દાસાનુદાસ થઈ રહીએ - 7

  May 24, 2021

દાસત્વભાવ એ અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોને સાચવવાની તિજોરી છે. સ્વામી પાસે આ દાસભાવરૂપી તિજોરી હતી તો જીવનપર્યંત દિવ્ય કલ્યાણકારી ગુણોનો વારસો સાચવી શક્યા. તે જ ઇતિહાસનાં પૃષ્ઠો ઉપર અમર થઈ ગયા. તે માત્ર ગુરુના જ નહિ, સૌના રાજીપાના પાત્ર બની શક્યા.
જે સત્સંગમાં મોટા આગળ દાસત્વભાવે વર્તે તેના ઉપર તો મહારાજ અને મોટાપુરુષ રાજી થાય પણ સંતો-ભક્તો સૌની આગળ દાસભાવે વર્તે તેના ઉપર અતિશય રાજી થાય.
સંસારમાં જોઈએ તો બાપને દીકરો વ્હાલો હોય તે કરતાં પણ પૌત્ર વધુ વ્હાલો હોય. મૂડી કરતાં વ્યાજમાં વધુ હેત હોય તેમ. શ્રીજીમહારાજ આપણા સૌના બાપ છે, તેમના દીકરા મોટાપુરુષ અને સંતો-હરિભક્તો તો તેમના પણ દીકરા કહેવાય. તેથી જેટલા સંતો-ભક્તોના દાસ થઈ વર્તાય તેટલા મહારાજ વધુ રાજી થાય. કારણ, મૂડી કરતાં વ્યાજ સમાન સંતો-ભક્તો મહારાજને અતિશય વ્હાલા છે.
તેથી મહારાજ સંતો-હરિભક્તોનું પોતાના કરતાં પણ અધિક મહાત્મ્ય સમજાવતા. એક વખત જેતલપુરમાં શ્રીજીમહારાજ સંતો-હરિભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં જમવા પધારતા હતા. ભાદરવાનો તાપ અતિશે તપતો હતો. તેથી ભગુજીએ મહારાજના મસ્તક ઉપર છત્ર ધર્યું હતું. મહારાજે બે-ત્રણ વખત હાથથી છત્ર દૂર કર્યું. છતાંય ભગુજીએ જોરથી તે છત્રને પકડી રાખ્યું.
મહારાજ થોડુંક આગળ ચાલ્યા અને ઊભા રહી ગયા. છત્રનો ડાંડો જોરથી પકડ્યો તેથી ભગુજીના હાથમાંથી છત્ર છૂટી ગયું. મહારાજે છત્રને જોરથી નીચે પછાડ્યું તેથી તેના બધા સળિયા છૂટા થઈ ગયા.
મહારાજના મુખારવિંદ પર નારાજગીના ભાવ દેખાતા હતા. વક્રદ્રષ્ટિ કરી ભગુજીને ઠપકો આપતાં કહ્યું, “આ બધા સંતો-હરિભક્તો તાપમાં ચાલે છે અને તમે અમારા માથે શીદ છત્ર ધરો છો ?” મહારાજને સંતો-હરિભક્તો અતિશે વ્હાલા હતા. તેથી તેમને મૂકીને પોતા ઉપર છત્ર ધર્યું તે ન ગમ્યું. આવી રીતે શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત વ્યાજ સમાન સંતો-ભક્તોનો મહિમા સમજતા-સમજાવતા અને જે તેમના દાસ થઈને રહે તેમની ઉપર અત્યંત રાજીપો દર્શાવતા.
એક વખત શ્રીજીમહારાજે ગઢપુરની સભામાં સંતો-હરિભક્તોને કહ્યું, “જે આ ઢોલિયાના સત્સંગી હોય તે ઢોલિયા કેડે (પાસે) બેસો અને જે સત્સંગીના સત્સંગી હોય તે નોખા બેસો.” મહારાજનું વચન સાંભળી સભામાંથી સૌ સંતો-હરિભક્તો શ્રીહરિના ઢોલિયા ફરતે બેસી ગયા. માત્ર એકલા પર્વતભાઈ જ નોખા બેઠા હતા.
સૌ બેસી ગયા પછી શ્રીજીમહારાજ ઊભા થઈ પર્વતભાઈની ભેળા જઈ બેસી ગયા. મહારાજની લીલા સૌ આશ્ચર્યવત્ જોઈ રહ્યા હતા. મહારાજે કહ્યું, “તમે બધા ઢોલિયાના સત્સંગી છો જ્યારે અમે તો સત્સંગીના પણ સત્સંગી છીએ, દાસનાય દાસ છીએ.”
