એકબીજાને સમજો - 2
July 5, 2014
એકબીજાને સમજી શકતા નથી એનું કારણ શું છે ? અને એકબીજાને સમજવામાં નડતા સ્વભાવો કયા કયા છે ? તે આવો નિહાળીએ આ લેખ દ્વારા.
એકબીજાને સમજી શકતા નથી એનું કારણ શું ?
વ્યક્તિને સંગીત શીખવું, કમ્પ્યૂટર શીખવું ગમે છે પણ એકબીજાને સમજવાનું ગમતું નથી. એનું કારણ શું ?
તો એકબીજાને સમજવા માટે છોડવા પડે છે આપણા દૃષ્ટિકોણ, આપણી વિચારધારા, આપણી ગ્રંથીઓ, આપણી સમજણ અને અનુસરવું પડે છે બીજાના દૃષ્ટિકોણથી, બીજાની વિચારધારાથી, બીજાની સમજણથી જે સૌથી વધુ કઠણ પડે છે. કારણ કે માનવસહજ સ્વભાવ છે કે વ્યક્તિ દરેકને પોતાના બીબામાં જ ઢાળવા પ્રયત્ન કરે છે.
ઘણી વખત વ્યક્તિ પ્રત્યે પહેલેથી જ ખોટો પૂર્વાગ્રહ બંધાઈ ગયો હોય છે. પરિણામે સામેની વ્યક્તિ સાચી હોવા છતાં તેમની સાચી વાત પણ ખોટી જ લાગે જેથી એ વ્યક્તિની વાતને કે એ વ્યક્તિને સમજી શકતા નથી. આમ, પૂર્વાગ્રહની ગાંઠો પણ એકબીજાને સમજવામાં વિધ્ન કરે છે.
એકબીજાને સમજવામાં નડતા સ્વભાવો :
(1) દેહાભિમાન (‘હું’ ભાવ) :
પોતાની સત્તા-મોટપ-આવડતનો અહમ્ આવે છે ત્યારે સામેની વ્યક્તિને સમજી શકતા નથી. કેટલીક વખત પોતાની મોટપને કારણે “હું કરું તે જ બરાબર” આવું સમજીએ છીએ. ત્યારે કોઈકની આગળ અહમવાચક શબ્દો બોલી જવાય છે. જેમ કે, “હું તારો બાપ છું, મને નહિ ખબર પડતી હોય ?” “હું બધાયથી મોટો છું, મેં તારા કરતાં ઝાઝી દિવાળીઓ જોઈ; હું શેઠ, તમને શું ખબર પડે ?” “હું ભણેલો છું, તમને ન આવડે.” આવા શબ્દો બોલી સામેનાની સાચી વાતને ખોટી કરી દઈએ છીએ. વાતને કાને ધરતા નથી. અખંડ અહમમાં રાચનારી વ્યક્તિ ક્યારેય બીજી વ્યક્તિને સમજી ન શકે. તેના કૂંડાળામાં અન્યના કૂંડાળાને ન દોરી શકે.
ક્યારેક એવું બને કે વાતમાં કંઈ માલ ના હોય, હેતુ વગરની વાત હોય પણ બન્ને વ્યક્તિઓ પોતાના અહમને કારણે એકબીજાને સમજવા તૈયાર જ ન થાય. પછી કરે કેસ. ચાલુ થાય કોર્ટ-કચેરીના ધક્કા. અંતે કશુંય ના વળે. સમય અને પૈસો બંનેનો અંતે બગાડ જ થતો હોય.
