દાસાનુદાસ થઈ રહીએ - 9

  June 7, 2021

દલીલોથી દૂર રહી સહનશીલતા કેળવવી :
સરળતાની સાથે સાધકના જીવનમાં સહનશીલતા દૃઢ થાય તો સોનામાં સુગંધ ભળે તેમ મુમુક્ષુતાનો નિખાર જલદી આવે.
અન્યનાં માન-અપમાન, કટુ વેણ, કસણી, પ્રગતિ, રોકટોકને ગમ ખાઈને ખમી જવાં. આવી સહનશીલતા જ મોક્ષ માર્ગમાં આગળ વધારે છે. પરંતુ આજે સત્સંગમાં કે સંસારમાં સહનશીલતાનો આંક નિમ્ન સ્તરે જઈ રહ્યો છે. નાના બાળકને પણ ગમ ખાવાનું કહીએ તો તરત બોલે, “Why should I tolerate ?” -“હું શા માટે સહન કરું ?”
મંદિરમાં સમૈયા-ઉત્સવમાં નાની-મોટી સગવડ મળી, ન મળી કે ઘરમાં પણ જો જમવામાં સહેજ મરચું-મીઠું ઓછું-વધુ હોય તોપણ આસમાને પારો જતો રહે. આવી પ્રતિકૂળતા પણ સહન થતી નથી તો કોઈના બે શબ્દ કે રોકણી-ટોકણી તો ખમાય જ કેમ ? એમાંય જો કોઈ આપણા મનનું ગમતું મુકાવે કે ધાર્યું ન કરવા દે તે તો બિલકુલ સહન થતું નથી.
આવા સંજોગોમાં સહન કરવાને બદલે સામે દલીલો ચાલુ થઈ જાય. પહેલાં આંતરિક-માનસિક દલીલ થાય, પછી તે વાણી દ્વારા બહાર નીકળે છે. આગળ જતાં દલીલ ક્રોધમાં ફેરવાઈ જાય છે. જે સૌના દાસાનુદાસ થવા જ ન દે.
સહનશીલતા કેળવવા પ્રથમ કોઈ પણ પ્રસંગ બને તો કદાચ મન શાંત ન રાખી શકીએ તો જીભને તો શાંત રાખીએ જ કહેતાં વાણીએ કરીને કોઈની સાથે જીભાજોડી કે દલીલો ન કરવી. કદાચ કોઈ ભૂલ દર્શાવે તોપણ તેનો સહર્ષ સ્વીકાર કરવો. વાસ્તવિકતાની ચોખવટ કરવી અનિવાર્ય હોય તોપણ પાછળથી વિવેકસભર વચને કરવી અન્યથા તેને સહી લેવું. કોઈ નહિ પણ મહારાજ તો બધું જાણે જ છે.
સાધક જ્યારે સત્સંગના યોગમાં આવે છે ત્યારે તેની કિંમત અને પાત્રતા ધૂળ સમાન હોય છે પરંતુ તે જેમ જેમ સહનશીલતાનો ગુણ કેળવતો જાય તેમ તેની પાત્રતા અને કિંમત વધતી જાય છે.
કોઈ અપમાન કરે તે સહી લે પણ સામે પ્રતિકાર ન કરે. પરંતુ મનમાં તેનું દુ:ખ લાગે, બીજા આગળ તેની વરાળ નીકળી જાય તો તેની કિંમત કોડી સમાન છે.
અપમાન કે કોઈના કડવા વેણને કોઈ પ્રકારના પ્રતિસાદ વગર સહન કર્યા પછી પણ તેની કોઈની આગળ વરાળ ન નીકળે પરંતુ મનમાં ક્ષોભ અનુભવાય તો તેની કિંમત રૂપિયા સમાન છે.
માન-અપમાન, સુખ-દુ:ખ, હર્ષ-શોક કશું લાગે જ નહિ ને તેને સહજતાથી ગળી લે, ભૂલી જાય તેની કિંમત ચાંદી સમાન છે.
અપમાનને કે કોઈના કટુ વચનને પ્રભુની પ્રસાદી જાણી ગમાડે, તેમાં પણ મહારાજનું કર્તાપણું અને પોતાનું ઘડતર સમજે તેની કિંમત સોનામહોર સમાન છે.
અપમાન કરનાર કે કટુ વચનો કહેનાર પર ઉપકાર કરે, તેના પ્રત્યે દયાની દૃષ્ટિ રાખી સુખ-દુ:ખમાં મદદરૂપ થાય, તેના માટે પ્રભુને પ્રાર્થના કરે પણ રંચમાત્ર ભાવફેર ન થવા દે તેની કિંમત પ્લૅટિનમ સમાન છે.
જે વગર વાંકે અપમાન કે કટુ વેણને ખમી એની કોઈને ગંધ પણ ન આવવા દે, કોઈ પણ સંજોગ-પરિસ્થિતિમાં પોતાનો જ દોષ જુએ અને દાસ થઈ વર્તે તેની કિંમત મણિ સમાન છે.
