા છે તે જો મેં કર્યાં હોય તો મને બ્રહ્માંડમાં જે કાંઈ પાપ થાય છે તે બધું લાગે અને મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મારું કલ્યાણ ન કરે. આ પરમ સત્ય કહું છું.”
પંડિત તો આ સાંભળી ધ્રૂજી ગયા, “સ્વામી, સ્વામી, આ તમે શું બોલો છો ? તો પછી આ બધું કોણ કરે છે ?” સ્વામીએ દાસત્વભાવે કહ્યું, “ઐશ્વર્ય, પરચા જેનાં છે એમણે બતાવ્યાં પણ મારા દ્વારા, મને નિમિત્ત કરીને બતાવ્યાં એટલે તમે મેં બતાવ્યાં એવું કેવી રીતે માની શકો ? મેં ક્યારેય એકેય સિદ્ધિ કે પરચા બતાવ્યાં જ નથી. કરનારા બીજા છે પણ મને શરમ એ જ આવે છે કે મને નિમિત્ત કરીને મારા ખાતે કરે છે. મારા નામે એણે કર્યું, મારા રૂપે એણે કર્યું તો મારો શું ગુનો ?”
પંડિત બિચારો સ્વામીનો દાસત્વભાવ અને અસ્તિત્વનો પ્રલય જોઈ શરમાઈ ગયો અને સ્વામીના ચરણમાં પડી માફી માગી સ્વામીનો દાસ થઈ ગયો.
સદ્. ગોપાળાનંદ સ્વામી મહાસમર્થ અનાદિમુક્ત હતા. તેઓ શ્રીજીમહારાજના મહાત્મ્યને યથાર્થ જાણતા તેથી જ આવી રીતે પોતાનું અસ્તિત્વ મિટાવી દાસત્વભાવે વર્તી શક્યા. શ્રીજીમહારાજે સારંગપુરના ૧૭મા વચનામૃતમાં કહ્યું છે, “જેમ જેમ ભગવાનને ઢૂંકડું થવાય છે તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટ્યપ જણાતી જાય છે અને ભગવાનને વિષે દાસપણું પણ અતિ દૃઢ થાતું જાય છે.”
શ્રીજીમહારાજ ગમે તેવા નિમિત્ત કરે તોપણ સ્વામી-સેવકપણું તો રહે જ છે તે દર્શાવતાં ગઢડા મધ્યના ૬૭મા વચનામૃતમાં કહ્યું છે, “સમુદ્ર તો અગાધ છે તેમ જ ભગવાનનો મહિમા પણ અતિશે અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે-ઘટે એવો નથી તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે, તોપણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તોપણ સ્વામી-સેવકપણું રહે છે.”
મહારાજ અને મોટાપુરુષના મહાત્મ્યના અપારપણાને સમજી સેવકભાવે એકમાત્ર મૂર્તિનું સુખ ભોગવવું એ જ ખરા દાસ તરીકેનો આપણો ધર્મ છે. એમાં જ ખરું સુખ, આનંદ સમાયેલો છે. આવું દાસત્વપણું દૃઢ કરવાની રીત શીખવતાં જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૨ની ૯૫મી વાતમાં કહ્યું છે, “બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરે ક્રિયા મહારાજની સ્મૃતિએ સહિત કરવી. જોવું તે પણ મૂર્તિની સ્મૃતિએ સહિત જોવું. એમ સર્વે ક્રિયાઓ મહારાજની મૂર્તિને લઈને કરવી, પણ મૂર્તિને મૂકીને કાંઈ પણ કરવું નહીં. અને પોતાને વિષે કોઈ રૂડા ગુણ બતાવે અથવા પોતાને રૂડા ગુણ ભાસે એ સર્વે મહારાજને લઈને છે, માટે મૂર્તિને વિષે સર્વ વળગાડવું, પણ લગારે પોતાપણું આવવા દેવું નહિ એવી નિરંતર સૂરત રાખવી. તો મહારાજને વિષે દાસપણું દૃઢ થાય છે.”
આવું દાસપણું દૃઢ કરવાનું લક્ષ્ય કેળવીએ. તે માટે પ્રથમ અવરભાવમાં સૌના દાસાનુદાસ થઈએ અને પરભાવમાં મૂર્તિમાં નિમગ્નપણે જોડાયેલા રહીએ.