દાસાનુદાસ થઈ રહીએ - 6

  May 17, 2021

બે સત્સંગી ભાઈઓને વ્યવહાર બાબતે તકરાર થઈ. એક ભાઈએ સમાધાન માટે સંસ્થાના વરિષ્ઠ સંતને ફોન કર્યો. એ વખતે તેઓ ગોધર વિચરણાર્થે પધાર્યા હતા. તેથી કહ્યું, “અત્યારે વિચરણમાં ખૂબ વ્યસ્ત છીએ માટે બે દિવસ પછી અમે પાછા આવીએ ત્યારે આવજો.”
વરિષ્ઠ સંતની આજ્ઞાને અવગણીને બીજા દિવસે સવારે ૭:૦૦ વાગ્યે બંને ભાઈઓ ગોધર મંદિર પહોચી ગયા. ૭:૩૦ વાગ્યે પ્રાત: સભા હોવાથી વરિષ્ઠ સંતે સભા પછી મળવા જણાવ્યું. તેઓ માત્ર ૧૫ મિનિટનું જ કામ છે તેમ કહી બેસી ગયા.
૧૫ મિનિટની વાત ૩ કલાક ચાલી. સભામાં આવેલા ૫૦૦ હરિભક્તો વરિષ્ઠ સંતનો લાભ લીધા વગર અન્ય સંતોનો લાભ લઈ જતા રહ્યા. તેમ છતાં તેમણે ધીરજથી તેમના પ્રશ્નનું સુખદ સમાધાન કરવા પ્રયત્ન કર્યો. તેઓએ બંને ભાઈઓને સમજાવતાં કહ્યું, “જે થયું તે પણ હવે તમે બંને દાસ થઈ દિવ્યભાવથી એકબીજાને દંડવત કરી માફી માગી લો અને બધું ભૂલી જાવ.”
અહંકારની કડવાશ માત્ર તેમના અંતરમાં જ નહોતી પણ લોહીની બુંદ બુંદમાં હતી તેથી સહેજે મોં પર ઊભરાતી હતી. વરિષ્ઠ સંતે અતિ આગ્રહપૂર્વક કહ્યું ત્યારે એકબીજાને દંડવત કર્યા. પરંતુ દંડવત કરતાં એકબીજાને કહેતા હતા કે, “આ તો સ્વામીએ કહ્યું એટલે કરું છું બાકી તારા પર કોઈ થૂંકે પણ નહીં.”
આવી અહંકારી પ્રકૃતિને જોઈને જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિના કડવા-૨૩માં કહ્યું છે,
“માની કેનું માને નહિ, મર હોયે વાલપનાં વેણ,
આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિનરેણ.”
બંને ભાઈઓ વરિષ્ઠ સંત પાસે સમાધાન કરવા આવ્યા હતા. તેમ છતાં પોતાના અહંકારને કારણે તેમના વચને પોતાના સગા ભાઈ આગળ પણ દાસ થઈ નમી ન શક્યા.
આવી અહંકારની ચીકાશવાળી પ્રકૃતિ વ્યવહારમાં તો દૃઢપણે રહે છે, પણ સત્સંગમાં આવ્યા પછી પણ પોતાનું સ્ટેટસ અને સત્તાનો અહંકાર સમયે પ્રદર્શિત થઈ જતાં હોય છે.
ઈ.સ. ૧૯૮૮-૮૯માં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી નૂતન વાસણા મંદિર ખાતે ઠાકોરજીની સેવામાં હતા. એક દિવસ પ્રાત: સભા મોડે સુધી ચાલી. ઠાકોરજીના થાળનું મોડું થાય તેમ હોવાથી એક હરિભક્તને ૨૦૦ ગ્રામ જેટલું થાળનું શાક સમારવાનું ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું. તેથી શાક સમારવા તો તેઓ કમને બેઠા. પરંતુ નીકળતાં દાનભેટ ઑફિસ પર કહેતા ગયા કે, “સ્વામીએ મારું મોં જોઈને, મારું સ્ટેટસ જોઈને સેવા સોંપવી જોઈએ ને ! મને શાક સુધારવાનું કહ્યું; હવે આ મંદિરમાં આવે તે બીજા.” બસ એ દિવસે શાક સુધારીને ગયા તે ગયા. શાક તો સુધાર્યું પણ અહંકારે કરીને પોતાના જીવનું બગાડતા ગયા.
