એ યુવાન ! ઊઠ... જાગ !

  August 5, 2015

સમુદ્રમાં વારંવાર તરંગો ઊઠ્યા જ કરે છે. તેમ માનવ-મસ્તિષ્કમાં પણ નિરંતર વિચારોના તરંગો ઊઠ્યા કરતા હોય છે. આ વિચારોના તરંગો જ વ્યક્તિને કંઈક પ્રેરણા આપતા હોય છે. વ્યક્તિ આ વિચારોના તરંગોને પોતાના જીવનમાં ક્રિયા દ્વારા નવો ઓપ આપે છે. આમ, જગત પર માનવી એ એક જ એવું સર્જન છે કે જેને વિચારશક્તિની અમૂલ્ય ભેટ મળી છે. એટલે જ માનવીને ‘વિચારશીલ પ્રાણી’ કહેવામાં આવે છે.

પ્રાગ્ ઐતિહાસિક જમાનાનો માનવી ‘આદિમાનવ’ તરીકે ઓળખાતો. માનવી વિચારશક્તિના કારણે જ આજે સગવડતાભર્યું, વૈવિધ્યપૂર્ણ જીવન જીવી રહ્યો છે. જ્યારે અન્ય પ્રાણીઓ પહેલાંના જેવું જ જીવન જીવી રહ્યા છે. આદિમાનવને વિચાર આવ્યો કે ભારેખમ વજનને ફેરવવા માટે ભારે પરિશ્રમ કરવો પડે છે. એનો સહેલો રસ્તો શું ? કદાચ તેણે કોઈ ગોળાકાર વસ્તુ સહેલાઈથી ખસે છે એવું જોયું હશે. એ વિચારના ઝબકારાને કારણે જ પૈડાની ક્રાંતિકારી શોધની જગતને ભેટ મળી. પૈડાની શોધની જેમ અન્ય જરુરિયાત જણાઈ તેમ તેમ અન્ય શોધો થતી રહી. એટલે જ જરુરિયાતને શોધની જનની કહે છે. એથી આગળ વિચારીએ તો જરુરિયાત જ વિચારશક્તિને અભિપ્રેત કરે છે. આ વિચારોમાં એવી સર્જનાત્મક શક્તિ છે કે આપણને અશક્ય લાગે તેવું સર્જન ઊભું કરે છે. આ વિચારોના પરિપાક રૂપે જ પૈડાથી માંડીને વિમાન, કમ્પ્યુટરના સર્જન સુધી માનવી પહોંચી શક્યો છે.

“તમે જીવન કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પરંતુ તમે જીવન કેવું જીવ્યા તે મહત્વનું છે.” – આ ઉક્તિને જીવનમાં ચરિતાર્થ કરવા માટે વિચારશીલ જીવન મહત્વનું છે. વિચારોથી જ જીવનનું ઘડતર થાય છે.

ટોરેન્ટોના બે ભાઈઓની આ વાત છે. મોટો ભાઈ નશો કરતો. થોડા દિવસો બાદ તે બંધાણી બની ગયો. ખૂબ દારૂ પીતો અને પરિવારજનોને મારઝૂડ પણ કરતો. જ્યારે બીજો ભાઈ સફળ ઉદ્યોગપતિ હતો.  તેનું સમાજમાં માન હતું. મોભો હતો. ઘણા લોકોને એ જાણવું હતું કે એક માતાની કૂખે જન્મેલા, એક જ પરિવારમાં એકસાથે સમાન રીતે ઊછરેલા બે ભાઈઓ વચ્ચે આટલો બધો ફરક શા માટે ?

મોટાભાઈને પૂછવામાં આવ્યું, “તમારું વર્તન આવું શા માટે ? આવું કરવા તમને કોણ પ્રેરે છે ?” એમણે જવાબ આપ્યો, “મારા પિતા.” બધાએ પૂછ્યું, “તમારા પિતા શા માટે ?” સામે પેલા ભાઈએ જવાબ આપ્યો, “મારા પિતા નશાના બંધાણી હતા. તેઓ રોજ દારુ પીતા અને પરિવારજનોને મારતા. એ એવા હતા તો હું આવો જ હોઉં ને ? મારી પાસે સારા થવાની વિશેષ શું અપેક્ષા રાખી શકો ? હું જે છું તે બરાબર છું.”

