દાસાનુદાસ થઈ રહીએ - 8

  May 31, 2021

દાસાનુદાસ થવાના ઉપાય :
૧. મોટાપુરુષ અને સંતો-ભક્તોનો મહિમા સમજવો અને સત્સંગમાં ગરજુ થઈ રહેવું :
શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૨૮મા વચનામૃતમાં કહ્યું છે, “ભગવાનની ને સંતની એવી રીતે મોટાઈ જાણતો હોય તો માન, ઈર્ષ્યા, ક્રોધ રહે જ નહિ ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તોપણ તેના સંગને મૂકીને છેટે જવાને ઇચ્છે જ નહીં.”
અર્થાત્ મોટાપુરુષ કે સંતો-ભક્તોનું મહાત્મ્ય સમજાય તો ગમે તેવું અપમાન કરવા છતાં તેમની પાસે રહેવાની ગરજ રહે.
ગરજુપણું જ દાસ કરે. માટે શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૧૦, તરંગ-૯માં શ્રીજીમહારાજે કહ્યું છે, “સંત-હરિભક્તોના દાસ થવાનો નિત્ય અભ્યાસ રાખવો. પોતાથી તેમને અધિક સમજવા અને સદા ગરજુ રહેવું.”
એક વખત સૌરાષ્ટ્રમાં ભારે દુષ્કાળ પડ્યો હતો. ક્યાંય ખાવા ધાન કે પીવા પાણી ન હતું. એ વખતે માત્ર ભીમનાથના સદાવ્રતમાં રાંધેલું તૈયાર થૂલું મળતું હતું. સવારથી રંક લોકો કડછા થૂલા માટે લાઇનમાં ઊભા રહેતા. ધક્કામુક્કી થાય ત્યારે સદાવ્રત આપનાર બાવાજી ધક્કો મારે. બધા રાંકા નદીની રેતમાં જઈ પડે. વળી પાછા ઊભા થઈ લાઇનમાં ઊભા રહી જાય. ગમે તેટલા ધક્કા ખાવા છતાં તેઓ એમ માનતા કે અહીંથી જ કડછો થૂલું મળશે; નહિ તો ભૂખ્યા રહેવું પડશે. તેથી તેની ગરજ રહેતી.
સત્સંગમાં મોટાપુરુષના રાજીપાથી જ સર્વે કામ સરે છે તેથી મારે મોટાપુરુષની અને એમના રાજીપાની ગરજ છે; એમને મારી કોઈ જરૂર નથી. એ જ રીતે મારે સંતો-હરિભક્તોના રાજીપાની ગરજ છે; એમને મારી ગરજ નથી. મહાત્મ્ય સમજી આવા ગરજુ થવાય તો મોટાપુરુષ અને સૌ સંતો-ભક્તો આગળ સહેજે દાસ થવાય જ. એમની આગળ પોતાના સ્ટેટસનો, આવડતનો, બુદ્ધિનો કોઈ અહંકાર ન રહે.
૨. સરળ સ્વભાવી થઈ હાથ જોડવા :
‘હરિને ગમે એવા થવું જ છે’ના કૃપાવાક્ય ૬૭માં કહ્યું છે, “જે મહારાજ અને મોટાપુરુષની આગળ સરળ થઈ ગયો તેના સાધનકાળનાં તમામ સાધનો સરળ થઈ જાય, સહેજે સહેજે પૂરાં થઈ જાય.” કહેતાં પરભાવ સુધી પહોંચવાનો સાધના માર્ગ સરળ થઈ જાય.
મનની ગાંઠો, મત-મતાંતરો, આગ્રહો છોડી મોટાપુરુષ કે સંતો-ભક્તો સૌની આગળ નિખાલસભાવે, નિર્દંભતાથી ભળી જવું એ જ સરળતા છે. આવા સરળ સ્વભાવવાળા સૌને ગમે છે. પરંતુ તેમાં આપણો અહંકાર આડો આવે છે.
હું જ સાચો અને બરાબર છું, હું કહું એમ જ થવું જોઈએ. આવો ધાર્યું કરવાનો અને કરાવવાનો જિદ્દી, મનમુખી અને હઠીલો સ્વભાવ કોઈની આગળ સરળ થઈ નમવા દેતો નથી. તેથી સત્સંગમાં વિઘ્ન આવે છે.