(2) ધાર્યું કરાવવાનો સ્વભાવ :
ધાર્યું કરાવવાનો જેનો સ્વભાવ હોય તે વ્યક્તિ પણ બીજાની વાતને-મુશ્કેલીને કદી ના સમજી શકે. પોતાના મગજમાં એક વાર ફિટ થઈ ગયું કે આમ એટલે આમ. પછી બીજાનું શું થશે ? શું પરિણામ આવશે ? તેને ફાવશે કે નહિ, કરી શકશે કે નહીં ? તેનો વિચાર નહિ કરવાનો. તેની પાસે કરાવે જ છૂટકો, જેને કારણે ઘણી વખત સામેની વ્યક્તિ પર જાણે દબાણ થતું હોય તેવું લાગે. તેને કેટલીક આર્થિક, શારીરિક, સામાજિક, વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. સહન કરવું પડતું હોય છે. એ આપણે ન સમજીએ ને તે બાબત પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ તો પછી તેનું મન આપણાથી જુદું પડી જ જવાનું. એના માનસપટ પર આપણી ખોટી છાપ પડી જવાની. અને અંતે આત્મીયતામાં ભંગાણ થવાનું જ.
એકબીજાને સમજી શકવાનું નાનુંસરખું કાર્ય આપણે કરતા નથી અને પરિણામે આપણે મુસીબતોનો વરસાદ વરસે છે. પોતાના હાથે પોતાના જ પગ ઉપર કુહાડી મારીએ છીએ.
રોડ ઉપર રાત્રિના સમયે બે ટ્રક સામસામે આવે છે. બન્નેની ફૂલ લાઈટ ચાલુ છે. જો બન્ને ટ્રકવાળા એમ વિચારે કે હું મારી લાઈટ ડીમ નહિ કરું. હું તો ફૂલ લાઇટ જ રાખીશ. એમ વિચારી કોઈ લાઇટ ડીમ ના કરે, બન્ને ફૂલ લાઈટ જ રાખે તો તેનું શું પરિણામ આવે ? ભયંકર એક્સિડન્ટ જ થાય.
તેમ દરેક વ્ચક્તિ એવું જ વિચારે કે ‘એ ન સમજે તો હું શું કરવા સમજું ? એને સમજવું જોઈએ ને ? વાંક એનો છે, મારો નથી.’
તો તેનું પરિણામ નક્કી જ છે. ગમે તેટલું તેની સાથે હેત હોય, ગમે તેવા જૂના મિત્રો હોઈએ કે ગમે તે હોય, પોતાનાં માબાપ કે ભાઈબહેન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય પણ સંપમાં તિરાડ પડે, પડે ને પડે જ. એકબીજાનાં મન નોખાં પડી જ જાય.
વ્યક્તિ ભણી-ગણીને ડૉક્ટર, એન્જિનિયર, મૅનેજર, શિક્ષક વગેરે જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરી બીજાને સમજાવી શકે છે પણ બીજાને સમજી શકતો નથી; પરિણામે ઝઘડા, કંકાસ અને કુસંપભર્યું વાતાવરણ સર્જાઈ જાય છે. જે બીજાને સમજતા શીખે તેના જીવનમાં પ્રગતિ, પ્રગતિને પ્રગતિ જ છે. હતાશા-નિરાશા, સુખ કે દુ:ખ તેના જીવનની યાદીમાંથી બહાર નીકળી જાય છે.
આપણે એકલા હોઈએ ત્યારે તો આપણે પોતે જ પોતાને સમજવાના છે, પણ પ્રશ્નો એકાંત જીવનમાં નથી ઉદભવતા, પ્રશ્નો સમૂહજીવનમાં બને છે. સમૂહજીવન. એટલે સો-બસો સભ્યોનો સમૂહ ? ના, એકથી વધુ સભ્યો એ સમૂહજીવન. અને સમજવાનો પ્રશ્ન ત્યાં જ આવે છે.
સમૂહજીવનમાં કેવા સંજોગોમાં એકબીજાને સમજવાની જરૂર છે ?
