એકતા - 1
May 19, 2015
એકતા - અનાદિમુક્તના મુક્તભાવથી દિવ્યાનંદમાં રહીશું.
સાધનકાળમાં રહેલા દરેક સાધનિક માટે શ્રેયમાર્ગ અને પ્રેયમાર્ગ એક ગાડાનાં બે પૈડાં સમાન છે. જ્યારે બંનેનું સમાન્તર સમતુલન થાય ત્યારે જ જીવનયાત્રા સુખરૂપ થાય છે. વ્યવહારમાર્ગમાં એટલે કે ઘર-પરિવારમાં કે સત્સંગમાં અવરભાવમાં સુખિયા રહેવા માટે સંપ-સુહ્યદભાવ કેળવવો ફરજિયાત છે. જો અવરભાવમાંસંપ-સુહૃદભાવનાં મૂલ્યો આપણા જીવનમાં સુદૃઢ થયેલાં હોય તો જ એકતા કરી શકાય છે. સંપ-સુહૃદભાવ એ અવરભાવના શબ્દો છે, જ્યારે એકતા એ પરભાવની સમજણ છે.
સંપ-સુહૃદભાવની દૃઢતા તો સમાજમાં રહેનાર, માનવતાનાં મૂલ્યોને વરેલ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. પરંતુ એકતા કરવા માટે સત્સંગ અને સત્સંગમાંય સત્સંગ એવા કારણ સત્સંગના યોગની આવશ્યકતા અનિવાર્ય છે. કારણ કે એકતા એટલે ઐક્ય. ઐક્ય એટલે આપણે બધા એક છીએ. બધાયના દેહ તો જુદા જુદા જ છે ને એમાંય અવરભાવની અટક, નાત, જાત આ બધું તો જુદું જુદું જ છે. એમાં ઐક્ય શક્ય નથી. કાર્ય સત્સંગ આખો અવરભાવનો સત્સંગ છે. એમાં આ બધી અવરભાવની જ સમજણ છે. જ્યારે કારણ સત્સંગ આખો પરભાવનો સત્સંગ છે. એમાં નાત, જાત, અટક આ કશું જ નથી. ત્યાં તો એક જ ઓળખાણ છે – હું, તું અને આપણે બધા અનાદિમુક્ત છીએ. આપણે સૌ અનાદિમુક્ત છીએ આ ઐક્ય કારણ સત્સંગમાં છે. કારણકે, મોટાપુરુષ આત્માને (ચૈતન્યને) વર્તમાન ધરાવી અનાદિમુક્તકરી મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપી દે છે. એટલે એવા કારણ સત્સંગના દિવ્ય યોગમાં જ એકતા કરી શકાય.
એકતા એટલે આત્માની એકતા. શ્રીજીમહારાજના વ્યતિરેક સંબંધવાળા સૌ મહારાજના અનાદિમુક્તો જ છે. સૌમાં મહારાજ બિરાજમાન છે એવા ભાવથી દરેક આત્મા સાથે એક થવાય એ જ એકતા.
વાસ્તવિકતા એ કે દેહ અને આત્મા બંને જુદા છે. પરંતુ અજ્ઞાન અવસ્થાએ દેહ અને આત્મા એક મનાઈ ગયા છે. જ્યાં સુધી દેહ-આત્માનું સંમિશ્રણ હોય ત્યાં સુધી સાચા અર્થમાં એકતા થતી જ નથી જેમ કે, બે કોથળી દૂધને એક તપેલીમાં ભેગું કરવું હોય તો દૂધની કોથળીથી દૂધને જુદું પાડવું ફરજિયાત છે. માત્ર એક કોથળી તોડીએ અને બીજી રહેવા દઈએ તોપણ ન જ ચાલે. બંને કોથળીમાંથી દૂધ બહાર નીકળે તો જ એક થાય એવી રીતે જ્યારે સૌને વિષેથી દેહદૃષ્ટિ ટળે અને એ જ રીતે પોતાને વિષેથી પણ દેહદૃષ્ટિ દૂર થાય તો જ એકતા થાય છે. અને ત્યારે જ અધ્યાત્મમાર્ગની શરૂઆત થાય છે. કારણકે, અધ્યાત્મમાર્ગ આખો આત્મલક્ષી ખ્યાલ ઉપર આધારિત છે. અધ્યાત્મમાર્ગમાં આત્માની એકતા કરવા માટે સૌથી મોટું અડચણરૂપ હોય તો તે છે દેહદૃષ્ટિ.
