એકબીજાને સમજો - 4

  July 19, 2014

એકબીજાને સમજવા માટે કઈ કઈ બાબતો આપણા જીવનમાં દૃઢ કરવી જરૂરી છે અને પરિવારના સભ્યો સાથે અરસપરસ કામ લેવા માટે કેવા ઉત્તમ સૂત્રો અપનાવવા એ જોઈશું આ લેખ દ્વારા.

એકબીજાને સમજવા માટે આટલી બાબતો આપણા જીવનમાં દૃઢ કરીએ.

(1) નમવું પડશે, ખમવું પડશે ને સહન કરવું પડશે :

“તુંડે તુંડે મર્તિર્ભિન્ના” – વ્યક્તિ-વ્યક્તિએ દૃષ્ટિકોણ, વિચારધારા, માનીનતા, પૂર્વાગ્રહ, લાગણીઓ, સમજણ વગેરે જુદાં જુદાં હોય છે. એક કુટુંબમાં સાથે રહેતા પરિવારના સભ્યો જમવા બેસે ત્યારે કોઈને ખાટું ભાવે તો કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે તો કોઈને ખારું ભાવે, કોઈને ઠંડી વધુ લાગે તો કોઈને ગરમી વધુ લાગે, કોઈને એકલા રહેવું ગમે તો કોઈને સમૂહમાં રહેવું પસંદ પડે. માટે પરિવારમાં દરેક વ્યક્તિને સમજવા પોતાનું જતું કરી નમી જવાની, ખમી જવાની ને સહન કરી લેવાની ભાવના રાખવી.

‘કૂતરું તાણે ગામ ભણી ને શિયાળ તાણે સીમ ભણી’. સંસારમાં મોટે ભાગે આવી પરિસ્થિતિ હોય છે. આવી સ્થિતિમાં સામેનાના દૃષ્ટિકોણને સ્વીકારવો અને સમજવો બહુધા પરિવારોમાં અઘરો પડતો હોય છે.

કેટલાકના સ્વભાવ જ એવા હોય કે જેમાં ક્યારેય સુધારો જ ના થઈ શકે. ત્યારે તેને સુધારવાને બદલે આપણે સમજણ રાખવી પડશે. તેનાં કડવાં બે વેણ ખમવાની તૈયારી જોઈશે. તેની આગળ નમવાની તૈયારી જોઈશે, જો આપણે સંપ રાખવો હશે તો.

(2) આપણી માનીનતાઓને બાજુ પર મૂકી નિર્ણયોને બદલવા પડશે :

સ્વાભાવિક જ છે કે સામેના કૂંડાળામાં જવા માટે આપણા કૂંડાળાને છોડવું જ પડે. આપણા કૂંડાળામાં રહી સામેના કૂંડાળામાં ન જઈ શકાય. તેમ, સામેની વ્યક્તિને સમજવા માટે પહેલાં આપણી માનીનતામાંથી બહાર નીકળવું ફરજિયાત છે.

આપણને જે ચશ્માંથી સારું દેખાય છે તે જ ચશ્માંથી બીજી વ્યક્તિને સારું ન પણ દેખાય. ક્યારેક દેખાતું હોય તે પણ બંધ થઈ જાય. કારણ કે, આપણી અને બીજાની આંખના નંબર જુદા છે. એ વખતે આપણાં ચશ્માં તેને કામ ન લાગે. તેમ, દરેકની માનીનતાઓ પણ જુદી જુદી છે. આપણી માનીનતા એ જ બધાની માનીનતા હોઈ શકે તે તદ્દન ખોટી વાત છે.

ત્યાં આપણી દૃષ્ટિ-સમજણ બદલવી પડે. જે વ્યક્તિ પોતાની માનીનતાને બાજુ પર મૂકી શકે તેને સામેની વ્યક્તિને સમજવી અઘરી નહિ લાગે. તે જ બીજાનાદુ:ખને પોતાનું દુ:ખ સમજી શકે અને તે જ ઘરમાં સંપ રાખી શકે.

રોજિંદા જીવનમાં પતિપત્ની, સાસુવહુ, નોકરશેઠ, શિક્ષકવિદ્યાર્થી, વાલીબાળક બધાંનો પ્રશ્ન એક જ છે કે મને સમજી શકતાં નથી. આવા સંજોગોમાં સંપ રાખવા માટે એક જ ઉપાય છે – સામેની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો.

નાનું અણસમજુ બાળક આખો દિવસ રડ્યા કરે, જમે નહિ ત્યારે તેની મા બાળકની દૃષ્ટિએ જુએ છે. તે વિચારે છે કે બાળક કદાચ ભૂખ્યું થયું હશે કાં તો તેને શરીરમાં કંઈક તકલીફ થઈ હશે. તેમ કરીને તે જમાડે કાં તો ડૉક્ટર પાસે લઈ જાય છે. પણ, એમ વિચારે કે આને તો રડતાં જ આવડે છે; રડવા સિવાય બીજું કંઈ સૂઝતું જ નથી; આખો દિવસ હેરાન જ કર્યા કરે છે – જો એવું વિચારે તો બાળકને સાચવી ન શકે. પરંતુ એ એવું વિચારતી નથી, કારણ કે ‘મા’ બાળકની દૃષ્ટિથી જુએ છે ને વિચારે છે.