સત્સંગમાં માન મૂકી દાસ થવા આવતા હોવા છતાં મને સંયોજક કરે, લીડર કરે, ઉપરી કરે એવી તથા આગળ નામ બોલાય, રાજીપો દર્શાવાય, મોટી સેવા આપે, ખુરશી-ટેબલની સેવા આપે એવી અનેક ઇચ્છાઓ અહંકારને કારણે રહેતી હોય છે જે વિઘ્નરૂપ છે.
તેથી જ શ્રીજીમહારાજે આવા માન પ્રત્યે અનુરોધ કરતાં ગઢડા છેલ્લાના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે, “જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહિ, જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું કે હું રૂપવાન છું કે હું પંડિત છું એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનુદાસ થઈ રહેવું.”
મહારાજ અને મોટાપુરુષનો હંમેશનો આગ્રહ સૌને દાસાનુદાસ થઈ મૂર્તિનું સુખ પમાડવાનો જ હતો અને આજે પણ એ જ છે. તેમ છતાં સત્સંગના યોગમાં આવનાર દરેક સાધક દાસાનુદાસ થઈ શકતા નથી.
જૂનાગઢ એટલે જોગીઓનો અખાડો. જ્યાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં ૪૦૦ સાધુ રહેતા. સ્વામી પણ અખંડ કથાવાર્તાનો અખાડો ચલાવતા.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં સુયજ્ઞાનંદ સ્વામી નામના મોટા વિદ્ધાન, બુદ્ધિશાળી અને વ્યવહારકુશળ સંત હતા. સ્વામીએ તેમને કોઠારી પદ આપી જૂનાગઢનો વ્યવહાર સોંપ્યો હતો.
દાસભાવે નિમિત્ત થઈ મંદિરના વહીવટની સેવા કરવાને બદલે તેઓ સત્તાના તોરમાં આવી ગયા. જેથી મંદિરમાં નાના-મોટા સંતો-હરિભક્તોને ક્યારેક વઢે, ક્યારેક જેમ તેમ બોલી અપમાન કરી નાખે, ધમકાવે. પોતાના મોટાપણાના માનમાં કેટલાય નિર્દોષ અને ગરીબ સંતો-હરિભક્તોનો તેમનાથી દ્રોહ થઈ ગયો હતો. તે ભેળો મહારાજનો પણ દ્રોહ થયો કહેવાય.
શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૬૨મા વચનામૃતમાં ગરીબને દૂભવવાનું ફળ દર્શાવતાં કહ્યું છે કે, “જો અહંકારને વશ થઈને જેને તેને દૂભવતો ફરે તો ગર્વગંજન એવા જે ભગવાન તે અંતર્યામી રૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ, પછી ગમે તે દ્વારે પ્રગટ થઈને એ અભિમાની પુરુષના અભિમાનને સારી પેઠે નાશ કરે છે.”
સુયજ્ઞાનંદ સ્વામીનો દૃઢ થઈ ગયેલો અહમ્ ભાવ અને તેના પરિણામે સંતો-ભક્તોના થયેલા દ્રોહના પરિણામ સ્વરૂપે ગર્વગંજન એવા મહારાજે તેમને આખા શરીરમાં બળતરા મૂકી. આખા શરીરમાં અતિશે બળતરા થતી હતી. તેથી તેઓ એક મોટા તપેલામાં ગળાડૂબ પાણી ભરી તેમાં બેસી રહેતા. તોપણ તેનાથી અંતરની બળતરા શમતી ન હતી. ન તો દેહ પડે કે ન તો રહેવાય તેવી પરિસ્થિતિ થઈ ગઈ.
છેવટે તેઓ મુખમાં તરણું લઈ સદ્. ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા અને પ્રાર્થના કરી કે, “સ્વામી, હવે રહેવાતું નથી. ગમે તેમ કરી દેહ પડાવો.” ત્યારે સ્વામીએ કહ્યું, “સાધુરામ, આ તમે સત્તાના જોરે બધાનો દ્રોહ કર્યો છે તેનું પરિણામ છે. માટે હવે તેનું એક જ પ્રાયશ્ચિત્ત છે કે તમે જેનો જેનો દ્રોહ કર્યો છે તે બધા જ સંતોના આસને જઈને અને હરિભક્તોની પાસે જઈ તેમની દાસભાવે કગરીને માફી માગો. તેઓ રાજી થશે ત્યારે તમારો અપરાધ માફ થશે અને દેહ પડશે.”