પોતાનો કોઈ વાંક ન હોવા છતાં અપમાન અને કટુ વચનનો વરસાદ વરસે. પોતે સામે જવાબ આપી બચાવ કરવા સક્ષમ હોવા છતાંય ગમ ખાઈ જાય, અપમાનનો બદલો ઉપકારથી વાળવા છતાં પોતાની મહત્તા ક્યાંય છતી ન થવા દે તથા સૌને વિષે દિવ્યદૃષ્ટિ રાખી દીન-આધીનભાવે દાસાનુદાસ થઈ વર્તે તે ચિંતામણિ સમાન સર્વશ્રેષ્ઠ છે.
હવે ધૂળમાંથી કોડી જેવા થવું કે ચિંતામણિ જેવા દાસાનુદાસ થવું તેની પસંદગી આપણે કરવાની છે. જેટલી સહનશીલતા દૃઢ થાય તેટલી જ મુમુક્ષુતા માટેની પાત્રતા બંધાતી જાય. શ્રીજીમહારાજે શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૪, તરંગ-૩પમાં કહ્યું છે, “જેમાં જેટલી સહનશક્તિ વધુ તેટલું તેમાં સામર્થ્ય અધિક માનવું. સહનશક્તિ જેટલી ઓછી તેટલો તે ભક્તપણામાં ન્યૂન છે.”
આજે નહિ તો કાલે સહનશીલતા કેળવ્યા વિના મુમુક્ષુતાનું પ્રગટીકરણ થવાનું જ નથી તો શા માટે મોડું કરવું ? કંઈ પણ બને તો ગમ ખાઈ લેવો અને હશે હશે કરી સહી લેવાથી જ દાસાનુદાસ થઈ શકાય.
૪. તનની નીચી ટેલની સેવાનું અંગ પાડવું :
“નીચી ટેલ મળે તો માને મહેર જો...”
મંદિરમાં ચરણરજ વાળવી, પોતું કરવું, ખાડા ધોવા, વાસણ ઘસવાં, તગારાં ઊંચકવાં જેવી નીચી ટેલની સેવાથી દાસત્વભાવ વધુ ને વધુ દૃઢ થાય છે. ખુરશી-ટેબલ પર બેસી મોટા થવાની સેવામાં જો ખટકો ન રહે તો દિન-પ્રતિદિન અહંકાર વધતો જાય. સત્સંગમાં દાસાનુદાસ થઈને રહેવાને બદલે બીજા ઉપર હુકમ થાય, વઢી નખાય જે દાસ થવાને બદલે દાદાભાવ તરફ લઈ જાય.
નીચી ટેલની તનની સેવા કરવામાં અહંકારનો પારો નીચો આવે છે. દેહભાવને ઘસારો પડતાં દોષો ટળે છે. મહારાજ અને મોટાપુરુષનો અંતરનો રાજીપો વરસે છે. તેનાથી દાસત્વભાવ વધુ ને વધુ દૃઢ થાય છે.
શ્રીજીમહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં સોનેરી મોળિયા પર પથ્થર લાવતા, તગારાં ઊંચકતાં. ક્યારેક તો હરિભક્તોનાં એંઠાં પતરાવળાં પણ લેતાં - લેવડાવતાં હતાં. જે આપણને તનની સેવાનું અંગ પાડવાનો ગર્ભિત આદેશ છે.
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી લઘુ કરવા બાથરૂમમાં પધાર્યા હતા. સેવક સંત બહાર ઊભા હતા. બાથરૂમ ગંદું હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંતને કહ્યા વિના જાતે સાવરણાથી બાથરૂમ સાફ કર્યું હતું. આ ઉપરાંત અનાજ સાફ કરવું, શાક સમારવા જેવી નીચી ટેલની સેવા પણ તેઓ કોઈ પ્રકારના સંદેહ વિના દાસત્વભાવે કરે છે.
એક દિવસ બપોરે સ્વામિનારાયણ ધામ પર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સંતો સાથે ઠાકોરજી જમાડતા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રથમ ઊભા થયા. પોતાનું પત્તર જાતે ઘસ્યું. બીજા સંતો પત્તર ઘસતા હતા. જમાડેલી એંઠી જગ્યાએ ત્રણ વાર પોતાં મારવાનાં બાકી હતાં. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી કોઈ પણ પ્રકારના સંદેહ વગર તે જગ્યાએ પોતાં મારવા લાગ્યા. પૂ. સંતોએ ઘણી ના પાડવા છતાં સંતોની જમાડેલી જગ્યાએ પોતાં મારવાની સેવા મળે ક્યાંથી ? એમ કહી દાસભાવે તનની સેવાની રીત શીખવી.
મહારાજ અને મોટાપુરુષના તનની સેવાના આ આગ્રહને આપણો આગ્રહ બનાવી દાસાનુદાસ થઈએ.