જ્યારે બાળક વાલીનું ન માને, નિષ્ક્રિય બની જાય, ઘર પ્રત્યે અરુચિ દેખાડે, મૂંઝાયા કરે, ટેન્શનમાં ફર્યા કરે, અંદરથી બળ્યા કરે, વ્યસનની લતે ચઢી જાય, માતાપિતાથી જુદા થવાનો પ્રયાસ કરે, જાણી-જોઈને અજાણ્યાની જેમ વર્તે, સીધી વાતને અવળી લે, બધાની જોડે ઝઘડ્યા કરે ત્યારે આવા સમયે વાલીની ફરજ બને છે કે બાળકની દૃષ્ટિએ જોવું. તેને શું નડે છે ? બાળકને આવું ગેરવર્તન કરવાની જરૂર કેમ પડે છે ? કદાચ તે તેની રીતે સાચું પણ હોઈ શકે.

બાળક પડી જાય તો તેને પાટુ ન મરાય, તેને પકડીને ઊભું કરવું તે વાલીની ફરજ છે. તેમ, બાળક અન્ય કોઈ પણ ક્ષેત્રે નિષ્ફળ જાય તો તેને ધુત્કારી ના નાંખો. તેને ડોબાં ચારવાનું સર્ટિફિકેટ ન આપી દઈએ. તેની પરિસ્થિતિને સમજી તેને નડતાં વિધ્નો દૂર કરવાના પ્રયત્નો કરીએ.

 

પરિવારના સભ્યો સાથે અરસપરસ કામ લેવા માટેનાં ઉત્તમ સૂત્રો :

• બાળકને જીવન જરૂરી વસ્તુઓને માગતા પહેલાં, સમયે પૂરી પાડીએ.

• અમુક ઉંમર થાય પછી પોતાના પુત્રને પુત્ર તરીકે ન સ્વીકારીએ, મિત્ર તરીકે સ્વીકારીએ.

• અમુક કહેવા જેવી ઘરની વાતને કે પરિસ્થિતિને ઘરમાં સામે ચાલીને કહીએ.

• અમુક સમય પછી પુત્રને યોગ્ય ને પાત્રતા મુજબ સ્વતંત્રતા આપવી જોઈએ, ને સાથે સાથે વધુ પડતા લાડ પણ ન લડાવીએ કે જેથી કરીને સ્વચ્છંદી જીવન પણ ન થઈ જાય.

• ઘરના સૌ સભ્યો પ્રત્યે ખાવામાં, પીવામાં, વસ્તુમાં – મિલકતની વહેંચણીમાં ભેદભાવવૃતિ ન રાખીએ.

• દીકરા પ્રત્યે પારકા-પરાયાનો ભાવ ન લાવીએ.

• બાળકોનાં ઘડતર, ભણતર ને સંસ્કાર માટે જરૂરી સમય કાઢીએ.

• બાળકોને પૂરતો પ્રેમ આપીએ કે જેથી પ્રેમની શોધ માટે બીજે ન જાય.

• સાથે રહી બાળકોને કામ શિખવાડીએ.

• કરેલી ભૂલને વારંવાર યાદ ન કરાવ્યા કરીએ ને થયેલી ભૂલોનું વારંવાર ટોર્ચરિંગ ન કર્યા કરીએ. છતાં પરિણામ ખરાબ ન આવે તે માટે સુધારો પણ કરાવીએ.

• બધાની વચ્ચે બાળકોને ઉતારી ન પાડીએ.

• બાળકે, પોતાના ભણતર અને જીવનના ઘડતર માટે માબાપે કેવાં કષ્ટો સહન કરવાં પડ્યાં તે કદી ન ભૂલવાં જોઈએ.

• ઘરની આર્થિક પરિસ્થિતિને સમજીએ; માબાપ મહેનત કરે ને દીકરા પૈસાની હોળી કર્યા કરે તેવું ન કરીએ.

• માબાપના ભવિષ્યના આધારનો ખ્યાલ કરવો.

• વડીલો સાથે અજુગતું વર્તન ન કરીએ. આપણાથી વડીલો દુભાઈ ન જાય તેનું ધ્યાન રાખીએ.

• માબાપને સંપૂર્ણ વિશ્વાસ અપાવીએ.

• અમુક ઉંમર પછી સામે ચાલીને માબાપની જવાબદારી ઉપાડી લઈએ ને તેમને નિવૃત્ત કરીએ.

• માબાપ કદી પોતાના દીકરાનું અહિત કરે જ નહિ તેવું સમજીએ.

• સાસુવહુના સંબંધોને મા-દીકરીના સંબંધોમાં પરિવર્તિત કરીએ.

• આપણા ઘરની વાતોને ઘરમાં જ રાખીએ.

• રાખેલ નોકરને જરૂરી પગાર આપીએ ને સમય પ્રમાણે તેમાં વધારો પણ કરીએ.

• કોઈનો ગુસ્સો નોકર પર ન ઉતારીએ.

• ખાનદાનીપૂર્વક સોંપેલી જવાબદારીને નિભાવીએ.

• અન્યની ક્ષમતા જોઈ તેની સાથે કામ લઈએ.

• સૌની સાથે ધીરજતાથી કામ લઈએ.

• અન્યનાં સૂચનોને સ્વીકારીએ, પણ તરછોડી ના દઈએ.

• અન્યની નિષ્ફળતાને ભુલવાડી સફળતા માટેના પ્રયત્ન કરીએ.

• ક્યારેય પોતાના સુખની ઇચ્છા ન રાખીએ. હંમેશા બીજાના જ સુખનો વિચાર કર્યા કરીએ.

• પોતાની ભૂલનો સ્વીકાર કરીએ. બીજાને દોષિત કદી ના કરીએ.

• ક્યારેય આપણા ગમતામાં ન રાચીએ.

• એકબીજાનાં સુખ-દુ:ખમાં ભાગીદાર થઈએ.

• હશે હશેની ભાવના રાખીએ.

• નાનામોટા સૌની વાતને સમજીએ.

• આપણું ધાર્યું ન કરાવીએ.

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ, સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

  1. હળવાફૂલ જેવા થવાનો ઉપાય