લોક વ્યવહારમાં કે સત્સંગમાં મોટપ બે રીતે પમાય. એક સદ્ગુણથી અને બીજી સત્તા-સંપત્તિ, યશ-કીર્તિથી. સદ્ગુણથી પામેલી મોટપ સાચી અને કાયમી છે; તે જ જીવનની સાચી શોભા છે.
સદ્ગુણના આવિર્ભાવનો પ્રારંભ ગરીબ સ્વભાવથી થાય. ગરીબ સ્વભાવ એ ગુણનું બજાર છે. જેમાં બધા જ ગુણો મફત મળે છે. પણ પ્રથમ ગરીબ સ્વભાવ કેળવવો પડે.
સદ્ગુણોની આંતર સમૃદ્ધિ પામવાનો રાજમાર્ગ ગરીબ સ્વભાવ છે. હવે આંતર સમૃદ્ધિ વધારવી કે ઘટાડવી તેની પસંદગી દરેકે જાતે કરવાની છે. જેટલો ગરીબ સ્વભાવ વધુ દૃઢ થાય તેટલી દિન-પ્રતિદિન આંતર સમૃદ્ધિ વધતી જાય.
જે સરળ સ્વભાવી થઈ સૌની સાથે લીંબુના પાણીની જેમ ભળી જાય, સૌની આગળ હાથ જોડી નમી શકે, દલીલ કર્યા વગર પોતાની ભૂલને સ્વીકારે, આકરા વેણ-વર્તનને ખમી લેવાની સહનશીલતા હોય, નિર્દોષ ઠરવા નહિ; નિર્દોષ બનવા પ્રયત્ન કરે, સૌને મુક્ત સમજી દિવ્યભાવે સેવા કરે, પોતાનું ધાર્યું કરવા કે કરાવવાનો કોઈ પ્રયત્ન ન કરે, પોતાના ગુણનો કોઈ ‘હું’આટો ન હોય... આવા હોય તેને ગરીબ સ્વભાવવાળા કહેવાય.
આવું ગરીબપણું પકડી રાખવાનો આગ્રહ દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૬૨મા વચનામૃતમાં કહ્યું છે, “ભગવાનના ભક્ત હોય તેને અતિશે ગરીબપણું પકડવું પણ કોઈનું અપમાન કરવું નહિ, કાં જે ભગવાન તો ગરીબના અંતરને વિષે પણ વિરાજમાન રહ્યા છે. તે એ ગરીબના અપમાનના કરતલનું ભૂંડું કરી નાખે છે, એવું જાણીને કોઈ અલ્પ જીવને પણ દૂબવો નહીં.”
ગરીબ સ્વભાવ એ આત્માની કુણાશ છે અને અહંકારેયુક્ત અટંટપણું એ આત્માની કઠોરતા છે. ગરીબ સ્વભાવવાળા પોતાનું ગમતું મૂકી સૌની મરજીમાં તથા ગમતામાં રહી શકે; તેનાથી સૌનો રાજીપો થાય. સૌ સારા સારા કહે તે રાજીપાએ કરીને તેમનું આંતરિક બૅલેન્સ વધતું જાય.
શુકમુનિ શ્રીહરિના જમણી ભુજારૂપ અંતરના રાજીપાપાત્ર હતા તેથી મહારાજ પોતાના રહસ્ય અભિપ્રાય અને અંગત રુચિ તેમને જણાવતા. એક વાર શ્રીજીમહારાજે શુકસ્વામીને વાત કરતાં કહ્યું હતું કે, “ભગવાનના ભક્તને કોઈ રીતે કોચવવા નહીં. કારણ કે મોટા કે નાના કોઈ ભક્તને દુખવે તે ભગવાન પામી શકે નહીં.” તથા બીજો પ્રસંગ કહ્યો કે,
“એક વાર એક કરોડોનો આસામી, બુદ્ધિશાળી લોજમાં સદ્. રામાનંદ સ્વામી પાસે વિવાદ કરવા આવ્યો. તેને જોઈ સદ્. રામાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો : તેનું સારું થાઓ. તો તત્કાળ સાધુ થઈ ગયો. તેમ મોટાની દ્રષ્ટિથી તત્કાળ સુખ મળે છે ને જીવ બળિયો થઈ જાય છે.
જેને અખંડ ભગવાન સાંભરતા હોય તેવા સાધુ હોય તેને એમ સંકલ્પ થાય તથા બીજા પાસે એમ કહે જે, આ સાધુ બહુ જ સારો છે તથા આ હરિભક્ત બહુ જ સારો છે. એમ રાજી થાય તો તેનો જીવ બહુ રૂડો થઈ જાય ને મોટા સાધુ એમ જાણે જે આ હરિભક્ત સારો નથી તો તેનો જીવ દિવસે દિવસે ઊતરી જાય છે. માટે મોટા વાંસેથી વખાણે તેવું હેત રાખવું.” આવી રીતે શ્રીજીમહારાજે સદ્. શુકસ્વામીને મોટા સંતનો રાજીપો આપણા જીવનમાં બહુ કામ કરે તે જણાવ્યું.
