એકબીજાને સમજો - 1

  June 28, 2014

સમૂહજીવનમાં ઊભી થતી સ્થિતિ-પરિસ્થિતિમાં, પરિસ્થિતિને અસામાન્ય બનતી અટકાવી શકાય છે ? તો ખરેખર એકબીજાને સમજ્યા ક્યારે કહેવાય તે વિસ્તૃત રીતે આવો સમજીએ આ લેખ દ્વારા.

એલાર્મની ઘંટડી વાગતાં અશ્વિનભાઈની આંખ ખૂલી. ઘડિયાળમાં જોયું તો 6:00 વાગ્યા હતા. 8:00 વાગ્યે ઑફિસનો સમય હતો. અશ્વિનભાઈએ દીવાલ ઉપર લટકતા કેલેન્ડરને હાથમાં લઈ આજની તારીખ જોઈ. અને એમને એકદમ જ સ્મૃતિ થઈ આવી કે આજે તો મારો જન્મદિવસ છે. તે એકદમ આનંદમાં આવી ગયા. તેમણે પોતાના આનંદના સમાચાર માતાપિતા અને પોતાની ધર્મપત્નીને પણ આપ્યા. રોજ કરતાં આજે એમનો ઑફિસે જવાનો આનંદ પણ જુદો હતો.

ઑફિસમાં પણ પોતાના મિત્રોને તેમણે પોતાના આનંદનું કારણ જણાવ્યું. ઑફિસમાં બધા મિત્રોએ પણ તેમને શુભઆશિષ પાઠવ્યા ને ગળ્યું મોં કરાવ્યું. અશ્વિનભાઈ ઑફિસમાં કામ કરતા હતા ત્યાં એમને વિચાર આવ્યો કે, “આજે મારો જન્મદિવસ છે એની જાણ મેં મારાં ધર્મપત્નીને કરી છે એટલે એ જરૂર જમવામાં કંઈક સારી વસ્તુ બનાવશે.”

સાંજ પડે અશ્વિનભાઈ ઘરે આવ્યા. અશ્વિનભાઈને એમ જ હતું કે આજે ઘરે કંઈક નવી વસ્તુ જમવામાં બનાવી હશે. પરંતુ જ્યાં ભોજન માટે બેઠા અને મેનુમાં ખીચડી-ભાખરી જોઈ ત્યાં જ તેમનો આનંદ ઓસરી ગયો. તે પોતા ઉપર કંટ્રોલ ન કરી શક્યા અને ઉગ્ર અવાજે પોતાની ધર્મપત્નીને ધમકાવવા લાગ્યા. અશ્વિનભાઈનાં ધર્મપત્ની તેમને પોતાની પરિસ્થિતિની કંઈક રજૂઆત કરવા માંગતા હતાં. પરંતુ અશ્વિનભાઈ એટલા બધા આક્રોશમાં હતા કે એ એક શબ્દ સાંભળવા તૈયાર નહોતા. તેઓ જમ્યા વગર જ ઊભા થઈ ગયા. અશ્વિનભાઈનું આવું ઉદ્ઘત વર્તન જોઈ તેમનાં ધર્મપત્ની પણ મૌન અને દુ:ખી અંતરે અલગ ઓરડામાં જઈ રૂદન કરવા લાગ્યાં.

બંને વચ્ચે થયેલા આ કંકાસની ખબર અશ્વિનભાઈની માતાને પડતાં તેઓએ પ્રથમ અશ્વિનભાઈનાં ધર્મપત્નીને આશ્વાસન આપી શાંત કર્યાં. ત્યારબાદ તેઓ અશ્વિનભાઈ પાસે ગયાં. અશ્વિનભાઈ હજુ પોતાના આક્રોશમાં જ હતા. એમની માતાએ તેમને પ્રેમથી પૂછ્યું કે શું થયું ? એટલે અશ્વિનભાઈએ બળાપો કાઢવા માંડ્યો. બધું જ સાંભળ્યા પછી એમની માતાએ તેમને એટલું જ કહ્યું કે, “અશ્વિન, પહેલું તો તે એ જાણ્યું કે આજે જમવામાં સારા ભોજનની જગ્યાએ ખીચડી-ભાખરી કેમ આવી ?” અશ્વિનભાઈએ કશો જ ઉત્તર ન આપ્યો. એટલે તેમની માતાએ કહ્યું, “આજની રસોઈ પુત્રવધૂએ નથી બનાવી; મેં બનાવી છે. એને પેટમાં ખૂબ દુ:ખાવો છે. ગોળી લેવડાવી એટલે અત્યારે તને જમાડવા ઊભી થઈ શકી છે.” આટલું સાંભળતાં અશ્વિનભાઈને પસ્તાવો થયો. એમની માતાએ ટકોર કરતાં કહ્યું, “બેટા ! પહેલું તો આપણે પોતાની જ અપેક્ષાઓમાં ન રાચવું. આપણી કોઈ અપેક્ષા પૂરી ન થઈ તો એમાં કોઈ કારણ કે પરિસ્થિતિ તો હશે જ. માટે પહેલાં એની તપાસ કરવી જોઈએ અને અરસપરસ એકબીજાંને સમજીને કામ લેવું પડશે. આમ ઉદ્વત વર્તન કરવાથી તમારાં બેની વચ્ચે સંબંધોમાં અને આત્મીયતામાં તિરાડ પડશે.”