બીજા ભાઈ એકદમ સીધાસાદા હતા. એમને પણ એ જ રીતે પૂછ્યું, “તમે આટલા વ્યવસ્થિત, સીધાસાદા વ્યક્તિ છો, આપના આ ગુણો છે તો આવા ગુણો આવ્યાનું કારણ શું ? તમને કોણે પ્રેરણા આપી ?” ભાઈનો જવાબ એ જ હતો, “મારા પિતા.” જવાબ સાંભળતાં બધાની આંખો પહોળી થઈ ગઈ. છતાંય વાસ્તવિક હતું તે સ્વીકારવું જ રહ્યું. “તમારા પિતા આમાં કેવી રીતે જવાબદાર ?” પેલા સજ્જને નરમાશથી જવાબ આપતાં કહ્યું, “હું નાનો હતો ત્યારે જોતો કે મારા પિતા ખૂબ દારુ પીતા અને ન કરવાનાં બધાં કાર્યો કરતા. બધા તેમને ધુત્કારતા. આ બધું જોઈને મેં નક્કી કર્યું કે મારે એમના જેવા નથી બનવું. જીવનને કંઈક નવો ઓપ આપવો છે તેથી આજે હું આપની સમક્ષ એક ઉદ્યોગપતિ તરીકે ઊભો છું.” એટલે જ તત્વચિંતકે કહ્યું છે કે, “કોઈ વસ્તુ સારી અથવા ખરાબ નથી; વિચાર જ તેને સારી કે ખરાબ બનાવે છે.”

બંને ભાઈઓનો પ્રેરણાસ્રોત તો એક જ હતો, પરંતુ જેવી વિચારદૃષ્ટિ કેળવી તેવું તેનું જીવન ઘડાયું. આમ, વિચારોમાં પોતાની જાતને તથા અન્યને બદલવાની અદ્ભુત શક્તિ છે. વિચારોમાં સંજોગ, વાતાવરણને બદલવાની શક્તિ રહેલી છે. આ વાસ્તવિક રજૂઆત છે કે, “જ્યારે વિચારો બદલાય છે, ત્યારે તમારી માનીનતાઓ બદલાય છે. જ્યારે માનીનતાઓ બદલાય છે ત્યારે તમારી ઇચ્છાઓ બદલાય છે. જ્યારે તમારી ઇચ્છાઓ બદલાય છે ત્યારે તમારું વલણ બદલાય છે. જ્યારે તમારું વલણ બદલાય છે, ત્યારે  તમારું વર્તન બદલાય છે. તમારું વર્તન બદલાય છે ત્યારે જ ધ્યેય સિદ્ધ થાય છે.”

એક કિશોર રોજ સુંદર કાવ્યોની રચના કરતો અને તેના પિતાની આગળ રજૂ કરતો. તેના પિતા કવિ હતા. તેઓ તેમના પુત્રની કાવ્યકૃતિને નિહાળીને કાયમ એટલું જ કહેતા, “હજુ આમાં ભૂલ છે. હજુ આથી સારું કાવ્ય બની શકે.” પિતાનો આટલો જ જવાબ તેમને વધુ ને વધુ સારાં કાવ્યો રચવા પ્રેરણારુપ બની રહેતો.