જેમ કોઈ મોટો માણસ હોય તે ગરીબને ત્યાં લગ્નમાં ચાંદલો કરે તો તેની રકમ પણ મોટી હોય તેમ મોટા રાજી થાય તો બૅલેન્સ વધુ વધે તેમ છતાં સંતો-હરિભક્તોને ગૌણ પણ નહિ થવા દેવાના. તેમની આગળ પણ દાસભાવે વર્તવાથી તેઓ જેટલા સારા સારા કહે તેટલું આપણું બૅલેન્સ વધતું જાય. ટીપે ટીપે સરોવર ભરાય તેમ સૌના રાજીપાએ કરીને ચૈતન્યભૂમિકા બદલાઈ જાય.
જગતમાં એવી માનીનતા છે કે, ‘ઘેંસમાં સૌ હાથ નાખે’, ‘પોચાને સૌ દબાવે.’ ઘણી વાર આપણે પણ આ જ માનીનતામાં અટવાઈ જઈએ છીએ. તેથી ગરીબ સ્વભાવવાળા થઈ દાસભાવે વર્તવું તેને કમજોરી માનીએ છીએ અને એવું વિચારીએ કે જો આપણે સહન કરીશું તો બધા ચડી બેસે.
આ માનીનતા તદ્દન ખોટી છે. ગરીબ સ્વભાવવાળાને મહારાજનો સંબંધ હોય તેથી તેમના પ્રભાવથી સૌ પ્રભાવિત થઈ જાય. ઉપરથી તેમને દૂભવતા સૌ ડરે અને ક્યાંક દૂભવાઈ જાય તોય પસ્તાવો થાય. માટે સત્સંગમાં જે ગરીબ સ્વભાવે વર્તે તેની જ જીત થાય છે. અને એવો ગરીબ સ્વભાવ કેળવવા ગરીબ સ્વભાવવાળાને રાજી કરવા; તેમને કદી દૂભવવા નહીં.
જાણે-અજાણે ગરીબ સ્વભાવવાળા દૂભવાઈ જાય તો તેનું નુકસાન દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું જ થાય નહીં. ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબમાત્રને લેશમાત્ર દુખાવવો નહિ... અને જો ગરીબને દુખાડે તો બ્રહ્મહત્યા જેટલું પાપ થાય છે.”
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તેથી જ કહે છે કે, “કોઈ દિવસ ગરીબ સ્વભાવવાળાને દુખવવા નહિ અને સૌના દાસાનુદાસ થઈને રહેવું; તો જ મહારાજ જે કાંઈ ગુણ-આવડત આપે તે શોભે. દાસ થયા વિના જે કાંઈ મોટાઈ મળે તે લૌકિક સિદ્ધિ કહેવાય. તે મોક્ષ માર્ગમાંથી પાડે. માટે દાસાનુદાસ થઈને રહેવાનો લક્ષ્ય રાખવો.”
દાસત્વભાવ વિના કોઈ સિદ્ધિ શોભતી નથી તે દર્શાવતાં શ્રીજીમહારાજે શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૧૬, તરંગ-૩૯માં કહ્યું છે, “અનંત ધ્યાન-ધારણા કરતો હોય, ભૂત-ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય, અનંત જીવોની નાડી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય તોપણ જો દાસપણું ન હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે.” અર્થાત્ અવરભાવમાં ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોપણ તેની કોઈ કિંમત નથી. દાસત્વભાવ જ સૌથી મોટી અલૌકિક સિદ્ધિ છે.
જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૩૭મી વાતમાં કહ્યું છે, “જેને સત્સંગમાં દાસપણું હોય તે જ ઊંચે પગથિયે ચઢે છે. મહારાજને સાથે રાખવા ને દાસપણું રાખવું તો ઘણો લાભ થાય.”
દાસત્વભાવ એ સત્સંગને સજીવન રાખનાર સંજીવની છે. સત્સંગમાં લીડર, ઉપરી કે પૂજ્ય થવું સહેલું છે. પરંતુ સંજીવની સમાન દાસત્વભાવ કેળવવો બહુ કઠણ છે. તેમ છતાં અઘરું તો નથી જ. સૌના દાસાનુદાસ થવાના ઉપાય સતત કરતા રહેવાથી તે સહજ થઈ જાય છે. દાસત્વભાવ આપણા જીવનનું અંગ બની જાય છે.
દાસત્વભાવને આપણા જીવનનો અધ્યાય બનાવીએ એ જ પ્રાર્થના.