દેહભાવ એટલે સર્વે દોષોનો સરવાળો. એટલે જ્યાં સુધી દેહદૃષ્ટિ રહે છે ત્યાં સુધી સૌમાં અને પોતાનામાં પણ દોષો જ દેખાય છે. મહારાજના રાજીપાના માર્ગે આગળ વધવા આપણે જે કાંઈ થોડું કર્યું હોય તે દેહદૃષ્ટિને કારણે ધોવાઈ જાય છે. ઘર-પરિવારમાં કે સત્સંગ સમાજમાં આપણે સમૂહજીવનની વચ્ચે જ રહેવાનું છે. સમૂહજીવનમાં અવરભાવની દેહદૃષ્ટિ ટાળીને પરભાવની દિવ્યદૃષ્ટિ ન કેળવાય તો તે આપણા અધ્યાત્મમાર્ગની યાત્રામાં બહુ નડતરરૂપ સાબિત થાય છે.
જ્યાં સુધી આપણે દેહદૃષ્ટિએ બધાને જોઈશું ત્યાં સુધી એમનામાં દોષ દેખાવાના જ છે. પછી દોષનું જ મનન-ચિંતન થયા કરે. એમને વિષે નકારાત્મક પૂર્વાગ્રહ બંધાઈ જાય. એમનામાં કોઈ સારા ગુણ હોય તોપણ ન દેખાય. છેવટે એમનામાં પરઠેલા દોષ આપણામાં આવી જાય અને આપણા દોષમાં દિન-પ્રતિદિન વધારો થતો જાય.
દેહદૃષ્ટિને કારણે જ્યાંત્યાં જેનીતેની કસરો જોવાની ટેવ પડી જાય; પોતાનું સ્વનિરિક્ષણ કરી જ ન શકે. સંપૂર્ણ બહારવૃત્તિ થઈ જાય અને આંતરમુખી દુનિયા તરફ ન જઈ શકાય.
જ્યાં સુધી દેહદૃષ્ટિ રહે ત્યાં સુધી મારા-તારા, પારકા-પોતાના આવા દેહના ભાવો રહ્યા જ કરે છે. જેને પરિણામે અહમ્-મમત્વના ભાવ વધુ દૃઢ થતા જાય છે; હુંસાતુંસી ને સ્વાર્થવૃત્તિ વધતી જાય છે.
દેહદૃષ્ટિ રહે ત્યાં સુધી દેહની જ શુશ્રૂષા થયાકરે. દેહના પાલનપોષણના જ વિચારો આવ્યા કરે. પછી તેના માટે સ્વકેન્દ્રિત વલણ થઈ જાય. પરહિતનો વિચાર જ ન આવે; જેના પરિણામે આત્મીયતામાં તિરાડ પડે છે.
અનાદિકાળથી દેહદૃષ્ટિએ જ સૌને જોવાની પ્રેક્ટિસ પડી ગઈ છે. એટલે સત્સંગમાં આવ્યા પછી પણ સામેવાળાના દોષ જ દેખાય છે. કોઈને વિષેક્રોધી, માની, ઈર્ષ્યાળુના કે અન્ય દોષોના ભાવ દેખાય છે. પરંતુ જો એટલી જ સ્પષ્ટતા થાય કે ખરેખર આ જે કંઈ દોષ દેખાય છે તે દોષ-સ્વભાવ બધા એના દેહના છે. એના આત્માને તો અનાદિમુક્ત કર્યો છે. મારે તો એ આત્મા સાથે લેવાદેવા છે, એના દેહ સાથે નહીં. અને આત્માને વિષે તો કોઈ દોષ છે જ નહિ એવા નિર્દોષ આત્માને અનાદિમુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એના સંપૂર્ણ કર્તા મહારાજ છે. તો પછી મહારાજને વિષે વળી કેવો દોષ ? આવી સમજણ કેળવાય તો જ સાચા અર્થમાં એકતા થાય. જેમ મહારાજને વિષે દિવ્યભાવ રહે છે એટલે એમને વિષેકોઈ સંકલ્પ થાતો નથી તેમ તેમના વ્યતિરેક સંબંધવાળા સંતો-ભક્તોને વિષે પણ પુરુષોત્તમરૂપનો ભાવ કેળવવાનો છે; તો જ પોતાને વિષેથી દેહભાવ ટળે. અને તો જ મૂર્તિનું સુખ મળે છે.