દિવસ ઊગતાથી શરૂ કરીને રાત્રે સૂવા સુધીની અનેકવિધ બાબતોમાં આવા પ્રસંગોની ચકમક ઘરઘરમાં ઝરતી હોય છે. આવી નાની સામાન્ય બાબતોમાંથી ઊભા થયેલા પ્રશ્નો સંસારનું અસામાન્ય રૂપ લઈ લે છે ને તેનાં પરિણામો પણ એવાં અસામાન્ય જ આવતાં હોય છે. નાની સામાન્ય બાબતોમાં વધારો થતાં આવી નાની બાબતો પણ પરિવારોને છિન્ન-ભિન્ન કરી નાખે છે. આવી સામાન્ય બાબતોને અસામાન્ય બાબતો બનતી અટકાવવા માટેનો બહુ સામાન્ય અને સરળ ઉપાય એક જ છે : સમૂહજીવનમાં ઊભી થતી સ્થિતિ-પરિસ્થિતિઓમાં એકબીજાને સમજતાં શીખવું.

એકબીજાને સમજવાં એટલે શું ?

બે કે ત્રણ સભ્યોનો નાનો પરિવાર હોય કે પછી 5-10-15 સભ્યોનો સંયુક્ત પરિવાર હોય. પરંતુ મહત્તમ પરિવારો એવા હશે કે જેમાં ઝઘડા, કંકાસ, વાટાઘાટ, તું-તારી થતાં હશે. વાસણ ખખડતાં હશે. એવા પરિવારોનો સરવે કરતાં આ થવાનું મૂળ કારણ એવું સ્પષ્ટ થયું છે કે પરિવારના સભ્યો એકબીજાને સમજવા તૈયાર નથી હોતા; પરિણામે ઘરમાં ઝઘડા, કંકાસ અને કુસંપ સર્જાય છે.

આજના ટેકનોલોજીના યુગમાં વ્યક્તિ કમ્પ્યૂટર ઉપર પોતાનું કામ કરે છે. એ કમ્પ્યૂટર પોતાને ઑપરેટ કરનાર વ્યક્તિના કમાન્ડને, આઈડીયાને સમજી શકે છે. પરંતુ દુ:ખની વાત એ છે કે જેની સાથે પોતાનું આખું જીવન પસાર કરવાનું છે એવા પરિવારના સભ્યો એકબીજાને સમજવા તૈયાર નથી. જો પરિવારના સભ્યો એકબીજાને સમજતાં શીખે તો 80%પ્રશ્નો આપમેળે હલ થઈ જાય.

એકબીજાને સમજવા એટલે આપણી દૃષ્ટિને બાજુ પર મૂકી સામેનાની દૃષ્ટિએ જોતાં શીખવું; સામેનાની મુશ્કેલી-તકલીફ કે પ્રતિકૂળ પરિસ્થિતિ-સંજોગોને સમજી સહકાર આપવો. દરેક વ્યક્તિ પોતાની રીતે સાચી જ હોય છે. પરંતુ, જો દરેક વ્યક્તિ એમ જ માને કે “મારું જ સાચું છે. મારા જ નિર્ણયો બરાબર છે.” આમ, એકબીજાની વાત સમજવા તૈયાર જ ન થાય તો સ્વભાવિક જ છે કે કોઈ બાબતનો નિર્ણય ન આવે. વાતનું વતેસર થાય અને અંતે, વધુ આગળ જતાં એકબીજાનો અહમ્ ટકરાય તો આત્મીયતામાં તિરાડ પડે જ.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કોઈ વ્યક્તિ કોઈ બાબતે તટસ્થ કે મક્કમ રહે છે ત્યારે તેની પાછળ કુટુંબ-પરિવાર, કંપની-સંસ્થા કે આપણું પણ હિત હોઈ શકે. કાં તો તે વ્યક્તિ કંઈક તકલીફમાં મુકાયેલી હોવી જોઈએ.

ભલે આપણે સાચા જ હોઈએ, પરંતુ પહેલાં સામેની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. જો આપણે પહેલાં સમજવાની શરૂઆત કરીશું કે તેને સહકાર આપીશું તો આપમેળે સામેની વ્યક્તિને પણ લાગણી, પસ્તાવો થાય. તે પણ આપણને સમજવાનો પ્રયત્ન કરશે, સહકાર આપશે.

માટે, કોઈ પ્રસંગ બનતાં તરત તેના ઉપરના ચિત્રને જોઈ આગળ કદી ન વધીએ. “આવું કેમ કહે છે ? આવું કેમ કરે છે ?” તેનું કારણ પહેલાં તપાસવું. પછી યોગ્ય રીતે આગળ વધવું. તો સદાયને માટે સૌની સાથે સંપીને રહેવાશે.