સ્વામીને પોતાની ભૂલ સમજાઈ તેથી સંતો-હરિભક્તો આગળ કગરીને દાસભાવે માફી માગી ત્યારપછી જ મહારાજ તેમને ધામમાં તેડી ગયા. અર્થાત્ જે દાદા કે બૉસ થાય તેને મહારાજ તેડી જતા નથી. જે દાસનાય દાસ થાય તેને જ મહારાજ પોતાના ધામમાં, મૂર્તિના સુખમાં લઈ જાય છે.
સુયજ્ઞાનંદ સ્વામી જેમ સદ્. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા તેમ સદ્. બાલમુકુંદદાસજી સ્વામી પણ તેમના જ શિષ્ય હતા. તેમ છતાં બંને શિષ્યમાં જમીન-આસમાનનો ભેદ હતો. સુયજ્ઞાનંદ સ્વામી દાસ ન થયા તો મોક્ષ માર્ગમાં વિઘ્ન આવ્યું. જ્યારે પોતાનો અહંકાર મૂકી દાસ થયા ત્યારે જ સુખી થયા પરંતુ દેહ છતાં સદ્. ગુણાતીતાનંદ સ્વામીના કલ્યાણકારી ગુણનો વારસો ન પામી શક્યા જ્યારે સદ્. બાલમુકુંદદાસજી સ્વામી દાસ થયા ત્યારે જ સદ્. ગુણાતીતાનંદ સ્વામીના કલ્યાણકારી ગુણનો વારસો પામી શક્યા હતા.
આથી જે સંતોએ અહમ્ રાખ્યો તેમને બહુ મોટું નુકસાન ગયું હતું. અને જે દાસાનુદાસ થઈને રહ્યા તેઓ રાજીપાના પાત્ર થયા હતા.
એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી સંતો-હરિભક્તો પાસે મંદિરની વાડીમાં પથ્થર ભાંગવાનું કામ કરાવતા હતા. સ્વામી એક ઝાડ નીચે બિરાજી માળા કરતા હતા. એ વખતે મંદિરમાં સ્વામીની ખ્યાતિ સાંભળી પાંચ-છ બ્રાહ્મણો ચર્ચા કરવા આવ્યા હતા. મંદિરમાંથી સંતે એક પાર્ષદને સાથે મોકલી બ્રાહ્મણોને વાડીએ મોકલ્યા.
બ્રાહ્મણો સ્વામી પાસે વાડીએ આવ્યા અને કહ્યું, “સ્વામી, અમે તમારી પાસે જ્ઞાનગોષ્ઠિ કરવા આવ્યા છીએ.” સ્વામીએ કહ્યું, “ભૂદેવો, અહીં તો પાષાણ (પથ્થર) ગોષ્ઠિ થાય છે. જ્ઞાનગોષ્ઠિ તો મંદિરના સભામંડપમાં થાય માટે ત્યાં હાલો.” સ્વામી બ્રાહ્મણો સાથે મંદિરમાં જવા તૈયાર થયા. એ વખતે બાજુમાં મોટા વિદ્વાન અને વડીલ સંત સદ્. બાલમુકુંદદાસજી સ્વામી દાસભાવે ઘણથી પથ્થર તોડવાની સેવા કરતા હતા. તેમને કહ્યું, “સાધુરામ, વાતું કરવા હાલો. આપણે આ બ્રાહ્મણો સાથે જ્ઞાનગોષ્ઠિ કરવાની છે.”
મંદિરમાં જઈ સદ્. બાલમુકુંદદાસજી સ્વામી હાથ-પગ ધોઈ કથાવાર્તા કરવા આસન પર બિરાજ્યા. આ જોઈ બ્રાહ્મણોની વચ્ચે ચર્ચા શરૂ થઈ કે, “આ પથ્થર ફોડનાર સાધુ શું કથા કરશે ? અને શું અમારા જ્ઞાનની ચર્ચા કરશે ?”