એક દિવસ કિશોરને એવો વિચાર ઝબકી ઊઠ્યો કે પિતાજીને બધાયનાં કાવ્યો સારાં લાગે છે. મારાં કાવ્યો કદી વખાણતા જ નથી. આ વિચારથી તેમણે એક વાર તેમનાં કાવ્યોનાં કાગળોને માટીમાં રગદોળીને જૂનાં જેવાં કરી નાંખ્યાં. પિતાજીને બતાવતાં કહ્યું, “જુઓ પિતાજી, આ કોઈક જૂના કવિની કૃતિઓ મળી આવી છે.” પિતાજી તરત જોઈને બોલ્યા, “બહુ જ સરસ છે. તું પણ આવાં કાવ્યોની રચના કર.” પિતાજીના જવાબની રાહ જોઈને બેઠેલો કિશોર તરત બોલ્યો, “પિતાજી, એ કૃતિ બીજા કોઈની નહિ, મારી પોતાની જ કૃતિ છે. તમે કાયમ મારાં કાવ્યોમાં ભૂલ જ કાઢતા હતા. કદી વખાણતા જ નહોતા. એટલે મેં આવું કર્યું.” પિતાજી બે ઘડી મૌન રહીને એટલું જ બોલ્યા, “બેટા, હવે તારી પ્રગતિ રૂંધાઈ ગઈ. હવે તું આનાથી સારાં કાવ્યોની રચના નહિ કરી શકે.”

ઉપરોક્ત દૃષ્ટાંતમાં જોયું કે કિશોરે હકારાત્મક વિચાર રાખ્યા તો તેમને તેમના પિતાની બતાવેલી ભૂલ મીઠી મધ જેવી લાગતી. ‘મારા હિતેચ્છું છે’ એવી માન્યતા બંધાણી. પરિણામે વારંવાર પિતાજીને પોતાનાં કાવ્યો બતાવતા જ રહ્યા. વિચારો વર્તનમાં ફેરવાયા એટલે તો અન્ય કવિઓની જેમ સુંદર કાવ્યોની રચના કરી શક્યા. પરંતુ જ્યારે કિશોરના જીવનમાં નકારાત્મક વિચારો આવી ગયા કે મારા પિતાજીને મારાં કાવ્યો જ નથી ગમતાં; તો માન્યતા બદલાઈ. પોતાના પિતા હોવા છતાં ત્યાં વિવેક ભુલાઈ ગયો. પિતાજીને કેવી રીતે ખ્યાલ આપું કે મારાં કાવ્યો અન્ય કવિઓની જેમ શ્રેષ્ઠ જ છે તેવી ઇચ્છા જન્મી. જેવી ઇચ્છા જન્મી તેવું વલણ અપનાવ્યું અને વિચાર વર્તનમાં પરિવર્તિત થયા. અને પરિણામ આવ્યું પોતાના જીવનની પ્રગતિની રુકાવટ !

વિચારો બે પ્રકારના છે : (1) હકારાત્મક વિચાર, (2) નકારાત્મક વિચાર. પસંદગી આપણા હાથમાં છે કે આપણે આપણું  જીવન કેવું બનાવવા ઇચ્છીએ છીએ. આપણી સમક્ષ આવેલી કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ, વ્યક્તિ કે વાતાવરણમાં આપણે કેવા વિચારો કરીએ છીએ તેના પર જ સુખ-દુઃખ કે આનંદ-નિરાશાનો આધાર રહેલો છે.

શેરીમાં રહેતા ગરીબ માણસોને જોઈએ તો તેમને તેમની ગરીબાઈનો બિલકુલ રંજ હોતો નથી. કારણ પ્રભુએ જે આપ્યું છે તેનો સહર્ષ સ્વીકાર કરવાની હકારાત્મક વિચારધારા તેમના હાથમાં આવી ગઈ હોય છે. પરિણામે અન્યના મહેલને જોઈને દુઃખી નથી થતા અને સંતોષી, સુખમય જીવન જીવતા હોય છે. હકારાત્મક વિચારો જીવનમાં આવેલા પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવાની શક્તિ પૂરી પાડે છે.