નદીના કિનારે બે બાજુ લીલી ધ્રો ઊગે છે. આ ધ્રો નદીના પુરપાટ વહેતા પૂરના પાણી સાથે સરળ થઈ નમી જાય છે તેથી તે મૂળ સાથે ચોંટેલી રહે છે. જ્યારે મોટાં મોટાં વૃક્ષો નદીના પ્રવાહમાં અટંટ થઈ ઊભાં રહે છે તો મૂળ સોતાં ઊખડી જાય છે.
સત્સંગમાં જો સરળ થઈ બે હાથ જોડી સૌની આગળ નમી જઈએ તો ધ્રોની જેમ આપણે સલામત રહી શકાય. જો લગારેય અટંટ થયા તો વૃક્ષની જેમ આપણાં મૂળ પણ સત્સંગમાંથી ઊખડી જાય.
સરળ થવામાં વિવેક જરૂર રાખવાનો. પંચવર્તમાન કે સિદ્ધાંતની વિરુદ્ધ બાબતમાં સરળ થઈ કોઈની ભેગા ભળી જવું નહિ; ત્યાં અડગ રહેવું. પરંતુ સિદ્ધાંત અને ઠરાવમાં બહુ ફેર છે. મહારાજ અને મોટાપુરુષની રુચિકર વાત એ સિદ્ધાંત કહેવાય અને આપણી રુચિકર વાતને ઠરાવ કહેવાય. સિદ્ધાંતમાં કદી સમાધાન ન હોય પરંતુ ઠરાવ તો મહારાજ કોઈના ચાલવા જ ન દે.
વાસ્તવિક જીવનમાં સિદ્ધાંત કે પંચવર્તમાનની બાબતમાં સરળ થવાનું બહુ ઓછું થતું હોય છે પરંતુ નાની નાની બાબતમાં સરળ થવાનું થાય ત્યાં આપણા ઠરાવો, મનનું ગમતું મૂકી શકાતું નથી.
જેમ કે, સભાવ્યવસ્થાના સ્વયંસેવક કહે, “અહીં બેસો.” તો આપણે બીજે જ જઈ બેસીએ. દર્શન માટે કે પ્રસાદ લેવા લાઇનમાં આવવાનું કહે તો ધક્કામુક્કી કરીએ; આ જ જીવની અવળાઈ છે.
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ જીવની અવળાઈનું વર્ણન કરતાં ભક્તિનિધિના કડવા-૧૮માં કહ્યું છે,
“ટેવ પડી અવળાઈની, સવળું કરતાં સૂઝે નહિ;
એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહી.
પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર;
વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવળાઈનો કરનાર.
આવ કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં ન જવાય;
એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય.
બેસ કહે ત્યાં બેસે નહિ, ઊભો રહે કહેતાં દિયે દોટ;
એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કે’દિ મોટ.
વારે ત્યાં વળગે જઈ, વળગાડે ત્યાં નવ વળગાય;
એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય.
જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય;
ગ્રહે કહે તો ગ્રહી નવ શકે, મૂક કહે તો નવ મુકાય.
એવા અનાડી નરને, મર મળ્યા છે પ્રભુ પ્રકટ;
પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ.
વળી બાવરીને કહે બાળીશ મા, ઘણી જતન રાખજે ઘરની;
તેણે મેલી અગ્નિ મોભથી, નવ માની શિખામણ નરની.
એવી અવળાઈ આદરી, કોઈ ભક્ત કરે ભક્તાઈ;
નિષ્કુળાનંદ એ નરને, નવ થાય કમાણી કાંઈ.”
સરળ થવામાં કમાણી છે તેટલી બરડ થવામાં નથી. સદ્. શુકસ્વામી સદાય મહારાજ અને સંતોની મરજીમાં જ વર્તતા. તેમનું જીવન ધજાની પૂંછડી જેવું સરળ હતું. ધજાની પૂંછડીને પોતાની કોઈ મરજી ન હોય; તે પવનની દિશામાં સરળ થઈને લહેરાવા માંડે છે. તેમ સદ્. શુકસ્વામી જ્યારથી સાધુ થયા ત્યારથી સરળ સ્વભાવી હતા. તેથી શ્રીજીમહારાજને અતિશય વ્હાલા હતા. પોતાની જમણી ભુજારૂપ કરી આજીવન પાસે રાખ્યા.