(1) સામેનાની પરિસ્થિતિ, સંજોગો વિકટ હોય ત્યારે :
એક કિશોરને તેના પિતાએ ભણવા માટે ગામડેથી શહેરમાં મોટા ભાઈભાભીને ત્યાં મૂક્યો. પરંતુ મોટાભાઈનાં પત્નીને તે આંખના કણાની જેમ ખૂંચે. તેમને ગમતું નહોતું. પરિણામે સમય જતાં કિશોર પર તેના પ્રત્યાધાતો આવવા લાગ્યા. કિશોર અભ્યાસમાં ખૂબ હોશિયાર હોવા છતાં ભાઈભાભીના અવળા પ્રત્યાધાતોથી તે નાસીપાસ થઈ ગયો.
એક દિવસ દુ:ખી હૈયે તેનાં માતાપિતાને ટપાલ લખે છે કે, “હું હોસ્ટેલમાં રહીશ, પણ મારે ભાઈ સાથે નથી રહેવું.” ટપાલ વાંચી પિતાએ વળતો જવાબ મોકલ્યો કે “તારે ભણવું હોય તો અહીં જ રહેવું પડશે. આ ઘર કરતાં હોસ્ટેલ વળી કેવી સારી ? તારા નખરા અમને નહિ પોસાય. અહીં જ રહેવું પડશે.” કિશોરના આ પ્રશ્ન પાછળ પૂરી તપાસ કરવા કે પરિસ્થિતિ સમજવા માટે તેના પિતા પણ તૈયાર થતા નથી.
સમયાંતરે આની અસર કિશોરના અભ્યાસ પર પડી અને તે નાપાસ થયો. અંતે આપઘાત કરવાના વિચારો સુધી પહોંચી ગયો.
પુત્રની વિકટ પરિસ્થિતિને તેના પિતા સમજી ન શક્યા. તેનું પરિણામ કોને ભોગવવું પડ્યું ? પિતાએ જ સહન કરવાનું રહ્યું.
કુટુંબ-પરિવારમાં કે સત્સંગમાં ક્યારેક આપણે સામેની વ્યક્તિની વાત પણ પૂરી સાંભળતા નથી. તે શું કહેવા માંગે છે ? કેમ આવી માંગણી કરે છે ? તેને શું તકલીફ કે મુશ્કેલી છે ? તે કયા હેતુથી આમ કરે છે ? આવા બધા પ્રશ્નોના ઊંડા ઊતરવાને બદલે જે દેખાયું, જે જોયું, જે સાંભળ્યુ તેના નિર્ણયો તરત આપી દઈએ છીએ.
આપણને કોઈનાં વર્તન-સ્વભાવ ઉપરથી તે વ્યક્તિ ખરાબ દેખાઈ, કોઈની ક્રિયા ઉપરથી અયોગ્ય જોઈ કે કોઈનું હીણું વચન આપણે કોઈના દ્વારા સાંભળ્યું તો તે શું સાચું માની લેવું ? તે સાચું જ હશે ? ના.
ઘણી વખત એવું બનતું હોય છે કે પિતાની પરિસ્થિતિ દીકરાઓ નથી સમજી શકતા હોતા. માબાપ પોતે પેટે પાટા બાંધી કરકસર કરી દીકરાઓને ભણાવતા હોય છે. પરંતુ કેટલીક વખત આર્થિક મુશ્કેલીઓને કારણે દીકરાઓની જરૂરિયાતને સંતોષી નથી શકતા. ત્યારે બીજાનું અનુકરણ કરી રહેલા દીકરાઓ માબાપ સામે વાંધો ઉઠાવતા હોય છે, ધાકધમકી બતાવતા હોય છે, “જો તમે મને આ નહિ આપો કે આમ નહિ કરો તો હું આમ કરીશ.” તેનાથી માબાપ મૂંઝાતા હોય છે. ટીન એજર દીકરાઓનું લક્ષ્ય માબાપની પરિસ્થિતિઓ સમજવા તરફ નથી હોતું. તેમનું લક્ષ્ય તો કેવળ મોજશોખ તરફ હોય છે.