સદ્. બાલમુકુંદદાસજી સ્વામીએ મંગળાચરણ કરી કથા શરૂ કરી. સ્વામીની કથામાં બ્રાહ્મણો માત્ર જ્ઞાનગોષ્ઠિ કરવાનું જ નહિ, પોતાના દેહનું પણ ભાન ભૂલી ગયા. બ્રાહ્મણોના મુખની બદલાતી રેખા જોઈ સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું, “ભૂદેવો, શું વિચાર કરો છો ?”
બ્રાહ્મણો એકસાથે બોલી ઊઠ્યા કે, “સ્વામી, અમે આવું નહોતું ધાર્યું. અમને એમ કે આ પથ્થર ફોડનાર શું વાતો કરશે ? પણ આ તો મહાપુરાણી છે, જ્ઞાનનો ભંડાર છે. તેમની વાતમાં ટાઢું થાય છે.” સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, “ભૂદેવો ! અમારે અહીં જે પથ્થર ફોડે એ જ પાનાં ફેરવી શકે.” અર્થાત્ જે દાસભાવે સેવા કરે એ જ મોટા થઈ શકે.
બ્રાહ્મણોએ કહ્યું, “અમને તો એવી ધારણા હતી કે જે પુરાણી હોય તે પથ્થર ન ભાંગે ને પથ્થર ભાંગે તે પુરાણી ન હોય.” અર્થાત્ જે દાસભાવે નીચી ટેલની સેવા કરતા હોય તે મોટા કથાકાર કે સદ્ગુરુ ન હોય અને સદ્ગુરુ હોય તે આવી નીચી ટેલની સેવા ન કરે.
સ્વામીએ આગળ કહ્યું, “ભૂદેવો, જ્ઞાનનું ફળ સેવા છે. જે જ્ઞાનની મોટી મોટી વાતું કરે પણ દાસભાવે સેવા ન કરે તો એનું જ્ઞાન પાંકડી ગાય જેવું કહેવાય. પાંકડી ગાય દેખાય સારી પણ દૂધ ન આપે. માત્ર પૂજવાના કામમાં લાગે. તેમ સેવા વગરના પુરાણી એ માત્ર પૂજવાના કામમાં લાગે પણ તેમની સાધુતા શોભે નહીં. કારણ, નીચી ટેલની સેવાથી જ દાસત્વભાવ દૃઢ થાય ને સાધુતા શોભે. માટે ગમે તેવા મોટા હોય તોય દાસભાવે નીચી ટેલની સેવા તો કરવી જ.”
‘હરિને ગમે એવા થવું જ છે’ના કૃપાવાક્ય ૪૩માં તેથી જ કહ્યું છે, “જેનામાં સેવાનો ગુણ હોય તેને જ દાસભાવ દૃઢ થાય. તે જ સત્સંગમાં ખાટી જાય. સેવા એ અહમ્ શૂન્ય થવાનો ઉપાય છે. સેવકમાં સેવાનું અંગ જોઈએ, જોઈએ ને જોઈએ જ. સેવા વગર મોટા સદ્ગુરુ હોય તોય ન શોભે.”
સદ્. બાલમુકુંદદાસજી સ્વામી મોટા સદ્ગુરુ હતા પણ તેમનામાં દાસભાવે સેવા કરવાનું અંગ હતું.  સંતો-હરિભક્તો અને પોતાના ગુરુ સાથે અતિ દાસત્વભાવે વર્તતા હતા તો ગુરુના કલ્યાણકારી ગુણોનો દિવ્ય વારસો પામી શક્યા. ગુરુના રાજીપાએ કરીને મોટા ગુણને પામી શક્યા.
શ્રીજીમહારાજે તેથી જ ગઢડા પ્રથમના ૫૬મા વચનામૃતમાં કહ્યું છે, “જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં (જે વૈરાગ્ય, આત્મજ્ઞાન અને ભક્તિનું માન રાખી કોઈની આગળ નમતા ન હોય) ન આવે.”
મોટાપુરુષના દિવ્ય કલ્યાણકારી ગુણો પામવા દાસભાવની દુનિયા તરફ પગરવ માંડીએ.