એથી ઊલટું વિચારીએ તો કેટલાક સુખ-સાહ્યબી અને સંપત્તિની છોળ્યોની વચ્ચે ઊછરીને મોટા થયેલા વ્યક્તિઓ અજંપાભર્યું જીવન પસાર કરતા હોય છે. ‘મારી પાસે કશું જ નથી. હું સફળ થતો જ નથી.’ આવી નકારાત્મક વિચારસરણી અને મોટી મોટી અભિલાષા પૂર્ણ કરવામાં તેઓ હાયવોય કરતા જોવા મળે છે. નકારાત્મક વિચારો આપણને જીવનથી હતાશ કરી નાખે છે. પરિણામે નાની આવેલી આપત્તિ હિમાલય જેવી મહાકાય લાગવા માંડે છે.

ઘરમાં રહેલી આત્મીયતા, સૌની વચ્ચે જળવાયેલો નીતરતો પ્રેમભાવ, વડીલોનો જળવાતો માન-મોભો, આનંદભર્યું વાતાવરણ એ હકારાત્મક વિચારોનું જ પરિણામ છે.

હકારાત્મક વિચાર કરવાની દૃષ્ટિ આપતાં બાપાશ્રીએ બાપાની વાતો ભાગ-1, વાર્તા-104માં જણાવ્યું છે કે, “આપણે ધ્યાન, ભજન, કથા, વાર્તા, ભક્તિ ઝાઝી કરતા હોઈએ ને બીજા સંત કે હરિભક્ત સૂતા હોય તે મોડા ઊઠે કે ધ્યાન-ભજન ઓછું કરે કે ન કરે તો આપણે એમ જાણવું જ એ પૂર્વે કરીને બેઠા છે ને મારે હજી કરવાનું છે.” આવો સવળો વિચાર આપણને આપણા કરેલા ભજન-ભક્તિનાં સાધનનો ભાર નહિ આવવા દે. વળી, કોઈ નથી કરતું એવો કોઈનામાં અવગુણનો સંકલ્પ નહિ ઊઠવા દે. સર્વેમાં ગુણ જ દેખાશે ને ધીમે ધીમે ગુણગ્રાહક દૃષ્ટિ બની જશે.

એક વખત પ.પૂ. સ્વામીશ્રી સૌ સંતો સાથે ઠાકોરજી જમાડવા બેઠેલા. આ દિવસે મહારાજના થાળમાં સેવ ધરાવેલી. ભેજવાળા વાતાવરણને કારણે સેવ હવાઈ ગયેલી હોઈ કોઈ સંત કહે, “સેવ તો સાવ હવાઈ ગઈ છે.” પ.પૂ. સ્વામીશ્રી સાંભળી હસ્યા અને આપણને સૌને સવળો વિચાર શીખવતા કહે, “એમ નહિ, સેવ કેવી નિર્માની થઈ છે ! વળી જાય છે. એવું વિચારો.” સેવ જેવી સામાન્ય વસ્તુમાંથી પણ ગુણ ગ્રહણ કરવાની દૃષ્ટિ જોઈને સૌ સંતો તો મંત્રમુગ્ધ બની ગયા. કેવી ગુણગ્રાહક દૃષ્ટિ !!

આપણે આપણા જીવનમાં જે વાત ઉપર સૌથી ઓછું મહત્ત્વ આપીએ છીએ તે છે વિચાર કરવાની રીત. ખરેખર તો તે આપણા ચારિત્ર્ય અને વ્યક્તિનિર્માણ માટે સૌથી વધુ મહત્ત્વની વાત છે. વિચારમાં એવી પ્રચંડ શક્તિ સમાયેલી છે કે તમે જેવા વિચાર કરો તેવા તમે બની શકો છો. એટલે કાવ્યપંક્તિમાં લખ્યું છે કે,

“જેવા વિચારો તમે કરવાના, તેવા જ જરૂર તમે થવાના;

વિચારો તમારું જીવન બની જવાના...”