શ્રીજીમહારાજે ભગવાનના ભક્તને વિષેપરભાવની દૃઢતા કરાવવા કહ્યું છે કે, “જેમ ભગવાનમાં મોહ ન થાય તેવી જ રીતે ભક્તમાં પણ જેને મોહ ન થાય, અને ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ (પુરુષોત્તમરૂપ) છે, દિવ્યપ્રકાશે યુક્ત છે, એમ સમજે તેનો મોક્ષમાર્ગ નિર્વિઘ્ન બની જાય છે. ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃતભાવ આવે છે ત્યાં સુધી તે પ્રાકૃતભક્ત કહેવાય.”
માટે સૌને વિષેથી પ્રાકૃતભાવ એટલે કે દેહદૃષ્ટિ ટાળીને તેમને વિષે પુરુષોત્તમરૂપની દૃષ્ટિ થાય તો જ આપણો શ્રેયમાર્ગ નિર્વિઘ્ને પાર પડે છે, અને સૌને વિષેએકતા થાય છે.
સૌને વિષે આવી સાચી એકતા કેળવવા માટે પ.પૂ. સ્વામીશ્રીએ એક જ ઉપાય સંકલ્પ પ્રાર્થનામાં સૂચવ્યો છે કે,
“દીકરા-દીકરી ઘરનાં સભ્યો, અનાદિમુક્ત મનાવજો;
મારાં છે એ ભાવ ભૂલીને, તવ અર્થે જિવાડજો..........”
આ સમજણ શું છે ? તો સૌને વિષેથી દેહની દૃષ્ટિ ખોટી કરીને પુરુષોત્તમરૂપની દૃષ્ટિથી એકબીજાનો સ્વીકાર કરવો. એ જ સાચી એકતા છે.
આત્માની સાચી એકતા કરવાથી મુખ્ય બે ફાયદા થાય છે.
(1) કોઈના દોષ જ ન દેખાય :
સૌના વિષેઅનાદિમુક્ત છે એવો ભાવ દૃઢ થાય, જેથી તેમના કોઈ દોષ દેખાતા જ નથી. કારણ કે દોષ જોતાંની સાથે જ એવું સમજાય છે કે આ એના દેહના દોષ છે. એનામાં કોઈ દોષ નથી. એવી નિર્દોષ દૃષ્ટિ મળે છે. તેથી તેમનામાં જે સારા ગુણનાં દર્શન થાય તેને જોઈ શકાય છે. એ ગુણો લેવાથી દિવસે દિવસે આપણા દેહના દોષો ટળતા જાય છે અને ગુણો આવતા જાય છે.
(2) માયિક હેત ન થાય :
પુરુષોત્તમરૂપ એવા અનાદિમુક્તના ભાવથી સૌમાં મહારાજનાં દર્શન કરીએ તો તેમાં દેહધારી જીવો જેવું માયિક હેત નથી બંધાતું; કોઈને વિષેઆસક્તિ નથી થતી; વાસનાના કે માયાના કોઈ ભાવ ઊઠતા નથી. વળી, પંચવિષય સંબંધી સુખને ભોગવવાની પણ ઇચ્છા નથી રહેતી. સંસારમાં રહેવા છતાં વિરક્ત અવસ્થા વર્તે છે.
આવી સુખની સરિતારૂપ એકતાને આપણા પરિવારના સભ્યોમાં તથા સત્સંગમાં દૃઢ કરવા માટેના મુખ્ય બે ઉપાય છે :
(1) અભાવ, અવગુણ અને અમહિમાથી રહિત થવું
(2) પરભાવની દૃષ્ટિ કેળવવી
આ બંનેને ક્રમશઃ સમજીએ.
વિશેષ દૃઢતા માટે :
આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :
1. જ્ઞાનસત્ર-4 : રાજીપાનો રાજમાર્ગ