શ્રીજીમહારાજ અનેક વખત રાજી થઈ તેમના મનગમતાને પણ મુકાવતા ને ક્યારેક થાળ પણ આપતા. આ બંને પરિસ્થિતિમાં સ્વામીના અજોડ સરળતાના ગુણને જોઈને રાજી થતા. ક્યારેક વાંક વિના મહારાજ વઢે તોપણ મહારાજ જે કહે તે સાચું જ કહે છે એમ બે હાથ જોડી સ્વીકારી લેતા.
શુકસ્વામીની સરળતા જોઈ શ્રીજીમહારાજ સભાપ્રસંગે અનેક વાર તેમના વખાણ કરી રાજીપો દર્શાવતા જે સદ્. અદ્ભુતાનંદ સ્વામીની ૨૧૯મી વાતમાં નોંધેલ છે. માત્ર શ્રીજીમહારાજ જ નહિ, સૌ સંતો-ભક્તો પણ તેમના સરળ સ્વભાવ અને દાસત્વપણાથી અતિશે રાજી થતા. એટલે જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ સરળ વર્તવાની ભલામણ કરતાં કહ્યું છે કે,
“સરલ વર્તવે છે સારું રે મનવા, સરલ વર્તવે છે સારું...”
મોટાપુરુષની જેટલી મોટાઈ હોય તેટલા જ તેમના જીવનમાં સરળતાનાં દર્શન સહેજે થતાં હોય.
તા. ૨૧-૫-૨૦૧૭ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ પર સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. તેમણે સંતોને કહ્યું કે, “આજે સભામાં ગઢડા પ્રથમનું ૩૩મું વચનામૃત લઈએ; તેના ઉપર પ્રશ્નોત્તરી કરો.” ત્યારે સંતે પૂછ્યું, “બાપા ! બધા મુક્તોએ ગઢડા પ્રથમનું ૭મું વચનામૃત તૈયાર કર્યુ છે તો તે લઈએ તો ?” તુરત જ સરળતાની મૂર્તિ સમા ગુરુદેવ પ.પૂ. બાપજીએ સ્વીકારી લીધું અને કહ્યું, “હા, કંઈ વાંધો નહિ, ગઢડા પ્રથમનું ૭મું લઈએ.”
સરળતાને દાસત્વભાવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જીવનમાં જેટલી સરળતા વધે એટલો દાસત્વભાવ વધુ પ્રગટે, મુમુક્ષુતા વધુ ઝળહળે.
સદ્. મુક્તાનંદ સ્વામી સરળતાની અને દાસત્વભાવની સાક્ષાત મૂર્તિ હતા. મહારાજ કંઈ પણ આજ્ઞા કરે કે રુચિ દર્શાવે તેમાં તેઓ સરળ થઈ ભળી જતા - ચાહે તે તવરાના મેળામાં જવા જેવી વાત હોય કે પછી પગમાં ઘૂઘરા પહેરીને નાચવાની આજ્ઞા હોય; સરળ થઈ સ્વીકારતા. તેથી જ તેઓ સદા દાસત્વભાવે વર્તી શકતા. સદ્. મુક્તાનંદ સ્વામી જ્યારે પણ મહારાજને પ્રશ્ન પૂછતા કે વાત કરતા ત્યારે બે હાથ જોડી ‘હે મહારાજ’ એવું પ્રાર્થના રૂપે દાસત્વભાવનું સંબોધન કરતા જેની વચનામૃતનાં પૃષ્ઠો સાખ પૂરે છે. માટે જેટલી સરળતા કેળવાય તેટલા જ દાસત્વભાવે વર્તી શકાય.
ગુરુદેવ પ.પૂ. બાપજી સંસ્થાના વડાપદે બિરાજે છે છતાં સંતો-હરિભક્તોને બે હાથ જોડી જય સ્વામિનારાયણ કરે. બે હાથ જોડીને વિનમ્રતાથી વાત કરવી એ દાસાનુદાસ થવાનો સરળ ઉપાય છે. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમાજને આજ્ઞા કરી છે કે, “સૌએ નાના-મોટા સૌની આગળ બે હાથ જોડીને જ વાત કરવી. જેનાથી આપણામાં દાસભાવ દ્રઢ થાય.”

બે હાથ જોડી વાત કરવી આ દાસાનુદાસ થવાની પાયારૂપ બાબતને આપણું અંગ બનાવીએ.