યુવાન અવસ્થા એટલે ઉત્સાહ, ઉમંગનો ધસમસતો પ્રવાહ. જેમ નદીને સમુદ્રને મળવાનો વેગ જાગે તો વચ્ચે ગમે તેવાં પહાડ, વૃક્ષરૂપી સંકટો આવે તોપણ તે કોઈની રોકી રોકાતી નથી. નદી આપમેળે સંકટોની વચ્ચેથી રસ્તો કાઢીને સમુદ્રને મળીને જ રહે છે. તેમ એ જ યુવાન ખરો કે જે પોતાના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવામાં કદી પીછેહઠ ન કરે; હંમેશાં આગેકૂચ જ કરતો હોય. વચ્ચે આવતાં વિઘ્નોમાંથી આપમેળે રસ્તો કાઢીને મંજિલ સુધી પહોંચીને જ રહે. જેની સહજ સમજૂતી આપતાં શ્રીજીમહારાજે ગ.મ. 50મા વચનામૃતમાં ચાર દૃષ્ટાંત આપી સમજાવ્યું છે, “જેમ નદીઓ સમુદ્રને વિષે લીન થાય છે, ને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિષે બળી જાય છે ને જેમ શૂરો રણને વિષે ટુકટુક થઈ જાય છે.” શ્રીજીમહારાજનું કહેવાનું તાત્પર્ય છે કે આ ચારેયને પોતાનો ધ્યેય હાંસલ કરવાનો વેગ જાગે છે તો પોતાના અસ્તિત્વને મિટાવી દે છે પણ ધ્યેયને હાંસલ કરીને જ શમે છે. આ વાતને પુષ્ટ કરતાં શ્રીજીમહારાજ કારિયાણીના 10મા વચનામૃતમાં કહે છે કે, “જેને જે વાતનો ઇશક હોય ને તે વચમાં હજારો અંતરાય આવે તોપણ તે અંતરાયનો રોક્યો રોકાય નહીં.”

આમ, યુવાની એટલે પ્રચંડ શક્તિનો વિરાટ સાગર. યુવાનમાં શૂન્યમાંથી સર્જન કરવાની અદમ્ય ઇચ્છા હોય છે. આ યુવાની અવસ્થામાં જ ઉચ્ચ વિચાર હાથમાં આવી જાય તો નાના લાગતા હાથને આકાશને આંબતા વાર ન લાગે !  તેનું અસાધારણ વ્યક્તિત્વ ઊપસી આવશે. ઉચ્ચ વિચાર જ પોતે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેય સુધી લઈ જશે.

સદ્. વૃંદાવનદાસજી સ્વામી કહેતા કે, “અમે નાના હતા ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે અમારે મોટા થઈને સાધુ થવું છે તો સાધુ થઈને જ રહ્યા.” પ.પૂ. સ્વામીશ્રી પણ ઘણી વાર કહે છે કે, “અમે નાના હતા ત્યારથી નક્કી કર્યું હતું કે મારે સર્વોપરી સંત થવું છે.”

મોટાપુરુષોના આ ઉચ્ચ વિચારો આપણી આ યુવાન અવસ્થામાં પ્રેરણા આપે છે કે હંમેશાં જેવા વિચારો કરશો તેવા જ તમે થશો. માટે આપણા મનને હંમેશાં ઉચ્ચ વિચારોથી ભરી દેવું. હલકા વિચારો મનમાં પ્રવેશવા જ ન દેવા. કારણ કે નકારાત્મક વિચારો આપણા મનમાં ભરીશું તો તેનું પરિણામ આપણે જ ક્રિયા-પ્રક્રિયામાં ભોગવવું પડે છે.

ધસમસતા નદીના પ્રવાહને જો સાચી દિશા ન મળે તો રણમાં જઈને સમાઈ જાય. તેમ આ યુવાન અવસ્થામાં વિચારોની પ્રચંડ શક્તિનો સદુપયોગ કરતાં ન આવડે તો પોતે પોતાનું જીવન તો બરબાદ કરે; સાથે અન્યને પણ દુઃખી કરે. એટલે જ આપણાથી ઉચ્ચ વિચારવાળાનો સંગ કરવો. નકારાત્મક વિચારો પેદા કરે તેવા વાંચનથી દૂર રહેવું હિતાવહ છે. વળી, મનમાં ઉદ્ભવેલા વિચારને તરત અમલમાં મૂકતા પહેલાં વિચારની એરણે ચડાવવો. તેમાં જ આપણી ભલાઈ છે. શ્રીજીમહારાજે આ વિવેક ‘શિક્ષાપત્રી સાર’માં જણાવ્યો છે કે વ્યવહારિક કાર્ય વિચાર્યા વિના તત્કાળ ન કરવું.

