દાસાનુદાસ થઈ રહીએ - 2

  April 19, 2021

અવરભાવની ગમે તેટલી મોટપ, સત્તા હોય તોપણ સત્સંગમાં જેટલા દાસના દાસ થઈને રહેવાય એટલી જ મહારાજના રાજીપાની મોટપ મળે છે. દાસત્વભાવ એ મહારાજ, મોટાપુરુષ અને સૌને સહજમાં સરળતાથી રાજી કરવાની ગુરુચાવી છે.
લૌકિક માર્ગ કે અલૌકિક માર્ગમાં જેનું જેટલું મહાત્મ્ય સમજાય એટલા એમની આગળ દાસ થવાય.
સ્ત્રીને પોતાના પતિનું મહાત્મ્ય સમજાય છે કે, આ જ મને આખી જિંદગી પાલવશે, સાચવશે તો પોતાનું મનગમતું મૂકીને દાસ થઈને રહેવાય છે.
નોકરને શેઠનું મહાત્મ્ય સમજાય છે કે, એ વઢશે, અપમાન કરશે તોય મહિનાના અંતે પગાર તે જ આપશે. એના વગર મારો નિર્વાહ નહિ ચાલે; તો શેઠની આગળ દાસ થઈને રહેવાય છે.
વિદ્યાર્થીને ભણવાની ગરજ હોય તો શિક્ષક આગળ દાસ થઈને રહેવાય છે.
જેમ અરદેશરજીને મહારાજના રાજીપાની ત્વરા હતી, મહાત્મ્ય હતું તો સૌની આગળ દાસ થઈ શક્યા. દાસ થયા ત્યારે જ સત્સંગમાં અતિશે મોટપને પામ્યા.
આમ, દાસત્વભાવ એ સત્સંગમાં આંતર સમૃદ્ધિ વધારવાનો કીમિયો છે. જેટલા દાસત્વભાવે વર્તાય એટલા મહારાજના સંબંધથી વિશેષ ભર્યા રહેવાય. મુમુક્ષુતાના માર્ગે આગળ વધવા દાસત્વભક્તિ એ પાયારૂપ છે.
સત્સંગમાં આવનાર સાધકના જીવનમાં દાસ, દાસના દાસ, ખરા દાસ એવા પડતા ભેદને સમજીએ.
દાસ :
સામાન્ય અર્થમાં દાસ એટલે સેવક. હું કશું જ નથી અને બધા કરતાં ન્યૂન અને નાનો છું એવી સમજણથી રહે તેને દાસ કહેવાય.
પોતાનું ગમતું, રુચિ, શોખ, આગ્રહ બધું જ મૂકી સ્વામીની (ઉપરીની) મરજીમાં રહે તેને દાસ કહેવાય.
શ્રીજીમહારાજે પણ ગઢડા પ્રથમના ૧૪મા વચનામૃતમાં કહ્યું છે, “પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહિ; એવો જે હોય તે હરિનો દાસ કહેવાય.”
દાસાનુદાસ :
સામાન્ય અર્થમાં દાસાનુદાસ એટલે ગુલામ. વ્યતિરેકના સંબંધવાળા સૌ શ્રીજીમહારાજના દાસ છે. એ દાસના પણ દાસ, સેવક થઈને રહેવાય તે દાસાનુદાસ થયા કહેવાય.
ગુલામને પોતાનું કાંઈ આગવું હોય જ નહિ, નાના-મોટા જ્યારે જેમ રાખે તેમ રહે. એવી રીતે વ્યતિરેકના સંબંધવાળા અવરભાવમાં નાના દેખાતા હોય તેમના પણ સેવક થઈને રહેવું તે દાસાનુદાસ થયા કહેવાય.
ખરા દાસ :
ખરા દાસ એકમાત્ર અનાદિમુક્ત છે. શ્રીજીમહારાજની મૂર્તિ સાથે રોમ રોમ પ્રત્યે પુરુષોત્તમરૂપ થઈ, શ્રીજીમહારાજની મૂર્તિની અંદર-બહાર રહીને સમગ્ર મૂર્તિનું સુખ અનાદિમુક્ત ભોગવે છે. તેઓ તદ્રૂપ, તલ્લીન, ઓતપ્રોત બની રસબસભાવે સુખ ભોગવે છે. અને એટલે જ તેઓ રોમ રોમપણે પુરુષોત્તમરૂપ થઈ શ્રીજીમહારાજની મૂર્તિનું સંપૂર્ણ સાધર્મ્યપણું પામેલા છે. તેમને શ્રીજીમહારાજ પોતાની મૂર્તિથી બહાર દેખાવા દેતા નથી. દેખાવ એકમાત્ર મહારાજનો જ રહે છે. તેમ છતાં અનાદિમુક્તો સદાય દાસ થઈ સેવકભાવે મૂર્તિનું સુખ જ લે છે; કદી સ્વામી થતા નથી. તેમને સ્વામી એવા શ્રીજીમહારાજના સુખનો જેમ જેમ વિશેષ અનુભવ થાય તેમ તેમ દાસત્વપણું દિન-પ્રતિદિન વધતું જાય છે. સેવકભાવ વધુ ને વધુ દૃઢ થાય છે. માટે ખરા દાસ તો એકમાત્ર અનાદિમુક્ત જ છે.
“ભગવાનનો મહિમા પણ અતિશે અપાર છે, માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી તે સારુ જે જે ભગવાનના ભક્ત બ્રહ્મસ્વરૂપ થયા છે, તોપણ ભગવાનના દૃઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે, એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, તોપણ સ્વામી-સેવકપણું રહે છે ” - ગઢડા મધ્યનું ૬૭મું વચનામૃત
આથી મોટા સંતોએ કહ્યું છે,
“મૂર્તિમાં સંલગ્ન છતાં છે, સ્વામી સેવકને ન્યાય;
સુખના દાતા સ્વામિનારાયણ, ભોક્તા મુક્ત સદાય.”
સત્સંગમાં દાસ, દાસાનુદાસ અને ખરા દાસ આ ત્રણેય સંજ્ઞામાં આવતા મુક્તો હોય છે જેઓ તેમનાં ગુણ, લક્ષણ ને વર્તને કરીને ઓળખાય છે. સત્સંગના યોગમાં આવ્યા પછી આપણો અંતિમ લક્ષ્ય ખરા દાસ એવા અનાદિમુક્ત થવાનો જ છે. પરંતુ ઉપર ચડવાની શરૂઆત પ્રથમ પગથિયાંથી જ કરવી પડે તેમ ખરા દાસ થવાનો પ્રારંભ દાસ થવાથી જ થાય છે. દાસ થયા પછી દાસાનુદાસ થઈ ખરા દાસ થવું જ છે. આ લક્ષ્ય સાથે મંડ્યા રહેવાથી જ સત્સંગમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થાય છે.
ખરા દાસ થવાનો લક્ષ્ય રાખી આગળ વધીએ એ જ પ્રાર્થના.