જગતમાં ઘણીય વ્યક્તિઓએ ઉચ્ચ વિચારને કારણે ઉચ્ચ ધ્યયેની સિદ્ધિ હાંસલ કરી છે અને મહાન પુરુષોની હરોળમાં સ્થાન મેળવ્યું છે. આપણામાં પણ આવી અનેક સુષુપ્ત શક્તિઓ સમાયેલી છે. તેને જાગ્રત કરવાની જરૂર છે. આ સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેને પાંગરવા જરુર છે આપણા વિચારની પ્રબળતાની. વિચારની પ્રબળતા હશે તો આ બધું જ શક્ય છે. બાહ્યિક પ્રગતિથી આપણી બાહ્ય પ્રતિભા શોભશે ને વધશે. પરંતુ આપણે આપણી આંતરિક પ્રતિભા વધારવા, શોભાડવાનો કદી પ્રયાસ જ નથી કર્યો. બાહ્યિક પ્રતિભા માટે જાગ્રત છીએ એટલા આંતરિક પ્રતિભા માટે જાગ્રત નથી. આંતરિક શક્તિ એટલે મહારાજ સાથેનો સંબંધ અથવા તો મહારાજનું કર્તાપણું અને એ સહિત ઉત્પન્ન થતું આત્મબળ.

આંતરિક પ્રતિભા વધારવા માટે ઉચ્ચ વિચાર આપનાર સત્પુરુષની જરૂર છે. જેઓ યુવાન છે એટલે કે જેને ખરેખર પોતાના જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના છે, થનગનાટ છે તેને સંબોધીને કહે છે, ‘હે યુવાન ! તું ઊઠ્યો તો છે પણ જાગવાનો સમય છે. તું જાગ.’

જેમ સૂતેલા બાળકને જગાડીએ તો પથારીમાં બેઠો થઈ જાય એટલે તે ઊઠ્યો કહેવાય, પરંતુ પૂરેપૂરો સભાન અવસ્થામાં ન આવે ત્યાં સુધી તે ઊઠ્યો છે પણ જાગેલો ન કહેવાય. તેમ આપણી બાહ્ય પ્રતિભા વધારવાના પ્રયત્નો ઊઠ્યા બરાબર છે. પરંતુ ખરેખરો જાગેલો યુવાન ત્યારે કહેવાય જ્યારે આપણી આંતરિક શક્તિઓને જાગ્રત કરીએ.

પ.પૂ. સ્વામીશ્રી પાંચ પ્રકારનાં ભક્તજીવન વર્ણવે છે તેમાં વિચારેયુક્ત જીવનવાળા ભક્તને જ ખરો ભક્ત કહે છે. વિચારેયુક્ત જીવન જીવતા ભક્તનું જીવન નિરંતર મહારાજના રાજીપા સામે દૃષ્ટિવાળું હોય. તે જે કાંઈ સેવા કરે, વાંચે-સાંભળે, તરત વિચારે કે હું જે કાંઈ કરું છું તેનાથી મહારાજ નારાજ તો નહિ થાય ને ? મારે તો તેમને રાજી કરવા છે. ‘બસ કોઈ રાજી કરે કે ન કરે; મારે રાજી કરી જ લેવા છે.’ આવા ઉચ્ચ વિચારો ભક્તજીવનની આંતરિક પ્રતિભા વધારે છે. અને ત્યારે જ પ્રભુનું ગમતું પાત્ર બની શકાય છે.

આપણા જીવનમાં ધ્યેયસિદ્ધિ માટે કે અન્ય કોઈ પણ કાર્ય માટે વિચારો ખૂબ કરીશું; પરંતુ આ બધા વિચારોથી પરનો એક વિચાર છે જે માયાથી પ&